દૂરતા છે એટલી તારી હવે, આવવા છે જ ક્યાં રસ્તા મને.
એણે બારીનો પરદો હટાવ્યો ને સુર્યપ્રકાશ આખા ઓરડામાં ફેલાઈ ગયો. એની નજર બહાર સ્વીમીંગપુલ તરફ ગઈ. પુલમાં પાણી નહોતું. એ દોડી… નળમાં પાઈપ લગાવી પુલ ભરવા નળ ખોલ્યો પાઈપમાં પાણી નહોતું આવતું એટલે કશાકાકાને બૂમ મારવા મોં ખોલ્યું પણ અવાજ ન નીકળ્યો.. એણે શંકરને અને પછી બંસરીને પણ બૂમ મારી જોઈ પણ અવાજ કોણ જાણે ક્યાં જતો રહ્યો હતો ?… એનું ગળુ સુકાતું હતું એ પાણી પીવા રસોડા તરફ જવા ગઈ પણ પગ જમીનમાં જડાઈ ગયા હતા ને એ ત્યાંજ ફસડાઈ પડી. પડવાની સાથે જ અલ્પના સફળી જાગી ગઈ. ગળુ તો સૂકાતું જ હતું. પાસે ટેબલ પર પડેલા ગ્લાસ પરથી ડીશ હટાવી પાણી પીવા ગ્લાસ મોઢે માંડ્યું પણ ગ્લાસમાં પાણી નહોતું એણે પાણીનો જગ ઊઠાવ્યો.. ખાલી….
એણે બારી તરફ નજર કરી પરદામાંથી થોડો ઉજાસ દેખાતો હતો. સવાર પડી ગઈ હતી. એ ઊભી થઈ. એણે બારી પરથી પરદો હટાવ્યો.. સૂર્યપ્રકાશથી આખો ઓરડો અજવાળાય ગયો. એણે બહાર પુલ તરફ નજર કરી.. ખાલી હતો…..
એ કશાકાકાને કહેવા ઓરડામાંથી બહાર આવી ને સાચવીને બારણું બંધ કર્યુ, રખેને વિશાલ જાગી જાય.. વાઘ તો સૂતેલો જ સારો. બહાર આવી રૂમથી થોડે દૂર જઈ એણે ધીમેથી બૂમ મારી “કશાકાકા…….”
“કશાકાકા, તમને ખબર છે ને આજે રજા છે ? ને રજાને દિવસે વિશાલ મોડે સુધી સ્વીમીંગ કરે છે. તો પુલ સાફ કરાવવાનું કામ આજે કેમ રાખ્યું ? પુલ કેમ ખાલી છે ?”
“બેટા, એ તો કાલે જ સાફ કરવી દીધો હતો. આ શંકર પાણી ભરવાનું ભૂલી ગયો લાગે છે. હું જોઈ લઉ છું.” કશાકાકાએ અલ્પના પર શક કરવાનું કોઇ કારણ જ નહોતું. શંકરને બૂમ મારતા કશાકાકા પુલ તરફ ગયા ને એ રસોડામાં આવી. રજાને દિવસે વિશાલ એના જ હાથની ચા પીવાનું પસંદ કરતો. એણે ફીઝ ખોલ્યું. આ ખાલી તપેલીઓ ફ્રીઝમાં શું કામ રાખી મૂકતા હશે ? અને દુધ ? અરે ! એક ટીપું દૂધ નથી ને ખાલી તપેલીઓ મૂકી રાખી છે ફ્રીઝમાં.. આ કશાકાકા પણ… અને આ શાકભાજીનું ખાનું પણ ખાલી.. મૃણાલી ઉઠશે ને ઘરમાં શાક નહી હોય તો આખું ઘર માથે લેશે. આજે એનાં મોટા કાકા-કાકીને એણે પોતાને હાથે બનાવેલી રસોઈ જમવા બોલાવ્યાં છે.
“કશાકાકા……………” એ બરાડી ઊઠી.
“જી બેટા.” કશાકાકા દોડતા આવ્યા.
“કશાકાકા આ શું છે ? દૂધની તપેલી ખાલી, આ શાકનું બાસ્કેટ પણ ખાલી…? તમને ખબર છે ને આજે મૃણાલી રસોઈ બનાવવાની છે ? પછી ? ને તમે શંકરને પૂછ્યું કે પુલ કેમ ખાલી છે ?” કશાકાકા એને જોઈ જ રહ્યાં.. પુલ તો ભરેલો જ છે. એ પોતે જોઇને આવ્યા. દુધની તપેલી પણ.. ને શાક પણ મૃણાલીએ કાલે જ મંગાવ્યુ હતું. આજે અલ્પના કેમ આમ કહી રહી છે ? કશાકાકાએ ખુલાસો કર્યો તો એ વધુ ચીડાઈ.
“તો શું મારી આંખો ખરાબ થઈ ગઈ છે કે આંખે દેખાતું બંધ થઈ ગયું છે મને.? જાઓ દૂધ લઈ આવો.. વિશાલ ઊઠશે એટલે એને ચા જોઈશે.” કશાકાકાને એમ જ ઉભેલા જોઇને એણે ઘાંટો પાડ્યો.
“જા….ઓ” ને ફીઝમાં તપેલી ભરીને દૂધ હોવા છતાં કશાકાકાને એણે દૂધ લેવા મોકલ્યા. પોતે ચા મૂકવાની તૈયારી કરવા લાગી.
ચા-ખાંડનાં ડબ્બા કાઢીને પ્લેટફોર્મ પર મૂક્યાં ને ચાનું વાસણ લઈ પાણી લેવા ડોયો માટલીમાં નાખ્યો ડોયો તળિયે અથડાયો. માટલી ખાલી હતી.. ચાનો ડબ્બો ખોલ્યો… ખાલી…. ખાંડનો ડબ્બો… એણે બંસરીને બૂમ મારી.
“બંસરી.. બંસરી…” બંસરીને આવતાં વાર લાગી.
“આ લોકોને ઘરના માણસની જેમ રાખીએ તો પણ કંઈ કદર નથી.. કોઇએ પણ કામ તો કરવું જ નથી.” એ સ્વગત બબડી અને બંસરી આવતાંજ એના પર તડૂકી…
“આ ચા-ખાંડ સાવ ખલાસ થઈ જાય ત્યાં સુધી લવાતું નથી ? કેટલી વાર કહ્યું છે કે છેલ્લો ડબ્બો કઢાય ત્યારે જ લાવીને મુકી દો. હવે વિશાલને તું જ ચા મૂકી આપજે. બધાએ મળીને આખો મૂડ ખરાબ કરી નાખ્યો સવાર સવારમાં.” પ્લેટફોર્મ પર ચાનું વાસણ પછાડી એ રસોડામાંથી બહાર નીકળી ગઈ.
‘સ્વીમીંગ પુલ ખાલી… ફ્રીઝ ખાલી… ને આ ચા-ખાંડના….’ એ બબડતી બબડતી રોજનાં ક્રમ મુજબ લાયબ્રેરીમાં ગઈ. બૂમ મારીને બંસરીને કૉફી લાયબ્રેરીમાં જ આપી જવાની સુચના આપી. સવારની શાંતિમાં રોજ એ પોતાનું લેખન કરતી પણ આજે લખવાનો કોઇ મૂડ નહોતો. માઈંડને ફ્રેશ કરવા સારું પુસ્તક વાંચવાની ઇચ્છાથી એણે લાયબ્રેરીનો દરવાજો ખોલ્યો. પુસ્તકોનાં રેક પર નજર જતાં જ એણે શંકરને બૂમ મારી.
“શંકર.. શંકર..”
“જી દીદી ? ” શંકર તરત જ સામે આવીને ઉભો રહ્યો.
“તને વાંચવાનો શોખ છે એટલે તને અહીં આવવાની છુટ આપી છે એનો મતલબ એ નથી કે તું મારા બધાજ પુસ્તકો ગાયબ કરી દે. એક સાથે બધા વાંચવાનો છે કે પછી પૈસાની જરુર હતી એટલે બધા પસ્તીમાં વેચી કાઢ્યા ? ” શંકર અવાચક બનીને ઘડીક અલ્પનાને અને ઘડીક પુસ્તકોના રેકને જોતો રહ્યો કારણકે બધાજ પુસ્તકો રેકમાં વ્યવસ્થિત ગોઠવાયેલા જ હતા. આજે અલ્પનાની વર્તણુંક સૌને વિચિત્ર લાગી રહી હતી અને અલ્પના પણ કંઈક અજીબ બેચેની અનુભવી રહી હતી. શંકરને મુંગો જોઇને વાંચવાનું પણ માંડી વાળી એ પગ પછાડતી બબડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. વિશાલ હજુ ઉંઘતો હતો. કેટલો માસુમ લાગતો હતો એ ઉંઘતો ને કદી જો એની સગવડ ના સચવાય તો…? તો…. તો…
એને એ દિવસ યાદ આવી ગયો જ્યારે એ નવી નવી પરણીને આ ઘરમાં આવી હતી. અલ્પનાનાં પિતાએ હજુ વકીલાતનું ભણીને સ્ટ્ર્ગલ કરતા છોકરા ઇલેશ કરતાં નાની ઉમરમાં જ એક સફળ બીઝનેસમેન બનેલા વિશાલ સાથે પોતાને પરણાવી હતી. સફળતાનો કેફ વિશાલનાં મગજ પર હંમેશા હાવી રહેતો. એની પોતાની દરેક સગવડ બધા જ સાચવે હંમેશા એ એનો દૂરાગ્રહ રહ્યો હતો. વિશાલનાં લગ્ન પહેલાં રોજ વિશાલની માતા વિશાલની સગવડ સાચવતી. વહુ ઘરમાં આવતાં એમણે એ જવાબદારી અલ્પનાને સોંપી દીધી. જાણે વિશાલનાં ગુસ્સામાંથી મુક્તિ મેળવી લીધી. ઘરનાં બધાંજ વિશાલનાં ગુસ્સાથી ડરતાં પણ અલ્પનાનો સ્વભાવ ખૂબ સારો હતો. એ કદી પણ ઘરનાં નોકરો ને નોકર ગણતી નહીં. એ નોકરોને ઘરનાં સભ્ય જ માનતી. પણ એ તો વિશાલની ગેરહાજરીમાં. વિશાલની હાજરી માં તો બધાં ટેંશનમાં જ રહેતાં.. ક્યારે, કઈ બાબત પર વિશાલ ગુસ્સે થઈ જાય કોઇને ખબર નહીં પડે. વિશાલની હાજરીમાં તો અલ્પના પોતે પણ ટેંશનમાં જ રહેતી. અલ્પનાનાં ઘરમાં તો બધાં જાતેજ પોતપોતાનું કામ કરતાં એટલે એક દિવસ ભૂલથી એ વિશાલને રૂમાલ આપવાનું ભૂલી ગઈ તો વિશાલે કેટલો ઝગડો કર્યો હતો ! નાસ્તાની ડીશો પણ ફેંકી દીધી હતી. માતાની વિદાય પણ એનો સ્વભાવ બદલી ના શકી. રોજ અલ્પના વહેલી ઊઠીને વિશાલ ઊઠે એ પહેલાંજ એની જરુરિયાતની વસ્તુઓ તૈયાર જ રાખતી. આજે પણ એણે એમ જ કર્યુ હતું. એને થોડો થાક જેવો લાગતો હતો એટલે એ વિશાલની બાજુમાં આડી પડી અને ક્યારે એની આંખો મીંચાઈ ગઈ ખબર જ ન પડી. જ્યારે બારણે ટકોરા પડ્યાં ત્યારે એ જાગી અને એણે હોંકારો કર્યો. મૃણાલી અંદર આવી.
“મમ્મી, કાકા-કાકી આવી ગયા છે. મેં બધી રસોઈ પણ બનાવી લીધી છે. કાકી તને બોલાવે છે. આતો કશાકાકાએ તારી વાત કરી હતી એટલે પપ્પાએ તને ઉઠાડવાની ના કહી હતી. શું થયું છે તને મમ્મી ? તબિયત સારી નથી ? ”
“ના .. ના એવું કંઈ નથી જરા બેચેની લાગતી હતી હવે સારું છે.”
“ઓ/કે, તો તું તૈયાર થઈને નીચે આવ.” મૃણાલી ગઈ.
અલ્પનાએ ઘડિયાળ સામે જોયું. ૧૨.૩૦ વાગી ગયા હતા. એ જલ્દી જલ્દી બાથરૂમમાં ગઈ ગીઝર ઓન કર્યું ને નળ ખોલ્યો નળમાં પાણી નહોતું આવતું. એનો પિત્તો ગયો પણ અહી બાથરૂમમાં કોણ એની મદદ કરે બધા જ નીચે… એણે ફ્રેશવનથી ચહેરો સાફ કર્યો ને પોતાની પસંદગી નો ડ્રેસ કાઢવા વોર્ડરોબ ખોલ્યો. આ પણ ખાલી.. ? બધાં કપડાં ક્યાં ગયા ? એ ચીડાઈને બંસરીને બૂમ મારવા ફરી ત્યાં જ એની નજર પલંગ પર પડેલા ડ્રેસ પર ગઈ. વિશાલે પોતાની પસંદગીનો ડ્રેસ તૈયાર કરીને મુક્યો હતો. એના ૨૦ વર્ષનાં લગ્નજીવન માં પહેલી વાર આવું બન્યું હતું. એણે તો કાયમ વિશાલનો ગુસ્સો જ જોયો હતો. એને ખુશી થઈ. પણ આ મલ્ટીકલર ડ્રેસ અત્યારે બેરંગ કેમ દેખાય છે ? ખેર ! એ વિચારવાનો આ સમય નથી.
તૈયાર થઈ અલ્પના નીચે આવી અને એ બધા સાથે વાતો માં જોડાઈ ગઈ. એ બધાનાં અવાજ સાથે પાછળ ‘અલ્પુ.. અલ્પુ’ નો ધીમો અવાજ કેમ સંભળાતો હતો એને ? જાણે ‘એ’ એને બોલાવતો હોય ! ધીરે ધીરે એ અવાજ મોટો થતો ગયો ને પછી તો એના સિવાય કંઈ જ સંભળાતું બંધ થઈ ગયું. બહારથી આવતો ‘અલ્પુ’નો અવાજ એને પોતાની દિશામાં ખેંચી રહ્યો હતો. એ અવાજની પાછળ પાછળ બંગલાની બહાર નીકળીને ગાર્ડનમાં આવી. અવાજ ક્યાંથી આવતો હતો ? આ સુકાયેલી લોન માંથી કે સુકી જુઈની વેલમાંથી…? ગાર્ડનમાં તો આ વસંત ઋતુમાં પણ પાનખર આવી ગઈ હતી કે શું..? ચંપાનું ઝાડ, ગુલાબ અને મોગરાના છોડ… ને પેલી બોગનવેલ… પેલું ગરમાળાનું ઝાડ.. ગુલમહોર.. આસોપાલવ… કેટલા પ્રેમથી એ એની માવજત કરતી ને આજે બધું જ સૂકાઈ ગયેલું હતું… પણ એ દરેકમાંથી પેલો અવાજ નહોતો આવતો.. એ અવાજ હવે એકદમ તીવ્ર બની ગયો હતો. અલ્પના અવાજની પાછળ દોડી રહી હતી ને… ને બહારનાં ગેઈટ સાથે અથડાઈને પડી.
ધડામ ! અવાજ આવતાં ઘરમાંથી બધા દોડતાં આવ્યાં.
“અલ્પના…અલ્પના…” અલ્પનાને બેહોશ જોઇ વિશાલ બહાવરો થઈ ગયો. કશાકાકા અને શંકરની મદદથી અલ્પનાને પોતાના રૂમમાં લાવી સૂવાડી. મૃણાલી એ ડૉ.અંકલને ફોન કર્યો. ડૉ.એ ચેક અપ કર્યું અને ગભરાવા જેવું નથી કહી ગયા. કોઇને સમજ પડતી નહોતી કે આજે સવારથી અલ્પનાને શું થઈ રહ્યું હતું ? સાંજે તો વિશાલ અલ્પનાની સામે જ બેસી રહ્યો હતો. અલ્પનાને જે જોઇએ તે એના હાથમાં આપતો.. અલ્પનાને તો પથારીમાંથી ઉભી થવા દેતો જ નહોતો. અરે ત્યાં સુધી કે અલ્પના જો બાથરૂમમાં જાય તો એ નીકળે નહી ત્યાં સુધી બાથરૂમની બહાર જ ઉભો રહેતો. અલ્પનાની આટલી કાળજી તો એણે જ્યારે અલ્પના પ્રેગ્નંટ હતી ત્યારે પણ નહોતી લીધી.. જોકે અલ્પનાને વિશાલનું આ રૂપ ગમ્યું.
અલ્પનાની બીજા દિવસની સવાર થોડી મોડી પડી. અલ્પનાની નવાઈ વચ્ચે એણે જાણ્યું કે જાતે જ પોતાની વસ્તુઓ લઈને વિશાલ ઓફિસે જઈ ચૂક્યો હતો. અલ્પનાએ કોફી ગાર્ડનમાં મંગાવી .. આજે ગાર્ડન લીલોછમ્મ હતો. અલ્પનાને નવાઈ લાગી. કાલે મન શા માટે બેચેન હતું ? જાણે એક ખાલીપો મહેસુસ થતો હતો ! બંસરી કોફી આપી ગઈ. કોફીનો એક ઘુંટડો લઈ એણે છાપું ખોલ્યું. મોટા અક્ષરે છપાયેલાં એક સમાચારે એને ચોંકાવી..
‘શહેરનાં જાણીતા એડવોકેટ અને સમાજ સેવક ઇલેશ કોઠારી ને શ્વાસની તકલીફ થતાં સવારે હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન એમનું નિધન થયું છે.’
– નિમિષા દલાલ
અમેરિકાથી પ્રસિદ્ધ થતા સામયિક ‘ગુર્જરી ડાયેજેસ્ટ’ના ૨૦૧૩ – જુલાઈ મહિનાના અંકમાં છપાયેલી નિમિષાબેન દલાલની આ વાર્તા, ‘ખાલીપો’ આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરી છે. ખાલીપો એક અજબની લાગણી છે અને દરેકે જીવનમાં એક કે બીજા સંજોગોમાં એ અનુભવ્યો જ હશે, પણ આજે પ્રસ્તુત વાર્તાની નાયિકા અલ્પનાનો ખાલીપો અજબ છે, અનોખો એ. એનું રહસ્ય તો અંતે જ ખબર પડે છે એવી સુંદર આ વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી નિમિષાબેન દલાલનો ખૂબ ખૂબ આભાર.
Khub sundarkhalupo canchi ne dil bharai gayu
Very touchy,real,flawless and emotional…! I read it in between two patients and had to keep the next patient waiting for a while…
ઘણી વાર જિંદગીમાં બધું હોવા છતાં ખાલી ખાલી લાગે છે… સરસ વાર્તા છે.
nice
till end of story, Reader cannot by pass. with Interest reader will complete that is called real story.Appriciated the affords of Mrs. Nimisha Dalal.
R.M.Amodwala
Good Story
ખુબ જ સુન્દર. અલ્પનાનિ અલૌકિક અભિવ્યક્તિનુઁ સરસ નિરુપણ.
વાહ્….
nice story, realy afalatuuun….
ખુબ ખુબ આભાર મિત્રો.. અને જિગ્નેશભાઈ
ખૂબ જ સુંદર વાર્તા..માનવીય સંવેદનાનું સચોટ આલેખન..અભિનંદન..
લાગણી ને અભિવ્યકત કર્તિ વાર્તા.
Beutiful.. story indeed,,
જ્યારે કોઈ આત્મીય જનને ગુમાવે ત્યારે અજાણતાં જ ખાલીપો અનુભવે છે પરંતુ વ્યકત થઈ શકતો નથી. આવી વાસ્તવિક મનઃસ્થિતિ નો સચોટ ચિતાર રજુ કરવા બદલ નિમિષાબેન ને અભિનંદન સહ ધન્યવાદ.
Khrekhr khub sungar varta 6.mne khub gmi.thanks 2 nimisha dlal.
“અલ્પુ”ને જાણે અજાણે ટેલીપથી થઈ ગઈ હોય તેવી સુંદર વાર્તા છે.
This is one of the excellent story I every came across.many congratulation to the writer.
નિમિશા દલાલ્નો ‘ ખાલિપો ‘ એક આદર્શ આધુનિક તુન્કિ વાર્તાનો ઉત્તમ નમુનો બનિ ચ્હે .
નિમિશા ખુબ જ તુન્કા ગાલામા એક નિવદેલા વાર્તાકાર તરિકે ઉભરિ આવ્યા તેનુ મુખ્ય કારન તેમનિ તિવ્ર નિસ્થા અને સમર્પિતતા ચ્હે . સમિક્ષાને એઓ ખેલદિલિથિ સ્વિકારિ નવુ અપનાવવાનિ તૈયારિ સાથે નિયમિત સર્જન કરતા રહે ચ્હે ,
તે એમના ચાહકોને અતિશય હર્શ પમાદે તેવિ ઘતના ચ્હે શુભેચ્ચાઓ સાથે , અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા