બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે… – ‘કાયમ હઝારી’, આસ્વાદ – રમેશ પારેખ 11


અક્ષરનાદ પર થોડાંક મહીનાઓ પર શ્રી કાયમ હઝારી સાહેબની આ જ કૃતિ પ્રસ્તુત કરી હતી… આજે શ્રી રમેશ પારેખ દ્વારા કરાવાયેલ આ ગઝલનો સુંદર આસ્વાદ અહીં પ્રસ્તુત કર્યો છે.

પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ઘરે ?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !

ભગન ચૂડી,ખાલી ખોળો ને બળેલી રાખડી;
જડ બનેલી જિંદગી કંઈ વાતનું માતમ કરે?

જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો!
બાળકો મોટા થવાના ભયથી આજે થથરે!!

લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું-
પણ, ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે?

હોય આથી શું વધું સંતાનનું બીજું પતન??
ભરબજારે માતાનાં વસ્ત્રો હરી ગૌરવ કરે!

માનવીના પાશવી – ખૂની લીલાઓ જોઈને –
મંદિરોને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે!!

ના ખપે. એ રામ- અલ્લાહ ના ખપે. હા, ના ખપે;
નામ માનવતાનું જેના નામથી ‘કાયમ’ મરે !!

– કાયમ ‘હઝારી’

પોતાની દૈનંદીય વ્યસ્તતા વચ્ચે અને વ્યવસાયના બોજ વચ્ચેથી ખાલી જગ્યા શોધીને કાવ્યો પાસના કરતા એક શાયર તે આ ‘કાયમ’ હઝારી સિવિલ એન્જિનિયરીંગના સ્નાતક અને ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર આ કવિના ત્રણ કાવ્ય સંગ્રહો પ્રકટ થયા છે: ‘દિવાનગી’, ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ તથા ‘આદમ-ઈવનું પહેલું ચુંબન.’

અહીં પ્રસ્તુત ગઝલ પરંપરામૂલક છે તે ઉપરાંત તેની બીજી ખસિયત છે- આભિધામૂલકતા. કવિએ આ રચના ભાવકના મનોરંજન માટે નથી લખી, પણ સાંપ્રત કાળના મનુષ્યની જડવત બનેલી ચેતનાને ઢંઢોળવા લખી હોય તેમ લાગે.

વુક્ષની થતી આડેધડ કત્લેઆમથી કવિના ચિત્તને કેવો જબરો કલેશ પહોંચ્યો છે તેનું સંવેદનાત્મક નિરૂપણ પ્રથમ શે’રમાં જ છે. જે માણસ માત્ર પોતાની સગવડ ને અસાયેશ માટે ખુરસી બનાવે છે. તે ખુરસી બનાવવા માટે આખ્ખા જીવતાજાગતા વૃક્ષનું નિકંદન નીકળી જાય છે તે તરફ આપણું ધ્યાન જાય છે ખરું? મનુષ્યને પોતાની સ્વાર્થ લોલુપતા બીજાનો વિનાશ નોતરે છે તેની પરવા નથી. આવો હદયહીન ને લાગણીશૂન્ય મનુષ્ય વુક્ષની તો શું પાંદડાઓની કથા-વ્યથા ને મૂંગી ચીસો કઈ રીતે કોને ઘરે? વૃક્ષ અને પાંદડાંઓને વાચા નથી, પણ એમનું એક અલાયદું ને આગવું જીવન છે. તેના પર કુઠારાઘાત કરીને આખી કુદરતને લોહીઝાણ કરવાની મનુષયની હિંચક લાલસા શું ક્યારેય ખતમ નહીં થાય? આટલી વાત કવિ એક ટચૂકડા શે’રમાં કેવી આબાદ રીતે સમાવી લે છે!

પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ઘરે?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે!

પછીના શેરમાં કવિ જીવનની દારૂણ કરુણતાની વાત કરે છે, પણ આ વાત ખુલ્લી રીત નહીં, શબ્દસંકેતોને નિરૂપિત કરે છે. જેની ચૂડીઓ ભાંગી છે એવી પતિને ખોઈ ચૂકેલી કોઈ વિધવા, પુત્રને ગુમાવીને જેનો ખોળો ખાલી થયો છે તેવી માતા અને જેણે અરમાનોની રાખડી જેના કાંડે બાંધેલી તેવી બંધુવિહોણી બનેલી બહેન નું જીવન એક જ વ્યક્તિના મૃત્યુથી ચિત્રવત થઈ જાય છે. આ જડ અને ઉજ્જડ બનેલી જિંદગી ક્યાં કયાં સંભારણાં પર મરશિયાં ગાયને કઈ કઈ લાગણીઓનું માતમ મનાવે! જેનું સૌભાગ્ય અને સુખ આથમી જાય તેવી અબળાઓની બળતરા કવિ સિવાય કોણ શબ્દબદ્ધ કરી શકે?

હવે પછીનો શે’ર પણ માનવસમાજની લાગણીશૂન્યતાને જ તાકે છે. મને એક વાતની નવાઈ લાગે છે કે ૧૯૯૩ માં પ્રગટ થયેલા ‘કાયમ’ હઝારીના ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ પુસ્તકમાં એક શે’ર છે તેવો જ શે’ર ૧૯૯૮ માં પ્રગટ થયેલા હિન્દી કવિ શ્રી રાજેશ રેડ્ડીના સંગ્રહ ‘ઉડાન’માં છે. સરખાવો બેઉ શે’રને અને સારા સર્જકો કેવું સમાનપણે વિચારતા હોય છે તેનું ઉદાહરણ જુઓ. પ્રથમ ‘કાયમ’ હઝારીનો શે’ર જુઓ:

જોઈને આ મોટાઓનાં સાવ હીણાં કરતૂતો;
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે!

અને હવે તે વાત શ્રી રાજેશ રેડ્ડી આ રીતે કરે છે:

મેરે દિલ કે કિસી કોને મેં એક માસૂમ સા બચ્ચા
બડોંકી દેખ કર દુનિયા, બડા હોને સે ડરતા હૈ!

ઘણીવાર ઉંમરમાં મોટા થયેલા માણસો જીવન-સમજણની બાબતામાં તો ઠુંગું જ હોય છે. તે દુનિયામાં પોતાના મનુષ્યકુળના બાંધવો પર એવાં દુષ્કૃત્યો આચરે છે કે તેને પશુ કહેવા એ પશુઓનું અપમાન ગણાય. બાળકોને બીક લાગે છે કે મોટાથઈને અમારે પણ પૃથ્વીને રંઝડતા વિરાટ ષડયંત્રનું એક પૈડું બની જવું પડશે? એ કરતાં આ નાના છીએ એજ ઠીક છે. મોટા થઈને ઘાતકી થવું તેના કરતાં નાના રહી ઘોડીયામાં હિંચકવું શું ખોટું?

લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું-
પણ, ધુમાડો જે થયો એ કદી રીતે પાછો ફરે?

આ શે’ર કંઈક અસ્પષ્ટ છે પણ આપણે તેને અનુમાનથી ઉકેલીએ. કવિ કહે છે લાખ યતનો કરીને આ આગને ઠારશું પણ આગ ઠરતાં જે ધુમાડો ઊઠશે તે બળી ગયેલી વસ્તુમાં પાછો કેમ પુરાશે? આપણે ત્યાં દંગા – ફસાદ રૂપે કોમી આગ વખતો વખતભભૂકી ઊઠતી હોય છે. સરકાર અને સેના તે આ કડક હાથે કામ લઈ બુઝવી દે, માણસોનાં દાઝેલાં જીવનમાંથી ને મનમાંથી ઊઠતો ને ઘૂંઘવાતો ઘૃણા અને ધિક્કારનો ધુમાડો કઈ રીતે શાંત થશે? સમસ્ત સમાજની સાહજિક જીવન વ્યવસ્થા પર પડેલા કારમા ઘા કઈરીતે રુઝાવી શકાય?

પછીનો શે’ર વાંચી, મમળાવી આગળ વધીએ:

હોય શું વધુ સંતાનનું બીજું પતન?
ભર બજારે માતનાં વસ્ત્રો હરી ગૌરવ કરે!

જે સંતાનો દેશની ધરતીનીને આઝાદીની લાજ બચાવી ન શકે, છાને ખૂણે એનાં વરવા સોદા કરે તે સંતાનોનું પતન છે, ને તે પતન હીણામાં હીણું છે – એવો મર્મ આ શે’રમાંથી નીકળતો હોય તેમ નથી લાગતું? આ શે’રનો વિચાર પછીના શે’રમાં વધુ અભિઘાત્મકરૂપે ને વ્યાપકરૂપે નિરૂપાયો છે:

માનવીની પાશવી – ખૂની લીલાઓ જોઈને,
મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે!

છેલ્લે કવિ તારસ્વરે એમ કહે છે:

ના ખપે એ રામ-અલ્લાહ, ના ખપે, ના ખપે!
નામ માનવતાનું જેના નામથી ‘કાયમ’ મરે!

કવિનો આક્રોશ પવિત્ર છે. એ કહે છે જે રામ અને જે અલ્લાહનાં નામે થતા કોમી દંગલોમાં જે મરે છે તે તો નિર્દોષ મનુષ્ય જ છે. જો ભગવાનોનાં નામો પર માનવતાની નાલેશીભરી, ઘૃણાસ્પદ હત્યાઓ થતી હોય તો એવા પોપટપાઠની માફક માત્ર જીભથી રટતાં રામ અને રહીમનાં નામોનો મારે ખપ નથી. રામ અને અલ્લાહ સૌના હદયમાં વસે ને મનુષ્યને ઉદાત્ત બનાવે, કરુણામય બનાવે, સહિષ્ણુ બનાવે અને સૌ પ્રત્યે પ્રેમભર્યો વહેવાર શીખવે એવા દેવોની આ દેશમાં જરૂર છે, નહીં કે કત્લેઆમ કરાવે એવા દેવોની.

– રમેશ પારેખ

બિલિપત્ર

જરા આ સાહજિકતા પર તો થોડી દાદ તું દેજે,
કરી છે આવ-જા તારી ગલીમાં શ્વાસની માફક.
– ‘કાયમ’ હઝારી


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે… – ‘કાયમ હઝારી’, આસ્વાદ – રમેશ પારેખ

  • ushapatel

    बस अब बहुत हो गया।
    अब ये इन्सान बेरहम बनने लगा है।
    न कोंई रहम, हया या प्रेम दिलमें उसके बचा है।
    ये बच्चे तो बच्चे लेकिन हराभरा व्रुक्ष भी डरने लगा है।
    अरे! कहीं ये देखो अपने पैर पर कुल्हाड़ा मारने,
    तो नहीं जा रहा है???
    आओं आजके दिनसे लेकर हमेशा सच्ची सच्ची स्वतन्त्रताको पाए और सबको मिले ऐसी शुभकामना करे।
    धन्यवाद। ओमशांति।

  • Harsha

    વાહ ,ક્યા બાત હૈ !
    એક ખુરશી કાજ………
    ઉતરી ગયું હૃદયમાં તીર ની જેમ.

  • Rajesh Vyas "JAM"

    એકદમ સચોટ ગઝલ અને તેનુ વિશ્લેષણ રજુ કરનારા બંને મહાનુભાવોનો કોઈ જ વિકલ્પ નથી. આ તકે અક્ષરનાદ નો પણ કોઈ વિકલ્પ નથી તે સાબિત થઈ ચુક્યું છે.

  • ashvin desai

    કાયમ હઝારિ સાહેબ્ને સલામ .
    જેમનિ ગઝલ્ને કવિવર્ય રમેશ પારેખ સાહેબનો આસ્વાદ પ્રાપ્ત થયો હોય તેઓ સ્વયમ પોતે પોતાનિ કક્ષા નક્કિ કરતા શાયર થયા . પ્રસ્તુત ગઝલ વાન્ચિ મારા તો રુવાતા ઉભા થૈ ગયા , આતલિ ધારદાર ગઝલ થિ કાલજુ કેતલુ ચિરાયુ – તેનો કોઈ અન્દાજ જ આવતો નથિ . ધન્યવાદ . બ્રેવો . સાભાર ,
    – અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા

  • Harshad Dave

    અરસિક્તાના ખાખરાની ખિસકોલીઓ આસ્વાદના સાકરનો સ્વાદ શું જાણે. ગઝલ અને આસ્વાદ આસ્વાદ્ય છે. સમજણના આ સ્વાદથી બંને સ્વાદિષ્ટ બને છે. – હદ

  • ગોવર્ધન

    સાંપ્રત પરિસ્થિતિનું આનાથી વધુ ચોટદાર વિવરણ કયું હોઈ શકે?