કો’કના તે વેણને વીણીવીણીને, વીરા !
ઉછી – ઉધારાં ન કરીએ
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માંગે
ને મોરલો કોઈની કેકા,
માનવીનું કાળજ તેં કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા ?
રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના ?
પોતાને તુંબડે તરીએ
હૈયે ઉગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોઈ કોઈ સંભારે રામટેકરી
કોઈ ઓઢા હોથલની ગુહા
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ક્યાંક દરદે નીંગળતા દુહા,
જીવતીને જાગતી જીવનની ખૉઈમાં
કોઈની ભભૂત ન ભરીએ
હૈયે ઉગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
પોતાની વાંસળીને પોતે બજાવીએ
ને રેલાવી દઈએ સૂર
ઝીલનારું એને ઝીલી લેશે
ભલે પાસે જ હોય કે દૂર
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા,
વીરા ! જીવતાં ન આપણે મરીએ.
હૈયે ઉગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
– મકરન્દ દવે
સુખ અને આનંદ વચ્ચેની એક ખૂબ પાતળી ભેદરેખાને ઓળંગવી એ આપણા સૌ માટે એક પ્રાણપ્રશ્ન છે. ભૌતિક કે અન્ય સુખોને આનંદ સમજી લેનારાને એની પાછળ જીવનના અમૂલ્ય વર્ષો ખર્ચ્યા પછી, એને પ્રાપ્ત કરવા આકરી કિંમત ચૂકવનારને આખરે એમાંથી આનંદની પ્રાપ્તિ નથી થતી ત્યારે જીવન એવા વળાંક પર આવીને ઉભું હોય છે કે જ્યાંથી પાછું વળીને જોતા આનંદની અનેક ક્ષણ સુખ માટેના સાધનોની પ્રાપ્તિમાં રોળાઈ ગયેલી દેખાય છે, આનંદની એ જથ્થાબંધ ક્ષણોને માણવા સુખ માટેના સાધનોને જતા કરવાનું સૂચવતું આ ગીત સાંઈ મકરન્દની આપણી ભાષાને અનોખી ભેટ છે.
‘હૈયે ઉગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએ’ કહીને કવિ શો ઈશારો કરવા માંગે છે? ‘પોતાના તુંબડે તરીએ’ અને ‘ઝીલનારું એને ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર’ જેવા પથદર્શકો પ્રયોજીને કવિ જીવનને ભરપૂર આનંદ સાથે જીવવાનો સરળ રસ્તો ચીંધે છે, પણ આપણને એ દેખાય તો ને !
બિલિપત્ર
કોક દી રે નવરાશ વેળાએ આવજો આંહી નિશંક,
બેસશું કૂણાં ઘાસ પરે આ જામફળીને અંક
– મકરન્દ દવે
આપણા દુખનુ કેટલુ જોર!!!!!!!!!!!!!!!!!!
સુખ અને આનદ આપણે જ શોધી લેવાની સરસ વાત કરતુ કવિશ્રી સાઈ મકરંદની આ રચના સચોટ હ્રદય સ્પર્શી બની રહે છે…………….
મકરંદ દવે એટલે મકરંદ દવે !
Happiness is not somthing ready made, it happens with our own actions. આ કથન ને સમર્થન આપતી પુજનિય મકરંદભાઈ ની કવિતા પ્રસ્તુત કરવા બદલ આભાર સહ અભિનંદન.
મકરન્દભાઈ અને એમનિ કવિતા એતલે પ્રાર્થનાનિ કક્ષાનિ
દૈવિ પ્રસાદિ – આપન સર્વનુ ધનભાગ્ય . ધન્યવાદ
અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા
Very good also bilipatra
મકરંદ દવે આપણા માટે ,એટલે કે ગુજરાતી સાહિત્યના ગૌરવ સમાન છે.એમની કવિતાઓ માં જીવન ની સચ્ચાઈ અને ઊંડાણ હોય છે.
કોયલ કે મોર જેવાં પંખીઓ કાઈ માંગે છે?આપણે જ કેમ માગવું પડે છે?ઈશ્વર પાસે !એ મતલબનો એક શેર છે:
“મૈને એ સોચકર તસ્બી હી તોડ દી
,કે ક્યાં માગું ગીન ગીન કર ઉસસે,
જો બેહિસાબ દેતા હૈ.”