પ્રેરણાનાં પુષ્પો – હર્ષદ જોષી 3


૧. સંબંધો..

મુસાફરીમાં એક બીજા મળીએ છીએ ત્યારે સંબંધ બંધાય છે તેમાંના મોટા ભાગના સંબંધ અલ્પકાલીન હોય છે. કેટલીકવાર એ સંબંધ કોઈ પ્રસંગના કારણે એટલો મીઠો બની જાય છે કે તે દીર્ધકાલીન બને છે, પડોશનો સંબંધ દીર્ધકાલીન બને છે. પરંતુ એ સ્વભાવ અને વ્યવહાર તથા વર્તણુંક પર આધારિત છે. કેટલીકવાર દીર્ધકાલીન હોવા છતાં અલ્પકાલીન બની જાય છે. નહીંતર કહેવત મુજબ ‘પહેલો સગો પડોશી’ના નાતે તે દીર્ધકાલીન સંબંધ છે.

ફરવા કે બેસવા જવાની નિયમિત ટેવના કારણે પણ સંબંધ બંધાય છે, તે – ‘કેમ છો?’ એટલો મર્યાદિત રહે છે અગર સુખ- દુ:ખના સાથી એવા આપ્તજન જેવો બની જાય છે. સજીવ સંબંધ એટલે માનવ માનવ વચ્ચેનો જ એવો મર્યાદીત અર્થ લેવો એ આપણી સમજ શક્તિની ત્રુટી છે.

એ સંબંધ માનવ-પશુ, માનવ-પંખી વચ્ચેનો પણ હોય છે, જે દીર્ઘકાલીન અને અલ્પકાલીન બંને પ્રકારનો હોય છે. આ સંબંધમાં એકબીજાને હૂંફ-આનંદ-સુખ અને દુ:ખની પ્રાપ્તિ થતી હોય છે. એક ભાઈ સવારે ફરવા જાય છે, બગીચા પાસે એ દરરોજ બિસ્કીટના બે પેકેટ કુતરાને ખવરાવે છે. કુતરા હોંશે હોંશે ખાય છે. એ વખતે એ ભાઈને પુણ્યકરવાનો આનંદ થાય છે. કુતરાને ભૂખની તૃપ્તિનો આનંદ થાય છે તે તેની આંખો અને પૂંછડી દ્રારા વ્યક્ત કરે છે. જે દિવસે એ ભાઈ ફરવા જતા નથી કે બિસ્કીટ લઈ જવાનું ભૂલી જાય છે ત્યારે બંને જણા દર્દ અનુભવે છે – એક ને પુણ્ય નહીં કરવાથી નિરાશાનું અને બીજાને ભૂખ અધૂરી રહી ગઈ તેનું.

બીજા ભાઈ સવારે દૂધ લેવા જાય છે. સમય નિશ્ચિત છે. જુવારના દાણા નાંખે છે, સંખ્યાબંધ પારેવા આવી પહોંચે છે અને તે દાણા ચણી જાય છે. ભાઈને સંતોષ થાય છે કાંઈક ભલું કર્યાનો, પારેવાને સંતોષ છે કાંઈ પ્રાપ્ત કર્યાનો. એ ભોળુ-બીકણ પંખી આ ભાઈથી ડરતું નથી. ત્યાં તે ભાઈનો પ્રેમ પ્રગટ થાય છે.

વર્ષોથી પોતાના આંગણે બાંધેલી ભેંસ ભલે ચરવા જાય તો પણ સાંજે તો તે જ ઘેર પાછી આવે છે. માનવ એને ચારો આપે છે, ભેંસ એને દૂધ આપે છે વિનિમય સમતોલ થાય છે. છતાં બંને વચ્ચે પ્રેમની લાગણીનો સંબંધ બંધાય છે જ્યારે ભેંસ ઘરડી થાય છે ત્યારે સ્વાર્થને કારણે તેને પાંજરાપોળમાં વિદાય કરતી વખતે બંનેની આંખોમાં આંસુ ટપકે છે. ભેંસ અને માનવ બંનેની એક જાતનો સંબંધ છતાં બે કાળમાં વહેંચાયેલો ! આશ્ચર્ય થશે ! પણ વાસ્તવિકતા છે.

ગુરુ – શિષ્યના સંબંધમાં આત્મીયતા હતી, પ્રેમ હતો, વાત્સલ્ય હતું, ગુરુ શિષ્યને સારું આવડે અને વિષયમાં પારંગત બંને તે માટે તેનું દિલ રેડીને અથાગ પ્રયત્ન કરતો. બદલામાં શિષ્ય ગુરુની તન, મન, ધનથી સેવા કરતો, ગુરુને પોતાના વર્તનથી કોઈ ઠેસ નહીં પહોંચેને તેની શિષ્ય કાળજી રાખતો. વર્ષો પછી પણ ગુરુ-શિષ્યને અને શિષ્ય-ગુરુને યાદ રાખતા એ દીર્ઘકાલીન સંબંધ હતો.

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ જ્ઞાન અને અર્થના વિનિમયનો સંબંધ છે. જ્ઞાન મળી ગયું – સંબંધ પૂરો થઈ ગયો, અર્થની પ્રાપ્તિ થઈ ગઈ, સંબંધ પૂરો થઈ ગયો. શિક્ષકના દિલમાં વિદ્યાર્થી પ્રત્યે સ્નેહ પ્રેમ જેવી કોઈ લાગણી દેખાતી નથી. વિદ્યાર્થીમા પણ શિક્ષક પ્રત્યે કોઈ માન કે આદર હોતા નથી. સંબંધ અલ્પકાલીન છે, ગુરુ શિષ્યને જ્ઞાન આપવામાં ઘડિયાળના કાંટા તરફ કદીય નજર સુદ્ધાં નહોતા નાખતા અને શિષ્ય ગુરુની કોઈપણ દક્ષિણાની માંગણી હોય તો તે કોઈપણ પ્રકારે પૂરી કરવામાં પાછીપાની નહોતા કરતા જેનું જવલંત ઉદાહરણ આપણા ધાર્મિક ગ્રંથોમાં આલેખાયેલું પડ્યું છે. ગુરુ-શિષ્યના જીવનના અણમોલ સદગુણો સમજાવતા અને તેનું પાલન શિષ્ય કરે તેવો વિનંતીપૂર્વકનો આગ્રહ રાખતા.

આજે શિક્ષક – ‘શિષ્યને જે કરવું હોય તે કરે પણ મારે તો મારું તરભાણું ભરે’ તે પથ ચાલી રહ્યો છે.

૨.

આજે સવારે અરવિંદભાઈને ઈન્સ્યુલીનનું ઈંજેક્શન આપવા ગયો. ઈંજેક્શન આપતા પહેલા સુગરનું પ્રમાણ કેટલું છે તે માપવાનું હોય છે, તેના માટે સોય પરનું ઢાંકણ હોય છે, સોય નિયત માત્રામાં જ આંગળીમાં પ્રવેશે અને ઓછું લોહી કાઢે એ એનું કામ હોય છે. ખબર ન પડી તે નીચે મૂકાયું અને ખોવાઇ ગયું.

બસ, પછી તેની શોધાશોધ ચાલી, પલંગ નીચે સાફ કરી જોયું. પલંગની ચાદર સાફ કરી, ગોદડું સાફ કર્યું. પીપડાની નીચે તપાસ કરી પણ કોણ જાણે તે ક્યાં ખોવાઈ ગયું. અને બેથી ત્રણ કલાકની મથામણ કરવા છતાં ન મળ્યું.

ઉપાધી એ હતી કે જો એ ન મળે તો દરરોજ આંગળીમાંથી લોહી કાઢવામાં મુશ્કેલી પડે. આંગળીમાં વધુ પ્રમાણમાં સોય ઘૂસી જાય વધુ લોહી નીકળે. સાંજ સુધી ફરી સુગર માપવાનું થયું ત્યાં સુધી તે ન મળ્યું, છેવટે એક વિચાર આવ્યો કે કદાચ કચરાની ડોલમાં હોય તો તપાસ કરીએ જ્યાં હોવાની શક્યતા નહીવત હતી, પણ તપાસ કરતાં તેમાંથી જ મળ્યું અને હાશકારો થયો.

જીવનમાં કેટલીકવાર આપણે જેની અવગણના કરીએ છીએ ત્યાં પણ કેટલીક અમૂલ્ય વસ્તુ પડી હોય છે તેનો ખ્યાલ તેને આપ્યો.
સાથે સાથે તેણે એ પણ અનુભવ કરાવ્યો કે આપણે આપણા મનમાં રહેલા વિચારને, લાગણીઓને, દુ:ખોને, કષ્ટોને પણ વારંવાર તપાસી જવા જોઈએ અને તેની સાફસૂફી કરવી જોઈએ, તો જેમ ઘર સાફ થઈ જાય છે તેમ આપણા દિલ અને મનમાં રહેલી ગંદકી પણ આપણે સાફ કરીએ તો જ હાશકારો – ઢાંકણ મળવાથી થયો તેવો જ હાશકારો – આપણને તંગ કરતાં કેટલાંક ખોટા વિચારોમાંથી છુટકારો મળી જાય અને આપણે પ્રફુલ્લિત જીવન માણી શકીએ. જીંદગીમાઁ અત્યંત નાની વસ્તુનું કેટલું મહત્વ છે તેનો ખ્યાલ પણ આ ઢાંકણાએ આપ્યો છે. આપણે કેટલીક વખત શબ્દો વાણીથી બોલીએ છીએ. માત્ર નાનકડો એકાદ શબ્દ પણ જીવનની ડગર પર ઘણી અસર કરી જાય છે જેનાથી આપણા જીવનનો રાહ પણ બદલાઈ જાય છે. નાની વસ્તુનો પણ અનાદર કરવો એ કેટલીકવાર ખતરનાક પરિણામ લાવી શકે છે તે સમજાયું. કાદવમાં જ કમળ જન્મે છે અને ઉછરે છે એનો પુરાવો પણ નાનકડી સોયે આપ્યો.

અને આ સાથે ઈશ્વરને પૂછવું છે કે કાદવમાંથી ઉત્પન્ન થયેલ એ કમળને જ તું આટલું બધું કષ્ટ કેમ આપે છે? કેટલા સમયથી એ કષ્ટ વેઠે છે, તને તેની જરાપણ પડી નથી? ક્યા કારણથી આ શારીરિક પીડા વેઠવાની અને આટલા લાંબા સમય સુધી? ખબર નથી પડતી, ઈશ્વર તેનો જવાબ પણ નથી આપતો. એ તો એની ટેવ મુજબ મૌન જ ઊભો છે ત્યારે બોલી ઉઠાય છે કે પ્રભુ તારી લીલા અકળ છે.

– હર્ષદ જોષી
(‘પ્રેરણાનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર)

જીવનના અનુભવોને વિચારોની એરણે ચડાવી પ્રાપ્ત થતા વિચારપ્રવાહને એક માર્ગે વાળી, ‘પ્રેરણાનાં પુષ્પો’ એ શીર્ષક હેઠળ શ્રી હર્ષદભાઈ જોષીએ પુસ્તકમાં પ્રસ્તુત કર્યા છે. પ્રસ્તુત બે ચિંતન નિબંધો પણ એ જ પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. પુસ્તક અક્ષરનાદને મોકલવા બદલ શ્રી હર્ષદભાઈનો આભાર તથા અનેક શુભેચ્છાઓ.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “પ્રેરણાનાં પુષ્પો – હર્ષદ જોષી

 • ashvin desai

  અત્યન્ત આવકારદાયક પ્રેરના – નવોદિતો – સ્થાપિતો અને
  પુનહ્૦દિતો માતે પન , કારનકે પ્રતિભા / જિગ્નેશ અધ્યારુ
  આપને ઘેર બેથા ગન્ગા પહો ચાદે / વહાવે ચ્હે , ત્યારે આપને તો , સહેજ જ વાન્કા વલિને , જેતલુ લેવાય એતલુ આચમન લેવાનુ ચ્હે . પરમ ક્રુપાલુ પરમાત્માને વિનન્તિ કે આપનને
  એ લેવાનિ શક્તિ આપે . ધન્યવાદ .
  – અશ્વિન દેસાઈ , મેલબર્ન , ઓસ્ત્રેલિયા