આખ્યાનનું હાર્દ – ઈશ્વર પેટલીકર 3


પ્રહલાદનું આખ્યાન નાનપણમાં સાંભળતાં મને એ સંસ્કાર પડેલા કે હિરણ્યકશિપુ પાપી છે અને પ્રહલાદ પુણ્યશાળી છે. આજે એ આખ્યાન ફરી વાંચતાં પ્રહલાદની ભક્તિનો મહિમા એટલો જ રહ્યો, પણ હિરણ્યકશિપુ પ્રત્યે જે ધિક્કાર હતો તે ચાલ્યો ગયો. એણે પુત્ર ઉપર આટલો બધો અત્યાચાર કેમ કર્યો, તેનો વિચાર કરતાં નને નવું દર્શન થયું.

હજારો વર્ષ ઉપરના હિરણ્યકશિપુની વાત જવા દઇએ અને આજની જ વાત લઇએ, આપણે હિંદુ હોઇએ અને આપણને ખબર પડે કે આપણો દીકરો મસ્જિદમાં જઇને નમાઝ પડે છે, તો આપણે શું કરીશું? આપણે મુસલમાન હોઇએ અને આપણો દીકરો શિવમંદિરમાં જઇ મૂર્તિને પગે લાગે, તો આપણે શું કરીશું?

આપણા સમાજના એક હિંદુએ વીસમી સદીના આરંભે, મોટી ઉંમરે, શ્રદ્ધાપૂર્વક, કોઇ પણ જાતના સ્વાર્થ વિના ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો ત્યારે આપણે શું કર્યું હતું? એમનાં ખંડકાવ્યોથી ગુજરાતી સાહિત્યમાં જે અમર છે, તે કવિ ‘કાન્તે’ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો, ત્યારે એમનો કેવો બહિષ્કાર થયો હતો ! બળવાખોર ગણાતા સાક્ષર બળવંતરાય ઠાકોરે એમના આ પગલાના વિરોધમાં લખી જણાવ્યું : આપણી મૈત્રીનો હવે અંત આવે છે !

આજે આપણને હાસ્યાસ્પદ લાગે કે કોઇ હિંદુ હોય કે ખ્રિસ્તી, મૈત્રીમાં શો બાધ આવે, ભલા? તે કાળે આપણું સમાજજીવન એટલી ધાર્મિક દીવાલોથી જકડાયેલું હતું કે એની બહાર જઇને પ્રતિષ્ઠાભેર જીવવું અશક્ય થઇ પડતું હતું. કવિ ‘કાન્ત’ ને એ જ વાતાવરણની ગૂંગળામણથી પાછું હિન્દુ થવું પડ્યું !

આ ભૂમિકાને સ્વીકારીને હજારો વર્ષ પહેલાંનાં ધર્મનાં બંધનોનો ખ્યાલ કરીએ, તો હિરણ્યકશિપુનું પગલું સમજી શકાય તેવું છે. પુરાણકાળમાં ધર્મયુદ્ધો દ્વારા એક ધર્મ બીજા ધર્મ ઉપર પોતાની સર્વોપરિતા સાબિત કરવા પ્રયત્ન કરતો. એ કાળમાં અસુરકુળના હિરણ્યકશિપુનો દીકરો પ્રહલાદ આર્યકુળના ઇષ્ટદેવને ભગવાન માને, તે પિતાથી કેમ સહ્યું જાય? પોતાનો મનપસંદ ધર્મ પાળવાનો એને હક છે, એમ સમજીને પ્રહલાદે પિતાની વાત માની નહીં, એટલે તે પુત્રને મારી નાખવા તૈયાર થયો. તેનું કારણ ધર્મઝનૂન છે. પોતાનો દીકરો પરધર્મી બને તે એનાથી સહી શકાતું નથી. આથી ધર્મઝનૂનમાં અંધ બની એ દીકરાનો નાશ કરવા તૈયાર થયો છે. હિરણ્યકશિપુ રાક્ષસ છે, પાપી છે, એ દૃષ્ટિએ જોવાનો અર્થ નથી. પરંતુ એ જમાનામાં ધર્મઝનૂન કેવું હતું તે જોવાનો પ્રયત્ન કરવામાં આવે, તો તેની નિર્દયતાને પામી શકાય.

આ ઝનૂન કેવળ અસુરોમાં હતું એવું પણ નથી. રામ જેવા આદર્શ રાજવીમાં પણ તે સંસ્કાર જોવા મળે છે. વનવાસ વખતે રાવણની બહેન શૂર્પણખા રામ-લક્ષ્મણ પાસે લગ્નની માગણી મૂકે છે. રામના કહેવાથી લક્ષ્મણ તેનાં નાક-કાન કાપી લે છે. રામમાં જે સંસ્કાર આપણે જોઇએ છીએ તે જોતાં, એ સ્થાને આર્યસ્ત્રી હોત તો એમણે એવી શિક્ષા ન કરી હોત. અસુરોનો નાશ કરવામાં કંઇ પાપ નથી, એવું આર્યઝનૂન ત્યાં જોવા મળે છે.

આજે પણ એવું ઝનૂન બીજી રીતે જોવા મળે છે. પોતાનો છોકરો કે છોકરી પરજ્ઞાતિમાં પરણવા તૈયાર થાય, તો એના ઉપર જોરજુલમના પ્રયત્નો હજુ ચાલુ છે જ. એક વખત દીકરી પરણી ગઇ હોય તે પછી પણ, એ લગ્ન મંજૂર ન રાખતાં તેને પૂરી રાખી એ પગલું ભૂંસી નાખવાના પ્રયત્નો થયા છે. એ રીતે પરણી ગયેલી દીકરી માટે ઘરનાં દ્વાર બંધ કરી વાત્સલ્યને કચડી નાખવાની હદ સુધી માબાપ ગયાં છે.

પ્રહલાદનું આખ્યાન પ્રથમ તો એ શીખવી જાય છે કે પિતાના ઇષ્ટધર્મ કરતાં પુત્રનો ઇષ્ટધર્મ જુદો હોઇ શકે. એ પાળવાનો પુત્રને સંપૂર્ણ હક છે, પિતાને એ અંગે વિરોધ કરવાનો હક નથી. એવી પ્રામાણિક માન્યતાને કારણે પુત્ર પિતાની આજ્ઞાનો અનાદર કરે, તો તે પુત્રધર્મ ચૂકે છે તેવું ન માનવું જોઇએ. કોઇપણ માન્યતા અંગે પિતાપુત્ર વચ્ચે પ્રામાણિક મતભેદ ઊભો થાય, તો પુત્રને પોતાની માન્યતા પ્રમાણે વર્તવાની છૂટ છે. તે માટે પિતાનો ખોફ વહોરવો પડે, તો વહોરવા તૈયાર રહેવું જોઇએ.

એવો ખોફ ઉતારનાર વડીલોને હિરણ્યકશિપુનું પાત્ર સહિષ્ણુ થવાનો બોધ આપે છે. હિરણ્યકશિપુનું પગલું સાચું નથી એમ જો વડીલો માનતા હોય, તો પોતાના ઘરના પ્રહલાદના પ્રસંગ વખતે એમનાથી એવું પગલું ન ભરાય, એમ તેમણે સમજવું જોઇએ.

આમ તો આપણે બધા કહીએ છીએ કે, પ્રહલાદનું આખ્યાન અમે સાંભળ્યું છે. એ સાંભળ્યા છતાં જો દીકરાની ભિન્ન માન્યતા વખતે એને તેમ વર્તવાની સંમતિ સહિષ્ણુતાપૂર્વક ન આપીએ, તો આખ્યાનનું હાર્દ આપણે પામ્યા છીએ તેમ ન કહી શકીએ.

– ઈશ્વર પેટલીકર

સાભાર પુસ્તક ‘ભાઈ, દીકરો અને પાડોશી’, ખીસાપોથી, પ્રકાશક – લોકમિલાપ ટ્રસ્ટ, સંપાદક – શ્રી મહેન્દ્ર મેઘાણી

બિલિપત્ર

ધર્મ સંસ્કારનો સાર છે અને સંસ્કાર એ જ ધર્મનું સ્વરૂપ છે.

– પોલ ટિલિચ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “આખ્યાનનું હાર્દ – ઈશ્વર પેટલીકર

  • M.D.Gandhi, U.S.A.

    આજે પણ મોટા શહેરોમાં માબાપને સંતાનો માટે આપવાનો સમય નથી, એટલે બાળકો એમનું મનમાન્યું કરવાના અને માબાપોએ ન છુટકે સંતાનોનું મન રાખવું પડે છે, પણ નાના શહેરમાં કે ગામડામાં, ખાસ કરીને હરિયાના, પંજાબ વગેરેમાં હજી માબાપો સંતાન ઉપર પોતાનું વર્ચસ્વ રાખતા હોય છે.

  • Rajesh Vyas

    આવી ઘટનાઓમાં ફરક સમજણ અને અનુભવનો હોય છે. પિતા પોતાના સમય ને જ સનાતન માની ને નવું સ્વીકારી નથી શકતાં અને પુત્ર કે પુત્રી પોતાના સમય ને જ સનાતન માની ને પિતા ન અનુભવ ને પિતાની માન્યતા ગણવાની ભુલ કરી બેસે છે.

    રાજેશ વ્યાસ “જામ”