અગ્નિકન્યા – મહેન્દ્ર ચોટલિયા 4


યજ્ઞશિખાના અસ્વ પર થઇ અસવાર,
મેઁ દીઠી પ્રથમ સવાર.

સહસ્ત્ર સ્ફુલિઁગોથી ખેલતાં
રચ્યું પરમવીરનું શિલ્પ રૂપકડું,
હું તો થઇ ગઇ
માછલીની આંખનું ચકરાતું સપનું.

અગનફૂલની માળ
એક ધનંજયને આરોપી
ને તોય પાંચાલી થઇ પંચનાથી!
ઇન્દ્રપ્રસ્થની એ પ્રાસાદલીલા
જ્યાં નીતરતા દુર્યોધનને
અનલલહરીનો દીધો પ્રસાદ….
…ને ભભુકી ઊઠ્યાં
મારાં તેર તેર વર્ષ.

જંગલ ફૂંકીને જેણે દાવાનળ પ્રગટાવ્યો
એ હું જ રક્તશ્યામ અંગરો.
અગ્નિને આપીને અર્ધ્ય
મેં સળગાવ્યો
શકુનીનો એક એક પાસો.

અઢાર અક્ષૌહિણી
કરવાની ભસ્મીભૂત,
સમય-
કેવળ અઢાર દહાડા
એક એક દહાડે
મને પણ દઝાડી ગઇ.
મારી જ અગનઝંખા.

લબકાર લે છે
અગનપ્યાસ મારી
ઊઠી રહી ચિનગારી;
માર ચક્ષુમાં….
ત્વચામાં…….
કેશમાં….
મારા લોહીમાં…..
શબ્દોમાં……
મૌનમાં……

હે મારા પંચપ્રાણ!
હે મિત્ર- આત્મજ!
હે ગોવિંદ!
મને હિમાલય ઓઢાડો,
તૃપ્ત કરો

અગ્નિકન્યાને.

– મહેન્દ્ર ચોટલિયા

અગ્નિકન્યા એટલે દ્રૌપદી, દ્રૌપદી વિશેના અનેક પુસ્તકો વાંચવામાં આવ્યા છે, અને તેના પાત્રવિશેષ પ્રત્યે મને અનેરૂ ખેંચાણ છે. એ જ દ્રૌપદીના મનોભાવોનું સુંદર આલેખન એટલે શ્રી મહેન્દ્ર ચોટલિયાની પ્રસ્તુત અછાંદસ રચના. શ્રી ધૃવભાઈ ભટ્ટની ‘અગ્નિકન્યા’ નામની ૧૯૮૮માં પ્રસિદ્ધ થયેલી નવલકથાની શરૂઆત પહેલા પ્રસ્તુત થયેલ આ અછાંદસ રચના મને ખૂબ સ્પર્શી ગઈ, એ જ અહીં ઉદધૃત કરી છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “અગ્નિકન્યા – મહેન્દ્ર ચોટલિયા