પત્રકારત્વ : સાહિત્યનું સબળું અંગ – ઝવેરચંદ મેઘાણી 3


પત્રકારત્વને સાહિત્યનું નબળું અંગ ગણનારાઓ પાસે મોટામાંમોટી દલીલ એ હોય છે કે પત્રોમાં આવેલું લેખન પુખ્તપણે વિચાર્યા વગરનું અને ત્વરિત ગતિએ લખાયેલું હોય છે.

આવી દલિલો કરનારા ભૂલી જાય છેકે નર્યા સાહિત્યકારોમાંના ઘણાનાં, સર્જન પત્રકાર કરતાં પણ વધુ ત્વરિત ગતિએ લખાયેલા હોય છે. શ્રી ક. મા. મુનશી જેવા કેટલાય સાહિત્યકારોનાં પોતાના ખૂબ પ્રશંસા પામેલા પુસ્તકો પણ એક બાજુ કંપોઝ થતું હોય છે, ત્યારે બીજી બાજુ ઝડપથી લખેલા હોય છે. આજના યંત્રને, ગ્રાહકોને અને સમયને પહોંચી વળવા લગભગ દરેક સાહિત્યકારને પોતાના લેખનની ઝડપ વધારવી જ રહી. શ્રી રમણલાલ વ. દેસાઈનાં પુસ્તકોમાંના દરેક પાંચ પાંચ દસ-દસ વર્ષની હળવી ધીમી વિચારણા કે હલવા ધીમાં લેખનમાંથી નથી જનમ્યાં.

બીજીબાજુએ જોઈએ તો સ્વ. લોકમાન્ય કે ગાંઘીજી, મશરૂવાળા કે કાલેલકર, નવલરામ કે આચાર્ય આનંદશકર ધ્રુવના સામાયીકોમાં પ્રસિદ્ધ થયેલા લેખો, ભાષણો કે નિવેદનો આજે પુસ્તકારૂઢ થવા પામ્યા છે, એ જ એના પુરાવા રૂપ છે કે પત્રકારત્વમાં સ્થાન પામતું બધું લખાણ અપરિપક્વ, વગર વિચાર્યું, અતિ ઉતાવળું અને ક્ષણજીવી હોય છે એમ ન કહી શકાય.

એથી ઊલટું, પત્રકારત્વને આપણે નવા સર્જકો અને નવા વિવેચકો આપ્યા છે. નવા નવલકથાકારો અને નવા કવિઓ આપ્યા છે. પત્રકારત્વે એકલા લલિત વાંગ્મય જ નહીં પણ સાહિત્યના બધા પ્રકારોને પોષી ઉત્તેજીને  જ્ઞાન, વિદ્ધતા, જે કલા ચોક્કસ વર્ગના ગણ્યાગાંઠ્યા લોકોના ભોગ સમાં હતાં એને બંધિયારપણામાંથી મુક્ત કરીને આમજનતા સુધી પહોંચાડવાનાં છે.

જેમ અંગ્રેજી પત્રકારત્વને આનાતોલ ફ્રાંસ, ડિકન્સ, કિપ્લિંગ, એડવિન આર્નોલ્ડ, બર્નાડ શૉ, સ્કૉટ જેમ્સ અને હ્યુ વોલપોલ જેવા સાહિત્યકારો આપ્યા તેમ સ્વ. હાજી મહમદ અલરખિયાના ‘વીસમી સદી’ એ પણ આપણને જે સાહિત્યકારો અને કલાકારો આપ્યા છે એનું તો મૂલ્યાંકન થઈ શકે તેમ નથી અને ત્યાર પછી પ્રસિદ્ધિ પામેલા ઘણા ઓછા સાહિત્યકારો એવા હશે કે જેનો સાહિત્ય વિકાસ પત્રકારત્વને આભારી ન હોય.

પત્રકાર સાહિત્યને અપ્તરંગી દુનિયાનો જેટલો સ્વમાનુભાવ થાય છે એટલો ભાગ્યે જ નર્યા સાહિત્યકારને થાય છે. કારણ એ છે કે પત્રકાર – સાહિત્યકાર પાસે પ્રજાજીવનની બંને બાજુ રજૂ થાય છે. રોજેરોજની અવનવી ઘટનાઓ, કુતૂહલ પ્રેરક પ્રસંગો, રહસ્યમય બનાવોની થોકબંધ સામગ્રી પત્રકાર-સાહિત્યકારના ટેબલ પર ખડકાય છે.

વ્યક્તિજીવનનું કે સમૂહજીવનનું જે રહસ્ય પામવા માટે નર્યા સાહિત્યકારને વર્ષો રખડપાટ કરવી પડે છે તે પત્રકાર સાહિત્યકારને સહજ સુલભ હોય છે. પત્રકાર સાહિત્યકારને માત્ર જગત સાથે ના સતત જીવતા સંપર્કમાં રહીને એ ઘટના, એ બનાવો કે પ્રસંગોને માનવજીવનના રહસ્યની કસોટીએ ચડાવીને સાહિત્યનો કલાદેહ જ આપવાનો રહે છે.

નર્યા સાહિત્યકારના સ્વાનુભવ પાછળ નથી હોતી તેવી વિપુલ સામગ્રી પત્રકાર સાહિત્યકારના સ્વાનુભવ પાછળ પડેલી હોય છે.

પત્રકાર સાહિત્યકાર કે નર્યા સાહિત્યકારના સ્વનુભવનું આત્મસંવેદન જ્યારે પ્રગટીકરણ માંગે છે. ત્યારે છ – બાર માસની રાહ જોવા સિવાય સીધો અક્ષરદેહ જ ધારણ કરે છે; જેવી રીતે કોઈ કવિનું સંવેદન શીઘ્રતાથી કાવ્ય ધારણ કરે છે તેવી રીતે. એટલે પત્રકાર સાહિત્યકારની શીઘ્રલેખન શક્તિ પાછળ કે ત્વરિત ગતિએ લખાયેલા લેખનના હર કોઈ પ્રકાર પાછળ પણ રોજેરોજનો જીવંત સ્વનુભવ બોલી શકે છે.

શીઘ્રલેખનની શક્તિ એ દુર્ગુણ નથી, પણ ગુણ છે. વિચારકેન્દ્રને વફાદાર રહીને, ત્વરિત ગતિએ લખેલું જોખમભર્યું લેખન હરકોઈ સાહિત્યકારની સર્જન શક્તિને જેબ રૂપ છે..

એથી ઉલટું, જેમ મહાદેવ દેસાઈએ કહ્યું તેમ, ‘અતિવિલંબિત ગતિએ ચીપીચીપીને, અસ્પષ્ટપણે લખાતું અને લેખક હવામાં છે કે પૃથ્વી ઉપર એનો મુશ્કેલીથી આભાસ આપતું લખાણ પુસ્તકાકારે ગોઠવાયેલું હોવા છેતાં તે સાહિત્ય નથી.’

દિનરાત ભેજાંને વલોવી વલોવીને ઓછી કમાણી રળતા પત્રકારને સત્યાસત્ય તારવવાની, સાહિત્યસર્જનનો કાચો મસાલો તૈયાર કરવાની, જીવન રહસ્યની નિકટતા પામવાની અને બહુમૂલ્યો અનુભવો મેળવવાની જે તક મળે છે તે નર્યા સાહિત્યકારને વિરલ કિસ્સામાં જ મળે છે. એ જ રીતે પ્રજાનું સંસ્કાર ઘડતર કરવાનો, સુંદર વિચારોને પ્રચાર કરવાનો વધુ યશ આજે પત્રકારના ફાળે જ નોંધી શકાય.

એટલે પત્રોમાં આવતું અને પત્રોકારોએ લખેલું બધું લખાણ વિભ્રમ ફેલાવનારું, આવેગીલું, ઓછા સત્વવાળું અને અલ્પજીવી છે એમ કહેવું એ જ સત્વહીન, આવેગીલું અને વિભ્રમ ફેલાવનારું છે એમ કહી શકાય.

– ઝવેરચંદ મેઘાણી, ફૂલછાબ, ૧૦-૧૦-૧૯૪૧


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “પત્રકારત્વ : સાહિત્યનું સબળું અંગ – ઝવેરચંદ મેઘાણી