ગઝલત્રયી – મહેન્દ્ર જોશી 5


૧. છાપી શકે તો છાપ…

પીડાના પાંચ અક્ષર છાપી શકે તો છાપ
આ તો બરફની આગ છે તાપી શકે તો તાપ

કીડી ઉપર કટક બને એમાં નવાઈ શી?
દાણો અગર તું રાઈનો આપી શકે તો આપ

ખૂંટી સ્વયં, ધરી સ્વયં, રજ્જુ ય તું સ્વયં
તારે સવાલ ક્યાં કશો વ્યાપી શકે તો વ્યાપ

ખાબોચિયાં તો આંખનાં હમણાં ઉડી જશે
તળમાં જે તગતગે હજી માપી શકે તો માપ

જે આપણી વચ્ચે રહી વકરી વિકટ થયો
અવકાશ ઊંડી ખાઈનો કાપી શકે તો કાપ.

૨. બને તો આવજે

જો, રૂપેરી જાળ છે દરિયે બને તો આવજે
ચાંદની રમણે ચઢી ફળિયે બને તો આવજે

હોય સંશય જો ભીતરમાં તો વિખેરી નાખજે
બે ક્ષણોની સંધિ પર મળીએ બને તો આવજે

ઉંઘ આદિકાળની લઈ ત્યાં સૂતો છે એક જણ
શંખ ફૂંકી કાનમાં કહીએ બને તો આવજે

ટોચ પર જઈને અમે જોયું તો ખાલીખમ હતું
ને કશું દેખાય ન તળિયે બને તો આવજે

લીમડો મોટો કે મોટી હોય લીંબોળી ભલા
વાત સહુ અટકી પડી ઠળિયે બને તો આવજે

ક્યાંક દરિયો ક્યાંક હોડી તો હલેસાં ક્યાંક છે
શું ખબર કયા નામનું તરીએ બને તો આવજે

બે ક્ષણોનું આમ અથડાવું અને અગ્નિ થવું
ને ધુમાડે બાચકા ભરીએ બને તો આવજે

જ્યાં લખ્યા’તા પ્રેમના અક્ષર તે વંચાયા નહીં
ભીંત આડી ક્યાં લગી ધરીએ બને તો આવજે.

૩. આમ તો..

થોભવું એ કૈં ચરણનું ધામ ક્યાં છે આમ તો
દૂર જે દીવા બળે એ ગામ ક્યાં છે આમ તો

રાખમાંથી એક પંખી કઈ રીતે ઊડી ગયું
દાખલો એ હોય છે પરિણામ ક્યાં છે આમ તો

હા પદીએ આખડીએ ને ઊભા થઈએ ફરી
છે ઉબડ-ખાબડ સમય સરિયામ ક્યાં છે આમ તો

આમ તો તરવો રહ્યો દરિયો નર્યા બે હાથથી
હાથને બીજું તો કોઈ કામ ક્યાં છે આમ તો

એક ક્ષણથી નીકળીને બીજી ક્ષણમાં પહોંચવું
ઠીક છે આ સ્થિતિમાં આરામ ક્યાં છે આમ તો

રંગ જે દેખાય છે તે રક્તનો પર્યાય છે
આ ગુલાબો પણ ગુલાબો આમ ક્યાં છે આમ તો

માત્ર ખોબો એક ઝાકળ છે, ચહેરો ધોઈ લે
લેપ ચંદન છે ત્વચાના ઢામ ક્યાં છે આમ તો

– મહેન્દ્ર જોશી

કવિ શ્રી મહેન્દ્ર જોશીની ગઝલરચનાઓ, ગીતો અને અછાંદસ ધરાવતો સંગ્રહ ‘ઈથરના સમુદ્ર’ જુલાઈ ૨૦૧૩માં પ્રસિદ્ધ થયો. એક જ શબ્દો કેટલા વિવિધ અર્થો ધરાવતો હોઈ શકે? એક રસાયણશાસ્ત્રી માટે ઈથર કાર્બનયુક્ત અણુઓના વિષમ બંધારણ ધરાવતા રસાયણનો શબ્દ છે જ્યારે એ જ શબ્દનો તાત્વિક અર્થ થાય છે એક એવો અપદાર્થ જે વાતાવરણની બહારના સમગ્ર વિશ્વને ભરી દે છે, ગ્રીક દંતકથાઓમાં સ્વર્ગ અથવા આકાશની ઉપરના દૈવી વાતાવરણને પણ ઈથર કહે છે. ઈથર એટલે એક અતિ સૂક્ષ્મ તત્વ જ્યાંથી પ્રકાશના – જ્ઞાન અને સંવેદનાંના મોજાંઓનો સંચાર થાય છે. શ્રી મહેન્દ્રભાઈ જોશી સર્જિત ‘ઈથરના સમુદ્ર’ દરેક રીતે સાદ્યાંત માણવાલાયક અને આસ્વાદ્ય કાવ્યગ્રંથ છે. આ સંગ્રહમાંથી આજે ત્રણ ગઝલ પ્રસ્તુત કરી છે. ‘છાપી શકે તો છાપ’, ‘બને તો આવજે’ અને ‘..ક્યાં છે આમ તો..’ એ ત્રણ ગઝલો અહીં પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ સુંદર સંગ્રહ પાઠવવા બદલ શ્રી મહેન્દ્રભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.

બિલિપત્ર

ક્યાંક
કોઈ
હોડી
ડૂબી રહી હશે
ઈથરના સમુદ્રમાં
ધીરે ધીરે..

ફરી
ક્યાંક
કોઈ
રાહ જોતું હશે
ઈથરના કોઈ કાંઠે..
– મહેન્દ્ર જોશી


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “ગઝલત્રયી – મહેન્દ્ર જોશી

  • Kedarsinhji M Jadeja

    મોરલી વાળા

    આવો હવે મોરલી વાળા, સં ભવામી વચન વાળા
    ભૂમી ભારત ઉગારો, આવો ગિરિધારી આવો…
    રાવણ તેદિ’ એક જનમ્યો’તો, ગઢ લંકા મોજાર. આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઈ ન તારણ હાર
    વિભીષણ એક ન ભાળું, જામ્યું બધે પાપ નું જાળું..
    પેટમાં પોઢીને સાંભળેલી શિવે, રામ લક્ષ્મણ ની વાત. આજ ન જીજાબાઇ જણાતી, નથી શૂરો કોઈ તાત
    ભીડૂં જે ભોમ ની ભાંગે, જાગે રણશિંગા વાગે…
    આજ ભામાશા ભાળ ન લેતો, લડે રાણાજી કેમ. ધનવાનો ધન ઉપર બેઠાં, ભોરિંગ કાળા જેમ
    લૂંટે છે ગરીબ ની મૂડી, રાખે નિતી કુડી કુડી…
    હોટલ ક્લબ માં ચડે હિલોળે, ડિસ્કો દેતાં થાપ. નાટક ચેટક નખરા જોતાં, આજના મા ને બાપ
    તમાકુ ની ફાકીયું ફાકે, આમાં-શિવાજી ક્યાંથી પાકે..
    આજ જુવાની ચડી હિલોળે, અવળો છે ઉત્પાત. નારી દેખી નર સીટીઓ મારે, દુર્યોધન ના ભ્રાત
    સીતાની શોધ શું થાતી, લાજુ જ્યાં રોજ લુટાતી..
    લીલા પીળા લૂગડાં પહેરે, નહી પુરુષ પહેચાન. લટક મટક ચાલ ચાલે ને, નચાવે નેણ કમાન
    આંખે આંજે કાજળ કાળું, રાખે વાળ જાણે જાળું..
    શરીર જુવો તો સાગ ની સોટી, વળી છે વાંકી કેડ. ખેતર વચ્ચે ચાડિયો ચોંટ્યો, એવો લાગે છે મેળ
    ભૂમિ ભારત ની લાજે, ભાળી નિજ બાળ ને આજે..
    ખુરસી માટે ખેલ મંડાણો, કરતા નાગા નાચ. પૈસા ખાતર પંડ ને વેચે, એવા રહ્યા છે સાચ
    ભારત ની ભોમકા માથે, આવ્યા સૌ બાથં બાથે..
    સંત દુભાતાં શામળો આવે, રાખે ભક્ત ની લાજ. આજ મુનિજન એવા હશે ક્યાં, રિઝાવી લે મહારાજ
    ઊતારે રામ ને હેઠો, જોવે છે ત્યાં બેઠો બેઠો..
    જન્મ ધર્યો જ્યાં જાદવરાયે, રામ લીધો અવતાર. આજ ભૂમિ એ ભીડે પડી છે, આવે લાજ અપાર
    રહે શું માતમ તારું, લાગે તને કલંક કાળું..
    સુણી અરજ સરકાર પધારો, આણો પાપ નો અંત. વણશિંગા આ રાક્ષસ મારી, સ્થાપિદો સઘળે સંત
    ગીતાના ગાન વિચારો, પધારો શ્યામ પધારો..
    અંત આવ્યો અમ ધીરજ કેરો, સંકટ સહ્યાં ન જાય. આગ લાગી અમ હૈયે હરજી, એક જ છે ઉપાય
    કાંતો અવતાર ધરાવો, નહિતો ના પ્રભુ કહાવો…
    દીન “કેદાર”ના દીન દયાળુ, શાને કરો ઉપહાસ. પ્રલય પાળે જગ બેઠું છે, નહી ઊગરવા આશ
    પછી અવતાર જો થાશે, તો-તારાં કોણ ગુણલા ગાશે…
    સાર:-એક સમય હતો જ્યારે ભારત માટે કહેવાતું કે તેના એક એક જાડ ની દરેક ડાળ પર સોનાના પક્ષી બેઠા રહેતા, પણ એક એવો સમય પણ આવ્યો જ્યારે ભારત માં રહેનાર ભારતીય કહેવરાવવા નું પણ શરમ જનક માનવા લાગ્યા, કારણ કે અમુક લોકો એવા ભ્રષ્ટ પાક્યા કે પુરા ભારતની છબી બગાડી નાંખી. રાવણે સીતાજી નું હરણ કરેલું, પણ તેમને અશોક વટિકા માં રાખેલા, પોતાના મહેલ માં લઈ જવાની કોઈ કોસીશ પણ કરી ન હતી, વિભીષણ રાવણ નોજ ભાઈ હતો, પણ સદાય સાચીજ સલાહ આપતો. આજેતો એવા એવા દુષ્ટો પાક્યા છે કે તેની સરખામણી રાવણ સાથે કરીને રાવણ ને અપમાનિત ન કરી શકાય.

    જીજાબાઈ જેવી માતા હોય તેને પેટે શિવાજી મહારાજ જેવા પુત્રો જ પાકે ને? જેણે શિવાજી પેટમાં હતા ત્યારથીજ એવા હાલરડા ગાયા કે શિવાજીએ બચપણ થીજ પોતાનું ભવિષ્ય નું ઘડતર ઘડવાનું ચાલુ કરી દીધું, અને મા ના પેટમાં ગર્ભ હોય ત્યાર થીજ તેને સમજણ આપી શકાય છે, તે આજના વિજ્ઞાને પણ સાબિત કરી બતાવ્યું છે. જ્યારે આજના એવા ઘણા મા બાપ છે જે બાળકને આયાના ભરોંસે સોંપીને હોટેલો અને ક્લબોમાં ડાંસ કરવા જતા હોય, નાટક ચેટક જોતા હોય, અને તમાકુની ફાકીઓ ફાકતા હોય તો તેમની પાસેથી શિવાજી જેવા પુત્રો પાકવાની આશા કેમ રાખવી? આવા વાતાવરણ માં ઊછરેલું બાળક લંપટ ન પાકે તોજ નવાઈ લાગે, પછી ભારત માં ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને કાળા નાણા જેવા મહા અનર્થો જ સરજાય ને? જોકે અમુક સંતો મહાત્માઓ ના આશીર્વાદના પ્રતાપે ફરીથી સુવર્ણ યુગ આવવાની આશા રાખી શકાય ખરી. કેમકે રામ અને કૃષ્ણ જેવા અવતારો લેવા ભગવાને આ ભૂમિને પસંદ કરી છે, માટે આપણે બધા એવા કોઈ સંતન ની ભાળ મેળવીએ કે જે ઊપર બેઠાં બેઠાં આ તમાશો જોઈ રહેલા પ્રભુને પ્રાર્થના કરે કે હવે આ ભારતની દશા અમારા થી જોવાતી નથી, કાંતો હવે અવતાર ધારણ કરીને પધારો, મોડું કરશો તો આ નરાધમોનો પ્રભાવ એટલો વધી જશે કે આપને પણ તેનાપર વિજય મેળવવામાં મુશ્કેલી પડશે, અને પ્રભુ હવે તો આ ભારત આ શિંગડા વિનાના નર રાક્ષસોથી પ્રલયની અંતિમ ક્ષણો પર પહોંચી ગયું છે, કાંતો પછી કહીદો કે હવેથી મને ભગવાન ન કહેજો જેથી અમો આપના આગમન ની આશા ન રાખીએ, પણ જો પ્રલય થયો તો આપ હવે અવતાર ક્યાં ધરશો ?, અને અવતાર ધરશો તો આપના ગુણ ગાન ગાનારા ક્યાં ગોતવા જશો? માટે હે નાથ ફરીથી આ ભારતને એજ સુવર્ણ યુગ પ્રદાન કરો જેના માટે આપને જન્મ ધરવાની ઇચ્છા થતી રહેતી.
    જય જગદીશ્વર.

    માન્યવર,
    આ રચના આપ મારાજ શ્વરમાં મારા બ્લોગ kedarsinhjim.blogspot.com પર માણી શકસો, જે એક કવી સંમેલનમાં મેં રજુ કરી હતી. અન્ય કાર્યક્રમોમાં પણ આ રચના સારી પ્રશંસા પામીછે.
    ધન્યવાદ.