નામ બિન ભાવ કરમ નહીં છૂટૈ… – દરિયા સાહેબ 6


નામ બિન ભાવ કરમ નહીં છૂટૈ,
સાધ-સંગ ઔર રામ ભજન બિન, કાલ નિરંતર લૂંટૈ.

મલસેતી જો મલકો ધોવૈ, સો મલ કૈસે છૂટૈ?
પ્રેમકા સાબુન નામકા પાની, હોય મિલ તાંતા ટૂટૈ… નામ બિન….

ભેદ-અભેદ ભરમકા ભાંડા, ચૌડે પડ-પડ ફૂટૈ.
ગુરુમુખ શબ્દ ગહૈં ઉર અંતર, સકલ ભરમસે છૂટે… નામ બિન…

રામકા ધ્યાન તૂ ધર રે પ્રાની, અમરતકા મેંહ બુટૈ,
જન દરિયાવ, અપર દે આપા, જરા- મરન તબ ટુટૈ… નામ બિન…

– દરિયા સાહેબ

પ્રભુને પ્રાપ્ત કરવાના માર્ગ શાસ્ત્રમાં અનેક બતાવ્યા છે. પરંતુ સંતોએ નામ જપને બહુ મહત્વ આપ્યું છે. આ દારુણ કળિકાળમાં ભવસાગર તરવાનો બીજો કોઈ ઉપાય નથી. આ કળિકાળમાં જ્ઞાન, યોગ વગેરે સાધનોથી પ્રભુને મેળવવા તે અઘરું છે. યોગની સાધના કરી શકે તેવા શરીર ક્યાં રહ્યા છે? જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આજે સમય ક્યાં છે? તેથી સંતો તો જ્ઞાન અને યોગ કરતાં પણ નામજપને શ્રેષ્ઠ ગણે છે. તુલસીદાસજીએ કહ્યું છે:

ભાવ કુભાવ અનખ આલસહુ,
નામ જપત મંગલ દિસિ દશહુ .

તમે ભાવથી કે કુભાવથી, બેમનથી કે આળસથી ગમે તે રીતે રામનુ નામ લો તો દશે દિશાઓમાંથી, ચારે કોરથી તમારું કલ્યાણ જ થયા કરશે.

નામજપથી વિધાતાના કઠીન લેખ પણ બદલાય છે.
રામનામ મનિ વિષય વ્યાલ કે, મેટત કઠીન કુઅંક ભાલકે.

રામનામ એ એવો મનિ છે કે વિષયોના વિષને ચૂસી લેશે અને કઠીન દુર્ભાગ્યને સુભાગ્યમાં પલટી દેશે.

ઉપરના પદમાં દરિયા સાહેબે નામજપની મહત્તા ગાઈ છે. નામજપ વગર કર્મની ગાંઠ છૂટશે નહિ. કર્મની ગાંઠ છૂટશે નહિ તો મુક્તિ મળશે નહિ. નામજપ વગર પાપ બળશે નહિ. પાપ બળશે નહિ તો પરમાત્મા મળશે નહિ. સત્સંગ અને રામભજન વગર તો કાળ તમને લૂંટી લેશે. તેટલો સમય તમારો નકામો જશે. આ કળિકાળમાં સત્સંગ અને રામભજન ઉત્તમ સાધનો છે. તેને છોડશો તો પસ્તાશો. મસોતાથી તમે મેલને સાફ કરશો પણ એ મસોતાના મળનું શું? બહરથી તમે શરીરને સ્વચ્છ કરશો પણ અંતરના મળનું શું? તેને દૂર કરવાનો કોઈ ઉપાય? હા છે. તમે પ્રભુ પ્રેમનો સાબુ બનાવો અને નામનું પાણી લો. તો ગમે તેવો મેલ દૂર થઈ જશે. આ હદયને શુદ્ધ કરવા માટે પ્રભુપ્રેમ અને નામજપ વગર બીજો કોઈ ઉપાય નથી. પ્રભુપ્રેમ વધશે તો આ ભેદ અભેદનો ભ્રમ દૂર થઈ જશે . સર્વમાં તમને પ્રભુનાં દર્શન થશે. કર્મના પડ ભેદાઈ જશે. ગુરુની વાણીને જે અંતરમાં ઉતારે છે, સમજે છે અને તે પ્રમાણે વર્તન કરે છે તો તેનાં સર્વ સંશય છૂટી જાય છે. હે મનુષ્ય તું રામનું ધ્યાન કર તો અમૃત વરસાદ વરસશે.

રામરસ બરસે રે મનવા રામરસ બરસે,
રે મનવા ચાતક કયું તરસે?

આપણા મૂર્ધન્ય કવિ સુંદરમે કહ્યું છે:-

મેરે પિયા તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન,
મેં તો ચુપ ચુપ નાહ રહી – મેરે પિયા

મેરે પિયા, તુમ અગર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈ તો પલ પલ બ્યાહ રહી – મેરે પિયા

પ્રભુની કૃપા તો અનરાધાર વરસી રહી છે. તેમાં તું ન નહાય તો કોનો વાંક?

હે મનુષ્ય, હું દરિયાવ તને ભાર દઈને કહું છું કે તું તારી જાતને પ્રભુને અર્પણ કરી દે, તો તારો જન્મ મરણ નો ફેરો ટળી જશે, આ આવાગમનથી તું મુક્ત થઈ જઈશ.

– દુર્લભદાસ છગનલાલ ભગત

‘પીઓને પ્રેમરસ પ્યાલા’ નામનો એક સુંદર સંકલિત અનામ ભજનસંગ્રહ કોઈક વાચકમિત્રએ અક્ષરનાદને ભેટસ્વરૂપ મોકલ્યો હતો. સંગ્રાહક અને ટીકાકાર તરીકે અહીં દુર્લભદાસ છગનલાલ ભગત છે. લગભગ ‘૯૬ માં પ્રસિદ્ધ થયેલ આ સુંદર અમૃતસાગરના પાને પાને ભજનરસ છે. લગભગ ૩૪૦થી વધુ ભજનોનો અહીં સુંદર આસ્વાદ કરાવાયો છે. તેમાંથી જ આજે દરિયા સાહેબનું ‘નામ બિન ભાવ કરમ નહીં છૂટૈ, સાધ-સંગ ઔર રામ ભજન બિન, કાલ નિરંતર લૂંટૈ……’ એ ભજન તથા તેનો આસ્વાદ પ્રસ્તુત કર્યો છે. શ્રાવણના પ્રારંભે મનના મેલને ધોઈને, નામસ્મરણનો સર્વ ધર્મમાં વર્ણવાયેલ મહિમા અનુભવીને એ સર્વશક્તિમાન તરફ થોડાક ઢળી શકીએ એ જ અભ્યર્થના સહ સર્વે વાચકમિત્રોને શ્રાવણ મહીનાની, માહે રમઝાનની અને આ પવિત્ર સમયમાં ધર્મકાર્યો માટેની શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “નામ બિન ભાવ કરમ નહીં છૂટૈ… – દરિયા સાહેબ

 • Hitesh

  કેદારભાઇ સરસ રચના….દરિયા સાહેબની રચના અલાકિક જગતમાં સફર કરવી.

 • La'Kant

  આ લા’ગ્રાન્ડ્ … ભક્તિરસ માણેી શકનારા માતે અતિ-ઉત્તમ્!
  -લા’કાન્ત/૮-૮-૧૩

 • Kedarsinhji M Jadeja

  રામ ની મરજી

  મરજી રામની સાચી
  શાને ધરે તું હું પદ હૈયે, કરણી બધી તારી કાચી…

  ૧,માનવ જાણે હું મહેલ બનાવું, ટાંક ન રાખું કોઈ ટાંચી
  અવિનાશી ના એક ઝપાટે, એમાં ભટકે ભૂત પિશાચી…

  ૨,નારદ જેવા સંત જનોને, નારી નયને નાચી
  માનુની બદલે મુખ મરકટ નું, સૂરત દેખાણી સાચી…

  ૩,હરણાકંસ નો હરખ ન માતો, લેખ વિધિ ના વાંચી
  નરસિંહ રૂપ ધર્યું નારાયણ, કાયા કપાણી એની કાચી…

  ૪,ભસ્માસુરે ભગવાન રિઝાવ્યા, જગપતિ લીધા એણે જાચી
  મોહિની કેરો મર્મ ન જાણ્યો, નિજને જલાવ્યો નાચી…

  ૫,દીન “કેદાર” પર કરુણા કરજો, સમજણ આપો મને સાચી
  અવધ પતિ મને અળગો ન કરજો, રામ રહે દિલ રાચી…

  સાર-આજનો માનવ એવી એવી શોધ,સિદ્ધિઓ મેળવી ચૂક્યો છે કે જેની કલ્પના પણ અમુક સમય પહેલાં શક્ય ન હતી. અંતરિક્ષમાં લટાર મારવી આજે તેના માટે મોટી વાત નથી, અને તેમાં આપણા ભારતનું ગૌરવ વધારનાર સ્વ. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી વીરાંગનાઓને આ સ્થાને યાદ કરવીજ પડશે. છતાં માનવી ઈશ્વર પાસે સદાએ વામણો સાબિત થયો છે.
  ૧, માનવ વિચારે કે એક એવું આલીશાન ભવન કે સ્થાપત્ય બનાવું, જે દરેક આફતો નો સમનો કરીને સદાએ અડીખમ રહે, પણ કુદરત વીફરે તો કોઇ પણ પ્રકારની એક થપાટ એવી લગાવે કે તેનું નામ નિશાન પણ ન રહે. શિવ ના મહાન ભક્ત રાવણ નોજ દાખલો લોને ? રાવણ ની એ સોનાની લંકા હનુમાનજી એ એકજ ઝાટકે અરધી તો બાળીજ નાખીને? બાકીનું કામ રામજીની સેનાએ પૂર્ણ કર્યું.

  ૨, સદાએ ભ્રમણ કરવાનો શ્રાપ બ્રહ્માજી દ્વારા મલ્યો હોવા છતાં કોઈ કારણસર નારદજી એક વખત સમાધિમાં બેસી ગયા. ઇંન્દ્રને પણ સાપ હતો કે તેને સદાએ પોતાનું ઇંન્દ્રાસન ઝુંટવાઇ જવાનો ડર રહેતો. જેવા નારદજી સમાધિમાં બેઠાં કે ઇંન્દ્ર ગભરાયો, તેણે કામદેવને નારદજીની તપસ્યા ભંગ કરવા મોકલ્યો, નારદજીની તપસ્યાતો ભંગ થઈ, પણ તેણે કામદેવને ક્ષમા આપીને જવા દીધો. પણ મનમાં અભીમાન થયું કે મેં કામને જીત્યો, અને શંકર ભગવાને તો કામને બાળી નાંખ્યો હતો,(જ્યારે કામદેવના પત્ની રતી આક્રંદ કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ રતીને વચન આપ્યું કે, કામદેવ અનેક જગ્યાએ સૂક્ષ્મ રૂપે વાસ કરશે, અને જ્યારે પ્રભુ કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે કામદેવ તેમના પુત્ર પ્રદ્યુમ્ન રૂપે પુનર્જીવિત થશે અને તમારું ફરીને મિલન થશે.) પણ મેં કામને જવા દીધો. અને પાછા આ ઘટના શિવજીને પણ પોતાની બડાઈ બતાવવા માટે વધારી ચડાવીને કહી અને વધારે ફુલાયા.

  ભગવાન પોતાના પ્રિય ભક્તનું અભિમાન રહેવા દેતા નથી. તુર્તજ નારદજીના વિચરવાનાં માર્ગમાંજ એક અલૌકિક ઐશ્વર્ય ધરાવતી માયા નગરી બનાવી, જેનો રાજા શિલનિધિ, તેની પુત્રી વિશ્વમોહિની ના સ્વયંવરનો પ્રસંગ ચાલતો હતો, નારદજી પણ આ કન્યાને જોઈને લલચાઈ ગયા, વિચાર્યું કે જો વિષ્ણુ ભગવાન જેવું રૂપ હોય તો આ કન્યા સ્વયંવરમાં મનેજ પસંદ કરે. એ આશયે નારદજીએ ભગવાન ને પ્રાર્થના કરી, અને પ્રભુ તો રાહજ જોતા હતા, તુરંત પ્રગટ થયા, નારદજીએ બધી વાત કરીને પ્રભુના રૂપની માગણી કરી. ત્યારે ભગવાને યથા યોગ્ય કરવાનું વચન આપ્યું.

  મનમાં પોતાને અતિ સુંદર સમજતા નારદજી પાંસેથી વિશ્વમોહિની મર્મમાં હંસીને પસાર થઈ ગઈ, ત્યારે બાજુમાં વિપ્રના વેશમાં બેઠેલા શિવજીના ગણો એ દર્પણ માં મુખ જોવાની ટકોર કરી, નારદજીએ જલની અંદર જોતાં પોતાનું મુખ વાંદરા જેવું દેખાણું. નારદજીએ શિવ ગણોનેતો શ્રાપ આપ્યો પણ સાથે સાથે ભગવાનને પણ શ્રાપ આપ્યો કે આપે મને વાનર જેવો બનાવીને છેતર્યો છે, પણ રામ અવતાર વખતે રીંછ અને વાનરોજ તમને કામ આવશે. આવી છે ભગવાન ની માયા.

  ૩, ભક્ત પ્રહ્લાદના પિતા હરણાકંસે ભગવાનને પ્રસન્ન કરીને અમર બનવા માટે અનેક પ્રકારે ન મરવાના વચનો લીધેલાં. આ પણ કેવી પ્રભુની માયા? સીધે સીધું અમરત્વ માંગી લીધું હોત તો? જ્યારે પ્રહ્લાદ પર અનહદ ત્રાસ થવા લાગ્યો ત્યારે ભગવાને નરસિંહ રૂપ ધારણ કરીને તેનો સંહાર કર્યો.

  ૪, ભગવાન ભોળાનાથ ખરેખર ભોળાજ છે, ભસ્માસુરે ભસ્મ કંકણ માંગીને વરદાન લીધું કે તે જેનાપર હાથ મૂકે તે બળીને રાખ થઈ જાય. આવરદાનની સત્યતા સાબિત કરવા માટે સામે ભોળા નાથજ હતા, જેવો ભસ્માસુર ભગવાન પર હાથ મુકવા ગયો કે ભગવાન ભાગ્યા અને વિષ્ણુ ભગવાન પાસે, તેમને બધી માયા ફાવે, વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરીને ભસ્માસુર ને નચાવતાં નચાવતાં તેનાજ માથા પર હાથ રખાવીને બાળી મૂક્યો.

  ૫. હે પ્રભુ અમે (ભજનો ગાનારા અને સાંભળનારા) સર્વે પર દયા રાખજો, અને હંમેશાં સાચી દિશામાં ચાલીએ અને આપ સદા અમોને આપના શરણમાં રાખો એજ અભ્યર્થના.

  • સુભાષ પટેલ

   તમે comment લખી તે પણ રામની મરજી. સરસ comment લાગી. આપણી mythology ખરેખર પ્રસંશાપાત્ર છે પણ કાલ્પનિક બનવું અશક્ય.

 • ashvin desai

  પવિત્ર – ધ્હાર્મિક દિવસોમા પન તમારુ સમ્પાદન સમયોચિત
  ચરનામ્રુત – પ્રસાદિ ભક્તિભાવ્થિ નિશ્થાપુર્વક આપિ શકે ચ્હે ,
  તેને સાદર – સાભાર માથે ચદાવતા અત્યન્ત આહ્લાદક આનન્દ્નિ અનુભુતિ થાય ચ્હે . ધન્યવાદ .
  અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા

 • Upendraroy

  I wonder,could you please manage and orgaise to send us complete,”Amrit Sagar”,in pdf form to enable us to down load and take out the hard copy for daily Aradhana?

  This is a wonderfull BHET on”Shravan Mass”” first day !!

  May God and Guru bless you !!!

  upendraroy Nanavati