૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ (ભાગ ૩) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 34


૪૧.

નેતાજીએ શાંતીનો સંદેશો પ્રસરાવવા એક કબૂતર ઉડાડ્યું. બે મહીનાથી આજના પ્રસંગ માટે એને પકડીને પાંજરામાં પૂરી રાખવામાં આવ્યું હતું.

૪૨.

આજે ચોરબજારમાં નથ્થુરામ ગોડસેની બંદૂકની હરાજી થઈ. દુર્લભ વસ્તુઓના શોખીનેએ ઉંચી બોલી લગાવી એને ખરીદી. એ જ દુકાનમાં ગાંધીજીની લાકડી કહેવાતો ડંડો એક ખૂણામાં પડ્યો હતો.

૪૩.

આજે મંદિર ખોલતાં જ જીવી ડોસીની આંખો પહોળી થઇ ગઈ. લાલજીની મૂર્તિના બંને કાનમાં રૂના પૂમડાં હતા જેમાથી દવાની ગંધ આવતી હતી. પાછળથી નાનકડા જયુએ આવીને બાના કાનમાં જોરથી કહ્યું, “લે બા, તું રોજ કહેતી હતી ને કે ભગવાન સાંભળતો નથી, તો મેં એને રાત્રે તારી કાનની દવા લગાડી દીધી છે.”

૪૪.

રમણીકલાલે ડીસેમ્બરની ઠંડીમાં સવાર સવારના પાંચ વાગ્યે ઘર પાસે બેઠેલ ગાયને શોધી કાઢી. લોટો ભરીને ઠંડુ પાણી ગાય ઉપર રેડ્યું, ગાયની ચામડી કેટલીય વાર સુધી ફફડતી રહી. રમણીકલાલને પુણ્ય કર્યાનો એટલો સંતોષ થયો કે એમને ખાતરી થઈ ગઈ, આમ રોજ કરવાથી ચોક્કસ સ્વર્ગમાં સ્થાન મળશે.

૪૫.

રતનલાલને નર્મદામાં નહાતા નહાતા પેશાબ લાગી. હવે છેક કિનારે આવી, ઘાટ પરના લગભગ ૪૦ પગથીયા ચડી, ઉપર બનાવેલ બાથરૂમ તરફ જવાના વિચારમાત્રથી થાક લાગવા માંડ્યો. છેવટે એમણે પાણીમાં જ કાર્ય સમાપ્ત કર્યુ.

પાંચ ફૂટ દૂર પુરૂડોસીના દીકરાએ બા માટે નદીનું પવિત્ર પાણી લઇ જવા બોટલ ભરી. ડોસીની ઇચ્છા હતી કે એ જીવે ત્યાં સુધી રોજ પીવાના પાણીમાં એક ચમચી નર્મદાજળ નાખવું.

૪૬.

“હોતું હશે સાહેબ ! તમારા દીકરાને ભણાવવાની ફી લેવાય?” નગરપાલિકાના પ્રમુખને મસ્કો મારી હરેશભાઇએ ફોન મૂક્યો અને સામેની ખુરશી પર બેઠેલા દીનુ સામે જોયું. દીનુ મોચીએ બે હાથ જોડ્યા, “સાહેબ, એક સાથે નહીં પણ ટુકડે ટુકડે ગગાની ફી ભરી શકું એવી કંઈ ગોઠવણ કરી આપો તો ક્રુપા તમારી.. ફી પૂરી આપીશ, ખાલી હપ્તા કરી આપો તો સારૂ..”

હરેશભાઈએ મોં વચકારીને ના પાડી, “હું તો કંઇ ધર્મશાળા ખોલીને બેઠો છું?”

૪૭.

“જો ભાઈ, આપણને બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો એટલે આપણે સૌથી ઊંચા કહેવાઇએ, શું? આ નીચા કુળના લોકોને આપણે મોંએ ન લગાડવાના હોય, શું સમજ્યો ?” રંગોલી હોટલમાં દાલફ્રાયને જીરારાઇસમાં રેડતા રેડતા શ્રીકાંતભાઇએ દીકરા અમિતને કુળજ્ઞાન આપ્યું. જો કે રંગોલી હોટલના રસોડામાં રસોઇ બનાવતો જીવો દલિત હતો.

૪૮.

પુરંદરભાઇએ ટેવ મુજબ બેસણાની જાહેરખબર વાંચવાની શરૂ કરી અને ત્યાંજ તેમની નજર એક ફોટા ઉપર ચોંટી ગઇ. નાનકડું ડુસકું ગળા સુધી આવતા પહેલા ઓરડામાં પ્રવેશતી પત્ની સરીતાને જોતા અટકી ગયો. છાપું એક તરફ મૂકી એ ગેલેરીમાં ગયા.

સરીતાબેને શંકા સાથે છાપું તપાસ્યું અને બેસણાની જાહેરાત જોતા મનોમન મલકી ઉઠ્યા.

૪૯.

દૂરથી જોયું તો કોઇ ગાડીના બૉનેટ પર બેઠું હતું. એ જોઇ એમણે દોટ મૂકી. નજીક આવતા જ જોયું તો બે નાના છોકરાઓ બોનેટ પર હતા, આગળ એક ફુગ્ગાવાળો પોતાની લાકડી બાજુમાં ટેકવી બૉનેટની આગળ ટેકો દઇ, બે હાથ આગળ લઇ ગાડી ચલાવાની એક્શન કરતો હતો. બાળકો ખુશ થઇને તાળી પાડતા હતાં.

આ જોઈ કશું જ બોલ્યા વગર તે પાછા ફર્યા. એ આપણી ગાડી હોત તો?

૫૦.

એક સમાચાર મુજબ સચિવાલયનું રંગરોગાન કરી નવા સ્વરૂપ આપવાના અભિયાન હેઠળ, પીળા પડી ગયેલા ગાંધીજી, ચૂંથાઇ ગયેલ સરદારશ્રી અને ફાટી ગયેલ નહેરુજીના સ્થાને નવા નક્કોર ગાંધીજી, ચોખ્ખા સરદારશ્રી અને સ્પષ્ટ નહેરુજીના ફોટાઓ મૂકવામાં આવશે.

૫૧.

એક પૈસાદાર માણસે લગભગ ૩ કરોડના જંગી ખર્ચે એક વિશાળ ઘર બનાવ્યું પણ અમુક જગ્યાએ પૈસા ખર્ચવામાં તેમણે ખૂબજ કાળજી રાખી હતી. જેમ કે નોકરોની ઓરડીઓમાં તેમણે પ્લાસ્ટર વગરની દિવાલો બનાવી અને પાકું ધાબું ન બનાવતા છાપરાથી જ ચલાવ્યું.

ઘરનું નામ તેમણે પ્રેમથી “સ્વર્ગ” રાખ્યું છે.

૫૨.

આજે દિલસુખશેઠની વસિયત વંચાઈ. દૂર દૂર રહેતા પરીવારજનોને એ વસિયતે ખુશ કર્યા, બસ એક દીકરા જેવા વર્ષો જૂના નોકર સિવાય. છેલ્લા ૩૦ વર્ષથી સેવા કરવા બદલ દિલસુખશેઠે પરિવારનો ભાગ ગણી નોકરનો આભાર માન્યો હતો વસિયતમાં.

પોતાની ઓરડી પર પાછો ફર્યો ત્યારે એના દીકરાએ હોમવર્કની નોટ બતાવી પૂછ્યું “બાપા, આ લીટીની ડાબી તરફ કેમ ન લખાય?”

પિતાએ તેને સમજાવ્યો, “એને હાંસિયો કહેવાય. એ કાગળનો ભાગ ગણાય પણ એનું કોઇ મહત્વ નથી.”

૫૩.

“જા, પાછળની ટાંકીમાંથી બે ડોલ ભરીને શરબતના પવાલામાં રેડી દે. પીનારને થોડી ખબર પડવાની છે કે શરબતમાં પીવાનું પાણી છે કે ટાંકીનું?” રતનલાલ મનીયા ઉપર ચીડાયા.

દર વર્ષે અંબાજી પગપાળા સંઘ માટે રતનલાલ ટેન્ટ બાંધે, સૌ પદયાત્રીઓને પ્રેમથી પકડી પકડીને બેસાડે અને શરબત પીવડાવે. ગામવાળા આ સત્કાર્યમા ફાળો આપવા એમને દર વર્ષે દાન પણ આપે.

એમનો એક જ જીવનમંત્ર “(માણસ) જાતની સેવા કરવી.”

૫૪.

નવા માણસે ગાલ પર ફોમ લગાડી રેઝરમાં બ્લેડ બદલી ત્યાં તો સલૂનના શેઠ ચીડાયા. “ખબર નથી ? સાહેબ તો યૂઝ એન્ડ થ્રો માં જ માને છે. એમના માટે યૂઝ એન્ડ થ્રો રેઝર લેવાનું.” આ દરમ્યાન સાહેબ ફોન પર સતત આવતા કૉલને જોઇને કાપી નાંખતા હતા.

ત્રીસેક વખત કટ કર્યા પછી અંતે સલૂનની બહાર નીકળતાંજ ફોન ઉપાડી તે બોલ્યા, “મેં તને કહ્યું ને, રાત ગઇ બાત ગઇ.. હવે મને કદી ફોન ન કરીશ.” સલૂનનો માણસ મનમાં ચીડાતા બબડ્યો.. “સાહેબ સાચે જ યૂઝ એન્ડ થ્રો માં માને છે..”

૫૫.

શું થાય? રોજની ટેવ એટલે બગીચામાં તો આવી ગયા, પણ સીનીયર સીટીઝન ગૃપ આજે આવવાનું ન હતું. અચાનક બગીચામાં સાવ ખાલી હિંચકો જોયો. પહેલા ધીરે ધીરે અને પછી તો જાણે જગ ભૂલી ગયા હોય તેમ જોર જોરથી હિંચકા ખાવા માંડ્યા. ૬૦ વર્ષ પછી ફરી પાછો એ જ આનંદ મળ્યો. થોડે દૂર કોઇ કોલેજીયન કપલ હસતા હસતા મોબાઇલથી તેમનો ફોટો પાડવા લાગ્યું.

બે ઘડી એ અટકી ગયા. પછી મનમાં હસી જાણે કોઈ જ જોતું ન હોય તેમ જોર જોરથી હિંચકા ખાવા લાગ્યા.

૫૬.

આલિશાન બંગલાના એ.સી. બેડરૂમમાં આળસ મરોડતા એક જણે કહ્યું, “હાશં ! દિવસ ઉગ્યો.”

રેલ્વે સ્ટેશન પર જોરથી પોલીસની લાત પડતા બેન્ચ પરથી નીચે પડતા એક જણ બોલ્યો, “ક્યાં આ દિવસ ઉગ્યો?”

૫૭.

“પપ્પા અત્યારે છોકરાઓ પણ બુટ્ટી પહેરે છે. એને લેટેસ્ટ ફેશન કહેવાય, તમે નહીં સમજો.” બોલી દીકરો ચીડાઇને ઘરની બહાર નીકળ્યો. હતાશ જીવણલાલે પત્નીને કહ્યું, “લે, તને દીકરી ન હોવાનું બહુ દુઃખ હતું ને?”

૫૮.

રતનલાલ જોષી બહુ જ વહેમી માણસ, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ માને. ચોઘડીયું જોયા વગર ઘરની બહાર ન નીકળે. એક ગુરૂવારે સારા ચોઘડીયે સંપૂર્ણ સરસ નક્ષત્રે એ ઘરની બહાર ઈશાન દિશામાં મોં રાખી નીકળ્યા. એક બિલાડી બાજુના ઘરમાંથી નીકળતી હતી અને એનો રસ્તો જોષીજીએ અજાણતાજ કાપ્યો. થોડી મિનિટોમાં એ બિલાડી રીક્ષાની નીચે આવી ગઈ.

૫૯.

પ્રેમમાં પસ્તાયેલા, લગ્નવિચ્છેદ, વશીકરણ, મૂઠ, ભૂતપ્રેત અને આર્થિક તંગીનુ ૧૦૦% ગેરેંટીથી નિવારણ. અમારૂં કરેલ કોઇ ન તોડી શકે.. ૨૪ કલાકમાં ફરક અનુભવો… અમારી વિશેષ લક્ષ્મીપૂજા અને એ ઉપરાંત સ્મશાન નાણાં વિધીથી અઢળક કમાણી કરો અને કરોડપતિ બનો.”

ભાઈબંધ જોડે ત્રીજી વાર રૂપિયા ઉધાર લઇ તાંત્રિક જમનાદાસે ગુજરાત સમાચારમાં આ ટચુકડી જા.ખ. આપી.

૬૦.

ગઇકાલે એ ફોન ઉપર કોઇકને કહી રહ્યોં હતો, “આઈ એમ ફેડ અપ વિથ ધીસ વિલેજ લાઇફ એન્ડ ઈલલિટરેટ પેરેન્ટસ.. એઝ સૂન એઝ આઇ ગેટ વિઝા, આઇ વિલ લીવ ધીસ હેલ.”

અભણ મા-બાપને કંઇ ખબર ન પડી પણ દીકરાને અંગ્રેજીમાં બોલતો જોઇ એને પેટે પાટા બાંધી ભણાવવાના પોતાના નિર્ણય પર ગર્વ થઇ રહ્યો.

– હાર્દિક યાજ્ઞિક

ગુજરાતીમાં માઈક્રોફ્રિક્શન ક્ષેત્રે ખૂબ જ ઓછું ખેડાણ થયું છે, અક્ષરનાદ એ ક્ષેત્રમાં સતત આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને કદાચ અત્યાર સુધીમાં અન્ય કોઈ પણ માધ્યમની સરખામણીએ અહીં સૌથી વધુ આવી અત્યંત ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થતી રહી છે. એ દ્રષ્ટિએ અક્ષરનાદને પ્રયોગખોર કહી શકાય અને હાર્દિકભાઈ એ અખતરાઓમાં અવ્વલ રહ્યા છે. આ જ શૃંખલા અંતર્ગત આજે પ્રસ્તુત છે શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકની વધુ વીસ ખૂબ જ ટૂંકી એવી આ વાર્તાઓ. હાર્દિકભાઈની આ સાથે લગભગ ૬૦થી વધુ વાર્તાઓ પૂર્ણ થઈ રહી છે. આપને તેમની આ પહેલા પ્રસ્તુત થયેલ વાર્તાઓની સરખામણીએ આ નવો પ્રયત્ન કેવો લાગ્યો એ અવશ્ય જણાવશો.


આપનો પ્રતિભાવ આપો....

34 thoughts on “૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ (ભાગ ૩) – ડૉ. હાર્દિક યાજ્ઞિક