બે ટૂંકી વાર્તાઓ – વંદિતા રાજ્યગુરૂ દવે 11


૧. વરસાદ..

વીજળીના કડાકા ને ભડાકા વાતાવરણમાં ગૂંજી ઉઠ્યા. પશુ –પક્ષી આમ તેમ ભાગવા માંડ્યા, માનવસમુદાયો વિખરવા લાગ્યા, જોત-જોતામાં ચોમેર અંધકાર પ્રસરી ગયો. અને પલકવારમાં તો ગાજ –વીજ સાથે મૂસળધાર મેઘ તૂટી પડ્યો. વાતાવરણમાં ઊભરાયેલો બફારો વરસાદની જડીઓમાં વીલીન થઇ ગયો. અને ચોમેર આહ્લાદક ઠંડક ફરી વળી. સીઝન નો પહેલો વરસાદ તનની સાથે મનને પણ તરબોળ કરી મૂકે એવો વરસ્યો. ભીની માટીની સોંધી-સોંધી ખૂશ્બુ નાસ-પૂટેને ભરી દે એટલી મનમોહક હતી. વ્રુક્ષોના પર્ણો પર બાજી ગયેલી ધૂળ વરસાદના પાણીમાં ધોવાઇ જતા તેની લીલાશ નયનરમ્ય બની હતી.

બારીના સળિયા પકડીને બહારના આ આહલાદક વાતવરણને ક્યારની નીહાળી રહેલી દસ વર્ષીય નેહાથી હવે રહેવાયુ નહિ. મમ્મીએ ઘરની બહાર નીકળવાની સ્ટ્રીકલી મનાઇ ફરમાઈ હોવા છતાંય તેનુ મન ઉછળી- ઉછળીને બારીના સળીયા ઓળંગી બહાર કૂદી જવા મથી રહ્યું હતું. આખરે તેનાથી રહેવાયુ નહિ અને તે ચૂપચાપ ઘરની બહાર નીકળી ગઇ. વરસાદની જડી તેના તનની સાથે મનને પણ તરબોળ કરી ગઈ. તે ઝૂમી ઊઠી, વર્ષારાણીની આહોશમાં આવી ખૂશખૂશાલ થઈ ઊઠી. ત્યાં જ અચાનક તેના મમ્મી તેને શોધતા ઘર બહાર આવ્યા. પગથી માથા સુધી તરબોળ થયેલી નેહાને જોઇ પહેલા તો તે ગભરાઇ ગયા અને પછી ગુસ્સે થયા.

“અરે નેહા, આમ વરસાદમાં ન પલળાય. મેં તને ના કહી હતી છતાય તું–? શરદી થઈ જશે, તાવ આવી જશે. ચલ, જલ્દી અંદર આવતી રહે.” પણ નેહાએ કદાચ કંઈ સાંભળ્યુ જ ન હોય એ રીતે એ એની મસ્તીમાં ગળાડૂબ હતી. તરુલતાબેન તેની નજીક ગયા અને તેને ફોસલાવતા બોલ્યા,

“બેટા, તું બીમાર થઈ જઈશ ઘણું પલળી લીધુ. હવે તો અંદર ચાલ.” પરંતુ નેહાને પહેલા વરસાદના અમી છાંટણામાં પલળવાથી અનેરો આનંદ પ્રાપ્ત થઈ હોવાથી. અંતે મહા-મહેનતે થોડી સમજાવ્યા બાદ જરા ધમકાવીને તરુલત્તાબેન તેંનુ બાવડું પકડીને તેને રીતસર ઘરની અંદર ઢસડી લાવ્યા. ઝડપથી તેના ભીના કપડા બદલાવી આંખા શરીર પર બામ લગાવ્યો.

એવામાં ડોરબેલ રણકી, તરુલત્તાબેને દરવાજો ખોલ્યો. સામે એક દસેક વર્ષીય છોકરી વરસાદમાં આંખી પલળી ગયેલી, થર–થર કાંપતી ઊભી હતી.

“કેમ આટલું મોડું થયું ? જરા ઘડિયાળમાં. તો જો, કેટલા વાગ્યા છે ? બધું કામ પડ્યું છે ને આપ મહારાણી હવે મોડા – મોડા ચાલ્યા આવો છો ?” તરુલત્તાબેન તે માસૂમ બાળકીને ખખડાવી નાંખી.

“પણ – વરસાદ અચાનક આવવાં માંડ્યો. મને થયુ કે થોડો ઓછો થાય પછી જાવ. પણ એ તો સતત વધતો જ રહ્યો. છતાંય જુઓ, હું પલળતી-પલળતી આવી છું.” તેણે રડમસ સ્વરમાં કહ્યું.

“બસ – બસ હવે ખોટા બહાના ન બનાવ. વરસાદ તો હવે આખુ ચોમાસુ આવ્યા જ કરવાનો, તો શુ તું ઘરની બહાર નીકળતા પહેલા રોજ એના બંધ થવાની કે ઓછા થવાની રાહ જ જોયા કરીશ ? થોડીવાર પલળી જઈશ તો તારું કંઈ બગડી નહિ જાય. કાલથી સમયસર આવતી જજે, નહિતર મને બીજી ઘણી કામવાળી મળી રહેશે સમજી ?”

તે છોકરી નીચી નજર રાખી, હકારમાં માથું હલાવી, એવી નીતરતી હાલતમાં જ કપડા ધોવા બેસી ગઈ. કામવાળીની કફોડી હાલત જોઈ તેની હમઉમ્ર નેહા બારી પાસે ગઈ. બારીના સળીયા પકડીને વરસાદ સામે એકીટસે તાકી રહી, સળિયાની પેલી તરફ વરસાદ વરસી રહ્યો હતો, અને આ તરફ નેહાની આંખ વરસી રહી હતી.

૨. હું ડોક્ટર બનીશ

પવન ધીમી ગતિએ વાતવરણમાં વહી રહ્યો હતો. સોળે કળાએ ખીલેલી સંધ્યા પશ્ચિમ દિશાની આગોરામાં સમાવવા એ તરફ પ્રયાણ કરી રહી હતી. સાયકલના પેડલ કરતા પણ જેના મગજના પેડલ વધારે જોર પકડી રહ્યા હતા એવો મેહુલ વિચારોના વંટોળમાં ફસાયેલો હતો.

“હું ડોક્ટર બનીશ ત્યારે એટલા બધા રૂપિયા કમાઈશ કે મારા માં- બાપની પાછલી જીંદગી સુખ-સાહ્યાબીમાં વિતશે. હું દુનિયાનું તમામ સુખ એમની ઝોળીમાં ભરી દેવા માંગુ છુ . પરંતુ મારી દિવસ–રાતની પુષ્કળ મહેનત છતાંય કમ્બખ્ત પાંચ ટકા ઓછા પડ્યા. કાશ મેં હજુય થોડી વધારે મહેનત કરી હોત તો આ ટેન્શન તો માથા પર તાંડવ ન કરતું હોત. ફક્ત પંચ ટકાના અભાવે મને એમ.બી.બી.એસ. માં એડમીશન મળવાનો સીધો હક ન મળ્યો. હવે તો પેમેન્ટ સીટ પર જ ચાંસ લાગે તેમ છે. ચાર વર્ષના ઓછામાં ઓછા ચાર લાખ રૂપિયા ભરવા પડે એમ છે. પણ ચાર લાખ કાઢવા ક્યાંથી ? બાપુજીએ ખેતરે કાળી મજૂરી કરીને, બાએ પારકા વૈતરા કરીને મને અહી સુધી પેટ કાપી-કાપીને ભણાવ્યો, ને હું વેતાબળ્યો પાંચ ટકા વધારે ન લાવી શક્યો ? કદાચ મારા અભ્યાસની સાથો-સાથ હું ટ્યુશન પણ કરતો હતો માટે આવુ બન્યુ હશે. પણ એય જરૂરી તો હતું જ ને. બા-બાપુજીની કમાણી પર ઘરખર્ચ અને માંરા અભ્યાસનો ખર્ચ બધુ જ જોઈ શકતો નહોતો. હું ટ્યુશન કરું તો એમને થોડી રાહત મળે એવા નેક ઈરાદાથી મેં ટ્યુશનક્લાશ શરૂ કરેલા. મને શું ખબર કે એની આડઅસર મારી ટકાવરીમાં તફાવત લાવી દેશે ? જો કે મેં ટ્યુશન ન કર્યો હોત તો કદાચ બા-બાપુજીની કાળી મજૂરીની આવકમાંથીય બાર સાયન્સ સુધીનો અભ્યાસ ન જ કરી શક્યો હોત. આજે ખાવા-પીવા કે પહેરવા–ઓઢવાનો જે ખર્ચ થાય એનાથી બમણો કે ત્રણ ગણો ખર્ચ સ્કૂલ ફી અને ટેક્સબૂક્સ વગેરેનો થાય છે. ખૈર, જે થવાનું હતું એ તો થઈ ગયું. પાંચ ટકા ઓછા આવ્યા. હવે ? હવે એમ.બી.બી.એસ.માં જવા માટે ચાર લાખનો બંદોબસ્ત કેમ કરવો? મારે ડોક્ટર તો બનવું જ છે. મારા બા-બાપુજીનું સ્વપન સાકાર તો કરવું જ છે.”

મેહુલ પોતાની જાત સાથે વાર્તાલાપ કરતો-કરતો પોતાની ખખડધ જ સાઈકલ પર ધીમી ગતિએ ચાલ્યો જાતો હતો. એવામાં તેણે એક દ્રસ્ય જોયું અને બ્રેક મારીને ઊભો રહી ગયો. કોઇક જખ્મી માણસને બે-ત્રણ જણા સ્ટ્રેચર દ્વારા એમ્બ્યુલંસમાં ચડાવી રહ્યા હતા. માણસોની મોટી ભીડ જમા થયેલી હતી. ક્ષણવારમાં તો જોર-શોરથી હોર્ન વગાડતી એ એમ્બ્યુલન્સ પૂરઝડપે રસ્તા પર જગ્યા બનાવતી દોડવા માંડી. શું બન્યુ છે એ જાણવાની તાલાવેલી જાગતા તે ટોળાની નજીક પહોંચ્યો. ટોળામાં થઈ રહેલી વાતો પરથી તેને જાણવા મળ્યું કે પ્રખ્યાત બોક્સિંગ ચેમ્પિયન રાકાને જે કોઈ હરાવી દે એને રૂપિયા ચાર લાખનું રોકડ ઈનામ મળવાનું છે એવા પેમ્પલેટ ગામની ભીંતો પર ચોંટાડવામાં આવેલા. પૈસાની જરૂરિયાતવાળો એક સજ્જન જાણી જોઈને હાડકા તોડાવવા રાકાના હાથના એટલા ફટકા ખાધા કે તેનાં શરીરનું એકેય હાડકુ સાજુ નહિ રહ્યું હોય. અરે, મોંમાથી, નાકમાંથી નીકળતા લોહીને લીધે એ જીવશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે.

“અરે રે — બિચારો — નસીબનો માર્યો— પૈસા મેળવવા માટે અહીં સામે ચાલીને મરવા આવ્યો !” મેહુલના મોમાંથી અનાયાસ દયાજનક શબ્દો સરી પડ્યા. તે પોતાના ડોક્ટર બનવાના વિચારોને બાજુએ હડસેલી પેલા માણસની જીંદગીની પ્રાર્થના કરતો ધીમે-ધીમે પેડલ મારતો ઘરે પહોંચ્યો. ઘોડી વગરની સાયકલને ઊંચકીને વરંડાની ભીંતમા ટેકે ઊભી રાખી તે ઘરની અંદર આમથી તેમ આંટા મારી રહી હતી, જે જોઈ મેહુલ તુરંત તેની નજીક જઈ બોલ્યો “શું થયું બા ? તારો ચહેરો ઊતરેલો કેમ છે ?” મેહુલને આવેલો જોઈ તેનો ઊભડક જીવ સ્હેજ નીચે બેઠો હોય એવું મેહુલે મહેસૂસ કર્યુ.

“ભાઇ, તારા બાપુજીએ તને કહેવાની મને મનાઈ કરી હતી પણ,” તે સહેજ અટક્યા.

“શું કહેવાની ના કહી હતી બાપુજીએ? અરે, મારાથી વળી શું છુપાવાનું હોય બા ? હું તારો એકનો એક દીકરો છું. તારી ચિંતાનો બોજ હળવો કરવા મારા સિવાય બીજુ છે પણ કોણ તારું? મહેરબાની કરી તું જલ્દી મને કહે કે વાત શું છે ?” મેહુલે તેની બાના હાથપોતાના હાથમાં લેતા સ્નેહાળ શબ્દો વહાવ્યા.

“તારા બાપુજીએ મને તારા કસમ આપીને તને કહેવાની મનાઈ કરી હતી, પણ મને એમની બહુ ઉપાધી થઈ રહી છે માટે કસમ તોડીને કહી રહી છુ દીકરા” આટલું કહેતા તણે ભીંત પર લટકી રહેલી કાનુડાની તસ્વીર સામે જોઈ બે હાથ જોડી માફી માંગી, પછી મેહુલની સામે જોઈ બોલ્યા, “તને પેમેન્ટ સીટ પર એમ.બી.બી.એસ માં એડમીશન અપાવવા માટે તારા બાપુજીએ ઘર અને ખેતર વેંચી નાંખવાની વાત કરી, તો મેં ના પાડી કેમ કે એવું કરવાથી રોડ પર આવી જવાનો વારો આવે. બે ટંકના રોટલામાંથી પણ જઈએ. પછી બીજો કોઈ રસ્તો ન સૂઝતા તેણે કોઈ બોક્સરને હરાવી ઈનામના ચાર લાખ મેળવી તારી પેમેન્ટ સીટ મેળવવાનું નક્કી કર્યુ. પોતે બાળપણમાં શીખેલા બોક્સિંગને આધારે તે રાકા સાથે હરિફાઈમાં ઊતરવા ગયા છે અને —”

“હેં ! શું કહ્યું ? રાકા સાથે ? ન—હીં—” રાકાનું નામ સાંભળતા જ મેહુલના મોમાથી રાડ નીકળી ગઈ.

– વંદિતા રાજ્યગુરૂ દવે

વંદિતાબેન રાજ્યગુરૂ દવેની બે ટૂંકી વાર્તાઓ આજે પ્રસ્તુત કરી છે. વંદિતાબેનની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો છે. આજની બે ટૂંકી વાર્તાઓ સમાજની આજની વસ્તુસ્થિતિ પર પ્રકાશ પાડે છે. પોતાની પુત્રી અને નોકરાણીની વચ્ચેના ભેદભાવની વાત હોય કે ગરીબની પોતાના પુત્રને ભણાવવા માટેની મથામણની વાત હોય, બંને વાર્તાઓ અનોખી છે. અક્ષરનાદને આ વાર્તાઓ પાઠવવા બદલ વંદિતાબેન રાજ્યગુરૂ દવેનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “બે ટૂંકી વાર્તાઓ – વંદિતા રાજ્યગુરૂ દવે