૧૫ માર્ચ ૨૦૦૫
મારા અતિ પ્રિય ગૌતમ
હું જાણું છું, આ પત્ર તમે વાંચવાના નથી છતાં જાતને રોકી શકતી નથી. શું કરું હૃદયમાં કોઈ સોયો ભોંકી રહ્યું હોય તેવી અકથ્ય પીડા થઈ રહી છે. આ બધું વિગતવાર નહીં લખું ત્યાં સુધી મારો વલોપાત સમશે નહીં, મારી પીડા ઘટશે નહીં.
ગૌતમ, યાદ છે એ ગોજારો દિવસ ?
૧૦ મે ૨૦૦૨ના દિવસે સેન્ટ પાન્ક્રાસથી ૧૨.૪૫ વાગ્યે ઊપડતી ટ્રેનમાં આપણે બેઠાં ત્યારે સહેજ પણ ખ્યાલ નહોતો કે આવું બનશે. રમેશભાઈની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી માટે આપણે કેમ્બ્રીજ જઈ રહ્યાં હતાં. કોણ જાણે કયારેય નહીં અને એ દિવસે આપણે ફર્સ્ટ કલાસની ટિકિટ લીધી હતી. સમય ઘણો હતો, એટલે સારી એવી વાચનસામગ્રી લઈ આપણે ડબ્બામાં ગોઠવાયા હતાં.
હજુ તો આગલી રાતે આપણે નિર્ણય કર્યો હતો કે આપણા નિવૃત્ત જીવનમાં દેશવિદેશ ઘૂમીશું. યાદ છે, મારે ગ્રાન્ડ કેન્યન હજુ જોવાનો બાકી છે ? માનસરોવર અને કૈલાસની યાત્રા પણ કરવી છે. અરે, વર્લ્ડ ક્રૂઝ કરીશું એવી વાત પણ તમે કરી હતી. આ બધી સુખદ યોજનાઓ ઘડતાં આપણે હસતાંહસતાં સૂઈ ગયાં હતાં. બસ ત્યારે મેં છેલ્લીવાર તમને નજર ભરીને જોયા હતા અને પછી કાળું ડિબાંગ અંધારું !
* * * *
ચાર ડબ્બાની ટ્રેનમાં આપણા ફર્સ્ટ કલાસનો ડબ્બો એક જ હતો. જે ટ્રેનની આખરે હતો. અકસ્માત થયો ત્યારે પહેલા બે ડબ્બા સલામત રહ્યા અને બાકીની ટે્રન પાટા પરથી ઊતરી ગઈ અને પોટર્સ બાર સ્ટેશન કદી આવ્યું જ નહીં. ઘસડાતી ઘસડાતી ટ્રેનમાંનો આપણો ડબ્બો ઊછળીને પ્લેટફોર્મ પર પડ્યો અને અને તેના છાપરા નીચે ફસાઈ સ્થિર થઈ ગયો.
મને તો પાછળથી ખબર પડી કે તમે ક્ષણ માત્રમાં જ મૃત્યુ પામ્યા હતા. યાદ છે આપણા ડબ્બામાં પેલો લશ્કરી યુવાન બેઠો હતો ? તેણે મને કહ્યું હતું કે તમને જરા ય પીડા નહોતી થઈ. કદાચ મને સાંત્વન આપવા પણ કહ્યું હોય ! તેણે જ મારા તૂટેલા શરીરને સીટ નીચેથી ખેંચી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. મેં તેને કરગરીને કહ્યું હતું, મને મરવા દે પણ એણે માન્યું નહીં. મને શરમ આવે છે ગૌતમ, પણ મારા જીવે પણ ન માન્યું. તેને ય હજુ જીવવું હતું – આ તૂટેલી, ભાંગેલી, લોહીથી ખરડાયેલી કાયામાં.
તે યુવાને મારી જોડે વાતો કરી કરીને એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી મને ભાનમાં રાખી હતી !
* * * *
હોસ્પિટલમાં તમને ખોળવા હું બાવરી બની દોડવા માગતી હતી, પણ મારા પગ ભાંગેલા હતા. મને સમજાતું નહોતું કે તમે મારી સાથે કેમ નહોતા. કારમા વલોપાતની એ ક્ષણે એક માયાળુ નર્સે આવી મને પરાણે પકડી રાખીને પથારીમાં સૂવાડી દીધી હતી. તેણે મને તમારા મૃત્યુના સમાચાર આપ્યા ત્યારે મને યાદ આવ્યું કે પેલા લશ્કરી યુવાને ટ્રેનના ડબ્બામાં જ મને કહ્યું હતું પણ તે વખતે હું અર્ધબેભાન હતી, મારી પીડા અસહ્ય હતી, મને એ વાતની અસર પણ નહોતી થઈ…
કેવી વિચિત્ર છે આ શરીરની માયા?
નર્સે કહ્યું કે તરત જ મારો બંધ છૂટી ગયો. પોક મૂકી હું રડતી હતી. મારું અંગેઅંગ પીડાતું હતું. પરંતુ પાટા અને પ્લાસ્ટરથી બાંધેલું આખું શરીર મને જકડી રાખતું હતું. હું મન મૂકીને રડી પણ નહોતી શકતી. મારું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય અને હું સાવ અસહાય હોઉં તેવી અનુભૂતિથી હું તડપતી હતી. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મને થયેલી ઈજા કેટલી વિસ્તૃત હતી. તે વખતે પિયુષ અને સ્નેહા આવી પહોંચ્યા હતાં અને તેમને તાકતી, તે બન્નેના હાથોમાં હું તમારા આલિંગનની હૂંફ માટે તલસતી, સિસકાતી નિશ્ચેતન થઈ ગઈ હતી.
* * * *
કેટલા દિવસો વિત્યા એ નોર્થવિક પાર્ક હોસ્પિટલના પલંગમાં ! તમને યાદ કરીકરીને હૈયું એવું કલ્પાંત કરતું હતું કે હું અર્ધબેભાન અવસ્થામાં જ પડી રહેતી. આસપાસની વાતચીત દૂરથી સાંભળતી હોઉં તેવું લાગતું હતું. રેડિયા પરથી રેલટ્રેકના વડા કે કોઈ અધિકારીનો સંદેશો સાંભળ્યો હોય તેવું યાદ આવે છે, ‘અકસ્માતનો ભોગ બનેલા મુસાફરો અને મૃત્યુ પામેલી સાત વ્યક્તિઓના કુટુંબીજનોને અમે હ્રદયપૂર્વકની દિલસોજી પાઠવીએ છીએ.’
અને ત્યારે પહેલી જ વાર મેં Points 2182 A વિષે સાંભળ્યું હતું. એ અવાજ કહેતો હતો Points 2182 A ની માવજતની જવાબદારી અમારી નહોતી.’ હોસ્પિટલમાં એ વિષે કોઈ કશું બોલતું નહોતું અને પીડાના બોજ હેઠળ હું એવી તો લાચાર હતી કે મારામાં એ જાણવા માટે પૂછતાછ કરવાની શક્તિ પણ નહોતી.
પણ ગૌતમ, હવે મને ખબર પડે છે કે રેલ્વે લાઈનના Points 2182 A ને સજ્જડ જોડતા બોલ્ટ્સ રેલટ્રેકની ગફલતનો પુરાવો હતા. હજી એ બોલ્ટ્સ પાટાની બાજુમાં જ પડ્યાં હતાં. આ ઢીલા પોઈન્ટ્સને કારણે જ આપણી ટ્રેનને અકસ્માત નડ્યો હતો. એ સમજ્યા પછી જ ખ્યાલ આવ્યો કે બનાવ માટે રેલટ્રેક જ જવાબદાર હતી. આછું આછું યાદ આવે છે કે હોસ્પિટલમાં કોઈએ મને પ્લેટફોર્મ પર પડેલા આપણા ડબ્બાનો ફોટો પણ બતાડ્યો હતો.
તમને યાદ છે કેવા મોટા ધડાકા અને અવાજ સાથે આપણો ડબ્બો પછડાટ ખાતો પડ્યો હતો? ત્યાં હાજર રહેલી એક વ્યક્તિએ મને પાછળથી કહ્યું હતું કે તે ભયંકર અવાજ પછી, કોઈને પણ શું થયું તેની સભાનતા થાય અને જ્વાળામુખીના વિસ્ફોટની જેમ માનવ સમુદાયનો જોરદાર ધસારો શરૂ થાય તે પહેલાં, ફક્ત એક જ ક્ષણ માટે જે નીરવ શાંતિ પથરાઈ જાય છે તે અસહ્ય શાંતિનો ભંગ કરતું Welcome to Potters Bar નું પાટીયું ખૂણેથી લબડતું ચૂંઉંઉં ચૂંઉંઉં કરતું રહ્યું હતું. એણે કહ્યું હતું કે એ શાન્તિ અને પેલો કિચૂડાટ જીવનભર એની મનશ્રુતિમાં જકડાઈ રહેશે. મને કશું યાદ નથી. જેમણે આ અકસ્માત નજરે જોયો હતો તેમની વાતો પરથી તમે કેવા સંજોગોમાં મૃત્યુ પામ્યા હશો તે હું કલ્પી શકું છું. સમજાતું નથી કે પીડા ભોગવ્યા વિના મૃત્યુ પામેલા તમે ભાગ્યશાળી ચો કે આટલી બધી પીડા ભોગવ્યા છતાં જીવતી રહેલી હું !
લોકો મને અકસ્માતનો ભોગ બનેલી સ્ત્રી કહે છે. પણ ના, હું તો અકસ્માતમાંથી બચી ગયેલી સ્ત્રી છું. એ સૌના કહેવા મુજબ મેં મારા પતિ ગુમાવ્યા છે. શું તમે ઘસાઈ ગયેલા જોડા છો કે જેને હું રેલ્વેના પાટાની બાજુએ છોડીને જતી રહી હોઉં? ના, મેં મારા પતિ ગુમાવ્યા નથી, એ અકસ્માતમાં માર્યા ગયા છે. વિચારો કાબુમાં રાખવાની ગોળીઓ લેવા છતાંય આ બધું સાંભળીને મારું લોહી ઊકળી જાય છે. સઘળું ભાંગીતોડી, ઉંચુનીચું કરી તમને શોધી કાઢવા મથતી હોઉં તેમ તરફડતી રહું છું.
* * * *
તમારી અંતિમ યાત્રામાં હું વ્હીલચેરમાં બેઠી હાજર રહી હતી. હૃદય લાગણીહીન બની ગયું હતું. દ્ભવીદ્ભવીને ભાવવિહોણી થઈ ગયેલી આંખો વર્ષા પછીના નિરભ્ર આકાશ સમી અૌપચારિક રીતે બધું નીહાળી રહી હતી. મેં આગ્રહ રાખ્યો હતો કે ચેપલમાં તમારા પ્રિય ગાયક પંડિત જસરાજનું હવેલી સંગીત વાગતું હોય. એ સંગીતની અસર મારા અંતરમાં ઊંડી ઊતરી થોડુંથોડું સાંત્વન આપતી રહી હતી, અને પથારીમાં આંખો બંધ કરી તમે એ સંગીતમા કેવા ડૂબી જતા તે દ્દશ્ય માણતી, તમારું અપરોક્ષ સાન્નિધ્ય અનુભવી રહી હતી, ત્યાં તો તમારા પ્રોફેશનલ ગૃપના અર્થશાસ્ત્રીઓ વચ્ચે સિંહ જેવા કેશવાળીવાળા લોર્ડ મેઘનાદે મને સાંત્વન આપતાં ગુજરાતીમાં કંઈક સુંદર કહ્યું, તમને કલ્પનામાં જોયાના હર્ષથી મારા હોઠ પર ફરકતા સ્મિત વડે મેં તેમનો આભાર માન્યો હતો.
પછી તો આપણા લગ્નની શરૂઆતના પ્યારસભોર દિવસોની સુખદ સ્મૃતિઓથી અંગેઅંગમાં એવો ઝણઝણાટ ફરી વળ્યો ને હું યંત્રવત્ રોબોટની જેમ આખી ક્રિયા જોતી રહી હતી. સ્મરણમાં રહી ગયા છે આપણા દીકરાના આ શબ્દો, ‘મારા પિતા એક અત્યંત વ્હાલસોયા પતિ પણ હતા !’ જ્યારે સ્નેહા આવું કંઈક બોલી હતી, ‘મારા માતાપિતાને હું એક આદર્શ દંપતિ કહું તેમાં કોઈ અતિશયોક્તિ નથી..’
તમને સ્મરણાંજલી આપતાં આપણા નાનકાએ જે બે કાવ્યો વાંચ્યા હતાં તે સાંભળીને સ્નેહીજનોની આંખો ભીની થઈ હતી.
* * * *
હવે હું ઘેર આવી ગઈ છું. તમારી ઓફિસમાં બધું વ્યવસ્થિત પડ્યું છે. હું વારેવારે ત્યાં બેસીને તમારી સ્મૃતિઓને વાગોળું છું. તમે તમારા કમ્પ્યૂટર પર બેસી કલાકો સુધી કામ કરતા અને હું આવી ચૂપકીથી ચ્હાનો કપ તમારી બાજુમાં મૂકી જતી, અને ઘણીવાર પાછી આવતી ત્યારે અડ્યા વિનાનો એ કપ ત્યાં જ પડેલો જોતી. તમારા જીવનમાં કામનું મહત્વ કેટલું જબરજસ્ત હતું તે હું જાણું છું.
તમે એટલા કાર્યનિશ્ર્ઠ હતા એટલે હું આમ નિષ્કાર્ય બેસી રહું એ તમને ન જ ગમે. મારે જીવવું પડશે અને રેલટ્રેક પાસેથી તમારા મૃત્યુ અને મારી ઈજા માટે જ નહીં, પણ અકસ્માતમાં મૃત્યુ પામેલી બીજી છ વ્યકિતઓ અને ઈજા પામેલાં સિત્તેર લોકોને વળતર મળે તે માટેની ઝુંબેશ મારે ચાલુ જ રાખવી પડશે. એક વકીલ તરીકે પણ મરી એ ફરજ બને છે ને ગૌતમ?
તમને ખબર છે ? જે સરકારને આપણે વોટ આપીને જીતાડી હતી તેમણે જ એવો કાયદો દાખલ કર્યો છે કે વળતર મેળવવાના દાવાઓમાં ફ્રી લીગલ એઈડ નહીં મળે. જો કે, એમાં એક અપવાદ રાખ્યો છે કે કોઈ મોટો અકસ્માત થાય તો તે કદાચ મળે પણ ખરી. પણ સરકારને મતે કાયદાની દ્ભષ્ટિએ આપણો અકસ્માત મોટો નથી ગણાતો, કેમેકે તમાં રાષ્ટ્રિય સ્તરે જનતાને રસ નથી. લડત ચલાવવાનું મનોબળ મારામાં નથી રહ્યું, પણ નહીં લડું તો તમે નારાજ થશો જ તેની મને ખાતરી છે. તમારા વિયોગના દર્દને સહન કરતાં કરતાં આ પ્રવૃત્તિમાં મન પરોવીશ તો કદાચ થોડી રાહત મળશે. વળી જીત થશે તો તમે કેટલા ખુશ થશો તે પણ હું જાણું છું.
* * * *
તે દિવસે હું ખૂબ ખુશ હતી. આખરે ત્રણ વર્ષની મહેનતને અંતે અમારી જીત થઈ અને નેટવર્ક રેલ – રેલટ્રેક હવે તેમનો એક ભાગ છે – ના અધિકારીઓએ કબૂલ કર્યું છે કે આ અકસ્માતની જવાબદારી તે લોકો લે છે. જોયું ગૌતમ, એ લોકો એમ જ નથી કબૂલતા કે અકસ્માત માટે તેઓ જવાબદાર છે ! કેવી નફ્ફટાઈ ! હજુ તો કોને કેટલું વળતર મળશે એ નક્કી કરતાં કેટલો સમય નીકળી જશે !
* * * *
આજે સવારે હું ઊઠી અને મને થયું કે તમને તમારા મોબાઈલ પર ફોન કરું, તમે હયાત નથી એ વિચાર મગજમાં હોવા છતાં હું તમને ફોન કરવા આકુળવ્યાકુળ થઈ ગઈ હતી પણ મોબાઈલ નંબર મને યાદ નહોતો. હા, મારી ડાયરીમાં મેં આપણા બન્નેના નંબરો લખ્યા છે. ડાયરી તો જડી પણ એમાં નંબરો નહોતા, હવે ? મારે તમને ફોન કરવો જ છે પણ તમારાં વ્યવસ્થિત ખાનાંઓ અસ્તવ્યસ્ત કરીને ગયા વર્ષની ડાયરી શોધવા જેટલી મારામાં હામ નથી.
હું શું કરું ગૌતમ ? શું કરું હવે ?
* * * *
નિરાશ થઈ ચૂપચાપ રડતી તમારા ડેસ્ક પર માથું ઢાળી હું પડી રહી.
લંચ અવરમાં મને દરરોજ મળવા આવતી સ્નેહાએ મારા માથે ધીમેથી હાથ ફેરવ્યો.
ચમકીને ઉંચું જોતાં રડમસ સાદે હું બોલી, ‘સ્નેહા, તારા પપ્પાને મોબાઈલ પર ફોન કરવો છે પણ નંબર નથી જડતો. હું શું કરું ? તારા મોબાઈલમાંથી જોડી આપને બેટા !’
અને જાણે મને તે ગોજારા દિવસની વાસ્તવિકતાને અપનાવી લેવાની ફરજ પાડતી હોય તેમ ભાવનાશીલ પણ મક્કમ સ્વરે તે બોલી, ‘મમ્મી, પપ્પાના નંબર પર મેં 10 મે 2002ના દિવસે જ ફોન કર્યો હતો, પણ સામેથી કોઈ ફોન લેતું જ નહોતું.’
તમારી નિષ્ઠા
(‘ગાર્ડિયન’માં આવેલા પત્ર પરથી પ્રેરણા લઈને.) ૨૨ ઓક્ટોબર ૨૦૦૯.
– ભદ્રા વડગામા
શ્રી ભદ્રાબેન વડગામાની પ્રસ્તુત કૃતિ એક પત્ર છે, ગાડ્રિયન’માં આવેલા એક પત્ર પરથી પ્રેરણા લઈને લખાયેલ આ કૃતિ એક અકસ્માતમાં પોતાના જીવનસાથીને ગુમાવી બેઠેલ સ્ત્રીનો મનોભાવ ખૂબ સુંદર અને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરે છે. શ્રી અનિલ વ્યાસ અને શ્રી રમણભાઈ પટેલ દ્વારા પસંદગીની ડાયસ્પોરા કૃતિઓના સંકલન ‘આચમન’માં તે પ્રસિદ્ધ થઈ છે. અક્ષરનાદને આ સુંદર કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.
khub j sunder ane dilthi nikleli vyatha shabda swarupe
ભીતરને ઝક્જોરી મૂકે તેવી ..સંવેદનાને …મડદું ઉભું થાય તેમ જાગૃત કરી દે તેવી રજૂઆત !
આભાર અને અભિનંદન
-લા’કાન્ત / ૨-૪-૧૩
મઆફ કર્જો વર્તા નહિ પન ઘતના
ખુબ્સુન્દર લઆગનિભરિ રદાવે તેવિ વારતા વાન્ચિને આખોમન આન્સુ અવિયા
વાંચીને એવી અનુભૂતિ થઈ કે જાણે નિષ્ઠા એ બીજુ કોઇ નહીં પણ આપણો અંતર આત્મા છે અને ગૌતમ એટલે ઈશ્વર.ખુબ જ સરસ આલેખન્.
VERY EMOTIONAL!!!!!!!!!!
અત્યત સંવેદનશીલ,કરૂણ છતાં ભાવવાહિ શૈલીમાં સુંદર રજુઆત બદલ આભાર અને અભિનંદન. આવા પ્રસંગમાથી પસાર થનાર વ્યક્તિ જ આ વાર્તાનું હાર્દ સમજી શકે.વ્યાકુળ મન પરિસ્થિતિને પામી શકતું નથી કે સામી વ્યક્તિ હયાત નથી છતાં ફોન નંબર શોધવા વ્યર્થ ફાંફા મારે છે. “અતુલ ” ઉમાકાન્ત વિ.મહેતા. ટૉટૉવા ન્યુ જર્સી.યુ.એસ. એ.
ખુબ જ કરુણાસભર પત્ર
હ્રદય ડુસકે ચડે અને
મનમા ડુમો ભરાય્ એવિ લાગણીઓ
ફોન કરવા નમ્બર ન મળવાની વ્યથા સૌથી વધુ હચમચાવિ મુકે
જેને આ વિશય ને લગતો થોદો પણ અનુભવ હશે
એની આન્ખો ભિન્જાયા વગર રહે નહિ.
કેટલો બધો કરૂણાસભર પત્ર છે, દિલ વલોવાઈ જાય છે. અકસ્માત થયા પછી શું ઈંગ્લેન્ડમાં પણ ભારતની જેમજ કાયદાકનૂનને ધોળીને પી જવાતા હશે? જાતે વકીલ એટલે કાનૂની લડત આપી શકે, બીજાની તો વાતજ શું કરવી?
ખુબ જ સરસ અને સુન્દર.ાને ભાવભરેલી.
અભિનન્દન.
બહેન ભદ્રાનિ આ ક્રુતિ એતલિ બધિ તિવ્ર સમ્વેદનાઓ જગાદે
ચ્હે કે તાત્કાલિક કોઇ પ્રતિભાવ પન આપિ શકાય એવિ મનહ
સ્થિતિ નથિ , ચ્હતાન તમારિ જહેમત્ને દાદ આપવાનુ મન
થાય ચ્હે . ભાવક આ ક્રુતિમાથિ ક્યારે પાચ્હ્હો વ્યવહાર જગત્મા જોદાવા માતે બહાર આવિ શકશે , તે હુ મારા અનુભવ્થિ કહિ શકવાનિ સ્થિતિમા નથિ . ધન્યવાદ
અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા