કોઈ રમે ચોપાટ જી.. – નીનુ મઝુમદાર 8


રંગ રંગના કરી સોગઠાં
સચરાચરની ખાટ જી;
આભ પાથરી વિરાટ બાજી
કોઈ રમે ચોપાટ જી.

અનંતની ખખડાવી કોડી
વાદળને ગગડાટ જી;
પાસા ફેંક્યા કોટિ વિશ્વના
અવળાસવળા ઘાટ જી.

રમતાં રમતાં ઓછો લાગ્યો
સૂર્ય ચંદ્ર ચળકાટ જી;
પ્રકટ કર્યો સંસાર દીવડો
માનવની કરી વાટ જી

આજ મળ્યો જ્યાં દાવ જગતને
પડી ભિલ્લુમાં ફાટ જી;
આડું સોગઠું કાઢ્યું તોરમાં
વાળ્યો સઘળે દાટ જી.

રંગરંગના કરી સોગઠાં
સચરાચરની ખાટ જી;
આભ પાથરી વિરાટ બાજી
કોઈ રમે ચોપાટ જી.

– નિનુ મઝુમદાર

જન્માષ્ટમી આવી અને ફરીથી કૄષ્ણ જન્મની ઉજવણી સાથે સાથે અનેકવિધ પ્રકારની જુગારની રમતો પણ શરૂ થઈ ગઈ. કોને ખબર કેમ આવા પવિત્ર અને સુંદર ઉત્સવને એક બદી સાથે જોડવામાં આવ્યો હશે? નિર્દોષ રમતનું સ્થાન જ્યારે લત લે છે ત્યારે તનતોડ મહેનત કરીને કમાયેલ ગરીબ અને મધ્યમવર્ગની કમાણી આવા બિનજરૂરી માર્ગે વેડફાઈ જતી જોવામાં આવે છે. પરંતુ શ્રી નિનુ મઝુમદાર આનો એક અનોખો અર્થ પ્રસ્તુત કરે છે. મોરારીબાપુની કથામાં વર્ષો પહેલા સોગઠાંબાજીની બોલબાલા રહેતી, જીવનને સોગઠાંબાજી સાથે સરખાવીને તેઓ લાલ, કાળા, પીળા અને લીલાં સોગઠાંઓ અને તેમના તાત્વિક અર્થો સમજાવતાં. આ સોગઠાંબાજી કે ચોપાટ ખરેખર તો આ મૌસમને અનુરૂપ સમય પસાર કરવાના સાધન તરીકે રમાતી હશે, કારણ કે વાવણી પછી ખેડુતો તેનાથી સમય પસાર કરી શકે છે, વ્રત કરતી કન્યાઓ પણ રાત્રીના જાગરણ માટે આ રમતનો નિર્દોષ આનંદ લેતી હશે, પરંતુ આજના સમયમાં તેનો વિચાર તદ્દન ઉલટો થઈને રહી ગયો છે. આજના સમયમાં પત્તાથી ખેલાતો જુગાર એક દૂષણ બનીને રહી ગયો છે. નિનુ મઝુમદાર સોગઠાંબાજીનો તેમણે કાવ્યબદ્ધ કરેલ અર્થ અહીં વાચક સમક્ષ મૂકે છે. સોગઠાંબાજીને ઈશ્વરની રમત તરીકે સમજાવીને તેઓ કેટલી ગહન અને અધ્યાત્મિક વાત સહજમાં કહી જાય છે? આશા રાખીએ કે આપણા તહેવારો અને ઉત્સવો, તેમની ઉજવણી તથા વિવિધ રૂઢિગત ક્રિયાઓના મૂળભૂત અર્થ સુધી આપણે પહોંચી શકીએ અને તેમને સાચા અર્થમાં ઉજવી શકીએ.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “કોઈ રમે ચોપાટ જી.. – નીનુ મઝુમદાર

  • virendra bhatt

    સુન્દર. મનુષ્ય પ્રભુનેી રમતનુ એક પ્યાદુ છે, પણ એ પોતાનેી ચાલ રમવા જતા ઠોકર ખાય છે.

  • Arvind Upadhyay

    ખૂબ જ સરસ રચના. જગતના હાથમા દાવ આવ્યા પછી જ અંચાઇ શરૂ થઇ અને દાટ વળ્યો તે સત્યની રજુઆત સુન્દર રહી.

  • Harshad Dave

    રમત નિર્દોષ હોય છે, જુગારી માનસિકતા સારી નથી હોતી. રમતમાં હાર-જીત એટલી મહત્વની ન હોવી જોઈએ જેટલી આનંદની પરસ્પર થતી અદલાબદલી! લડવાની શક્તિ, જોમ, જુસ્સો, ઉમંગ, ઉત્સાહ જીવનનું પ્રેરક પરિબળ બને અને માનવી હતાશ, પરાસ્ત, નાસીપાસ કે નિરાશ ન થાય એ વધારે મહત્વનું છે. આત્મઘાતી વલણ અટકાવવાનો હળવો અને સારો ઉપાય છે. પણ …કરુણતા જુઓ કે તે તેનું કારણ બની જાય છે….! ખરું કહ્યું…ઉત્સવની અને રમતની મૂળ ભાવના સુધી પહોંચીએ તો નંદ ઘેર આનંદ ભયો…જાય કનૈયા લાલ કી…! – હદ.