આખ્યાનનું હાર્દ – ઈશ્વર પેટલીકર 3
પ્રહલાદનું આખ્યાન નાનપણમાં સાંભળતાં મને એ સંસ્કાર પડેલા કે હિરણ્યકશિપુ પાપી છે અને પ્રહલાદ પુણ્યશાળી છે. આજે એ આખ્યાન ફરી વાંચતાં પ્રહલાદની ભક્તિનો મહિમા એટલો જ રહ્યો, પણ હિરણ્યકશિપુ પ્રત્યે જે ધિક્કાર હતો તે ચાલ્યો ગયો. એણે પુત્ર ઉપર આટલો બધો અત્યાચાર કેમ કર્યો, તેનો વિચાર કરતાં નને નવું દર્શન થયું. પ્રહલાદનું આખ્યાન પ્રથમ તો એ શીખવી જાય છે કે પિતાના ઇષ્ટધર્મ કરતાં પુત્રનો ઇષ્ટધર્મ જુદો હોઇ શકે. એ પાળવાનો પુત્રને સંપૂર્ણ હક છે, પિતાને એ અંગે વિરોધ કરવાનો હક નથી. એવી પ્રામાણિક માન્યતાને કારણે પુત્ર પિતાની આજ્ઞાનો અનાદર કરે, તો તે પુત્રધર્મ ચૂકે છે તેવું ન માનવું જોઇએ. કોઇપણ માન્યતા અંગે પિતાપુત્ર વચ્ચે પ્રામાણિક મતભેદ ઊભો થાય, તો પુત્રને પોતાની માન્યતા પ્રમાણે વર્તવાની છૂટ છે. તે માટે પિતાનો ખોફ વહોરવો પડે, તો વહોરવા તૈયાર રહેવું જોઇએ.