આચમન.. (કેટલાક વિચારપ્રેરક લખાણો) – સંકલિત 12


માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. વિચાર કરવામાં વાચન સહાયક નીવડે છે, પણ વિચારશીલ માણસ માટે વાચન અનિવાર્ય જ છે એવું યે નથી. અનેક સ્ત્રી-પુરુષો વાંચી નથી શક્તાં. છતાં તેઓ વિચારી તો શકે જ છે. વાચનથી આપણને અનેક વિચારબિંદુઓ મળે છે, આપણી માહિતિ વધે છે; જીવન વિશેની આપણી સમજણને વાચન વધારે છે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે એ વિશેનું અનુભવામૃત આપણે વાચન દ્વારા પામીએ છીએ.
– પુરુષોત્તમ ગ. માવળંકર

આપણી કુટુંબરચના સ્ત્રીની લાચારી પર, આપણી ઉત્પાદનપદ્ધતિ મજૂરોની કંગાલિયત પર અને આપણી સમાજવ્યવસ્થા અછૂતોની હીનતા પર ટકેલી છે. તે એક અમાનવીય જીવનપદ્ધતિ છે. આને સ્થાને બીજી જીવનપદ્ધતિ લાવવાનો ઈલાજ જીવનશિક્ષણ છે.
– પી. મૂર્તિ (અનુ. નરોત્તમ પટેલ)

આજે જે સદગુણો સમાજના હાડમાં પચી ગયેલા દેખાય છે તે એકાદ જમાનાના જબરદસ્ત પ્રચારને લીધે જ લોકસહજ થયેલા છે. માંસાહારનો ત્યાગ, અતિથિસત્કાર, ભાઈ-બહેનનાં લગ્નનો અભાવ, વહેવારમાં જળવાતું ઘણુંખરું પ્રામાણિકપણું – એ બધાં સદગુણો સમાજે કેળવણીથી સિદ્ધ કરેલા છે.
– કાકા કાલેલકર

આનંદશંકર ધૃવે એક વાર કહેલું કે હિંદને સ્વાતંત્ર્યપ્રાપ્તિમાં ખુદ અંગ્રેજો તરફથી જેટલો ફાયદો થવાનો છે તેટલો કોઈ બીજાથી નથી થવાનો; એમના લોહીમાં જ એટલું પ્રજાસ્વાતંત્ર્ય ભરેલું છે કે એમના દાખલ કરેલા રાજ્યતંત્રમાં એ જાણ્યે-અજાણ્યે આવી જ જાય. પણ જીવનનાં છેલ્લા પાંચ સાત વરસમાં અંગ્રેજો પરની તેમની આ આસ્થા ઉડી ગયેલી.
– રામનારાયણ વિ. પાઠક

સાહિત્ય અને કેળવણીના ક્ષેત્રની કામગીરીની છેવટની ફળશ્રુતિ તે જીવનને સમૃદ્ધ કરવું, લોકશાહીને સાંસ્કૃતિક રીતે પગભર બનાવવી, એ નથી શું? દેશની વસ્તીના ૨૦ ટકા લોકો હરીજનો અને આદીવાસીઓ છે. તેમાં પછાત જાતિઓના લોકોને ઉમેરીએ તો કુલ ૭૦ ટકા વસ્તી થાય. ૭૦ ટકા લોકો ન-ઈચ્છવા જેવી સ્થિતિમાં જીવન ગુજારતા હોય તે સંજોગોમાં કોઈ લોકશાહી સાંસ્કૃતિક, આર્થિક કે સામાજીક રીતે પગભર થઈ શકે નહીં.
– ઉમાશંકર જોશી

લોખંડનો એક ટુકડો વહેંચો તો તેમાંથી એક રૂપિયો ઉપજે, તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઉપજે, તેમાંથી બધી સોય બનાવી નાખો તો ૬૦૦ રૂપિયા ઉપજે, અને નાળ કે સોયને બદલે ઘડીયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો ૫૦૦૦૦ રૂપિયા ઉપજે. લોખંડતો એનું એ અને એટલું જ છે, પણ જેટલું એનું ઘડતર એટલું એનું મૂલ્ય વધે.

માણસ વિશે પણ એવું જ છે.

– નવલભાઈ શાહ

શાળાનાં માત્ર બે જ ટકા બાળકો કલાકાર બનવાનાં છે એમ જાણવા છતાં સહુને ચિત્રકળાનું શિક્ષણ આપવું જોઈએ. દરેક બાળકના હ્રદયમાં સૌંદર્ય માટે પ્રેમ જાગે અને નાની નાની ચીજોમાં રહેલા સૌંદર્ય સાથે એ તાદાત્મ્ય સાધે, તે ચિત્ર શિક્ષણનો પ્રથમ હેતુ છે. વળી એની અવલોકનશક્તિનો પણ એ રીતે વિકાસ થાય. એની વાણીમાં, વર્તનમાં, કાર્યમાં અને ચારિત્ર્યમાં સુઘડતા, સંવાદિતા અને ચેતના લાવવી એ ચિત્રકળાનું જ કામ છે.
– મોહનલાલ પંચાલ

ડુંગરનું ચઢાણ આકરું હતું. યાત્રાળુ સૌનાં મોં પર થાકનાં ચિહ્ન દેખાતાં હતાં. સૌ બોજારહિત થઈ ચાલતાં હતાં, છતાં હાંફતા હતા. બધાની સાથે એક બારેક વરસની છોકરી પણ ચડતી હતી, કેડે ચારેક વરસનો છોકરો તેડ્યો હતો. કોઈને દયા આવી, પૂછ્યું, ‘અલી છોડી, આ ઓકરાને ઉંચકીને ચડે છે તે તને ભાર નથી લાગતો?’

છોકરીએ જવાબ આપ્યો, ‘ભાર ? – ના રે, એ તો મારો ભાઈ છે.’

– સનતકુમાર ભટ્ટ

ઉદારતા વધુ આપવામાં નહીં પરંતુ સમયસર આપવામાં રહેલી છે.

અને ‘આપવા’ નો અર્થ ફક્ત કોઈ વસ્તુ આપવા પૂરતો નથી. મધુર સ્મિત, પ્રેમાળ વાણી અને લાગણીભરેલો સ્પર્શ – એ પણ એક જાતનું દાન જ છે. રશિયાના લેખક તુર્ગનેવની એક વાર્તામાં એક માણસ ભિખારીને આપવા માટે પોતાના ખિસ્સામાં કાંઈ જ ન હોવાને કારણે એની સાથે હાથ મિલાવે છે, ત્યારે ભિખારી હસીને કહે છે, ‘આ પણ એક દાન જ છે ને?’

– સુખબીર

બિલિપત્ર

ધરતીમાતા અમારું પાથરણું, આકાશ અમારું છાપરું
દુઃખ લઈને અમે સુખ દેનારા વણઝારા વણઝારા રે.. વણઝારા..


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “આચમન.. (કેટલાક વિચારપ્રેરક લખાણો) – સંકલિત