ત્રણ અછાંદસ.. – દેવિકા ધૃવ 13


૧.

ધરતી પર અવતરતું
દરેક બાળક
રડતું કેમ હશે?
ધરતી પરથી જતા
જીવ પાછળ
સદા જગત રડતું કેમ હશે?
દરેક ધબકારમાં માનવે
‘સંવેદના’ માંગી હશે !
ને ઈશ્વરે કદાચ ઉંઘમાં
‘વેદના’ સાંભળ્યું હશે ?

૨.

મનના કાગળ પર
આડીઅવળી લીટીઓ સમ,
વિચારો વેરાય,
પ્રતિક્ષણ
વીણતા વીણતા,
વિખેરાઇ જાય,
પ્રતિપળ
ગોઠવવા જતાં
હાથ થંભી જાય,
ઘડીભર
ખસેડી જરા,
આંખ મીંચાય,
આવી છાનીછપની,
તત્ક્ષણ
લેખિનીદેવી,
કૈંક કૈંક
સજાવી જાય,
હસ્ત પર…….

૩. માનસપુત્રી

મારે એક માનસ પુત્રી છે.
ક્યારેક ક્યારેક એ સ્વપ્નમાં આવે છે.
કાલે રાત્રે આવીને કહે, “મા, મારે લગન કરવા છે.”
અને દહેજમાં ઘણું બધું જોઇએ છે.
મા, મને આપીશ ને ?” હું ચમકી.
આ તે કેવી માંગણી ?
તેણે કહેવાનું ચાલુ રાખ્યું.
“દહેજમાં મને વિનય-વિવેકના વાઘા
અને આદરના અલંકાર આપજો;
નમ્રતાના દાગીના અને
સ્મિતના કોડિયાં ભરજો;
સુવિચારોનું સુંદર સિંદુર
અને શુદ્ધતાના કંગન આપજો;
હાથમાં હેતાળ હૂંફ ભરજો
આંખમાં અમીના દાન દેજો;
સોનેરી સત્યના સાંકળા આપજો..
પ્રેમની પરી બનાવી મોકલજો;
અને હા માં,
છેલ્લી એક વિનંતી………..
કવિની કલમ જરૂર મૂકજો હોં !”
આંખ ખુલી ગઇ. શું હતુ એ ?
સ્વપન કે કલ્પન ?

– દેવિકા ધૃવ

દેવિકાબેન ધૃવની ત્રણ અછાંદસ રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. પ્રથમ અછાંદસ માણસની ‘વેદના’ વિશે કહે છે, બીજી રચના વિચારમાંથી સર્જનની પ્રક્રિયાનું આછું રેખાંકન છે ત્યાં ત્રીજી રચના ‘માનસપુત્રી’ એક દિકરીની તેની માતા સાથેની હ્રદયંગમ વાત મૂકે છે. ત્રણેય સુંદર રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ત્રણ અછાંદસ.. – દેવિકા ધૃવ