એક અદભુત વર્કશોપ… (ઉત્પાદન ખર્ચમાં ઘટાડો…જાપાની રીત !) – અનુ. હર્ષદ દવે. 18


તાજ હોટેલ ગ્રૂપે શ્રી માસાઈ ઇમાઇને જાપાનથી પોતાના સ્ટાફ માટે આયોજિત એક કાર્યશાળા (વર્કશોપ) માટે આમંત્રિત કર્યા હતા.

આ હોટેલ ખૂબ જ સારી રીતે ચાલતી હતી. સ્ટાફ સભ્યોના મનમાં આશંકા હતી કે જાપાનથી આવતા આ માણસને હોટેલ ઇન્ડસ્ટ્રીનો બિલકુલ અનુભવ ન હતો તેથી તે આ વિષયમાં આપણને શું શીખવશે? પરંતુ નક્કી થયા મુજબ બધા વર્કશોપ માટે કોન્ફરન્સ હોલમાં સવારે નવના ટકોરે આવી ગયા.

ખાસ પ્રભાવશાળી ન ગણાય એવું વ્યક્તિત્વ ધરાવતા શ્રી માસાઈનો પરિચય આપવામાં આવ્યો. તેનું અંગ્રેજી પણ એટલું સારું ન હતું, તે જાણે જાપાની ભાષામાં દરેક વાક્ય બનાવીને પછી તેનો ગૂંચવી દે તેવાં અંગ્રેજી વાક્યોમાં અનુવાદ કરીને બોલતા હોય તેવું લાગતું હતું.

‘સુપ્રભાત! આવો આપણે કામ શરુ કરીએ. મને કહેવામાં આવ્યું છે કે આ વર્કશોપ છે. પણ મને અહીંયા ક્યાંય ‘વર્ક’ કે ‘શોપ’ જેવું કાંઈ દેખાતું નથી. તેથી ચાલો આપણે જ્યાં કામ થતું હોય ત્યાં જઈએ. આવો, આપણે સહુ પહેલા માળના પહેલા રૂમથી શરુ કરીએ.’

શ્રીમાસાઈ, સિનિઅર મેનેજમેંટ, સ્ટાફ સભ્યો અને વિડીયો શૂટિંગ કરવાવાળાના કાફલા સહિત કોન્ફરન્સરૂમની બહાર નીકળ્યા. અને તેઓ પહેલાં માળે આવેલા પહેલા રૂમમાં ગયા.

તે આ હોટેલનો લોન્ડ્રી રૂમ હતો.

શ્રી માસાઈ રૂમમાં પ્રવેશ્યા અને તે રૂમની બારી પાસે આવીને ઊભા રહ્યા: ‘કેટલું સુંદર દૃશ્ય!’

સ્ટાફને ખબર જ હતી કે ત્યાંથી દૃશ્ય બહુ સુંદર દેખાય છે, તેમણે જાપાનથી આવેલા સલાહકારને આ વાત કહેવા માટે આમંત્રિત નહોતા કર્યા!

‘આટલું સુંદર દૃશ્ય ધરાવતા રૂમને લોન્ડ્રી રૂમ તરીકે વાપરવામાં તેનો દુરુપયોગ થઇ રહ્યો છે. લોન્ડ્રી રૂમને ભોંયતળિયે લઇ જાઓ અને આ રૂમને ગેસ્ટરૂમમાં બદલી નાખો.’

અરે…! કોઈએ આજસુધી આ વિષે વિચાર્યું જ નહોતું!

મેનેજરે કહ્યું: ‘જી સર, તેમ કરવામાં આવશે.’

‘તો પછી ચાલો આપણે તે કરી નાખીએ.’ શ્રી માસાઈએ કહ્યું.

‘જી સર, હું આ બાબતને અહીં નોંધી લઉં છું અને અમે તેનો સમાવેશ વર્કશોપનાં રીપોર્ટમાં કરશું.’ મેનેજરે કહ્યું.

‘માફ કરજો, પણ આમાં કાંઈ નોંધ લેવા જેવું નથી. આવો આપણે તે અત્યારે જ આ કરી નાખીએ.’ માસાઈએ કહ્યું.

‘અત્યારે?’ મેનેજરે પૂછ્યું.

‘હા જી, ભોંયતળિયાનો એક રૂમ નક્કી કરીએ અને અહીંની બધી વસ્તુઓને અત્યારે જ ત્યાં ફેરવી નાખીએ, તેમાં બે’ક કલાક લાગશે, બરોબર?’ માસાઈએ પૂછ્યું.

‘જી.’ મેનેજરે કહ્યું.

‘આપણે લંચ પહેલા અહીં આવશું. ત્યાં સુધીમાં આ બધી વસ્તુઓ અહીંથી ફેરવાઈ ગઈ હશે અને આ રૂમ કાર્પેટ, યોગ્ય ફર્નીચર વગેરેથી તૈયાર થઇ ગયો હશે. અને આજથી જ તમે થોડા હજાર રૂપિયામાં તમારા ગ્રાહકને રાત્રે રહેવા માટે આપીને કમાણી શરુ કરી શકશો.’

‘બરોબર છે, સર.’ મેનેજર પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો.

ત્યારબાદ તેઓ જે રૂમમાં ગયા તે ‘પેન્ટ્રી’ રૂમ હતો. માસાઈ સાથે આખો કાફલો પણ તે રૂમમાં પ્રવેશ્યો. તેનાં પ્રવેશદ્વાર પાસે જ બે મોટી સિંક હતી જે ઘણી બધી પ્લેટ્સથી ભરેલી હતી. એ પ્લેટ્સ ધોઈને સાફ કરવાની હતી.

માસાઈએ પોતાનો કોટ કાઢી નાખ્યો અને તેણે પ્લેટ્સ ધોવાનું શરુ કર્યું.

‘અરે…સાહેબ, તમે આ શું કરી રહ્યા છો?’ શું કહેવું અને શું કરવું એ જ મેનેજરને સમજાતું ન હતું.

‘કેમ? હું પ્લેટ્સ ધોઈ રહ્યો છું,’ માસાઈએ કહ્યું.

‘પણ સાહેબ, તે કામ કરવા માટે અહીં સ્ટાફ છે,’ મેનેજરે કહ્યું. પણ માસાઈ પ્લેટ્સ સાફ કરતા રહ્યા અને બોલ્યા, ‘મને લાગે છે કે આ સિંક પ્લેટ્સ ધોવા માટે છે, અહીં પ્લેટ્સ રાખવા માટેના સ્ટેન્ડસ પણ છે અને પ્લેટ્સ તેમાં જ રહેવી જોઈએ.’

બધા અધિકારીઓ ચકિત થઇ ગયા – શું આ કહેવા માટે તેમણે સલાહકારની જરૂર હતી?

કામ પતાવીને શ્રી માસાઈએ પૂછ્યું: ‘તમારી પાસે કેટલી પ્લેટ્સ છે?’

‘ઘણીબધી છે, ક્યારેય તેની ખેંચ ન પડે એટલી છે.’ મેનેજરે કહ્યું.

શ્રી માસાઈએ કહ્યું: ‘અમારે જાપાની ભાષામાં એક શબ્દ છે ‘મુદા’. મુદા એટલે વિલંબ કે ઢીલ, મુદા એટલે બિનજરૂરી ખર્ચ. આ વર્કશોપમાં એક પાઠ એ શીખવો જોઈએ કે આ બંનેને ટાળવા જોઈએ. જો તમારી પાસે પુષ્કળ પ્લેટ્સ હોય તો તેને સાફ કરવામાં વિલંબ થશે. આ પરિસ્થિતિ સુધારવા માટે વધારાની બધી પ્લેટ્સ કાઢી નાખવી જોઈએ.’

‘જી આ બાબતની રજૂઆત અમે રીપોર્ટમાં કરશું.’ મેનેજરે કહ્યું.

‘નહીં, રીપોર્ટ લખવામાં વખત બગાડવો એ ફરી આ ‘મુદા’ નું જ ઉદાહરણ છે. આપણે અત્યારે જ એક ખોખામાં વધારની બધી પ્લેટ્સ ભરીને તાજના જે વિભાગને તેની જરૂર હોય ત્યાં મોકલી દેવી જોઈએ. આ વર્કશોપ દરમિયાન હવે આપણે જ્યાં પણ આવા છુપાએલા ‘મુદા’ને શોધી કાઢશું.’

અને ત્યારબાદ દરેક સ્થળે અને દરેક સત્રમાં, સમગ્ર સ્ટાફ તત્પરતાથી ‘મુદા’ શોધવામાં અને તેને દૂર કરવામાં લાગી ગયો.

છેલ્લે દિવસે શ્રી માસાઈએ એક મહત્વની વાત કહી:

‘એક જાપાની અને એક અમેરિકન, બંનેને શિકારનો શોખ હતો. તેઓ એકવાર જંગલમાં એકબીજાને મળી ગયા. બંને ગાઢ જંગલમાં બહુ ઊંડે સુધી ગયા. અચાનક તેમણે ખ્યાલ આવ્યો કે હવે તેમની પાસે એકેય ગોળી બચી નથી. અને બરાબર તે વખતે જ તેમને સિંહની ગર્જના સંભળાઈ. સિંહની ત્રાડ સાંભળી બંનેએ તરતજ દોડવાનું શરુ કર્યું. પણ જાપાની શિકારી તેનાં બૂટની દોરી બાંધવા માટે થોડો રોકાયો. અમેરિકને કહ્યું: ‘આ તું શું કરે છે? પહેલા આપણે આપણી કાર પાસે પહોંચી જવું જોઈએ.’

જાપાની શિકારીએ કહ્યું: ‘ના, મારે માત્ર એટલો જ ખ્યાલ રાખવાનો છે કે હું તારી આગળ રહું.’

એકચિત્તે સાંભળી રહેલા લોકોને એકાએક ખ્યાલ આવ્યો કે સિંહને તેનો શિકાર મળી જાય પછી તે અટકી જશે!’

‘આ વાતમાંથી એટલું જ શીખવાનું છે કે આજના વિશ્વમાં એટલી તો ગળાકાપ સ્પર્ધા ચાલે છે કે તેમાં ટકી રહેવા માટે આપણે બીજા કરતાં આગળ રહેવું જરૂરી છે, ભલેને આપણે એક-બે ડગલાં જ આગળ રહીએ. અને તમને તો નૈસર્ગિક સૌન્દર્યથી સમૃદ્ધ આટલો વિશાળ દેશ મળ્યો છે. જો તમે તમારા ઉત્પાદન ખર્ચને ઘટાડવાનું અને હંમેશાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપવાનું યાદ રાખશો તો તમે દુનિયાના ઘણા દેશો કરતાં આગળ રહી શકશો.’ શ્રી માસાઈએ સમાપન કર્યું.

બિલિપત્ર

જાપાનના દરેક બસ સ્ટોપ પર એક અદભુત વાક્ય લખેલું છે: અહીં માત્ર બસ જ ઊભી રહે છે – તમારો સમય નહીં. આથી તમારા ધ્યેય તરફ પ્રગતિ કરતા રહો.


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “એક અદભુત વર્કશોપ… (ઉત્પાદન ખર્ચમાં ઘટાડો…જાપાની રીત !) – અનુ. હર્ષદ દવે.