સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧) 10


અક્ષરનાદ પર સતત હપ્તાવાર પ્રસ્તુત કરી શકાય એવી કૃતિઓ જેમ કે નવલકથાઓ, વિષયવિશેષ સંપાદિત વાર્તાઓ, ચિંતનલેખો વગેરેની શ્રેણી શરૂ કરવાની ઈચ્છા સ્વરૂપે હવેથી એક નવા વિભાગ તરીકે અક્ષરનાદ પ્રસ્તુત કરે છે પ્રેરણાદાયક જીવનચરિત્રો અને સદાબહાર નવલકથાઓનો અનોખો ભંડાર. આ ચરિત્રો અને નવલકથાઓ પૂર્ણતાને અંતે ઈ-પુસ્તક વિભાગમાં સ્થાન પામશે. આ શ્રેણી એક ચોક્કસ સમયાંતરે પ્રસ્તુત થશે, કદાચ અઠવાડીયે એક વાર કે તેથી ઓછા સમયાંતરે…

આ નવીન શ્રેણીમાં પ્રથમ પ્રયાસ સ્વરૂપે આજથી પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમની પ્રસાદી રૂપ જીવનચરિત્ર ‘સંત દેવીદાસ’. ‘પુરાતન જ્યોત’ માંથી લેવામાં આવેલ સંત દેવીદાસ અને અમરમાંની અનોખી સેવાભેખની આ હ્રદયંગમ વાત આપ સૌને પણ પ્રેરણા અને હકારાત્મક વિચારની અનોખી ભેટ આપશે એવી શ્રદ્ધા સાથે સત દેવીદાસ અને અમરમાંના ચરણોમાં પ્રસ્તુત છે એક અનોખો મનોહર વાતવસ્તાર ‘સંત દેવીદાસ’..

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧)

મૂળ પુસ્તક – પુરાતન જ્યોત

Courtesy Jhaverchandmeghani.com

Courtesy Jhaverchandmeghani.com

મહાશિવરાત્રીનો મોટો તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘૂંટતો હોય તેવી ખુમારીથી ભીતરનાં જળ એ સાંકડા ભોંયરામાં પેસતાં હતાં ને પાછા ઘુમ્મરો ખાઈ ખાઈ બહાર ધસી આવતા હતાં. કોઈ બરકંદાજની નજરથી નિહાળીએ તો જાણે કે રત્નાકર એક પ્રચંડ તોપની અંદર દારૂગોળો ઠાંસી રહ્યો હતો.

સોરઠને ઉગમણે કિનારે એક એકાન્ત સ્થાનમાં અરબી સાગરનું એ અંતર્ગત નાનું તીર્થ આવેલું છે. પૃથ્વીનું પેટાળ ભેદી ભેદીને રત્નાકરે એ ભોંયરું રચ્યું, ને માનવીઓએ કોણ જાણે કયા અકળ કાળમાં એ ભોંયરાને ઊંડે છેડે શિવલિંગ બેસાડ્યું. માનવજાતિનો હરેક મહાન સંસ્કાર જમાને ભયાનકતાનું શરણ લેતો આવ્યો છે. એ જ અવસ્થા ધર્મ નામના માનવસંસ્કારની થતી આવી છે. ધર્મના મૂળીયાં ઢીલાં પડ્યાં ત્યારે એણે ભીષણતાને પોતાની બ અહેન બનાવી લીધી.

રત્નેશ્વર મહાદેવની એ ગુફામાં ધસતાં ને પાછાં ઉલેચાતાં સાગર જળ નિહાળતાં કાચાં હૈયાં થરથરી ઊઠે.

પ્રભાતનો પહોર ચડતો હતો ત્યાં જ પાસેના દિયાળ ગામમાંથી બ્રાહ્મણોના જૂથ ઉમટવા લાગ્યા. તેઓની જોડે લીલાગર ઘૂંટવાનો ખરલો, છીપરો, ઉપરવટણા, ભાંગનો મસાલો ને મોટાં રંગાડાં પણ આવી પહોંચ્યા.

ભરતી પાછી વળી ત્યારે રત્નાકરે રત્નેશ્વરનું ભોંયરૂ ખાલી કરી દીધું, ભયાનકતા દૂર ચાલી ગઈ. બ્રાહ્મણો અંદર ઊતરીને ભોંયરામાં પેઠા ને પાણી પાછું કદાપિ ચડવાનું જ નથી એવા પ્રકારની વિશ્વાસભરી લહેર કરતા સહુએ શિવલિંગ સમક્ષ સુખડ ઘસીને લલાટૉ પર સુંદર ત્રિપુંડો ખેંચ્યા. ગુફાનું પોલાણ ‘બમબમ ભોળા’ના ઘેરા અવાજોથી ભરપૂર બની ગયું.

‘કેદાર !’ બેઠેલા જૂથોમાંથી એક ત્રિપુંડધારીની હાક પડી, ‘તું અહીંથી બહાર નીકળ.’

‘કોણ? કેદારીયો આવ્યો છે? માર્યા રે માર્યા’ એવું બોલતાં બીજાઓએ પણ એક માણસને નિહાળી પોતાનાં આસનો જરા છેટાં જમાવ્યા.

‘બહાર નીકળ આ તીર્થમાંથી !’ પ્રથમ વારનો અવાજ ફરીથી વધુ જોરાવર બની વછૂટ્યો.

‘પણ મારો વાંક શો છે?’ કેદારે દૂબળો સવાલ કર્યો.

‘વાંક?’ બે વાર બોલેલા એ ભવ્ય પુરુષે ફરીથી ગુફાને ગુંજાવી, ‘હજુય તું હાથે ખેડ કરતો અટક્યો છો? તમામ બ્રાહ્મણોએ પોતાની જમીનો કોળીઓને ખેડવા દીધી, તે છતાં તેં હજુ તારી હઠીલાઈ છોડી છે? તારા દેદાર તો જો ! તારું ધરતીનાં ઠેફાં સાથેનું જીવતર, તારા સ્નાન શૌચનાં ઠેકાણાં ન મળે, તારાં લૂગડાં આ ગુફાને ગંધાવી મૂકે તેવાં, તું મનુષ્ય છે? વિપ્ર છે? મહારાજ સિદ્ધરાજે વિપ્રોને આ જમીન આપી તે પશુ જોડે પશુ બનવા માટે? કે ધર્મની રખેવાળી માટે?’

‘પણ પૂજારીજી !’ સુખડ ઘસતા બ્રાહ્મણોમાંથી એક બોલી ઉઠ્યો, ‘તમે એ બધી વાતો કરો છો ને મુદ્દાની વાત પર તો આવતા જ નથી.’

‘શી, શી છે મુદ્દાની વાત?’ બીજાઓએ પૂછ્યું.

‘હા, હું જાણું છું, હું હમણાં જ એ કહેવાનો હતો. કેદાર, તારી માને રક્તપિત્ત છે, છતાં તેં હજુ એને ઘરમાં સંઘરી મૂકી છે. રત્નાકર રોજ રાતે મારા સપનામાં આવીને જવાબ માંગે છે, મને આજ્ઞા કરે છે કે મારો ભોગ મને હજુ સુધી કાં નથી અર્પણ કરી દેતા?’

‘હું શું કરું?’ કેદાર નામનો ચૂપ બેઠેલો ખેડુ બ્રાહ્મણ બીતો બીતો બોલ્યો. એના શરીર પર કંગાલી છવાઈ ગઈ હતી, એના માથામાં ઉંદરીની રસી વહેતી હતી ને એને ગળે, હાથે, પગે છારી વળી ગઈ હતી. આસપાસ બેઠેલા તમામ ઘાટીલા, નાજુક, સ્વચ્છ ને રંગીલા દેખાતા વિપ્રો વચ્ચેથી કેદારની શિકલ બહાર તરી નીકળતી હતી.

‘શું કરું એટલે, ભાઈ?’ પૂજારીનો સૂર જરા નરમ પડ્યો. ‘રક્તપિત્ત એ રોગ નથી, બાપા ! એ તો પાપ છે, મહાપાપ છે. એ પાપ પૃથ્વી ઉપર સમાય નહીં. એ પાપ તો એકલી તારી માને જ નહીં, પણ તારા કુળને, તારાં બાળબચ્ચાંને, તારા વંશવેલાને, અરે, આખા ગામને ભરખી જશે. એ પાપને તો સંઘરે છે એક મારો નાથ રત્નાકરદેવ. હવે સમજ પડી?’

કેદાર આ બધું સાંભળતો હતો, ત્યારે એનું મોં એનાં બે ઘૂંટણોની વચ્ચે દટાયું હતું. પોતાની આંખોને એણે બે હાથની અદબની પાછળ છુપાવી દીધી હતી.

‘સમજ પડી કે, બાપા?’ એ સવાલ ફરીથી સંભળાયો.

કેદારે માથું ઊંચું કરીને પૂજારી સામે ડોકું હલાવ્યું ત્યારે એની પાંપણો ભીની હતી.

‘જા, ઉઠ ત્યારે, તારી માં પાસે સંકલ્પ કરાવ. આવતી પૂનમનું પ્રભાત અતિમંગલ છે. હું મધુવન, મેથળા, કોટડા, કળસાર, ગોપનાથ, તળાજું વગેરે સ્થાનોમાંથી વેદવાન વિપ્રોને તેડાવું છું. જા, તું તારી માને મનાવ. કહેજે કે આમાં તો મહાપાપનું નિવારણ રહ્યું છે. ને જન્મ્યું તેને એક વાર મરવું તો છે જ ને?’

‘ને વળી પૂજારીજી !’ બીજા વિપ્ર બોલી ઊઠ્યા, ‘આ રોગ લઈને જીવવું એ તો મરવા કરતાંય વધુ ભયાનક નરકવાસ જ છે ને?’

‘ને આપણે આંગણે રત્નેશ્વર બિરાજેલ છે. આપણું ગામ તો અનેક આવાં મહાપાપીઓનું, અશરણોનું શરણ છે. આ ટીંબે તો ગામેગામથી પતિયાં, કોઢિયાં રત્નાકરને ખોળે બેસવા ચાલ્યાં આવે છે. તો પછી તીર્થ જ જેઓનું છે તેઓના જ શા ભોગ કે તેમને લાભ લેવાનું સૂઝતું નથી?’

કેદાર ત્યાંથી ઉઠ્યો.

* * * * * * * * * * * * * * *

‘મને કોઈ લોટો પાણી દેશો?’

એ ક્ષીણ અવાજ ઢોરની નીરણ ભરવાના ઓરડાના ઉંડાણમાંથી આવતો હતો. બાજુના ઓરડામાંથી કોઈ જવાબ દેતું નહોતું. ફરીથી એનો એ જ સાદ નીકળ્યો, ‘વહુ બેટા, મને એક લોટૉ પાણી રેડશો? તરસ બહુ લાગી છે.’

ફળીમાં બીજા ત્રણચાર ઘર હતાં, ત્યાંના રહીશો આ પાણીની માંગણી સાંભળતા હતા; ને અંદરઅંદર વાતો કરતાં હતાં કે ‘કોઢણી બોકાસા નાંખે છે, વહુ ઘરમાં લાગતી નથી. શું કરવું બાઈ? રોજનું થિયું, એનો ઓછાયોય ભેંકાર કે’વાય, માડી !’

આટલી વાતો પતાવીને પછી પાછા પડોશીઓ પોતપોતાને કામે લાગતાં હતાં, કોઈક સ્ત્રી બોલી ઊઠતી, ‘ઠીક સાંભર્યું, મારી વાછડી ક્યારની ભાંભરડા દિયે છે, તરસી થઈ હશે, લે પાણી પાઉં.’ એમ બોલીને એ પોતાની વાછડીને પાણી પાવા દોડતી હતી.

પરસાળ ઉપરના પાણીયારા નીચે ત્રણ ચાર સડેલા તેમ જ સાજાંતાજાં કૂતરાં આવી કુંડામાંથી પાણી પી જતાં હતાં, નીચે પડેલ હાંડાની અંદર પણ જીભ નાંખતા હતાં. એ સહુને પાણી મળી રહેતું, પણ ઘાસના અંધારા ઓરડામાંથી ‘કોઈ પાણી દેશો?’ ના અવાજની સંભાળ લેવા ત્યાં કોઈ નહોતું ડોકાતું.

(ક્રમશઃ)

– ઝવેરચંદ મેઘાણી

આ નવલકથાના બધા જ ભાગો નવી સંગ્રહ કડી ‘સંત દેવીદાસ‘ પરથી પણ, જેમ જેમ ઉપલબ્ધ થતા જશે તેમ તેમ વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૧)