એક અસંભવિત સાહિત્યિક ઘટના.. – કુમાર ભટ્ટ 10


કુમારભાઈ ભટ્ટની પ્રસ્તુત કૃતિ પ્રયોગશીલ કહી શકો એ પ્રકારની રચના છે. તેઓ કહે છે,

શરૂઆતમાં બે ત્રણ પેરેગ્રાફ જેટલી સૂઝેલી વાત લખાવા માંડી પછી એને જ્યાં જવું હોય એમ એની પાછળ પાછળ હું ગયો. કોમિક તો છે જ, આમ જુઓ તો લંબાઈના પ્રમાણમાં ‘વાત’ ખાસ ન પણ લાગે, પણ વાક્યે વાક્યે સંભવિત વાર્તાઓની કુંપળો દેખાય છે એની મને મજા પડી. ઘણા વાર્તા વાચકોને વાર્તામાં શું વાત છે એ તરત સમજાય જાય છે અને પછી એમને ‘વાર્તા’માં રસ નથી રહેતો એવા વાચકો માટે આ ‘કથા’ નો સાર એટલો જ છે કે … પણ એમને તો તરત ખબર પડી જ જાય પછી શું કે’વું?

પંચાણું ટકા વાત સંવાદ ઉપર જ ચાલે છે . અને લગભગ એટલી જ વાત એક જ નિરીક્ષકની દૃષ્ટિથી જોવાઈ છે. રચના થોડી વિચિત્ર છે. જાણકારને ‘ચાલુ રાખો, સરસ છે’ એટલું કે’તાં ય કદાચ ઉદાર હોવાનો ભાવ થાય. તો પણ કોમેન્ટ્સ આર વેલકમ – જેવી હોય એવી. લંબાઈ વધારે છે એટલે શક્ય હોય તો વાત ક્યારે પૂરી થાય એની રાહ જોયા વગર વાંચશો તો થાક ઓછો લાગશે.

વાતને ‘વાર્તા’ બનાવે એવું એક પણ વાક્ય રચનામાં નથી. અને એને ‘વાર્તા’ બનતાં રોકે એટલાં એમાં પાત્રો છે. એને ‘નાટક’ બનાવે એવો કોઈ ક્લાઈમેક્સ નથી. શરૂઆતમાં હ્યુમર છે . બીજા ભાગમાં તો એ પણ નથી. તો પણ જોઈ જુઓ! Who knows? કદાચ મજા આવે પણ ખરી!

એક અસંભવિત સાહિત્યિક ઘટના

{ 1 }

હું મારી કોલમ તૈયાર કરતો’તો ત્યાં વિનાયક ચા લઈને આવ્યો .

મને કહે, ‘એડિટર સાહેબ બોલાવે છે. ચા પી ને જાવું છે કે એમ ને એમ?’

‘શું લાગે છે? રાહ જોવરાવાય એમ હોય તો ઝટ ચા આપી દે’. મેં કહ્યું,

‘અરે પીવોને રાહુલ ભા…ઈ. સાહેબ તો નલીની બેન સાથે વાતો કરે છે’, વિનાયકે આખ્ખો કપ ભરેલી ચા રકાબીમાં ઢોળાય એ રીતે રોજની જેમ મને આપી અને ઝડપથી બાજુના ટેબલ ઉપર ચાની રાહ જોતાં બગાસાં ખાતા ભાર્ગવ પાસે ગયો.

મેં ચા પી ને પાણીનો ઘૂંટડો ભરીને મોઢું સાફ કર્યું અને સાહેબની કેબીન તરફ ગયો. કેબીન ખાલી હતી ! પટેલ સાહેબ કહે, ‘આવો રાહુલ ભાઈ. ચા પી ને આવ્યા?’

‘હા સાહેબ. પણ કોલમ લગભગ તૈયાર છે…’ સાહેબે શું કામ બોલાવ્યો હશે એ વિચારીને મેં આગોતરી માહિતી આપી.

‘થેન્ક્સ રાહુલ, પણ મારે તને બીજી એક ખાસ એસાઈનમેન્ટ માટે મોકલવો છે.’

‘બોલો સાહેબ’

‘કવિ શ્રી મનસ્વીનું નામ સાંભળ્યું છે?’

‘એમનું નામ તો કોણે ન સાંભળ્યું હોય સાહેબ! કેમ? એમને કાંઈ થયું તો નથીને?’

‘અરે ના ભાઈ ના! તમે ય શું સાંભળ્યા વગર હાંક્યે રાખો છો?’

‘સોરી સર …’

‘જુઓ ! કાલે મનસ્વીના કાવ્ય સંગ્રહનું વિમોચન છે. તારે એ ઇવેન્ટ કવર કરવાનો છે. આ ઇન્વીટેશન કાર્ડ.’

‘સાહેબ, આપ જ જાઓ તો મનસ્વીજી ને વધારે સારું લાગશે. આપના તો એ નજીકના મિત્ર છે. આમેય કાર્ડ આપના નામનું છે.’

‘રાહુલ તારી વાત વેહવારુ [વ્યવહારુ] છે પણ આ પ્રસંગ જરા જુદો છે. એમાં હું ન હોઉં એ જ એમને ગમશે.’

‘ઓ કે સર. હું જઈ આવીશ અને સરસ રીપોર્ટ લખી આપીશ.’

‘કાલે સાંજે સાડા છ વાગે છે, રોટરી ક્લબમાં, ભૂલાય ન જાય હો !’

‘ન જ ભૂલાય સાહેબ, ચિંતા ન કરો.’ મેં ઇન્વીટેશન કાર્ડ લઈને એડિટર સાહેબની કેબીનમાંથી બહાર જવા બારણું ખોલ્યું. નલીનીબેને અંદર આવતાં મને કહ્યું, ‘મનસ્વી સાહેબને મારી યાદ આપજો અને વિમોચન માટે મારાં અભિનંદન આપજો !’ મને જરા લાગી આવ્યું. એડિટર સાહેબે મારા કામની વાત નલીનીબેનને કહેવાની શું જરૂર હતી?

{ 2 }

મારી ખુરશી પર પહોંચી મેં કાર્ડ વાંચ્યું. મનસ્વીશ્રીના કાવ્ય સંગ્રહનું રદ્મોચન… રદ્મોચન? … આતુર બાની… સહુથી પ્રથમ કાવ્યસંગ્રહ… કવિશ્રીના સાઈઠમાં જન્મોત્સવ નિમીત્તે ખાસ યોજાયેલા કાર્યક્રમો અંતર્ગત એક વિશિષ્ટ જાહેર ઘટના …

મેં ગુગલ ઉપર મનસ્વીજી ની વિગતો જોઈ. એમના પહેલા સંગ્રહનું નામ હતું ‘ખીલતાં ફૂલ’!

‘આતુર બાની’ નામનો એમનો કોઈ સંગ્રહ ગુગલના વિકિપીડીયામાં કોઈએ અપલોડ કર્યો નહોતો. અને નલીનીબેને અને સાહેબે તો વિમોચનની વાત કરી અને અહીં કાર્ડમાં તો કાંઈક ભળતી જ વાત લાગે છે !

મેં કાર્ડમાં આપેલ પ્રોગ્રામ કમિટીના સભ્યનો મોબાઈલ ફોન લગાવ્યો, મારી ઓળખાણ આપી.. પ્રેસ, એડિટર તપન પટેલનો રેપ્રઝેનટેટીવ,… વિમોચિત થઇ રહેલ પુસ્તકના નામ માટે થોડું કન્ફયુઝન…

મને કહે, ‘રાહુલ ભાઈ ! કેટલુંક કન્ફયુઝન પ્લાન કરેલું હોય છે. કાલે આવો એટલે આપોઆપ બધું ક્લીયર થઇ જશે!’

ઇવેન્ટ માટેની મારી ઉત્સુકતા વધી. એમના પ્લાનની સફળતા નમ્બર વન ! …

{ 3 }

બીજે દિવસે હું રોટરી ક્લબ વહેલો પહોંચ્યો. કલાકેક પછી કાર્યક્રમ શરુ થયો. મુખ્ય મહેમાનોએ મનસ્વીશ્રીની સાહિત્ય સેવાની ઝાંખી આપતાં એને લંબાવીને બિરદાવી. અંતે કવિ શ્રી ને વિમોચન માટે કહેવામાં આવ્યું. બધા પ્રેક્ષકો કાર્ડની મીસપ્રિન્ટ મનોમન સુધારીને વિમોચન માટે આવેલા લાગ્યા. પણ આ કાંઇક નવું હતું. સામાન્ય રીતે પુસ્તકનું વિમોચન મુખ્ય મહેમાન – વિવેચક કરે છે. અહીં તો લેખક પોતે જ એ કાર્ય કરવાના છે એ જોઈ ઓડિયન્સની ઉત્સુકતા વધી !

મનસ્વી સાહેબ કહે, ‘મિત્રો, ભાઈઓ અને બહેનો. આપ આવ્યાં એ મારે માટે આનંદની વાત છે. મારે વિષે ઘણું કહેવાયું છે એટલે આપનો વધારે સમય નહીં લઉં. મારે તો માત્ર એટલું જ કહેવાનું છે કે આજે, મારા સાઈઠમાં જન્મ દિવસે મને મારા પ્રથમ કાવ્ય સંગ્રહનું રદ્મોચન અથવા રદ – મોચન કરતાં બહુજ આનંદ થાય છે.’ એમ કહી મનસ્વી શ્રીએ સોનેરી કાગળમાં રેશમી દોરે વીંટાળેલ એક નાનું પુસ્તક એમના જમણા હાથે ઊંચું કરીને ઓડીયન્સ તરફ ફેરવતાં આગળ કહ્યું, ‘વિમોચન તો હવે એટલું સામાન્ય થઇ ગયું છે કે મને થયું કે હવે કશુંક નવું કરવાનો સમય પાકી ગયો છે. કવિ માટે પોતાનો સંગ્રહ રદ કરવો એ પ્રગતિશીલ હોવાની નિશાની છે. તેમ છતાં કવિઓ સંગ્રહ રદ કરવાની ઘટનાને ખાસ કોઈ મહત્વ આપતા નથી એ વાત શરમ જનક છે કે દુ:ખજનક એ ચર્ચા માટે આ કાર્યક્રમ નથી જ.

આપનામાંથી કોઈને કુતુહલ થયું હોય, અથવા કોઈને યાદ પણ હોય, તો જણાવવાનું કે મારા પહેલા સંગ્રહનું અસલ ઓરીજીનલ શીર્ષક હતું ‘ખીલતાં ફૂલ’, એ સંગ્રહના પ્રકાશન બાદ થોડાં વર્ષો પછી મને થયું કે એનું સાચું નામ ‘આતુર બાની’ હોવું જોઈતું હતું.

આજે હવે પાંત્રીસ વરસ પછી આપના બધાની સાક્ષીમાં એ કમનસીબ પ્રથમ સંગ્રહનું એના સાચા નામ ‘આતુર બાની’ સાથે રદ્મોચન કરતાં હું આનંદ અનુભવું છું, ધન્યવાદ !’

તાળીઓના ગડગડાટ વચ્ચે મનસ્વી જી એમની ખુરશીમાં ગોઠવાયા અને કાર્યક્રમના વ્યવસ્થાપક માઈક ઉપર આવ્યા. ‘ભાઈઓ અને બહેનો, આપની હાજરીથી કાર્યક્રમને સફળ બનાવ્યો એ માટે આભાર. કવિ શ્રી ના પ્રથમ સંગ્રહની પ્રથમ આવૃત્તિની, લગભગ બધી જ, સાવ નવા જેવી, નકલો અહીં ટેબલ ઉપર આ ખોખાંમાં પડી છે. જેમને રસ હોય તે જોઈતી હોય એટલી નકલો લઇ શકે છે. અને… હવે બીજી ખાસ વાત… આ વિશિષ્ટ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ રોટરી ક્લબ તરફથી ચા કોફી નાસ્તા આઈસક્રીમની વ્યવસ્થા કરવામાં આવી છે. એ બધી સામગ્રી હોલની પાછળ ગોઠવેલાં ટેબલ ઉપર રાખેલી છે ત્યાં….’

એ ભાઈ બોલવાનું પૂરું કરે ત્યાં તો ઓડીયન્સ ઉઠીને …

[ક્યાં ગયું હશે એ વાચકની રૂચી ઉપર છોડી દઉં છું … ]

હું તો વક્તાઓની પાછળ જ બેઠો’તો. મને કોણ જાણે શું સુઝ્યું તે મેં તો સીધી ડાઈવ મારીને કવિ શ્રીના રદ થયેલા સંગ્રહના ખોખાંને કબજે કરી લીધું! મફત હતું એટલે? અરે એવું તે હોય? મને એમ કે એ પુસ્તકો માટે પડાપડી થશે પણ આ ટેબલ ઉપર કોઈ આવ્યું જ નહીં. બીજું તો ઠીક પણ ડાઇવ મારવા જતાં મારાં ચશ્માની દાંડી તૂટી ગઈ અને કોણી છોલાણી એ નફ્ફામાં !

{ 4 }

અમારા પેપરની સાહિત્યિક પૂર્તિની કવોલીટીમાં પટેલ સાહેબ પોતે ય અંગત રસ લે છે. મને થયું કે આ રોટરી કલબના જાહેર પ્રોગ્રામ ઉપરાંત મનસ્વી સાહેબની થોડી પર્સનલ વિગત રીપોર્ટમાં હોય તો પટેલ સાહેબ ખુશ થશે. મેં વિચાર્યું કે ‘ખીલતાં ફૂલ’ સંગ્રહની રચનાઓના સર્જન વખતે મનસ્વીજી મારી જેવડા જ હશે – પચીસેક વરસના.. એમની એ વખતની કોઈ માહિતી, રીપોર્ટ માટે મળે એ વિચારે બીજે દિવસે હું મનસ્વીજીને ઘરે ગયો – બાપુનગરથી છે…ક બોપલ.. એમનાં પત્ની બહાર હિંચકે બેસી છાપું વાંચતાં’તાં. મેં મારી ઓળખાણ આપી.

મને કહે,’હા, હા! કાલે કાર્યક્રમમાં તમને મેં જોયા’તા . તમને કવિતાનો શોખ લાગે છે ‘.

‘કેમ? આ કફની પહેરી છે એટલે એવું લાગ્યું કે વાળની લંબાઈ ઉપરથી?’ મેં ગમ્મત કરી. એ હસ્યાં અને કહે,

‘ના, ના એ તો કાલે તમે પ્રોગ્રામ પછી કવિ સાહેબની ચોપડીનું આખ્ખું ખોખું લઇ લીધું એટલે…’ હું જરા શરમાયો. આપણું વર્તન બીજાં જુએ છે એ હંમેશાં ખ્યાલ નથી રહેતો કેમકે ઘણી વાર આપણું વર્તન ઓટોમેટીક, બીજા કોઈ તરફ ધ્યાન વગર થતું હોય છે.

આન્ટી હસ્યાં,’લે! તમે તો સરસ શરમાઈ ગ્યાને શું? શું નામ તમારું?’.

‘રાહુલ’

‘શું કામ હતું?’

‘…. પેપરની રવિવારની સાહિત્ય પૂર્તિ માટે ગઈ કાલના પ્રસંગ માટે લેખ લખવો છે.’

‘ઓહો! તપન પટેલ એડિટર છે એ પેપર? જરૂર લખો. તપનભાઈ તો સાહેબના ભાઈબંધ. લખો, લખો, સાહેબને ગમશે.’

‘એ માટે કવિ શ્રીની થોડી પર્સનલ વિગતો મુકવી છે ‘

‘કેવી વિગત?’

‘જુઓને, એમના પહેલા સંગ્રહના પ્રકાશન વખતે સાહેબ મારી જેવડા હશે, ખરું?’

‘કદાચ તમારાથી ય નાના’

‘મને એમ કે એમનો એ વખતનો ફોટો મુક્યો હોય અને તે વખતના એક બે પ્રસંગ આપ્યા હોય તો રીપોર્ટ ઓથેન્ટિક દેખાય’.

‘એ આઈડીયા સારો છે. સાહેબ ન્હાવા ગ્યા છે. કલાકેક તો થશે. તમે અંદર આવો, આપણે જૂનાં આલ્બમ જોઈએ અને ફોટા પસંદ કરીએ ત્યાં સાહેબ ન્હાઈને નીકળી જશે એટલે એમને પૂછીને ફોટા લઇ જજો. બરોબર?’

અમે અંદર ગયાં. સાદું પણ સરસ સજાવેલું ઘર હતું. આન્ટીએ કબાટમાંથી આલ્બમના થપ્પામાંથી નીચેથી બીજું આલ્બમ કાઢ્યું. ‘સહુથી નીચેના આલ્બમમાં એમના બાળપણના ફોટા હતા, બધા ખોવાઈ ગ્યા. ખબર નહીં કોણ લઇ ગયું ? આ આલ્બમમાં એમના હાઈસ્કુલ અને કોલેજના ફોટા છે.’ આન્ટીએ સમજાવ્યું.

અમે સોફા ઉપર બાજુ બાજુમાં બેઠાં. આન્ટીએ આલ્બમ ખોલ્યું. કવિશ્રીનો ફોટો ન દેખાયો. એમના મિત્રોના ગ્રુપનો ફોટો હતો એમાં એક છોકરાનું મોઢું કો’કે કાતરથી કાપી નાખેલું! પછી તો એવા મોઢું કાપેલા કેટલાય ફોટા નીકળ્યા. સાહેબનો એક્કેય ફોટો ન નીકળ્યો! અમારા પટેલ સાહેબ પણ બે ત્રણ ગૃપ ફોટામાં હતા. આન્ટી કહે, ‘ખબર નહીં કોણે આવું કામ કર્યું હશે? ચાલો અમારા લગ્નના આલ્બમમાં જોઈએ. ‘ખીલતાં ફૂલ’ છપાયું ત્યારે અમારાં લગ્નને એક વરસ જ થયેલું. મારી ઉપર પણ કવિશ્રીએ ઘણી રચનાઓ કરેલી.’

આન્ટીએ લગ્નનું આલ્બમ ખોલ્યું ત્યાં તો એમણે રાડ પાડી, ‘હાય, હાય!’ અને રડવા જેવાં થઇ ગયા.

‘શું થયું આન્ટી?’ મેં પૂછ્યું.

એમણે જવાબમાં આલ્બમ મારી સામું ધર્યું. એ આલ્બમના બધા ફોટામાં પણ આન્ટી પાસે બેસેલા વરરાજાનાં ડોકાં કોઈએ સિફતથી કાપેલાં હતાં ! આ બાજુ આન્ટીની રાડથી બાથરૂમનું બારણું ભડામ કરતું ખૂલ્યું અને એમાંથી ભીનાભીના, ટીપે ટીપે નીતરતા, સાબુનાં ફીણ ચોંટેલા મનસ્વીજી ટુવાલ વીંટતા વીંટતા, ‘શું થયું? શું થયું?’ પૂછતા પૂછતા બહાર ધસી આવ્યા. હું તો એ ઓચિંતા અવાજથી ડઘાઈ ગભરાઈને સોફામાંથી સફાળો ઉભો થઇ ગયો ! મારા ખોળામાંથી આલ્બમ જાજમ ઉપર પડી ગયું. કેટલાય ઢીલા ફોટા આલ્બમમાંથી ખરી પડીને આજુ બાજુ વેરાઈ ગયા ! એક ગભરાયેલા અજાણ્યા હેન્ડસમ યુવાનને પત્ની પાસે જોઈ કવિને વાતનો અણસાર આવી ગયો. પિત્તો ગયો હોય એવા અવાજે એમણે બૂમ પાડી,’હરામ ખોર ! નીકળ ઘરની બા’ર…’ અને કેડે વીંટેલા ટુવાલને સરી પડતો અટકાવવા રોકાયા.. એ તકનો લાભ લઈને આન્ટી મને કહે, ‘જલ્દી જાવ, સાહેબનું બ્લડપ્રેશર વધી જશે તો મુશ્કેલી થશે.’ અને હું તો તરત મારો થેલો ઉપાડીને ચૂપચાપ નીકળી ગયો.

{ 5 }

બીજે દિવસે મેં ‘આતુર બાની’ ના રદ્મોચન સમાંરભનું સરસ વર્ણન કરતો લેખ અમારી સાહિત્ય પૂર્તિ માટે લખી આપ્યો. હવે પછી બીજા કવિઓ પણ એમના જૂના કાવ્યસંગ્રહને રદ કરવામાં મનસ્વીજી એ શરુ કરેલ પ્રણાલીને અનુસરે એવી શુભેચ્છા વ્યક્ત કરી અને મેં તો નાસ્તો લીધો નહોતો તો પણ રોટરી ક્લ્બની નાસ્તાની વ્યવસ્થાનાં ભરપેટે વખાણ કર્યાં. તપન સાહેબ ખુશ થઇ ગયા. રોટરી કલબના મેનેજરનો મારી ઉપર પર્સનલ થેન્ક્સનો ફોન આવ્યો. મને કહે, ‘રાહુલ ! તારે માટે હવે રોટરીના દરવાજા ખુલ્લા છે! યુ કેન કમ એની ટાઈમ !’

…પણ પેલા ડોકું કપાયેલા ફોટા મારા મગજમાંથી ખસતા નહોતા …

{ 6 }

આ વાતને બે વરસ થયાં હશે .

એ દરમિયાન રોટરીક્લબની ઓપન મેમ્બરશીપને લીધે આપણી માર્કેટવેલ્યુ વધી ગઈ. કલબના મેનેજરના ફ્રેન્ડની સ્માર્ટ, સોફીસ્ટીકેટેડ, બ્યુટીફૂલ, માસિક four figure કમાતી દીકરી, અનુરીતા સાથે લગ્ન થયાં. મને લાગ્યું કે મારે તો હવે કામ કરવાનીયે જરૂર નથી ત્યાં તો તપન અંકલે મારી સેલરી પણ વધારી આપી ! એ સિવાય આ બે વરસમાં મારા ત્રણ કાવ્ય સંગ્રહો પણ બહાર પડ્યા, પણ ઓફિસમાં કે ઘરમાં કોઈને જાણ ન થાય એટલે લેખક તરીકે તખલ્લુસનો ઉપયોગ કર્યો. દરેક સંગ્રહ માટે અલગ પણ આગવું તખલ્લુસ રાખ્યું. ત્રણે ય સંગ્રહના સરસ રીવ્યુ આવ્યા અને ત્રણે ય ને પુરસ્કારો પણ મળ્યા ! અને એમાંથી બે ની પહેલી આવૃત્તિ તો ખલ્લાસે ય થઇ ગઈ!

અઠ્યાવીસ વરસની જ ઉમરના પ્રમાણમાં સંસાર સરસ ચાલતો’તો.

{ 7 }

હું મારી કેબીનમાં લેપટોપ ઉપર મારી કોલમ તૈયાર કરતો’તો ત્યાં બારણું નોક કરી વિનાયક ચાની ટ્રે લઈને આવ્યો. મને કહે,’સાહેબ થોડી ચા પી લ્યો પછી એડિટર સાહેબે બોલાવ્યા છે. જરૂરી કામ છે, વાર ન કરે એમ સાહેબે કહ્યું છે.’

મેં કહ્યું, ‘સારું જા, હું આવું છું.’

અડધો કપ ચા લીધી, કોલમ પૂરી કરી, પ્રિન્ટઆઉટ લીધું, ટાઈ સરખી કરી, માથામાં દાંતિયો ફેરવી અરીસામાં જોઈ લીધું અને સાહેબને મળવા ગયો. નલીની બેન સાહેબની કેબીનમાં જ હતાં. હું આવ્યો એટલે એ ઉભાં થયાં અને કહે, ‘આવો આવો રાહુલ ભાઈ! સાહેબ તમારી જ રાહ જુએ છે. i am just leaving….
ok tapan, are you sure you want to handle this? otherwise i can …’

‘it’s ok nalini. don’t worry. i will take care of this. see you after work. bye.’ તપન સાહેબે કોન્ફિડન્સથી કહ્યું અને મારી તરફ ફર્યા કે તરત જ મેં મારી કોલમનું પ્રિન્ટ આઉટ એમના તરફ ધર્યું. સાહેબે મોહક સ્મિત કર્યું અને કહે,

‘that is my ever efficient raahul chauhan! thanks rahul’ એટલું કહી સાહેબે એ પ્રિન્ટ આઉટ ડાબી બાજુ મુક્યું અને જમણી બાજુમાં પડેલી ટપાલમાંથી એક કવર લઈને મારા હાથમાં આપ્યું.

નાણાવટી એન્ડ સન્સ, એડવોકેટ તરફથી કાગળ હતો. કવર ઉપર નામ મારું હતું પણ કવર ખોલેલું હતું. લીગલ નોટીસ હતી. મને કહે, ‘અત્યારે તો આપણે આ નોટીસની વાત કરીએ. do you want to tell me કે વાત શું છે? પ્રોબ્લેમ શું છે? you know you can trust me.’

મારે માટે પણ એ નોટીસ નવી હતી. અચાનક શું કામ આવી એ પણ મને ખબર નહોતી. મેં નોટીસ વાંચી… અને હું એકદમ હસી પડ્યો ! મેં કહ્યું, ‘અંકલ ! આ મારી અંગત વાત છે. તમે ચિંતા ના કરશો. i will take care of it.’

‘મને આપણા પેપરની ચિંતા છે એટલી તારી નથી હો રાહુલ!’ સાહેબે ચોખવટ કરી.

‘i know, i know… પણ આપણા પેપરને જરાય નુકશાન થાય એવું કામ હું કોઈ દિ’ ન કરું એનો વિશ્વાસ રાખજો સાહેબ ! હું સમયસર વકીલની ઓફિસે અને પછી જરૂર પડે તો હિયરીંગ માટે જજ પાસે જઈને બધું પતાવી દઈશ અને અંકલ! નલીની બેનને ય કહેજો કે એ પણ ચિંતા ન કરે. she seems to be really worried about you sir.’

નાણાવટીની નોટીસનો કાગળ લઇ હું મારી કેબીનમાં ગયો, અનુરીતા રાહ જોતી મારી ખુરશીમાં બેઠી’તી.

{ 8 }

‘નુરી, નુરી! .. તું અહિયાં? i am so glad to see you …’

‘રાહુલ! મેં તને કેટલી વાર કહ્યું છે કે મને એવું ફિલ્મી નામ બિલકુલ નથી ગમતું.’

‘ઓકે ઓકે સોરી,!’ કહી મેં એને એક ઝડપી હગ આપ્યું. ગુસ્સાથી લાલ થવા જતો અનુરીતાનો ચહેરો ગુલાબી થવા માટે એ પૂરતું હતું !

‘કેમ અચાનક ? અરે વિનાયક ! બહેન માટે કોલ્ડ કોફી…’

‘રાહુલ! કોફી બોફી પછી… મેં સાંભળ્યું કે તું રાહ જોતો’તો એ ફટાકડો હવે ફૂટવાનો છે. સાચી વાત?’

‘yes. yes! પણ તને કોણે કહ્યું?’

‘નાણાવટીની ઓફિસમાં મારી બેનપણી છે – સુહા – તું તો મળ્યો છો એને – એણે ખબર આપ્યા કે wheels have started rolling.. so watch out!’

‘અનુરીતા, તને તો મારી કરતાં ય વહેલી ખબર પડી ગઈ! મને તો તપન અંકલે હમણાં જ નોટીસ આપી’.

અમે બાજુમાં અડીને બેસીને નોટીસ વાંચવા માંડ્યાં ત્યાં વિનાયકે બારણું નોક કરી, ખોંખારો ખાઈ, અંદર આવી, સૂચક મલકીને અનુરીતાને કોલ્ડ કોફી આપી… અને આવ્યો એટલી જ ઝડપથી રવાના પણ થઇ ગયો. છોકરો છે ટીખળી પણ આમ સમય – સમજુ છે ! અમે નોટીસ વાંચી એ દરમિયાનમાં અનુરીતાએ કોફી પૂરી કરી .
મેં નાણાવટીને ફોન કર્યો.

મેં કહ્યું, ‘નાણાવટી સાહેબ! હું રાહુલ, હા હા એ જ, એ જ રાહુલ ચૌહાણ.. હા, હોં મળી ગઈ, હમણાં જ મને પટેલ સાહેબે આપી. એમને શું કામ તસ્દી આપી? નોટીસ મને જ કુરિયરમાં મોકલવી જોઈએ ને ? આ તો પર્સનલ મેટર છે . this was not proper પણ અત્યારે એ વાત જવા દો. આપને ક્યારે મળવા આવું? કાલે અગિયારે? ઓ કે અને ક્યાં, તમારી ઓફિસે જ આવું ને?’

‘ના, ના, રાહુલ ભાઈ. આપણે સીધા જજ જાની સાહેબની કેબીનમાં જ મળવાનું છે. મેં મનસ્વીજી ને સમજાવ્યા કે આપણે ત્રણ પહેલાં મારી ઓફિસમાં મળીને મામલો પતાવી દઈએ. પણ એમને તો જજ પાસે જ જવું છે. તમે જાની સાહેબની ઓફીસ તો જોઈ છે ને?’

‘હા સાહેબ. તમારી ઓફિસની બાજુમાં જ ને? હું પહોંચી જઈશ. ઓ કે.. બીજું કાંઈ? .. હા, હા, .. નો પ્રોબ્લેમ .. નો પ્રોબ્લેમ …અને સાહેબ ..’

‘હં, બોલો રાહુલ ભાઈ ‘

‘સાહેબ, મારાં વાઈફ અનુરીતા પણ મારી સાથે હશે હો! કોઈ ઓબ્જેકશન નથી ને?’

‘જરૂર, જરૂર, નો ઓબ્જેકશન, હસબંડને વાઈફ સપોર્ટ આપે એ જ બરોબર છે. યુ આર લકી માય બોય ! સી યુ ટુમોરો !’

‘one final question, nanavati saheb, મને નોટીસ મોકલવાનું આપને કઈ રીતે સુઝ્યું ?’

‘રાહુલ ભાઈ! you do your job and we do ours. it is that simple. તો કાલે મળીએ ..’

{ 9 }

વિધાયક જાની ! જજ થયા એ પહેલાં પણ એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. મનસ્વીજી કરતાં એકાદ વરસ જુનીયર. આમ તો બે ય ઝેવિયર્સના વિદ્યાર્થી પણ મનસ્વીજી ટીચીંગમાં ગયા અને જાની લો માં ગયા એના પરિણામે આજે આટલે વરસે મનસ્વીજી ને જાની સાહેબ પાસે ન્યાય મેળવવા જવું પડે એવી સ્થિતિ થઇ. મનસ્વીજીને એ બહુ રુચ્યું નહીં પણ જાનીના સાહિત્ય રસ માટે એમને આદર હતો અને આ મામલો સાહિત્યનો હતો, સાહિત્યકારના હકનો હતો, આ કાંઈ એકલા મનસ્વીની વ્યક્તિગત વાત નહોતી. અને એટલે જ નાણાવટીએ મનસ્વીજી ને જાની સાહેબ પાસે જવાની સલાહ આપી.

* * * * * *

જજ સાહેબની વિશાળ કેબીનમાં બધાં ગોઠવાયાં પછી એમણે નાણાવટીને પૂછ્યું, ‘બોલો! શું વાત છે? ટૂંકમાં પતાવો.’

નાણાવટી કહે, ‘મનસ્વી સાહેબ પોતે જ હાજર છે એટલે એ જ વાત કહેશે.’

વિધાયક જાનીએ એની જજ-મય નજર મનસ્વી ઉપર સ્થિર કરી અને કહ્યું, ‘તો તમે વાત કરો.’

મનસ્વીજીએ રાહુલ તરફ આંગળી ચીંધી અને કહ્યું કે, ‘આ નાલાયકે મારા, કવિ મનસ્વીના પ્રથમ કાવ્ય સંગ્રહ ખીલતાં ફૂલ’ની ઉઠાંતરી કરીને પોતાને નામે છાપી માર્યો છે, ટૂંકમાં કે લંબાણમાં વાત આટલી જ છે.’

જજ સાહેબે કશું બોલ્યા વગર એમની નજર મારી ઉપર ઠેરવી અને આંખથી જ પૂછ્યું,’ શું વાત છે?’

મેં કહ્યું, ‘માય લોર્ડ …’

જજ સાહેબ કહે, ‘આ લોર્ડ બોર્ડનું રે’વા દે! ઈ ફિલ્મમાં હોય. એટલું કે’કે આ કવિશ્રીની વાત સાચી કે ખોટી?’

‘સાવે સાવ ખોટી સાહેબ! પણ કવિશ્રીએ મને આમ આપ બધાની હાજરીમાં નાલાયક કહ્યો એ…’

‘અરે નાલાયક નહીં તો શું કહું? મારી વાત ખોટી છે એમ હરામખોર? ખોટી છે?’

પદ્માબેને અને નાણાવટીએ કવિશ્રીને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો પણ જજ સાહેબે શાંત પણ કડક અવાજે કહ્યું,’મનસ્વી, અહીં મિજાજ નહીં. છોકરાની વાત સાંભળો.’ ત્યારે કવિશ્રી થોડા ઢીલા પડ્યા.

જજ સાહેબે મને ‘છોકરો’ કહ્યો એ મને ન ગમ્યું. જજને ખ્યાલ આવી ગયો. એમણે કહ્યું, ‘બોલો રાહુલ ભાઈ, સાવ ખોટી વાત લઈને કોઈ અહીં સુધી ન જ આવે ને?’

‘ન જ આવે , પણ આવ્યા છે એ જ વાત છે સાહેબ .’ મેં કહ્યું .

‘તો સાચી વાત શું છે ઈ બોલ.’ જજ સાહેબ પાછા ઉંમર આધારિત તુંકારા ઉપર આવી ગયા. એનો મને વાંધો નથી.

મેં કહ્યું, ‘પહેલી વાત તો એ કે મારે નામે કોઈ ચોપડી છે જ નહીં.’

એ સાંભળીને ઉશ્કેરાયેલા કવીએ એમના થેલામાંથી એક પાતળી ચોપડી કાઢી લીસ્સા ટેબલ ઉપર જજ તરફ લસરાવી અને વિજયી અદાથી બોલ્યા, ‘તો પછી આ શું છે?’
જજ સાહેબે ચોપડી હાથમાં લીધી, ચશ્માં ચડાવ્યાં, શીર્ષક જોયું ‘વ્યાકુળોદ્ગાર’ ! લેખક ‘રોહાન રાઠોડ’. બે ત્રણ પાનાં આમ તેમ ફેરવ્યાં પછી ચોપડી પાછી કવિ તરફ સરકાવી અને કહ્યું, ‘આ તો કો’ક બીજાની ચોપડી તમે થેલામાંથી કાઢી લાગે છે. આ ભાઈ તો રાહુલ ચૌહાણ છે.’

કવિએ મુંઝાઈને નાણાવટી સામે જોયું. નાણાવટી કહે, ‘આઈ કેન એક્સ્પ્લેઇન સર… એક વિટનેસની રાહ હતી એ આવી ગયો હશે, જરા બહાર જોઈ લઉં.’

નાણાવટી બહાર ગયા. જજ સાહેબે ઓફિસિયલ મહોરું ઉતાર્યું. અનુરીતા સામે જોઇને કહ્યું , ‘કેમ છોકરી, ચા બા પીશું ને?’

અનુરીતા હસી, ‘હા અંકલ, તૈયાર જ હશે. શંકરને મેં કહી રાખ્યું છે, હું જોઈ આવું. કવિ શ્રી તો ખાંડ વગરની જ પીએ છે એ મને ખબર છે.’

હું તો આભો જ થઇ ગયો. વિધાયક જાની, ધ ફોરમીડેબલ જજ ! મારી વાઈફના અંકલ? અને મને તો આજે જ ખબર પડે છે! કમાલ છે! ચા નાસ્તો પતાવી, ફ્રેશ થઇ અમે પાછાં કેબીનમાં ગોઠવાયાં ત્યારે વિટનેસ, વિનોદ વાઘેલા, આવી ગયો’તો. નાણાવટીએ મને નોટીસ કેમ મોકલી એનો મને ખ્યાલ આવી ગયો. વિનોદ બુક બાઇનડર છે, મારો પાક્કો ભાઈબંધ, એ જાણે છે કે ‘રોહન રાઠોડ’ એ મારું, એટલે કે મેં શોધેલું, ‘તખ્ખલ્લુસ’ છે . કેમકે મેં જ એને કીધું છે પણ મારા એ ‘તખ્ખલ્લુસ’ ની મારી અને એની સિવાય બીજા કોઈને જાણ નથી. મને લાગ્યું કે એ રીતે તખ્ખલ્લુસનો મૂળ આશય સચવાય છે .

નાણાવટીએ પૂછ્યું એટલે વિનોદે કહ્યું, ‘હા, આ ચોપડીનું કવર મેં બાઈન્ડ કર્યું’તું. હા, એ કામ રાહુલ ભાઈએ એને આપેલું. ના, લેખક રોહન રાઠોડને એ મળ્યો નથી. હા, ચોપડીની કવિતા એણે થોડીક વાંચી’તી. પ્રેમ કાવ્યો સરસ છે, બાકી ઠીક છે. એને પોતાને ગઝલનો શોખ છે …’

અંતે કંટાળીને જજ સાહેબે જ પૂછ્યું, ‘એલા વિનોદભાઈ, રોહન રાઠોડ ઈ રાહુલ ચૌહાણનું જ બીજું નામ છે કે નઈં ઈ કે ને.’

‘એ તો હવે કેમ ખબર પડે? મને તો રાહુલ ભાઈ સીધા માણસ લાગ્યા’તા. એમને બે ત્રણ નામની શું જરૂર પડે? બાકી તો રામ જાણે !’ જજ જાની આ સાદા દેખાતા બાઇન્ડરની ફિલસુફીથી થોડા અકળાયા.

એમણે નાણાવટીને કહ્યું, ‘નાણાવટી, આ ચોપડી ઉપર રાહુલ ચૌહાણનું નામ તો નથી જ અને રોહાન રાઠોડ – એ જે હોય તે – એનું આપણે કોઈ કામ નથી.’

નાણાવટી excite થઈને ખુરશીમાંથી અડધા ઉભા થઇ ગયા અને કહે, ‘અરે હોય સાહેબ ! લેખક રોહન રાઠોડનું તો આપણે ખાસ કામ છે કેમકે એ છે જ નહીં !’

‘નાણાવટી… નાણાવટી ! કાંઇક સમજાય એવું તો બોલો…’ જજ સાહેબે નાણાવટીને થોડા ટપાર્યા. મેં કહ્યું, ‘Sir, may I…’

જાની સાહેબે સહેજ ઈરીટેશનથી કહ્યું, ‘બોલો! શું કહેવું છે તમારે?’

‘સાહેબ, નાણાવટી સહેબની રીસર્ચ થોડી કાચી લાગે છે. ટેલીફોન ડિરેક્ટરીમાં જ ચાર તો રોહાન રાઠોડ છે.’ મેં કહ્યું.

‘એમ તો ડિરેક્ટરીમાં ત્રણ રાહુલ ચૌહાણ પણ છે.. ‘ અનુરીતાથી ન રહેવાયું.

‘મીસીસ ચૌહાણ! તમે અહીં એક ઓબ્ઝર્વ્ર જ છો. વચ્ચે બોલશો તો તમારે બહાર જવું પડશે.’ ઘવાયેલ નાણાવટીએ અનુરીતાને ચૂપ કરી દીધી.

‘પણ, જજ સાહેબ ! નાણાવટી સાહેબની મૂળ વાત સાચી છે. રોહન રાઠોડ નામનો આ ‘વ્યાકુળોદ્ગાર’ નામના પુસ્તકનો કોઈ લેખક નથી. એ નામ મેં જ ફોન ડિરેક્ટરીમાં જોઇને પુસ્તકના કવર ઉપર છપાવ્યું’તું.’

મારી આ કબુલાતથી નાણાવટી અને મનસ્વીજીના મોઢા ઉપર વિજયી સ્મિત ફરક્યું. જજ સાહેબને તો સિચુએશનના હ્યુમરને લીધે જ હસવું આવતું’તું પણ એ એમણે માત્ર સ્મિતમાં જ શમાવ્યું. પછી અવાજમાં જરૂરી કડકાઈ લાવીને જજ સાહેબે કહ્યું, ‘નાણાવટી! તમે અને મનસ્વીજીએ આ રાહુલ ચૌહાણ ઉપર આ પુસ્તક ઉપર પોતાનું નામ છાપી મારવાનો આરોપ મૂક્યો છે એ સાવ ખોટો છે એ રાહુલ ભાઈની મ્વાપ્ત સાથે હું સહમત છું.’

‘પણ સાહેબ..’ મનસ્વી જી અને નાણાવટીએ વિરોધ શરુ કર્યો ત્યાં તો જજ, વિધાયક જાનીએ કહ્યું, ‘enough! NO MORE DISCUSSION on this point. do YOU UNDERSTAND?’ બંને ફરિયાદીઓએ માથું હલાવી સંમતિ આપી.

‘THAT IS GOOD, હવે બોલો, તમારી બીજી ફરિયાદ શું છે ?’

નાણાવટી કહે, ‘મનસ્વીજીનું કહેવું છે કે રાહુલ ચૌહાણે એમના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘ખીલતાં ફૂલ’ ને જ ‘વ્યાકુળોદ્ગાર’ તરીકે છાપી માર્યો છે. આ હળાહળ ઉઠાંતરી છે.’ જજ સાહેબે મારી સામું જોયું અને બોલ્યા, ‘Well, my boy! You heard their accusation. How do you plead? Guilty or Not Guilty? બરોબર વિચારીને બોલજે. આરોપ ઘણો ગંભીર છે અને આખી દુનીયાં જાણે છે કે વિધાયક જાની સાહિત્ય સામે કોઈ ચેડાં ચાલવા દેતો નથી so think twice.. guilty or not guilty?’

મેં કહ્યું ,’સાહેબ, આમાં કોઈ સવાલ જ નથી! મેં મનસ્વી જીના સંગ્રહની ઉઠાંતરી કરી છે એ વાત ધરમૂળથી જ સાવ ખોટી છે.’ નાણાવટી અને પદ્માબેને આગમચેતી વાપરી પહેલેથી જ મનસ્વીજીને ખુરશીમાંથી ઉભા થતા રોકી રાખેલા.

થોડી વાર શાંત રહ્યા પછી જજ સાહેબે નાણાવટીને કહ્યું, ‘નાણાવટી! આ તો ‘ઓપન એન્ડ શટ’ વાત છે. મનસ્વી, લાવો જોઉં, તમારા આ જૂના કોલેજના થેલામાંથી તમારો સંગ્રહ ‘ખીલતાં ફૂલ’ કાઢો, એ સંગ્રહને આ રાહુલ રાઠોડના ‘વ્યાકુળોદ્ગાર’ સાથે સરખાવીએ એટલે ઉઠાંતરીની વાત પૂરી. લાવ્યા તો છો ને તમારો એ સંગ્રહ?’

મનસ્વી અને નાણાવટી બેય એક બીજા સામે હતાશ નજરે જોઈ રહ્યા.

જજ કહે, ‘ઓહ ! નાઉ આઈ સી! તમારી પાસે મુખ્ય એવીડન્સ જ નથી, એમ બોલોને!’

એ બેમાંથી તો કોઈ કાંઈ બોલ્યા જ નહીં પણ રડવાનો અવાજ સાંભળી બધાં ચમક્યાં. પદ્મા બેને રડતાં રડતાં કહ્યું, ‘મેં બહુ કીધું વિધાયકભાઈ પણ તમારા ભાઈ માન્યા જ નહીં અને મને એમણે લગ્નની ભેટ તરીકે આપેલી એ નકલ પણ એમણે મારી પાસેથી પાછી માગી લીધી! એ મારી પાસે રે’વા દીધી હોત તો અત્યારે કામ આવત કે નહીં? પણ મારું સાંભળે છે જ કોણ?’

પદ્માબેનની આ વાતથી કેબીનમાં થોડો સન્નાટો થઇ ગયો. સ્ત્રીના અચનક રડવાથી આવું ઘણી વાર થાય છે. એ સન્નાટાની અસરમાંથી મુક્ત થવા મેં કહ્યું, ‘જજ સાહેબ! May I say something?’

‘yes, yes, go ahead .. ‘ જજે અનુમતિ આપી .

મેં કહ્યું, ‘પદ્મા બેનની નકલ પણ આપણા કેસમાં એવીડન્સ, પુરાવા તરીકે ન ચાલે એવી હાલત છે. બાકી પદ્મા બેનની લગ્ન ભેટની નકલ આ રહી.’ એમ કહી મેં અનુરીતા સામે જોયું. એણે મારી બ્રીફ કેસમાંથી ‘ખીલતાં ફૂલ’ ની એક નકલ કાઢી અને ઉભી થઈને પદ્મા બેનને આપવા ગઈ ત્યાં જજ સાહેબે એને રોકી, ‘just a minute Mrs Chauhan, bring the book to me please. It is ‘evidence’ you know, evidence against your husband. do you understand?’

અનુરીતા હસી, ‘Yes Sir. પણ મારો હસબંડ કહે છે એમ એનું ‘પુરાવા – મુલ્ય’ શૂન્ય છે સાહેબ. આ તો પદ્માઆન્ટી માટે એ પુસ્તક બહુ મહામુલું છે એટલે એમને આપતી’તી પણ આપ પહેલાં એ જોઈ તપાસી લ્યો પછી આન્ટીને આપશો તો પણ ચાલશેને આન્ટી ?’

જજ સાહેબે અનુરીતાએ આપેલ પુસ્તક ખોલ્યું. પહેલા પાના ઉપર યુવાન મનસ્વીએ પોતાની મુગ્ધ ફીયાન્સી પદ્માને અર્પણમાં લખેલ કવિતા એમણે મનમાં વાંચી. પછી પુસ્તકમાં બે ત્રણ કાવ્યો જોયાં. પછી ટેબલ ઉપર પડેલી ‘વ્યાકુળોદ્ગાર’ ની નકલ હાથમાં લીધી. બે ય પુસ્તકનાં કાવ્યો એક જ હતાં. મનસ્વીની વાત સાચી હતી. ઉઠાંતરીનો આવો નફફટ અને સીધ્ધોસટ કેસ એમણે પહેલી વાર જોયો. રાહુલ ઉપર મંડાયેલી એમની આંખો પહેલાં કરતાં થોડી લાલ અને મોટી હતી તેમ છતાં એમણે ગુસ્સાને કાબુમાં રાખ્યો કેમકે અત્યાર સુધીમાં એમને ખ્યાલ આવી ગયો છે કે આ cool દેખાતા રાહુલ પાસે આનું કાંઈક explanation હોવું જ જોઈએ !

જજ સાહેબ વિધાયક જાનીએ એકાગ્રતાથી રાહુલને માપતાં પૂછ્યું, ‘મીસ્ટર ચૌહાણ! તમારે શું કહેવાનું છે? આ બે ય પુસ્તકોનાં કાવ્યો એક જ છે એ તો ઠીક એના કાગળો અને છપાઈ પણ એક જ લાગે છે, ખરું?’

‘ખરું સાહેબ’ રાહુલે શાંતિથી કહ્યું .

‘તો પછી તમે નહિ તો તમારા મિત્ર, મિસ્ટર – શું નામ છે એમનું? – મિસ્ટર રોહન રાઠોડે તમારા બે માંથી એકે.. એકે તો જરૂર, મનસ્વીજીના સંગ્રહની ઉઠાંતરી કરી હોવી જોઈએ, ખરુંને મિસ્ટર ચૌહાણ?’

‘ના સાહેબ, એ અનુમાન સાવ ખોટ્ટું …’

મનસ્વી જીની ખુરશી આસપાસ થોડો ખળભળાટ થયો પણ નાણાવટી અને પ્દ્માબેને એમને આ વખતે પણ સંભાળી લીધા.

‘તો સમજાવો કે કેમ ખોટ્ટું?’ જજે પૂછ્યું .

‘એમાં એવું છે સાહેબ કે બે અઢી વરસ પહેલાં મનસ્વીજીએ આઠસો માણસોની સાક્ષીમાં એમનો પહેલો સંગ્રહ ‘ખીલતાં ફૂલ’ રદ કર્યો છે, આઈ મીન, કર્યો હતો. એટલું જ નહીં, મનસ્વીશ્રીએ પોતાના એ સંગ્રહનું નામ બદલીને ‘આતુર બાની’ રાખી અને પછી એને રદ કરેલો સાહેબ !’

‘તેથી શું?’ જજને નવાઈ લાગી.

‘તેથી એ કે પોતાની રચનાને રદ કર્યા પછી લેખકનો એની ઉપર કોઈ અધિકાર ન જ હોઈ શકે એ વાત મારે, આપને, પીઢ સાહિત્ય પ્રેમી, જજ વિધાયક જાનીને ન સમજાવવાની હોય.’

સાહિત્યની વાત કરતાં હું આટલો ગળગળો થઇ ગયો એની મને પણ નવાઈ લાગી. અનુરીતાએ ધીમેથી મારા વાંસા ઉપર હાથ ફેરવ્યો. થોડી સેકન્ડ કોઈ કશું બોલ્યું નહીં. બહાર વાહનના અવાજ સિવાય કેબીનમાં પીન ડ્રોપ સાયલન્સ ! આખરે જજ સાહેબે મનસ્વીજીને પૂછ્યું, ‘મનસ્વી! છોકરો સાચું કે’છે? તેં સંગ્રહને, તારી પહેલી પહેલી નાજુક કાલી કવિતાને જાહેરમાં રદ કરી? મને ખબર નહીં કે તને પબ્લીસીટીનો આટલો અભરખો હશે. મને કેમ આ વાતની ખબર જ નથી?’

‘સાહેબ! આપ એ વખતે ઇંગ્લેન્ડ અને યુરોપની ઓફીશીઅલ વિઝીટ માટે ગયેલા।’ મેં માહિતી આપી. નાણાવટી કે મનસ્વી કોઈ આગળ કશું બોલ્યું નહીં. જજ સાહેબને લાગ્યું કે આ હિયરીંગ પૂરું થયું છે. એમણે ચુકાદો આપ્યો –

1. રાહુલ ચૌહાણે મનસ્વી જી ના સંગ્રહની ઉઠાંતરી કરી છે એ આરોપ સાવ જૂઠો છે.
2. રાહુલ ચૌહાણે મનસ્વી જી ની કવિતાઓ પોતાને નામે છપાવી મારી છે એ આરોપ પણ વાહિયાત છે।
3 આવા વાહિયાત આરોપોથી એક યુવાનની કારકિર્દીને કલંક લાગી અને મોટું આર્થિક તથા માનસિક નુકશાન થઇ શકે એ વિચારે મનસ્વીજીએ રાહુલ ચૌહાણને કોમ્પેન્સેશન પેટે ટોકન 25000 રૂપિયા આપવાનો આ હિયરીંગનો હુકમ છે.

હતાશ નાણાવટી અને મનસ્વી જીએ કોમ્પેન્સેશનમાં રાહત આપવા વિનંતી કરી પણ જજ સાહેબ કહે કે બીજો કોઈ જજ હોત તો અને ઓપન કોર્ટમાં કેસ હોત તો કમ સે કમ અગિયાર લાખનું કોમ્પેન્સેશન ઠોકત એટલે વધારે દલીલ કર્યા વિના પચીસ હાજર આપી દ્યો !

મેં કહ્યું,’ Sir! May I say something?’

જજ કહે, ‘બોલો.’

‘સાહેબ! મનસ્વી જી પાસેથી મારે કોમ્પેન્સેશન નથી જોઈતું .’

‘તો શું જોઈએ છીએ?’ જજે પૂછ્યું .

‘સાહેબ, મનસ્વી જી નું ‘ખરતાં ફૂલ’ કે ‘આતુર બાની’ અને અમારું ‘વ્યાકુળોદ્ગાર’ એક જ છે એ આપણી સિવાય હજી કોઈ જાણતું નથી. મારી રીક્વેસ્ટ છે કે મનસ્વી સાહેબ આપની હાજરીમાં લખી આપે કે તેઓ કે નાણાવટી કોઈ દિવસ એ વાત જાહેર નહીં કરે. અને હા, મનસ્વી સાહેબ પોતે ‘વ્યાકુળોદ્ગાર’ માટે અમારા પેપરની સાહિત્યપૂર્તિ માટે સરસ રસાસ્વાદ લખી આપે. બસ આટલું તો ઘણું.’

જજ સાહેબે નાણાવટીને ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહ્યું. ડ્રાફ્ટ થઇ ગયો. અનુરીતા બાજુમાં જઈને પાંચ છ ઝીરોક્સ કોપી કરાવી આવી. મનસ્વીજી અને નાણાવટીએ એગ્રીમેન્ટમાં સહી કરી અને અમે બધાએ સાક્ષી તરીકે સહી કરી.

જાની સાહેબે નાણાવટીને પૂછ્યું,’ બોલો વકીલ સાહેબ, બીજું કાંઈ કામકાજ?’

‘છે તો ખરું પણ … ‘ નાણાવટી થોડા ખચકાયા.

‘પણ .. શું ?’ જજે પૂછ્યું.

‘પણ .. એ ઓફીસીઅલ નથી’ જવાબ પદ્મા બેને પૂરો કર્યો.

‘નાણાવટી! આ શું છે? તમને ખબર તો છે કે ‘અન ઓફીસીઅલ’ વાત જજ જાનીની કેબીનમાં થતી જ નથી..’

‘અને એટલે તો આપણે ઘરે મળવાનું છે.’ મનસ્વીએ જજને ટાઢા પાડવા કહ્યું.

‘આવતા રવિ વારે સાંજે પાંચ વાગે આપણે એક ‘ગેટ ટુ ગેધર’ રાખ્યું છે અને વિધાયકભાઈ, તમારી હાજરી જરૂરી છે એટલે ચોક્કસ આવજો.’ પદ્માબેને મીઠો આગ્રહ કર્યો.

જજ જાની, પહેલાં તો વિધાયક ભાઈ બન્યા, રીલેક્સ થયા, અને પછી સહેજ હસીને કહે, ‘તું કહેશ એટલે ચોક્કસ આવીશ પદ્મા!’ પછી નાણાવટીને કહે,’ ચાલો હું નીકળું છું. કોર્ટમાં થોડું કામ છે. રવિવારે મળશું.’

{ 10 }

જજ ગયા પછી પદ્માબેન મારી પાસે આવ્યા. મને કહે,’રાહુલ ભાઈ! થેન્ક્સ મારી ચોપડી સાંચવવા માટે અને પાછી લાવવા માટે. તમને કેવી રીતે મળી?’

‘તે દિવસે તમારે ઘરેથી ભાગી છૂટ્યો… પછી રાતે… કવિ સાહેબના રદ થયેલા સંગ્રહનું ખોખું આતુરતાથી ખોલ્યું. તમારી નકલ ઉપર જ પડી’તી. સારું થયું કે એની ઉપર તમે પૂઠું ચડાવ્યું’તું એટલે મને તરત મળી. અને … અને.. એ પણ સારું થયું કે એવી નકલ તો રદ ન જ કરાય એટલી આપોઆપ ખબર પડે એવી હજી મારી ઉંમર છે.’ હું એક શ્વાસે બોલી ગયો.

આન્ટી થોડી વાર મારી ભીની થતી આંખ સામે જોઈ રહ્યાં અને પછી મને ભેટ્યાં. બાજુમાં જ ઉભેલી અનુરીતાની આંખમાં એના હસબંડ માટેનું અભિમાન તરવર્યું. ‘તમારે ય રવિવારે આવવાનું છે હો બેટા !’ આન્ટી એ આમન્ત્રણ પાક્કું કર્યું.

{ 11 }

‘રાહુલ! હું જરા વહેલી જાઉં છું પદ્મા આન્ટીને હેલ્પ કરવા, તું બહુ મોડું ન કરતો.’ અનુરીતાએ જતાં જતાં ઓર્ડર આપ્યો પછી ઓર્ડરને જરા સોફ્ટ કરવા ઉમેર્યું, ‘ત્યાં મારી સિવાય બધાં સીનીયર સીટીઝન છે એટલે મને તારી વગર એકલું લાગશે..’

‘ઓ કે, ઓ કે, બસ આ કોલમ ફાઈનલ કરીને ભાર્ગવને ઈ મેઈલ કરીને હું તરત પહોંચી જઈશ.’ મેં કહ્યું.

પણ મારાં આવાં પ્રોમીસો ઉપર મને જ હવે બહુ વિશ્વાસ નથી રહ્યો. અનુરીતા પાસે મને ખોટો પાડવા કાંઇક ને કાંઇક પ્રોબ્લેમ અણધાર્યા આવી પડે છે અને ત્યારે મારે અનુરીતા કરતાં કામની પ્રાયોરીટી આગળ કરવી પડે છે. આજે જ જુઓને, એ ગઈ અને આ બાજુ ઇન્ટરનેટ સાવ સ્લો થઇ ગયું! મારી કોલમ વગર કાલનું પેપર કમ્પોઝ ન થાય. ભાર્ગવ એવડી મોટી ઓફિસમાં એકલો બેઠો બેઠો મારા મેઈલની રાહ જોતો હશે. પણ શું થાય? અમારું કામ જ સતત ડેડ – લાઈનના ટેન્શન વાળું.

હું સાડા છ વાગે મનસ્વીજીને ઘરે પહોંચવાનો હતો. સાડા આઠે અનુરીતાનો ફોન આવ્યો પણ મારી ધારણા ખોટી પડી, એ ગુસ્સામાં નહોતી! એના અવાજમાં સહેજ ચિંતા હતી. ‘રાહુલ! બધાં આવી ગયાં છે, જજ સાહેબ પોતે જ થોડા મોડા આવ્યા પણ guess what? તપનઅંકલ અને નલીનીબેનને પણ આન્ટીએ બોલાવ્યાં છે!’

‘એમાં આમ ગભરાઈ શું ગઈ? છ ને બદલે આઠ જણનો નાસ્તો કરવો એ તો રમત વાત છે.’ મેં એને ચીડવવા કહ્યું પણ અત્યારે એ ચીડાવાના મૂડમાં નહોતી.

‘હું ગભરાઈ નથી ગઈ પણ તારા આ મનસ્વીજી નું ‘ગેટ ટુ ગેધર’ જસ્ટ નાસ્તા પાણી કરતાં વધારે સીરીયસ હોય એવું લાગે છે તું ઝટ આવ તો સારું. તારીય રાહ જોવાય છે.’

‘મારી યે રાહ જોવાય છે એટલે? હજી બીજા કોની રાહ છે ?’ મેં પૂછ્યું.

‘તપન અંકલની! એ હજી નથી.. ઓહ, ઓહ, લે એ અને નલીનીબેન પણ આવી ગયાં, હા …શ ! મોટા થેલામાં કાંઇક લઈને આવ્યાં લાગે છે.’ અનુરીતાએ ખબર આપ્યા.

‘ચાલો ત્યારે! હું ય દસ પંદર મીનીટમાં પહોંચું છું. કાંઈ લેતો આવું? આઈસક્રીમ, બાઈસક્રીમ?’

‘ના, ના, બધું જ છે. તું આવ એટલે બસ.. અને રાહુલ ! એક સરપ્રાઈઝ ગેસ્ટ પણ છે !’

‘એ કોણ વળી?’ મેં પૂછ્યું.

‘આન્ટીની સોસાયટીમાં જ રહે છે. સાવ નજીક છે એમનું ઘર. બહુ મજાનાં છે.’

‘નામ તો હશેને એનું?’ મારા અવાજની અધીરાઈ અનુરીતાને ગમી. એણે હસતાં હસતાં કહ્યું,

‘નામ તો સરસ જ છે, અભિભૂતી બક્ષી, અને એમનું કામ તો એથી પણ મસ્ત છે!’

‘શું કામ કરે છે?’ માત્ર નામથી જ જાગૃત થયેલી મારી ક્યુરીયોસીટી વધી.

‘સ્ટેઇટનાં બેસ્ટ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ ગણાય છે એમ આન્ટીએ મને કહ્યું.’ અનુરીતાએ સિક્રેટ ખોલ્યું અને સૂચક રીતે ઉમેર્યું, ‘હવે તો તને લાગે છે ને કે દાળમાં કાળું નહીં તો ય કાંઇક તો હશે જ? નહીં તો એક જજ, એક મોટા વકીલ, એક મોટા એડિટર અને એક ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને મનસ્વીજી સાવ અમસ્તાં થોડાં ભેગાં કરે?’

‘દાળની તો ખબર નહીં પણ તારી વાતમાં તો જરૂર કાંઇક છે હો! પણ હેં ડીયર વાઈફ! આપને ને મને તો આન્ટીએ સાવ અમસ્તાં જ બોલાવ્યાં છે ને?’

‘એ તો ડીયર હસબંડ, આપ આવો પછી જ ખબર પડશે.’ હસતાં હસતાં અનુરીતા બોલી અને કહે, ‘તું તો ભઈ બહુ વાતુડિયો. મને ક્યારનાં આન્ટી બોલાવે છે. તું ઝટ આવ.’

{ 12 }

ખમણ, કચોરી, બટેટાં પૌવા, રસ મલાઈ અને બીજી ચાર પાંચ વાનગીનો ‘નાસ્તો’ પત્યો ત્યારે રાતના નવ થવા આવ્યા પણ સોમવારે રજા હતી એટલે અને પાર્ટી ‘જામી’તી’ એટલે કોઈને ઉઠવાની ઉતાવળ નહોતી. પોતાની કેબીનમાં આટલા ફોર્મીડેબલ લાગતા વિધાયક જાની મનસ્વીજીના દીવાન ખાનામાં હસી હસીને આટલા ગપાટા મારી શકે છે એ જોઇને મને મજા પડી ગઈ. અને રસોઈ કરનારને પણ સંતોષ થાય એ રીતે બધી જ આઈટમનાં વખાણ કરતાં કરતાં એ જમ્યા અને પ્રેમથી જમતાં રોકે એવી તબિયતની એમને એક્કે ય તકલીફ નહોતી એ મને બહુ ગમ્યું! હા, એટલું ખરું કે મીસીસ જાની આવી શક્યાં નહોતાં.

ખાવા પીવાનું પત્યું એટલે વિધાયક ભાઈ કહે, ‘મનસ્વી આજ તો તારું જુનું આલ્બમ કાઢ! આપણા જુના ફોટા તો જોઈએ.’

પદ્મા બેને મને કહ્યું,’રાહુલ! તમારી પાછળ જ કબાટમાં ડાબી બાજુ આલ્બમ છે. એમાં નીચેથી બીજું આલ્બમ આપોને.’

મેં આલ્બમ કાઢીને આન્ટીને હાથમાં આપતાં એમની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. પણ એમને તો મારી નજર દેખાણી જ ન હોય એવું લાગ્યું.

જાની સાહેબે આલ્બમ હાથમાં લઇને ખોલતાં ખોલતાં કહે, ‘મનસ્વી, તું અહીં આવ, બાજુમાં બેસ … ‘

મનસ્વીજી કહે,’ તું જો તો ખરો! હું અહીં જ ઠીક છું .’

‘તો પદ્મા તું આવ, મારી બાજુમાં … અને … ‘ જાની સાહેબે આગળ કશું કહેવું ન પડ્યું . પદ્મા આન્ટી તરત સોફામાં એમની બાજુમાં બેસી ગયાં ! હું થોડો નર્વસ થઇ, આલ્બમ ખોલતાં જ જજ સાહેબનું શું રીએક્શન આવશે એની બીકમાં ઠંડા પાણીના બે ત્રણ ઘૂંટડા પી ગયો। તો ય થોડો પરસેવો તો છૂટ્યો જ!

‘તને કાંઈ થાય છે રાહુલ?’ બાજુમાં જ ઉભેલી અનુરીતાએ હું જ સાંભળું એવા ધીમા અવાજે પણ ચિંતાથી પૂછ્યું.

જજ સાહેબે તો આલ્બમ ખોલી અને ફોટા જોવા માંડ્યા. ‘આ જો પદ્મા! આ અમારી ટીમનો ગ્રુપ ફોટો. આ હું, વ્હાઈટ સ્વેટરમાં, ત્રીજી લાઈનમાં, ફોટો ચોખ્ખો નથી પણ છું હું જ. અને આ મારી આગળની લાઈનમાં ડાબી બાજુ, ડાર્ક ચશ્માં વાળો છે ને? એને ઓળખ્યો? ન ઓળખ્યો ને? એ પટેલ, આપણો એડિટર તપન… બોલવામાં એક નંબર, ઓલ્વેઈઝ સ્યુટેડ – બુટેડ, રેશમી મફલર.. તપન આમ પહેલેથી જ શોખીન માણસ હો નલીની !’

‘આ આગલી લાઈનમાં બધી છોકરીઓ ઉભી છે એ કોઈ યાદ છે કે નહીં?’ પદ્મા આન્ટીએ એમની રસિકતા છતી કરી એ જોઈ અનુરીતા મલકીને મારી સામું જોઈ રહી.

‘યાદ તો હોય પણ એમાં હજી પદ્મા નથી એટલે બીજું શું કહેવાનું? તું તો બીજે વરસે આવી.. ‘ જાની સાહેબ બે સેકન્ડ યાદમાં ખોવાયા. ‘પણ એ કોઈ ક્રિકેટમાં નહીં!’ એમણે ઉમેર્યું.’

સામી ખુરશીમાં બેઠેલા મનસ્વી જી જરા ઊંચા નીચા થયા અને પછી જરા મોટેથી બોલ્યા,’ જાની! પદ્મા એ ફોટામાં નથી પણ હું તો છું ને?’

એ સાંભળીને મારા પેટમાં ફાળ પડી! થયું કે હવે તો ભંડો ફૂટવાનો જ .. ત્યાં તો જજ સાહેબ કહે,

‘તું તો હો જ ને મનસ્વી! કેપ્ટન મનસ્વી! અહીં ટીમની વચ્ચો વચ્ચ જ છો તું … લે જો! ‘ એમ કહી જાની સાહેબે એ મોટું આલ્બમ મનસ્વી સામે ધર્યું. મનસ્વીજી કહે, ‘હોય જ નહીં!’

‘ન જ હોય!’ મારેથી મનોમન બોલાઈ ગયું પણ અનુરીતાએ એ સાંભળ્યું!’.

મારા કાનમાં એણે પૂછ્યું,’તને ક્યાંથી ખબર?’ પણ અત્યારે એ કહેવાનો સમય નહોતો અને આજ સુધી એ અગત્યની વાત એનેથી ખનગી રાખવાની જે શિક્ષા મળે એ હવે સ્વીકારવી જ પડશે એનો મને ખ્યાલ આવ્યો એટલે વળી મેં બે ઘૂંટડા પાણી પીધું.

‘જાની, આલ્બમના ફોટા જરા ધ્યાનથી જો પછી મને કે’ કે હું એમાં છું કે નહીં?’ મનસ્વીજીએ કહ્યું.

જાની સાહેબે થોડી વાર આલ્બમમાં જોયા કર્યું અને કહે, ‘આ વચ્ચે છો એ તું જ નથી મનસ્વી? .. ઓહ … ઓહ … now i see what you mean! ફોટામાં તારું માથું જ નથી! એમ વાત છે એમ બોલને, બરોબરને? મારું તો ધ્યાન જ ન ગ્યું હો! સારું થ્યું તેં કીધું નહીં તો મને તો ખ્યાલ જ ન આવત!’ એમ કહેતાં કહેતાં જાની સાહેબે આલ્બમનાં પાનાં ઉથલાવીને જોવા માંડ્યાં. એક પછી એક ફોટો જુએ અને બોલે હં હં, આય સી, આય સી.’

અંતે આલ્બમ બંધ કરીને કોફી ટેબલ ઉપર મૂકીને કહે, ‘આ તો વાન્ડાલીઝમનો ક્લીયર કટ કેસ છે. તને ખબર હતી પદ્મા તો તારે મને પહેલેથી જ કહેવું જોઈએને?’ જાની સાહેબે દુ:ખી અવાજે પૂછ્યું.

‘હા વિધુ, આઈ એમ સોરી’ પદ્મા આન્ટી ઢીલાં થઇ ગયાં.

‘નાણાવટી! તમને ય આ વાતની ખબર હતી ને ?’

‘જી સાહેબ!’

‘.. અને તપન અને નલીની, તમને?’

‘અમને ય ખબર હતી જજ સાહેબ’ નલીની બેને જ જવાબ આપ્યો . તપન અંકલે મૌન જાળવ્યું .

‘અને આ મારી ફ્રેન્ડ, અભિભૂતીને પણ મેં વાત કરી’તી’ પદ્મા આન્ટીએ જજ સાહેબ પૂછે એ પહેલાં જ માહિતી આપી. એમનો દાખલો જોઇને મેં કહ્યું, ‘જજ સાહેબ, મને તો આ વાતની બે વરસથી ખબર હતી!’

જજ સાહેબને ખોટું લાગ્યું. એમણે ચાર પાંચ સેકન્ડ આંખો બંધ કરી અને પછી એક ઊંડો શ્વાસ લઈને ખોલી. બાકી રહેલી અનુરીતા મારી પાસેથી ખસીને જજની બાજુમાં જઈને બેઠી અને મારી સામું આંખ માંડીને બોલી, ‘અંકલ મને ય આ ડોકું કપાયાની શું વાત છે એની કશી જ ખબર નથી. અને મેં તો હજી ફોટો ય નથી જોયો..’ અને પછી એ રડવા માંડી !

એના રડવાનો એક ફાયદો એ થયો કે જજ સાહેબ પોતાના રિસામણામાંથી બહાર આવ્યા. પદ્મા આન્ટીએ અનુરીતાને પાણી આપ્યું. નાણાવટી પણ ખુરશીમાંથી ઉભા થઇ બાથરૂમમાં ગયા. નલીનીબેન અને અભિભૂતીબેન ચા બનાવવા રસોડામાં ગયાં.

મને થયું કે આવી રીતે કોઈ રડે ત્યારે કોમેડી કેમ થતી હશે? ત્યારે તમે માનશો નહિ પણ મને કાનમાં અનુરીતાનો અવાજ ચોખ્ખો સંભળાયો, ‘ઘરે પહોંચ્યા પછી ટ્રેજડી શરુ થવાની છે એટલે!’ પણ એ તો આજુબાજુ ક્યાંય હતી જ નહીં!

{ 13 }

થોડી વાર આઘાં પાછાં થયેલાં બધાં આગલા રૂમમાં આવવા માંડ્યાં ત્યારે જાની સાહેબે કહ્યું, ‘પદ્મા! હવે મને પહેલેથી બધી વાત કર.’

જાની સાહેબનો અવાજ આમ મોટો એટલે બેઠકથી રસોડું દુર હતું તો પણ ત્યાં સુધી તો એ સહેલાઈથી પહોંચ્યો અને તરત અનુરીતાની બૂમ સંભળાઈ, ‘આન્ટી, આન્ટી! પ્લીઝ વેઇટ ફોર મી! હું આઈસક્રીમ લઈને આવું જ છું. don’t start the story without me. i want to listen.’

અનુરીતાએ મારી સિવાય બધાને આઈસ્ક્રીમની પ્લેટ આપી પછી આન્ટી નજીકની ખુરશીમાં બેઠી.

જજ કહે, ‘હવે વાત શરુ .. ‘

‘અમને બે ને તો બીજે દિવસે ખબર પડી. નહીં આન્ટી?’ આન્ટી કશું કહે એ પહેલાં મેં જ એન્ટ્રી મારી.

જજ સહેજ ચિડાયા, ‘તું મૂંગો રે. બોલ પદ્મા તું વાત કર..’

‘આ રાહુલ કહે છે એમ એ બીજે દિવસે સવારમાં કવિ સાહેબની માહિતી લેવા આવ્યો ત્યારે…’

‘એક મિનીટ, એક મિનીટ, આ બીજે દિવસે એટલે ક્યા દિવસે..’ જજે ખુલાસો માગ્યો.

‘મનસ્વીજીના કાવ્ય સંગ્રહના ઐતિહાસિક રદ્મોચન સમાંરભને બીજે દિવસે. બે વરસ પહેલાંની વાત છે પણ આપ ત્યારે હતા નહીં એટલે…’ આન્ટી કશું કહી શકે એ પહેલાં જ મેં એક જાણકારની અદાથી માહિતી આપી.

‘રાહુલને સાહેબના ફોટાની જરૂર હતી એટલે અમે તમારા લોકોનું કોલેજ વાળું આલ્બમ ખોલ્યું ત્યાં ખ્યાલ આવ્યો કે સાહેબ તો એક્કેય ફોટામાં છે જ નહીં. માથા વગર કેમ ખબર પડે?’ આન્ટીએ કહ્યું. અનુરીતાથી હસી પડાયું પછી ખ્યાલ આવ્યો કે એ તો ખોટું થયું.

‘પદ્મા, તેં એ કપાયેલા ફોટા જોયા ત્યારે તને સહુથી પહેલાં કોની ઉપર વહેમ આવેલો?’ જજે પૂછ્યું અને પછી આસ્તેથી, અજાગપણે, એમણે મનસ્વીજી તરફ નજર ફેરવી.

‘સાચું કહું તો મને તો તમારા ભાઈ ઉપર જ વહેમ આવેલો! હજી એ થોડો થોડોક તો વહેમ છે જ’ આન્ટીએ કહ્યું.

‘મને ય છે’ મેં મનોમન કહ્યું.

‘જાની! મેં એને કેટલી વાર કીધું કે મારા ફોટા હું શું કામ કાપું? પણ તો ય પદ્માના મનમાંથી વહેમ જાતો જ નથી, બે વરસ થઇ ગયાં તોય હજી ક્યારેક એ રડી પડે છે.’
મનસ્વીજી થોડા લાગણીવશ થઇ ગયા. વાતાવરણ ભારે થયું.

‘તમે તમારો સંગ્રહ રદ કરવાના ઉમળકામાં પદ્માબેનને લગ્નની ભેટ આપેલી તમારી પહેલી કવિતાઓના સંગ્રહની નકલ પણ એમની પાસે ફેંકાવી દીધી એટલે વહેમ જાય કે ફોટા કાપવાનું કામે ય તમારું જ હશે! ન જાય વહેમ?’ અત્યાર સુધી શાંત બેઠેલા તપનભાઈનો અચાનક અવાજ સાંભળી બધાં થોડાં ચમક્યાં અને એક સાથે એમની તરફ ફર્યા.’

‘સંગ્રહ રદ કરવાને ફોટા કાપવા સાથે શું સંબંધ છે એ મને ન સમજાયું.’ રૂમને બીજે ખૂણેથી નાણાવટીએ કહ્યું એટલે બધાની નજર એ બાજુ ફેરવાણી !

‘May i say something?’ આવી ગંભીર વાતમાં ય મને, નાનો છું છતાં ય કાંઇક ખબર પડે છે એવા અવાજે મેં ઇંગ્લીશમાં પૂછ્યું.

મારો સવાલ કોઈ એક વ્યક્તિને પૂછાયો નહોતો એટલે જવાબ પણ કોઈએ ન આપ્યો. મેં ચાલુ રાખ્યું, ‘નાણાવટી સાહેબ! એ સમજવું હોય તો તમારે પહેલાં એ સમજવું જોઈએ કે મનસ્વીજીનો સાહિત્ય સાથે શું અને કેટલો સંબંધ છે.’ એટલું નાણાવટીને કહીને મેં જજ સાહેબને પૂછ્યું, ‘બરોબરને સાહેબ?’

જમાનો જોયેલ જજને ખ્યાલ આવી ગયો કે આ છોકરો સાહિત્ય તરફ વાત વાળવા એમની મદદ માગી રહ્યો છે. અને આ રદમોચન, જે હોય તે, પણ એક નવી સાહિત્યિક ઘટના તો કહેવાય જ. એમણે ગંભીર થઈને કહ્યું, ‘રાહુલની વાત સાચી છે. એક કવિ માટે એનો પહેલો સંગ્રહ એટલે એની પહેલી પચ્ચીસીના યાદગાર અનુભવનો સાર કહેવાય, ખરુંને તપન?’

‘હા જ તો! અને એવો સંગ્રહ રદ કરવો એટલે જીવનનાં પહેલાં પચીસ વરસ પણ રદ કરવાં પડે એવી પરિસ્થિતિ ઉભી થાય એમ તમારું કહેવું છે ને જાની?’ તપન અંકલે વાતને સૈદ્ધાંતિક વળ આપ્યો.

‘તું ય શું તપન! જાની સાહેબે એવું ક્યાં કહ્યું છે?’ નલીનીએ આ ઝડપથી વધતી વાતથી કન્ફયુઝ થતાં, હળવો વિરોધ નોંધવ્યો.

‘જાની સાહેબ એમ નથી બોલ્યા એ સાચું પણ તપનભાઈની વાત સાચી છે.’ પદ્માઆન્ટી એ મનસ્વીજી સામે જોતાં કહ્યું. મનસ્વીજી થોડા અકળાયા.

‘અચ્છા તો હવે હું સમજ્યો’ નાણાવટી એ કહ્યું.

‘શું સમજ્યા તમે ?’ જજે નાણાવટીને પૂછ્યું .

‘એમ કે, તપન ભાઈનું સૂચન એવું છે કે પોતાની, પહેલા સંગ્રહ પહેલાંની, જાતને રદ કરવા જ મનસ્વીજી એ પોતાના જુના ફોટા કાપ્યા હોય! બરોબરને તપન ભાઈ?’ નાનાવટીએ સહેજ હસીને, રહસ્ય સમજયાનો સંતોષ વ્યક્ત કરતું સ્મિત કરતાં, તપન પટેલ પાસે ટેકો માગ્યો.

‘અરે પણ હું કહું છું તો ખરો કે મેં ફોટા કાપ્યા જ નથી..’ મનસ્વી જી અકળાયા.

‘ઓ કે , ઓ કે, we believe you, we believe you! બસ!’ જજે મનસ્વીજી ને શાંત પાડવા કહ્યું પછી એમણે આન્ટીને પૂછ્યું, ‘તમને કોલેજના આલ્બમમાંથી મનસ્વીનો ફોટો ન મળ્યો પછી શું થ્યું?’

‘પછી જે થયું ને, એ તો જાની સાહેબ! માન્યામાં ન આવે એવું છે!’ મારેથી ન રહેવાણું. અને ભાઈ! જાની સાહેબે મારી સામે એવી કરડી નજર માંડી કે મારે કહેવું પડ્યું,’ સોરી સર, હવે વચ્ચે નહિ બોલું! સોરી.’ જાની સાહેબના આ નિઃશબ્દ મિજાજનાં સહજ દર્શનથી, બીજા બધાના થોડા અધ્ધર થયેલા શ્વાસો હેઠા ઉતર્યા પછી આન્ટીએ વાત આગળ વધારી, ‘મને થયું કે અમારા લગ્નના આલ્બમમાંથી એકાદ એમનો અને મારો સાથે સારો ફોટો મળે તો એ રાહુલને આપું.’

‘પછી?’ એમના પગ પાસે કાર્પેટ ઉપર બેઠેલી અનુરીતાએ એની લાંબી ડોક ઉંચી કરતાં પૂછ્યું.

‘પછી શું … ‘ આન્ટીને ડૂમો ભરાઈ આવ્યો . એ આગળ ન બોલી શક્યાં. અનુરીતાની આંખમાં સહ-અનુભૂતિનાં ઝળઝળીયાં આવ્યાં, વાતાવરણ તંગ થયું. બધાની નજર મારી તરફ મંડાંણી કે હું કહું કે પછી શું થયું પણ હું ચુપચાપ બેસી રહ્યો. મને બધ્ધી ખબર હતી તો ય એક શબ્દ પણ હું ન બોલ્યો ! આખરે મનસ્વીજી બોલ્યા, ‘પછી… એ.. અમારા લગ્નના આલ્બમમાં પણ હું નહોતો !’

‘આ તો ભારે કરી!’ નાણાવટી એ બધાના મનની વાત કહી દીધી.

‘અને ત્યારે મારા મનનો વહેમ વધારે પાક્કો થયો કે એ કામ તો તમારા ભાઈનું જ હોવું જોઈએ.’ રોષને કારણે આન્ટીનો ડૂમો ઉતરી ગયો.

‘પણ પદ્મા! પોતાના લગ્નના આલ્બમમાંથી કોઈ પોતાને થોડું કાપે? સિવાય કે એ લગ્નમાં દુ:ખી હોય, અને એવું તો તમારે કાંઈ છે નહીં.. કે એવું છે ને અમને ખબર નથી?’ જાની સાહેબે વાતની ગૂંચમાં ચિંતા ઉમેરી.

‘અરે, અરે જાની સાહેબ! તમેય સાવ કેવી વાત કરો છો!’ નલીની બેનથી આપોઆપ બોલાઈ ગયું.

‘મને તો, સાચું કહું તો, આ ઘટના સાહિત્યિક પ્રતિબદ્ધતાની એક આડઅસર લાગે છે, એક વિકૃતિ, that is all.’ તપન અંકલે કહ્યું. એ આવું બોલી શકે છે એની મને અત્યારે ખબર પડી! એક એડીટરની હેસિયતથી એમને સાહિત્યમાં રસ છે એ મને ખ્યાલ હતો પણ એમને આ રીતે ‘સાહીત્યીકલી’ બોલતાં મેં પહેલી વાર સાંભળ્યા! મેં અનાયાસ જ નલીની બેન તરફ જોયું અને એમણે પણ મારી તરફ જોયું. અમે તપન અંકલ માટે અમારા રમૂજભર્યા અહોભાવની નિઃશબ્દ આપલે કરી. અમારા બે વચ્ચેનું આ ખાનગી interaction અનુરીતાથી અછતું ન રહ્યું પણ પોતાથી કશું સમજાયું નહિ એટલે એ મનોમન થોડી છંછેડાઈ!

‘પટેલ તું કાંઇક સમજાય એવું બોલ.’ જાની સાહેબે કહ્યું.

‘હા અંકલ, સમજાવોને’ અનુરીતા,

‘મને ય ખબર ન પડી કે તપન ભાઈ શું બોલી ગયા’, અભિભૂતીબેને પદ્માબેનને કહ્યું.

‘એ કોઈ કોઈ વાર એવું બોલી જાય છે . કોલેજમાં સાહિત્ય કલબનો સેક્રેટરી હતો ત્યારે તો આવું જ બોલતો .’ પદ્મા બેને અભીભુતી બેનને તપન ભાઈની બેક ગ્રાઉન્ડ માહિતી આપી .

‘સાહિત્યમાં તો હું પહેલેથી જ સાવ વીક..’ પોતે તપન ભાઈની વાત શું કામ નથી સમજ્યા એનો નાણાવટીએ અંગત ખુલાસો પોતાને જ આપ્યો. તપન અંકલના ભેદી સ્ટેઇટમેન્ટથી થયેલા ખળભળાટનો લાભ લઇ પદ્માઆન્ટીએ અનુરીતાને કાનમાં સૂચના આપી. અનુરીતા કહે, ‘બ્રેક ટાઈમ, બ્રેક ટાઈમ … ચા કોણ લેશે? કોફી? હા, હા હજી આઈસ્ક્રીમ પણ છે.

{ 14 }

‘પદ્મા બેન! હું હવે નીકળું … અગિયાર થવા આવ્યા .. ‘ નાણાવટીએ રજા માગી.

‘જવાય છે, શું ઉતાવળ છે? કાલે તો રજા છે.’ મનસ્વીજીએ એમને રોક્યા.

‘નાણાવટી સાહેબ! આપણે તો હજી મળ્યાં જ નથી, હું અભિભૂતી, પદ્માબેનની પાડોશી – ફ્રેન્ડ.’

‘ઓહ! અચ્છા, તો તમે અભિભૂતી, અભિભૂતી બક્ષી! the great finger print expert, એ જ અભિભૂતી?’ નાણાવટી પાણી પાણી થઇ ગયા. નાણાવટી જેવા મોટા વકીલનો પોતા તરફ આવો અણધાર્યો અને spontaneous અહોભાવ જોઇને અભિભૂતિથી સહસા જ પૂછાઈ ગયું, ‘તમારે માટે ચા લાવું કે આઈસ્ક્રીમ?’

‘તમારે કશું જ લાવવાની જરૂર નથી મેડમ બક્ષી, હું બધું લઈને જ આવી છું .’ કહી અનુરીતાએ ચા, કોફી અને આઈસ્ક્રીમ ભરેલી ટ્રે નાણાવટી અને અભિભૂતી સામે ધરી અને બોલી, ‘સારું થયું મેડમ, કે તમે વકીલ સાહેબને કંપની આપી નહીં તો એ તો જતા રહેત! ખરું ને ?’ ત્રણેય જણ પોત પોતાની સમજથી જુદું જુદું હસ્યાં. અનુરીતા બીજા બધાની સારવાર માટે ગઈ. વકીલ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ, પ્રોફેશનલ વાતે વળગ્યાં, અત્યાર સુધી સાવ બોલ્યા વગર બેસી રહેલાં મેડમ બક્ષીને વકીલ સાહેબમાં કોઈ સાંભળનાર મળ્યું તેથી એ મૂડમાં આવ્યાં. વકીલ સાહેબ જતા રહેવાની વાત ભૂલી ગયા. ચા, કોફીથી આવેલી તાજગીથી વધતા જતા વાતોના અવાજમાં જેને જેને આઈસક્રીમના કપ ઉપર ભટકાતી ચમચીનો અવાજ જેમ જેમ સંભળાતો ગયો એમ લોકો શાંત થતાં ગયાં.

ટીંગ ટીંગ કરતી ચમચી અનુરીતાના હાથમાં હતી . એણે કહ્યું,’ sorry to disturb you, sorry,..પણ જજ સાહેબને કશુંક કહેવું છે.’

પદ્મા બેન સાથે વાતમાં ડૂબેલા જજ ચમક્યા,’ એ ય છોકરી! મેં ક્યાં કીધું કે મારે કાંઇક કહેવું છે ?’

‘કેમ? એટલી વારમાં તમે ભૂલી પણ ગયા સાહેબ?’ અનુરીતાએ નવાઈથી પૂછ્યું. બધા દેખતાં જાની સાહેબે એને ખોટી પાડી એ એને ન ગમ્યું.

‘શું ભૂલી ગ્યો ઈ કે’ને !’ કન્ફયુઝ થયેલા જજે અનુરીતાની મદદ માગી.

‘આ ટી બ્રેક પહેલાં જ તમે તપન અંકલને નહોતા કે’તા કે એ કાંઇક સમજાય એવું બોલે ?’ અનુરીતાએ યાદ દેવરાવ્યું. તો ય કન્ફયુઝ રહેલા જાની સાહેબને મેં કહ્યું, ‘અનુરીતા પેલી સાહિત્યિક પ્રતિબદ્ધતાની વાત કરતી લાગે છે.’ પછી અનુરીતાને પૂછ્યું, ‘ખરું ને?’

‘હા, એ જ એ જ! થેન્ક્સ રાહુલ, તપન અંકલની વાત મને તો સમજાણી જ નહોતી એ તો ઠીક પણ મને તો ફોટા કોણે કાપ્યા એ જાણવામાં જ રસ છે. પ્લીઝ અંકલ કહી દ્યો ને.. પ્રતિબદ્ધતાની વાત નહીં કરો તો ય ચાલશે. i am just dying to find out ke who did the deed! પ્લીઝ અંકલ !’ અનુરીતાએ લાડ ભર્યો અનુરોધ કર્યો પણ અંકલ એમ પીગળ્યા નહીં!

‘અનુરીતા, અનુરીતા, તું સમજ, પ્રતિબદ્ધતાની વાત સાથે જ ફોટાનું રહસ્ય જોડાયું લાગે છે. થોડી શાંતિ રાખ, બીજાને બોલવા તો દે !’ મારેથી ન રહેવાયું .
અનુરીતાએ મારી વિરુદ્ધ આજનું એક પોઈન્ટ વધુ ઉમેર્યું અને મોઢું ચડાવી મૂંગી થઇ ગઈ. જાની સાહેબે બાજુમાં જ બેઠેલાં આન્ટીને પૂછ્યું,’ પદ્મા, આ પ્રતિબદ્ધતાની શું વાત છે?’

‘પદ્મા શું કહેશે? હું જ કહું છું, લ્યોને ! અચાનક મનસ્વીજી ઉત્તેજનાથી બોલ્યા.

‘તો તું કે’ જાની સાહેબે કહ્યું.

‘ના હો! તમે ન બોલશો સાહેબ, અમથા અમથા ઉશ્કેરાઈ જાશો તો મારે બીજી ઉપાધી !’ મનસ્વીજી બોલે એ પહેલાં આન્ટીએ ‘વીટો’ વાપર્યો.

‘તો પછી તપન, હવે તો તારે જ વાત કરવી પડશે. બીજું કોઈ છે જ નહીં.’ જજે ચુકાદો આપ્યો.

‘એમાં એવું થયું’ તપન અંકલે વાત શરુ કરી, ‘કે એના આ રદમોચનના ક્રેઝી કાર્યક્રમને હજી એકાદ મહિનાની વાર હતી ત્યારે મનસ્વીએ મને ફોન કર્યો ..’

‘બાકી એમને આ આઈડીયા તો એક વરસ પહેલાં આવ્યો’તો’ આન્ટીએ મનસ્વીજી સામે જોતાં જોતાં વચ્ચે પૂરક માહિતી આપી.

‘તને શેને માટે ફોન કર્યો?’ જાની સાહેબે તપન અંકલને પૂછ્યું.

‘પબ્લીસીટી માટે જ તો, isn’t it obvious?’ તપન અંકલે કહ્યું.

‘ખોટી વાત છે. ત્યારે પબ્લીસીટીની કોઈ વાત મેં કરી જ નહોતી.’ મનસ્વીજીએ સ્વબચાવમાં કહ્યું.

‘કવિ શ્રીની વાત સાચી છે હોં..’ આન્ટી એમની વ્હારે આવ્યાં. ‘એ ફોન તો તપન, મને બરોબર યાદ છે કે સાહેબે તમને બોલાવવા જ કર્યો’તો અને વિધાયક! ત્યારે તો સંગ્રહ રદ કરવાના પ્રોગ્રામની એમણે તપનને વાત પણ નહોતી કરી.’

‘એ તો બરોબર પદ્માબેન પણ અંતે તો વાત પબ્લીસીટી ઉપર જ આવી ને ઉભી રહીને?’ તપન અંકલ થોડા અકળાયા.

‘અંતની વાત અંતે કરશું તપન! પણ અત્યારે તો તું ઈ કે’કે આ મનસ્વી એ તને કોઈ અંગત વાત કરવા બોલાવ્યો અને તું એમને મળવા ગયો ત્યારે શું થયું?’ જજે વાતનો દોર હાથમાં લીધો.

‘ત્યારે આપણા આ કવિરાજ મને કે’, તપન, થેન્ક્સ ફોર કમિંગ. તને એક ખાસ વાત કહેવાની છે. એટલે મેં કહ્યું બોલો, શું વાત છે?’

‘તેં તપનને શું કીધું?’ જજે મનસ્વીજી ને પૂછ્યું.

‘કવિ સાહેબે કહ્યું કે એમણે એમનો પહેલો કાવ્ય સંગ્રહ રદ કરવાનો નિર્ણય કર્યો છે.’ મનસ્વી જી કશું બોલી શકે એ પહેલાં જ સ્ત્રી સહજ અધીરાઈથી કે પછી આવી રહેલા લાગણીના ઉભરાથી પદ્માઆન્ટી બોલી ઉઠ્યાં.

તપન અંકલ કહે, ‘એનો પહેલો સંગ્રહ એટલે અમારી સહિયારી યાદ. એને એમ અચાનક કોઈ કારણ વગર, રદ કરવાનો છે એ સાંભળીને હું તો છક્ક જ થઇ ગયો.’

‘અને બીજું તો ઠીક પણ આજે પાંત્રીસ વરસ પછી એમનો એવો સંગ્રહ છે એવું કોઈને યાદે ય નહોતું ત્યાં એમણે એને ખાસ સમારંભમાં બધાની વચ્ચે જાહેરમાં રદ કરવાનો નિર્ણય કર્યો છે એ સાંભળીને આ તપન તો તે દિવસે બહુ જ ઉશ્કેરાઈ ગયો. તપને સાહેબને સમજાવ્યા કે આ રદ કરવાની વાત રહેવા દ્યો પણ સાહેબ માન્યા જ નહીં અને અંતે એમનું ધાર્યું જ કર્યું.’ આન્ટી એ કહ્યું.

‘તે તને આ રદ કરવાનો વિચાર કેમ આવ્યો?’ જાની સાહેબે મનસ્વી જીને પૂછ્યું.

‘તને તો ખ્યાલ છે… ના તને એવો ખ્યાલ નથી, તું તો તારા લીગલ કામમાં જ એટલો બીઝી છો કે સાહિત્યમાં શું ચાલી રહ્યું છે એનો તને ખ્યાલ ન હોય – પણ વાત એમ હતી કે છેલાં ચાર પાંચ વરસથી મારેથી કાવ્યો ખાસ લખાતાં નહોતાં, કોઈ નવો સંગ્રહ બહાર પડવાની શક્યતા દેખાતી નહોતી. પહેલાં તો તને ખબર છે કે દર બે ત્રણ વરસે તો સંગ્રહ કરવો જ પડે એટએટલી રચનાઓ હું લખતો. અને લોકો પણ એ વખતે આ મનસ્વીના કાવ્ય સંગ્રહના વિમોચનની રાહ જોતાં એ તો તું પણ ક્યાં નથી જાણતો જાની?’ મનસ્વીજીએ જાની સાહેબને કહ્યું.

‘ઈ તો બધું સાચું પણ એમાં રદ કરવાની વાત ક્યાંથી આવી ઈ કે’ ને!’ મેથોડીકલ જાની સાહેબે ખૂટતી કડી મેળવવા મનસ્વીજીને સીધો પ્રશ્ન પૂછ્યો.

‘એ તો જેને વિમોચનની ટેવ પડી હોયને એને જ સમજાય જાની’ તપન અંકલે કહ્યું.

‘એટલે ?’ જાની સાહેબે અંકલને પૂછ્યું.

‘એટલે એમ કે મનસ્વિની સર્જકતામાં ઓટ આવી, વીમોચનની કેફી પબ્લીસીટી બંધ થઈ, મનસ્વી અકળાયો અને અકળાયેલા કવિને કવિતા લખ્યા વગર જ સાહિત્યિક છમકલું કરવાનો માર્ગ દેખાયો..’ તપન અંકલે ઘટનાઓના બિંદુઓને જોડતી શક્યતાની રેખાઓ દોરી.

‘અચ્છા.. આ..તો એ છમકલા માટે મનસ્વીએ એનો ‘ખીલતાં ફૂલ’ નામનો પહેલો સંગ્રહ રદ કરવાનું નક્કી કર્યું એમ વાત છે ને?’ જાની સાહેબને આખરે કશુંક સમજયાનો સંતોષ થયો.

‘એમાં મેં શું ખોટું કર્યું જાની? છપાણો ત્યારથી એ સંગ્રહની પાંચસો નકલનું ખોખું એમ ને એમ ઘરમાં પડ્યું’તું! દર દિવાળીની સફાઈ વખતે આ પદ્મા જ મને કહે કે, ‘ સાહેબ! તમારા આ ખોખાંનું કાંઇક કરો હો! નહીં તો પછી હું એ પસ્તીવાળાને આપી દઈશ…’ અને એમ મેં એ સંગ્રહને પાંત્રીસ પાંત્રીસ વરસ સુધી બચાવ્યો’તો!’

‘પણ એટલું તો કયો સાહેબ કે એ પાંત્રીસ વરસમાં તમે એ ખોખાં ઉપરથી કેટલી વાર ધૂળ ઉડાડી’તી? કયો જોઉં! અને ઉધઈ ન ચડે એનું ધ્યાન કોણે રાખેલું? બોલો જોઉં! પાછા કે’છે પાંત્રીસ વરસ સંગ્રહ મેં સાંચવ્યો’તો. એમની વાત સાચી જ હશે છતાં પદ્મા આન્ટીએ મનસ્વીજીને એ રીતે બધા દેખતાં ઉતારી પાડ્યા એ મને ન ગમ્યું પણ મનસ્વીજીએ ખોખાંના બચાવ માટે વધારે પડતી ક્રેડીટ લેવાનો મોહ ન રાખ્યો હોત તો પદ્માઆન્ટી આવું ન બોલ્યાં હોત!

‘જાની સાહેબ!’ અત્યાર સુધી બોલ્યા વગર પાછળ બેસી રહેલા નાણાવટીએ હાથ ઉંચો કરી જાની સાહેબનું ધ્યાન પોતા તરફ ખેંચ્યું.

‘બોલો વકીલ સાહેબ’

‘આ અભિભૂતી બેનની વાત સાંભળો’

‘બોલો બોલો બેન!’ જાની સાહેબે કહ્યું .

‘મને તો એમ હતું કે તપન ભાઈ આપણને સાહિત્યિક પ્રતિબદ્ધતાની વાત કરશે એને બદલે આપણે તો ધૂળ અને ઉધઈની વાતે વળી ગયાં!’ એટલું કહી અભિભૂતીબેન હસ્યાં. એ જોઈ એમના તાજા મિત્ર બનેલા વકીલ સાહેબ હસ્યા અને પછી બધાંય ઓછું વત્તું હસ્યાં. વાતાવરણ તંગ થયેલું એ આમ અણધાર્યું હસવાથી ખ્યાલ આવ્યો!

{ 15 }

‘પ્રતિબદ્ધતાનું એવું છે… કે..’ બધાનું હસવું હજી શમ્યું નહોતું ત્યાં તપન અંકલે વાત શરુ કરી ..’ આન્ટી સાથે વાત કરતી અનુરીતાને વારતાં મેં કહ્યું, ‘એ ય! સાંભળ! અંકલ કંઇક કહે છે.’ એમાંય એને ખોટું લાગ્યું !

‘કોઈ વાર કવિઓ એનેથી બંધાઈ જાય …’ તપન અંકલે હસવામાંથી બહાર આવતા શ્રોતાઓને સમજાવ્યું.

‘અને આપણા મનસ્વી સાહેબ કઈ રીતે બંધાયા કે એમણે એમનો પહેલો સંગ્રહ રદ કરવો પડે ?’ અભિભૂતીબેને અંકલને જનરલ વાત ઉપર ચડી જતા રોકવા માટે પૂછ્યું.

‘તમને ખ્યાલ છે કે નહીં એ મને ખબર નથી એટલે ખોટું નહીં લગાડતાં અભિભૂતી, પણ પ્રૌઢ મનસ્વી એક ઇન્ટેલેક્ચ્યુઅલ કવિ છે એ તો તમને ખબર જ હશે. છે ને?’

‘ના, નથી, આઈ મીન નહોતી, પણ તમે કહ્યું એટલે હવે ખબર પડી. પણ તેથી શું?’ અભિભૂતીબેને બધા વતી પૂછ્યું.

‘તેથી એમ કે યંગ મનસ્વી, અમારા ફ્રેન્ડ મનસ્વી, હજી એ સ્ટેજ ઉપર નહોતા પહોંચ્યા.’ તપન અંકલે કહ્યું.

‘ત્યારે તો એ એક લાગણીમય રોમાન્ટિક હતો’ પદ્માઆન્ટીએ સહસા આપેલી આ માહિતીથી મનસ્વીજી થોડું મલક્યા એ જાની સાહેબે રમુજથી જોયું.

‘હવે મને ખબર પડી ગઈ!’ અનુરીતાએ એક્સાઈટ થઈને કહ્યું.

‘શેની ખબર પડી?’ મેં પૂછ્યું.

‘મનસ્વી જી એ એમનો પહેલો સંગ્રહ શું કામ રદ કરવો પડ્યો એની જ તો, બીજા શેની?’ અનુરીતાએ મારામાં અક્કલ થોડી ઓછી હોય એ રીતે સમજાવતાં મને કહ્યું . એમાં બધાંને હસવું આવ્યું. પણ અભિભૂતીબેને મારો સવાલ પૂછ્યો.

‘અનુરીતા ! સમજાવને, આ સંગ્રહ રદ કરવાનું રહસ્ય. મને હજી ન સમજાયું’

‘આ તો મને લાગે છે હો… સાચું તો જે હોય તે, પણ લાગણીહીન ઈન્ટેલેક્ચ્યુઅલની લાગણીમય રોમાન્ટિકની ઈર્ષા…’ એક સાથે એની ઉપર મંડાયેલી બધાની આંખની વેધકતાથી, અનુરીતાનું અધૂરું વાક્ય, બે પળના મૌનના રણમાં લુપ્ત થઇ ગયું. મને યાદ આવ્યું કે હું એના પ્રેમમાં શું કામ પડ્યો ‘તો. સહારો શોધતી એની આંખોએ મારી આંખોમાં અહોભાવ પણ જોયો હશે ને ?

‘પણ અનુરીતા! not that you are wrong, પણ ઈર્ષાને પ્રતિબદ્ધતા સાથે શું સંબંધ હોઈ શકે?’ અભિભૂતી બેને તપન અંકલને વાતમાં ફરી જોડવા વ્યાજબી સવાલ ઉઠાવ્યો.

‘પ્રતિબદ્ધતા એટલે શું એ જ મને તો ખબર નથી એટલે શું કહું?…. અંકલ, પ્લીઝ, હેલ્પ કરોને !’ અનુરીતાએ મર્યાદા સ્વીકારી.

‘અમારા મનસ્વીને કોલેજમાં પ્રોફેસર થયાને દસ વરસ થયાં ત્યારે એક દિવસ અચનક એમનામાં બદલાવ આવ્યો. એમણે અમને કહ્યું, ‘હવેથી હું સંપૂર્ણ ઇન્ટેલેકચ્યુઅલ છું અને હવે પછીની મારી રચનાઓમાં બુદ્ધિથી પર કશું જ ન આવે એ માટે પ્રતિબદ્ધ થાઉં છું !’ યાદ છે ને જાની? તમે ય ત્યાં હતા એ મને બરોબર યાદ છે.’ તપન અંકલે જૂની વાત તાજી કરી.

‘અને તપન! ત્યાર પછી જ મનસ્વીની સર્જક્તામાં ભરતી આવી ને ? એના કેટલાય સંગ્રહો છપાયા, વખણાયા, વંચાયા પણ ખરા.’ જાની સાહેબે કહ્યું.

‘એટલું જ નહીં! એમના લગભગ બધા જ સંગ્રહને કોઈને કોઈ એવોર્ડ પણ મળ્યા.’ પદ્મા આન્ટીએ અભિમાનથી કહ્યું.

‘પણ, આટલી સફળતા પછી કે સફળતાને લીધે મનસ્વીને એક વાત કોરી ખાવા માંડી. એમની પ્રતિબદ્ધતાને લીધે એમને એમના શરૂઆતના કાવ્ય સંગ્રહની શરમ આવવા માંડી. ખરું ને પદ્મા બેન?’ તપન અંકલની આ વાતમાં ‘રદ મોચન’નું રહસ્ય મળશે એમ મને લાગ્યું.

‘પોતાના ભૂતકાળની શરમ તો મનસ્વીને પ્રતિબદ્ધ થયા એ પહેલાં ય આવવા માંડી’તી હો તપન!’

‘તું ય શું પદ્મા …’ મનસ્વીજી પાંગળો વિરોધ કરવા ગયા પણ એમને વચ્ચેથી જ રોકતાં જાની સાહેબે પૂછ્યું, ‘ભૂતકાળની શરમની વળી શું વાત છે?’

‘કાંઈ નઈં હવે, એ તો મારા બાળપણના ફોટાના આલ્બમમાંથી મારા ફોટા ગુમ થઇ ગયા એની વાત કરે છે પદ્મા.’ મનસ્વીજીએ આરોપને નગણ્ય ગણાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.

‘એ ફોટા કાઢી જ લીધા કે એને ય કાપી નાખ્યા?’ અભિભૂતી બેને બાજુમાં બેઠેલા નાણાવટીને ફોટા – ફોટા ની વાત વચ્ચે લીન્કની શક્યતા દેખાડી. એવડા નાના રૂમમાં સાવ ધીમેથી બોલાયેલી એ કોમેન્ટ બધાએ સાંભળી. રાતના બાર પછીની શાંતિ એવી જ હોય છે.

‘મેં કોઈ ફોટા કાપ્યા જ નથી.’ મનસ્વીજીએ શાંતિથી નાણાવટીને ધરપત આપી.

‘અને આલ્બમમાંથી ગુમ થયા પછી એ ફોટા મેં કોઈ દિ’ જોયા નથી..’ પદ્મા આન્ટીએ સ્પષ્ટતા કરી.

‘એ ક્યારે ગુમ થયા? બીજા કપાયા ત્યારે?’ અભિભૂતી બેને માહિતી માગી.

‘ના, રે ના! કપાયા એ તો રદ્મોચન વખતે, બે વરસ પહેલાં જ! ગુમ થયા એ તો છે … ક અમારા લગ્નની ય પહેલાં!’ આન્ટી એ કહ્યું.

‘લગ્ન પહેલાંની એ વાતની તમને કેવી રીતે ખબર પડી આન્ટી?’ અનુરીતાએ પૂછ્યું.

‘હું તો લગ્ન પહેલાં ય મનસ્વીજીને ઘરે આવતી જતી. મમ્મી – એટલે મારાં સાસુ – સાથે મારે દોસ્તી થઇ ગઈ’તી. મનસ્વી કામમાં હોય કે બહાર ગયા હોય ત્યારે કોઈ કોઈ વાર મને એ જૂનાં આલ્બમમાં મનસ્વીના નાનપણના ફોટા દેખાડતાં…. ‘ એટલું કહેતાં આન્ટીને હસવું આવવા માંડ્યું પણ એ હસવાને રોકતાં રોકતાં કહે, ‘… હવે નાનપણના ફોટામાં તો કોઈવાર બાબો સાવ ઉઘાડો ય હોય પણ કોણ જાણે કેમ પણ મને અને મમ્મીને એ ફોટા જોતાં… ‘ એટલું બોલતાં વળી આન્ટીનું રોકી રાખેલું સ્ત્રીસહજ હસવું ફરી છૂટી ગયું! એને કાબૂમાં લાવતાં આન્ટી કહે, ‘મને ને મમ્મીને એ ફોટા જોતાં એટલું હસવું આવે…. એવું હસવું આવે કે રોકાય જ નહીં!’

‘એવી મશ્કરી કરો તો તો પછી તમારા ફિયાન્સે એમના આલ્બમમાંથી પોતાના ફોટા કાઢી જ નાખે ને?’ અભિભૂતી બેને મનસ્વીજી તરફ સહાનુભુતિ રેલાવી.

‘પણ તો ય મેં નહોતા કાઢ્યા. પૂછો આ પદ્મા ને’ મનસ્વી જી.

‘એમની વાત સાચી છે.’ આન્ટીએ કહ્યું.

‘એક દિવસ હું બહારથી ઘરે આવ્યો ત્યારે પદ્મા એની કેટલીક બેનપણીઓ સાથે આગલા રૂમમાં બેઠી’તી. મમ્મી બજારથી હજી આવ્યાં નો’તાં. મમ્મીની રાહ જોવા પદ્માએ મારું એ આલ્બમ કાઢી અને બેનપણીઓને દેખાડવા માંડ્યું. હું તો ઉપર મારા રૂમમાં ગયો. બારણું બંધ હતું તો ય એ બધી છોકરીઓનું ખી ખી ખી જેવું ટીપીકલ હસવું સંભળાતું’તું.’ મનસ્વીજીએ વર્ષો જુનું ઈરીટેશન અત્યારે તો સાક્ષી ભાવે જ તાજું કર્યું.

‘પછી તો થોડી વારમાં જ મમ્મી બજારથી આવ્યાં, અમે ચા પીધી. બેનપણીઓ ગઈ પછી મમ્મીએ મને કહ્યું, ‘પદ્મા બેટા! આ આપણું આલ્બમ કે’વાય, એ બધાં ને ન દેખાડાય, હવેથી ધ્યાન રાખજે.’ આન્ટીએ વિગત આપી.

‘પછી એના ફોટા … ?’ અભિભૂતી બેને પૂછવાનું શરુ કર્યું.

‘મમ્મી એ કહ્યા પછી તો મારી મેળે હું એ આલ્બમને અડતી જ નહીં. વધારે તો અમારા કોલેજના ફોટાનાં આલ્બમ જ અમે જોતાં. પણ કોઈ કોઈ વાર એ નાનપણનું આલ્બમ ખોલતાં ત્યારે ખ્યાલ આવતો કે કેટલાય ફોટા ખૂટે છે. હવે તો એમાં માંડ વીસેક ફોટા જ હશે. બીજાનું શું થયું એ તો રામ જાણે.’ આન્ટીએ નાનપણના આલ્બમની વાત પૂરી કરી.

‘સારું થયુંને આન્ટી કે એ ફોટા ગુમ થઇ ગયા! આલ્બમમાં હજી હોત અને બીજા ફોટાની જેમ એ ય ખોવાયા વિના કપાયા હોત તો આપણને કેટલું દુ:ખ થાત?’ અનુરીતાએ આન્ટીને આશ્વાસન આપ્યું. મારી સિવાય બધાને અનુરીતાની વાત ઉપર હસવું આવ્યું.

‘પણ ફોટા કપાયા એ વાત આમ હસવા જેવી નથી હોં પદ્મા! આ તો બહુ સીરીયસ વાત છે. એવું કોણે કર્યું એ તો જાણવું પડે. શું કયો છો નાણાવટી?’ જાની સાહેબના અવાજની ગંભીરતા બધાને સહેજ ધ્રુજાવી ગઈ.

{16}

સહેજ ખોંખારો ખાઈને નાણાવટી કહે, ‘આપની વાત સાવ સાચી છે સર ! અભિભૂતી બેન પણ એ જ કે’તાં’ તાં.’

‘શું કે’તાં’ તાં તમે બેન?’ જાની સાહેબે અભિભૂતીબેનને પૂછ્યું.

‘એમ કે, we must get to the bottom of this offense. કોઈ બહારનું માણસ ઘરમાં આવીને આલ્બમ જેવી અંગત વસ્તુમાંથી ફોટા કાપી જાય એ તો ન જ ચલાવી લેવાય.’ અભિભૂતી બેનના અવાજમાં ઓફીશીયલ રણકો ચોખ્ખો સંભળાયો.

‘એ તો બરોબર બેન, પણ એ માણસ બહારનું જ છે એ ક્યારે નક્કી થઇ ગયું? મને તો ખબર જ ન પડી.’ તપન અંકલે કહ્યું.

‘આ તપન તો કાંઇક એમ કે’તો’તો કે ઇન્ટેલેક્ચ્યુઅલ મનસ્વીએ સંગ્રહ રદ કરવાના કેફમાં ને કેફમાં પોતાના એ રોમાન્ટિક નોન – ઇન્ટેલેક્ચ્યુઅલ અસ્તિત્વની નિશાની પણ ન રહેવા દેવા માટે જુના આલ્બમમાંથી પોતાના ફોટા કાપી નાખ્યા હોય.’ જાની સાહેબે તપન અંકલની આગલી વાતનું તાત્પર્ય તાજું કર્યું.

‘ગયા વરસ સુધી મારો ય એ જ વહેમ હતો.’ આન્ટી એ કહ્યું.

‘પછી એ વહેમ કેમ બદલાયો આન્ટી?’ અનુરીતાએ પૂછ્યું.

‘ગયે વરસે અભિભૂતી બેન મારી બાજુમાં રહેવા આવ્યાં અને અમારે ઓળખાણ થઇ. એક દિવસ એમને મેં ચા પીવા અને નિરાંતે વાતો કરવા બોલાવ્યાં.’ આન્ટી એ કહ્યું.

‘… અને એ દરમ્યાન પદ્મા બેને મને આ આલ્બમની વાત કરી.’ અભિભૂતી બેને પોતાનું આલ્બમ સાથેનું જોડાણ સ્પષ્ટ કર્યું.

‘oh ! i see now! તમે આ આલ્બમ ઉપર લાગેલી ફિંગર પ્રિન્ટો તપાસી એમ જ ને? એમ જ ને, ઓહ ! this is exciting!’ અનુરીતાનું કલ્પનાતંત્ર આ જામી રહેલી ડીટેકટીવ વાતમાં ઓતપ્રોત થવા માંડ્યું એ મેં જોયું.

‘હા ! you are very smart anurita! પણ nothing official, you know? …just for fun… પદ્માબેન ખાતર…’ અભિભૂતી બેને થોડા સંકોચ સાથે એકરાર કર્યો.

‘ઓ કે, ઓ કે ! so, what did you find? let me guess! સહુથી વધુ ફિંગર પ્રિન્ટ પદ્માની અને મનસ્વિની નીકળી, બરોબરને અભિભૂતી બેન?’ જાની સાહેબે પોતાના અનુમાનનું કન્ફર્મેશન માગ્યું.

‘હા અને ના!’ અભીભુતી બેને હસતાં હસતાં કહ્યું.

‘એટલે … ?’ જાની સાહેબ વિચારમાં પડ્યા.

‘ઘરનાં માણસોની પ્રિન્ટ તો હોય જ. પણ આ આલ્બમોમાં તપન ભાઈની પ્રિન્ટ્સ પણ બહુ મળી! એ શું સુચવે છે?’ અભિભૂતીબેને બધાને ઉદ્દેશીને પૂછ્યું.

‘તપન મને મળવા આવ્યો ત્યારે અમે આ કોલેજ વાળું આલ્બમ જોયેલું એ વખતે એની પ્રિન્ટ્સ આલ્બમમાં પડી હશે.’ મનસ્વીજીએ એક શક્યતા દર્શાવી.

‘મનસ્વી! તપનને તો તેં તારા રદ્મોચન કાર્યક્રમની વાત કરવા બોલાવેલો. એમાં કોલેજનું આલ્બમ જોવાની વાત ક્યાંથી આવી?’ જાની સાહેબનું મન થઇ રહેલી વાતનું કેટલી ચોકસાઈથી ધ્યાન રાખે છે એ મને સમજાયું.

‘એ વાત ક્યાંથી આવી એ હું તમને કહું વિધાયક!’ જાની સાહેબની બાજુમાં જ બેઠેલાં આન્ટીએ કહ્યું.

‘હા, તે તું વાત કરને.’ જાની સાહેબે સહેજ અધીરાઈ દેખાડી એ જોઈ આન્ટી થોડું મલકીને કહે, ‘તપન આવ્યો અને પહેલાં તો એણે મનસ્વીને રદ્મોચન જ રદ કરવાનું કહ્યું! પણ એમણે કહ્યું કે એ તો હવે out of question છે. Too late for that. એક વરસથી તૈયારી ચાલે છે એટલે કાર્યક્રમ તો રદ નહીં જ થાય.’

‘એ સાંભળીને તપન તો તપ્યો હશે!’ જાની સાહેબે હસતાં હસતાં તપન અંકલ સામે જોયું. એ ગંભીર હતા.

‘ના રે ના ! મનેય એવી બીક હતી કે કોલેજની જેમ અહીં પણ એ બે ય વચ્ચે ઝગડો થઇ જશે. પણ એવું કશું ન થયું. એ સાવ શાંત રહ્યો – જાણે આપણો જાણીતો તપન જ નહીં.’

‘This is getting interesting now, અનુરીતા બેટા, થોડું પાણી લાવને. હં, પછી શું થયું?’ જાની સાહેબે આન્ટીને પૂછ્યું.

‘આન્ટી! એક મિનીટ સ્ટોપ! હું સર માટે પાણી લઇ આવું પછી કહેજો કે શું થયું.’ એટલું કહી અનુરીતા પાણી લેવા ગઈ.

એ એક ટ્રેમાં પાંચ છ ગ્લાસ પાણી લઈને આવી એ જોઈ બધાં ને પાણી પીવાનું મન થયું. પાણી અપાઈ ગયું એટલે આન્ટીએ વાત ચાલુ કરી, ‘મનસ્વી માન્યા નહિ એટલે થોડી વાર તપન સાવ મૂંગો થઇ ગયો પછી કહે, ‘ઓ કે મનસ્વી, go ahead with your rd – mochn affair. i am with you in this all the way, પોતાની ઇન્ટેગ્રીટી જળવાય એનું લેખકે જ ધ્યાન રાખવું જોઈએ એ તારી વાત સાચી છે.’ મને તો થોડી વાર પહેલાં જ મનસ્વીજીના આઈડીયાનો સખત વિરોધ કરતા તપનમાં આ અચાનક આવેલો ફેરફાર જોઈ નવાઈ લાગી.’

મનસ્વીજી કહે, ‘મેં તો એને સીધું જ પૂછ્યું કે જુના, કોઈને યાદે ય નથી એવા મારા કોઈએ ન વાંચેલા પહેલા સંગ્રહને રદ કરવામાં ઇન્ટેગ્રીટીની વાત ક્યાંથી આવી, તપન?’

મેં કહ્યું, “મનસ્વી! તું જરા સમજ! ઇન્ટેગ્રીટી જેવો કોઈ મોટો બેઝીક પ્રિન્સીપલ જો પાયામાં ન હોય તો આવડા મોટા રદ મોચન સમારંભનો કોઈ અર્થ જ નથી રહેતો. it becomes just a big farce! અને તારે નામે ત્યાં એવાં માણસો ય આવશે કે જે આવાં ફારસથી નારાજ પણ થઇ જાય!’ તપન અંકલે જાની સાહેબને માહિતી આપી.

જાની સાહેબ બે ઘડી વિચારમાં પડી ગયા પછી સહેજ ભેદી મલક્યા અને કહે, ‘તપન, બેટા તપન! લોજીકમાં તને અમારા બધ્ધાય કરતાં વધારે માર્ક અમથે અમથા નો’તા આવતા એ છેક આજે સમજાય છે!’ અમે બધાં હસ્યાં.

‘તપનની વાત એકદમ મારે ગળે ઉતરી ગઈ!’ મનસ્વીજીએ કહ્યું. ‘… અને …’

‘…અને એમની એ સમજનું પહેલું પરિણામ એ આવ્યું કે… ‘ આન્ટી આગળ બોલી શકે તે પહેલાં નલીની બેને વાતમાં ઝંપલાવ્યું, ‘… પહેલું પરિણામ એ આવ્યું કે મનસ્વીજીએ તમને લગ્નની ભેટ આપેલી ‘ખીલતાં ફૂલ’ ની નકલ પણ રદ કરવાનો ઇન્ટેલેકચ્યુઅલ નિર્ધાર કર્યો! ખરુંને પદ્મા બેન?’

આન્ટીએ સજળ આંખે માથું હલાવીને મૂંગાં મૂંગાં જ હા પાડી અને થોડી વારે કહ્યું, ‘આ તપને તો પછી સાહેબને પ્રતિબદ્ધતા – ઇન્ટેગ્રીટીની વાતનો પાનો ચડાવવા કહ્યું, મનસ્વી! ‘ખીલતાં ફૂલ’ કાવ્ય સંગ્રહ એ તારાં non – intellectual past નો ડોક્યુમેન્ટરી એવીડન્સ ગણાય. એ તું જાહેરમાં રદ કરી ને આપણા સાહિત્યમાં એક નવો જ ચીલો પાડીશ.’

‘એ સાંભળીને મનસ્વી એ શું કહ્યું?’ જાની સાહેબે પૂછ્યું.

‘સાહેબે તો સહેજ વિચારમાં પડી ગયા.એમણે તો તપનને એટલું જ પૂછ્યું, ‘તપન, તપન, માય ફ્રેન્ડ તપન! do you really think this is THAT important?’

‘પછી?’ જાની સાહેબ.

‘એટલે તપન કહે, absolutely Mansvi! સવાલ જ નથી! આ તો ગુજરાતની જ નહીં આખા ઇન્ડીયાની વિરલ સાહિત્યિક ઘટના ગણાય તો પણ નવાઈ નહીં! આ તો કોઈ સારત્રેને લાયક ઘટના છે.. એ સાંભળી સાહેબ તો આનંદમાં આવીને excite થઇ ગયા!’ આન્ટીએ બે અઢી વરસ જૂની વાત તાદૃશ કરી.

‘પણ પછી તપને એના લોજીકના દોરમાં થોડી ઢીલ મૂકી’ મનસ્વીજીએ કહ્યું.

‘હું સમજી નહીં’ અભિભૂતી બેને પોતાની હાજરી નોંધાવી.

‘તપન મને કહે, મનસ્વી! જરા વિચાર! આ પ્રથમ કાવ્ય સંગ્રહ એ તો માત્ર એક tip of the iceberg છે! તારી પહેલી પચીસીના non – intellectual meaningless existence નો બહાર દેખાતો પુરાવો છે. પણ આપણે તો ક્રિકેટ રમતા, આપણે પ્રેમ કર્યો, આપણાં લગ્ન થયાં… એ બધી તો તારી પ્રતિબદ્ધતા પૂર્વેની પ્રવૃત્તિઓ… એમાં તો બુદ્ધિનો વિચારેય આપણને નહોતો આવ્યો. આ પદ્માબેને સાચવેલાં આલ્બમોમાં રહેલા તારા ફોટાઓ જ તને – આજના intellectual giant મનસ્વી ને – તારી એ શરમજનક યુવાની સાથે સાંકળે છે. તારો સંગ્રહ રદ થાય એ પહેલાં જ એ આલ્બમોમાં તું ન હો એ જરૂરી છે.” એની આ મોટા ફલકની વાતોએ મને વિચાર કરતો કરી મૂક્યો.’ મનસ્વી જી એ કહ્યું.

‘એની કરતાં એમ કે’ને કે તપને એના લોજીકના દોરમાં મુકેલી ઢીલને લીધે તેં ગોથું ખાધું!’ જાની સાહેબે હસતાં હસતાં કહ્યું.

‘ગોથું ખાધું એટલે કે… મનસ્વીજીએ જ પોતાના ફોટાનાં ડોકાં કાપી નાખ્યાં એમ? હાય, હાય..’ પોતેજ તારવેલું deduction અનુરીતા સ્વીકારી ન શકી .

{ 17 }

‘તો જાની સાહેબ હું જાઉં? મોડું બહુ થયું છે અને મિસ્ટરી તો સોલ્વ થઇ ગઈ છે.’ એડવોકેટ નાણાવટીને ફરી ઘેર જવાની ઉતાવળ થઇ. આમ તો અમારે ય જવું જોઈએ એક વાગવા આવ્યો છે. પણ એમ ને એમ કેમ જવાય?

‘કોણે કીધું મિસ્ટરી સોલ્વ થઇ છે ? હું તો એવું બોલી નથી.’ અભિભૂતીબેને વકીલ સાહેબને ન જવાનું કારણ આપતાં કહ્યું.

‘મિસ્ટરી કાંઈ સોલ્વ – બોલ્વ થઇ નથી કેમકે મેં એક નઈં તો હજાર વાર કીધું છે કે મેં કોઈ ફોટા કાપ્યા જ નથી.’ મનસ્વીજીએ નારાજગી સાથે અકળાઈને કહ્યું.

‘ઓ કે, ઓ કે, ભાઈ તેં ફોટા નથી કાપ્યા, બસ!’, જાની સાહેબે કહ્યું પછી પૂછ્યું, ‘પણ હેં મનસ્વી! એટલું તો કે’કે બે ઘડી ગુજરાતના સારત્રે થવાનું મન તો થઇ ગયું’તું કે નઇં?’

મન પારખુ જાની પાસે ખોટા ઇનકારનો કોઈ અર્થ નહોતો એનો મનસ્વીજીને લાંબા અનુભવથી પરચો છે. એમણે કહ્યું, ‘તપનનું લોજીક લોભામણું હતું એ ખરું પણ ત્યાં સુધી જવાની મારી નૈતિક તૈયારી નહોતી.’

‘આપની વાત સાચી છે. સારત્રે થવું સહેલું નથી.’ મારાથી બોલાઈ ગયું. મને સારત્રે કોણ છે એ ખબર નથી પણ ચાલુ વાતમાં એવી કોમેન્ટ સરસ ભળે!

‘અભિભૂતી બેન! હવે તો તમારે જ ભેદ ખોલવો પડશે.’ અનુરીતાએ અભિભૂતીબેનને અનુરોધ કર્યો.

‘તમને ખબર છે ફોટા કોણે કાપ્યા’તા?’ જાની સાહેબે અભીભુતી બેનને પૂછ્યું.

‘હા જ તો!’

‘તો અત્યાર સુધી બોલ્યાં કેમ નઈં?’

‘તમે લોકો બોલવા દ્યો તો બોલું ને?’

‘ઓ કે, ઓ કે, બોલો બેન, બોલો! એ ય બધાં સાંભળો! અભિભૂતી બેનની વાત સાંભળો!’ જાની સાહેબે જાહેરાત કરી.

{ 18 }

‘આપણને તપન ભાઈએ જ કહ્યું કે એમના લોજીકથી દોરવાઈને મનસ્વીજીએ પદ્મા બેન પાસેથી એમની લગ્નની ભેટ પણ લઇ લીધી ખરું?’ અભિભૂતી બેને બધાને સવાલ કર્યો.

‘ખરું’ જવાબ એકલી અનુરીતાએ આપ્યો.

‘good! તપન ભાઈએ મનસ્વીજીના મનમાં પોતાના જ ફોટા કાપીને એક ઉચ્ચ ધ્યેય હાંસલ કરવાનો મોહ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો એ પણ આપણે જોયું! ખરું કે નહીં?’ અભિભૂતી બેને આગળ પૂછ્યું.

‘યસ, યસ..’ અધીરી અનુરીતાથી ન રહેવાયું. ‘પણ સાહેબે કાંઈ ફોટા કાપ્યા નથી..’ એણે મનસ્વીજીનો લાડ ભર્યો બચાવ કર્યો.

‘અને એ વાત થયા પછી તો તપન થોડી વારમાં નીકળી ગયો. પછી તો ફોટાની કોઈ વાત જ નહોતી થઇ.’ આન્ટીએ કહ્યું ‘એક મહિના પછી તો રદ્મોચનનો કાર્યક્રમ – સોરી, આય મીન સમારંભ ઉજવાયો અને બીજે દિવસે અમને – એટલે કે મને અને આ રાહુલને – ફોટા કપાયાની અનાયાસ ખબર પડી।’ આન્ટીએ ઘટનાક્રમ તાજો કર્યો.

‘.. પણ, … પણ .. એ તો આ રાહુલભાઈ એમની સાહિત્યપૂર્તિ માટે તમારે ત્યાં વિગત લેવા આવ્યા એટલે ખબર પડી. એ ન આવ્યા હોત તો? કોઈએ આલ્બમ ખોલ્યું હોત?’ એડવોકેટ નાણાવટીની આ કોમેન્ટથી, મારું તે દિવસે, મનસ્વીજીને ઘરે આવવું, એ આ આખી દુર્ઘટના પ્રકાશમાં લાવવા માટે કેટલું અગત્યનું હતું એ બધાને સમજાયું.

‘અને મજાની વાત તો એ છે કે કપાયેલા ફોટાના આલ્બમમાં રાહુલ ભાઈની ફિંગર પ્રિન્ટ પણ મળી છે !’ અભિભૂતી બેને કોઈ સિક્રેટ બહાર લાવતાં હોય એ અદાથી ધીમે ધીમે કહ્યું.

‘પણ અભિભૂતી! રાહુલની પ્રિન્ટ તો હોય જ ને? મેં જ તો એને આલ્બમ જોવા આપ્યું’ તું’ આન્ટીએ કહ્યું.

‘હા, હા, એની તો હોય જ ને! પણ એના બોસની?’ અભિભૂતી બેને પૂછ્યું.

‘એના બોસની શું?’ જાની સાહેબ અકળાયા.

‘ફિંગર પ્રિન્ટ, સાહેબ, ફિંગર પ્રિન્ટ !’ અભિભૂતી બેનને લાગ્યું કે જાની સાહેબને ઝોકું આવી ગયું હશે, નહીં તો આવું ન પૂછે.

‘તપન તો સમારંભ અગાઉ મહિના પહેલાં આવેલો. ત્યારે અમારે આલ્બમની વાત થઇ’તી પણ અમે એ જોયાં હોય એવું મને યાદ નથી.’ મનસ્વીજીએ કહ્યું.

‘હું તો તે દિવસે તમારા બેયની ઢંગધડા વગરની વાતોથી એટલી અપસેટ હતી કે મને ય આલ્બમ યાદ જ નથી. પણ તપનની પ્રિન્ટ અમારા આલ્બમમાં હોય એમાં નવાઈ નથી.’ આન્ટીએ કહ્યું.

‘કેમ નવાઈ નથી?’ અભુભુતી બેને પૂછ્યું.

‘કેમકે એ તો અમારે ત્યાં આવે જાય છે.’ આન્ટીએ ચોખવટ કરી.

‘તપન ભાઈ તમારે ત્યાં છેલ્લે ક્યારે આવેલા?’ અભિભૂતી બેને પૂછ્યું.

‘યુ મીન, તે દિવસે સાહેબે બોલાવ્યા ત્યારે આવ્યા’તા એ પહેલાં? … એ પહેલાં … એ પહેલાં …? .. ક્યારે આવ્યો’તો તું તપન …?’ આન્ટીની ખાલી આંખો દુર સમયમાં તણાઈ ગઈ.

‘exactly! અને આલ્બમાં તપન ભાઈની પ્રિન્ટ પ્રમાણમાં તાજી છે. આમ તો એમની પ્રિન્ટ આ રાહુલ ભાઈની પ્રિન્ટ જેટલી જ ફ્રેશ દેખાય છે.’ અભિભૂતી બેને એક્સપર્ટ માહિતી આપી.

‘પણ તે દિવસે અપસેટ થઈને ગયો પછી તપન અમારે ત્યાં આવ્યો જ નથી !’ આન્ટીએ કહ્યું.

‘તપન ભાઈ તો આવ્યા જ હતા એટલું જ નહીં પણ એમની સાથે આ નલીની બેન પણ આવ્યાં હશે એની મને ખાત્રી છે.’ અભિભૂતી બેને કહ્યું.

‘શું વાત છે? હોય નહીં!’ નાણાવટીએ આ અણધારી માહિતી માટે બધા વતી આશ્ચર્ય વ્યક્ત કર્યું. બધાની આંખો ઓટોમેટીક નલીની બેન તરફ મંડાણી. નલીની બેને તપન અંકલ સામે જોયું અને પૂછ્યું, ‘ તમે વાત કરો છો કે હું કરું?’ તપન અંકલ કહે, ‘you go ahead ..’

‘અભિભૂતી બેનની વાત સાચી છે.’ નલીની બેને કહ્યું,’ તમારા રદ્મોચન સમારંભની સાંજે અમે અહીં આવ્યાં’તાં.’

‘અને તે વખતે હું, બહાર મારા હીંચકા ઉપર બેઠી’તી.’ અભિભૂતી બેને ફિંગર પ્રિન્ટ સિવાયનો, વધારાનો, આંખે દેખ્યો પૂરાવો આપ્યો.

‘કેમ? સમાંરભમાં જવાને બદલે અહીં કેમ?’ જાની સાહેબે નલીની બેનને પૂછ્યું.

‘તપન બહુ અપસેટ હતા. એમને આ સંગ્રહ રદ કરવાની વાત બિલકુલ પસંદ નહોતી. એમણે જોવુ’તું કે મનસ્વી સાહેબે એનું સૂચન સ્વીકાર્યું’તું કે નહીં.’

‘શેનું સૂચન?’ જાની સાહેબ

‘કેમ? સિદ્ધાંત ખાતર પોતાના ફોટાનાં ડોકાં કાપવાનું સૂચન!’ અનુરીતાએ જાની સાહેબને યાદ આપ્યું અને પછી ખાત્રી કરવા પૂછ્યું,’સાચું ને નલીની બેન?’

‘બિલકુલ સાચું .. ‘ નલીની બેને હસીને જવાબ આપ્યો.

‘પણ આ મનસ્વી તો કે’છે કે એ તો ફોટા કાપવા સુધી એના સિદ્ધાંતમાં આગળ વધ્યો જ નો’તો!’ જાની સાહેબે દેખાડ્યું કે વાતના છેડા હજી મળ્યા નથી.

‘પણ તો પછી ફોટા કાપ્યા કોણે?’ આન્ટીથી પૂછાઈ ગયું.

‘may i say something?’ મેં જાની સાહેબની રજા માગી. એમણે હસીને હા પાડી એટલે મેં કહ્યું, ‘આન્ટી! અભિભૂતી બેન કહી નથી શકતાં પણ એમનું અનુમાન એમ છે કે, માફ કરજો અંકલ, પણ… અભિભૂતી બેનનું સૂચન એમ છે કે … ફોટા તપન અંકલે જ કાપ્યા છે. ખરું ને બેન?’ મેં ગભરાતાં અચકાતાં કહેવાની વાત કહી નાખી

‘નલીની! આ છોકરો સાચું કે’છે ?’ જાની સાહેબે પૂછ્યું.

‘is it not quite obvious?’ નલીનીબેન કશું બોલે એ પહેલાં અભિભૂતીબેને કહ્યું.

‘નલીની! મેં તને પૂછ્યું!’ જાની સાહેબે, અભિભૂતી બેનના ઉદ્ગારથી દોરવાયા વગર, એમની નજર નલીની બેન ઉપર સ્થિર કરીને પૂછ્યું.

‘એમાં આટલા ઓફીસીઅલ થવાની જરૂર નથી જાની! આ કાંઈ તારી કોર્ટ નથી.’ તપન અંકલના અવાજમાં રહેલી કરડાકીથી બધાં સહેજ ચમક્યાં, વાતાવરણમાંથી એક ધ્રુજારી પસાર થઇ ગઈ.

‘નલીની .. ?’ જાની સાહેબે અવાજ ઢીલો કર્યો પણ સવાલ ન છોડ્યો!

‘હા, જાની સાહેબ! રાહુલ ભાઈની વાત સાચી છે’ નલીની બેને ધીમા અવાજે એકરાર કર્યો. અભિભૂતીની આંખમાં વિજયનો ચમકારો આવી ને ગયો એ મેં જોયો. અનુરીતાએ પણ જોયો

‘તપન! તપન! આ શું વાત છે? અમારી ગેરહાજરીમાં મારા ઘરમાં ઘૂસીને અમારા આલ્બમમાંથી તું જ ફોટા કાપી ગ્યો?’ મનસ્વીજીએ નાનપણના ભાઈબંધના બેવફાઈભર્યા વર્તનના આઘાતના આક્રોશ અને દુ:ખ મિશ્રિત અવાજ ભર્યો ઉદ્ગાર કર્યો.

‘મનસ્વી જી! ફોટા મેં અને તપને કાપ્યા છે એ સાચું પણ…’ નલીની બેનને તપન અંકલે આગળ બોલતાં રોક્યાં

‘…પણ શું? નલીની? તપન! વાત શું છે? નલિનીને કહેવા દે, એને રોક માં, તું તારે બોલ નલીની!’ આન્ટીએ અધીરાઈથી પૂછ્યું.

‘વાત એમ છે પદ્મા બેન કે ફોટા અમે કાપ્યા’તા એ સાચું પણ આ આલ્બમ તમારાં નથી.!’ નીલીની બેને સ્મિત સંતાડતાં કહ્યું.

{ 19 }

‘જાવ જાવ હવે! એવો ખોટો બચાવ રહેવા દ્યો!’ અભિભૂતીબેને અકળાઈને વિરોધ દર્શાવ્યો. પકડાયેલો શિકાર છટકતો લાગ્યો.

‘પણ .. તો પછી .. નલીનીબેન! આ આલ્બમ કોનાં છે?’ અનુરીતાએ પૂછ્યું.

‘એ આલ્બમ તારા તપન અંકલનાં છે.’ નલીની બેને કહ્યું.

‘આપણે ક્રિકેટ ટીમના બધા ફોટાનાં ચાર આલ્બમ બનાવ્યાં’તાં, મને યાદ છે .. ‘ જાની સાહેબે કહ્યું.

‘તારું, મારું અને તપનનું એક એક અને ચોથું .. ?’ મનસ્વીજીએ જાની સાહેબની યાદમાં યાદ ઉમેરી.

‘અચ્છા ….! તો તપન અંકલે એ ચોથું આલ્બમ કાપી કાઢ્યું એમ વાત લાગે છે! એમ જ ને રાહુલ?’ અનુરીતાએ મને, મને જ સીધું પૂછ્યું! મારા પેટમાં ટાઈટ થયેલી સ્પ્રિંગ થોડી ઢીલી થઇ.

‘ઓ કે, ઓ કે, ક્રિકેટની તો ટીમ હોય એટલે એનાં આલ્બમની કોપી હોઈ શકે પણ લગ્નનું આલ્બ્મ કાપ્યું એ તો પદ્મા બેન અને મનસ્વીજીનું જ છે ને?’ નાણાવટીએ ખાત્રી કરવા પૂછ્યું.

‘એ પણ એમનું નથી, તપનનું જ છે..’ નલીની બેને કહ્યું.

‘અમારા લગ્નના બધા જ ફોટા તપને જ પાડેલા..’ આન્ટી યાદમાં ખોવાયાં.

‘અને … તમે .. તમે અને શુચીએ કેટલાય દિવસો ભેગાં બેસીને એ ફોટા આલ્બમમાં ગોઠવેલા.’ તપન અંકલ આન્ટીની એ યાદમાં જોડાયા. એક અજાણી અને ગેરહાજર વ્યક્તિનું નામ જે લાગણીથી લેવાયું એનેથી આખા રૂમમાં એક રણઝણાટી પસાર થઇ ગઈ.

‘તેમ છતાં, આટલે વરસે એ આલ્બમમાંથી મનસ્વીજીને રદ કરતાં તારો જીવ કેમ ચાલ્યો તપન?’ આન્ટીએ યાદમાંથી વર્તમાનમાં આવતાં પૂછ્યું.

‘મનસ્વી એ તમને અર્પણ કરેલો એ પહેલો સંગ્રહ, ‘ખીલતાં ફૂલ’ જાહેરમાં રદ કર્યો એનો બદલો લેવા..’ તપન અંકલે કહ્યું. બહારથી સોફ્ટ દેખાતો માણસ અંદરથી આટલો વેરભાવ રાખી શકતો હશે એ જોઈ મને નવાઈ લાગી.

‘પણ તપન, અમારા લગ્નના આલ્બમમાંથી એમના જ ફોટા કાપશો તો મને કેટલું દુ:ખ થશે એ વિચાર તને ન આવ્યો?’ આન્ટીએ ખુલાસો માગ્યો.

‘એ વિચાર તો તપનને આવે જ ને પદ્મા બેન! એટલે તો હું તમારું લગ્નનું આલ્બમ જેવું હતું એવું પાછું લાવી છું. લ્યો જુઓ.’ નલીની બેને એમના થેલામાંથી કાઢી પદ્મા બેનને આલ્બમ આપ્યું.

‘તો તો , તેં શુચિ વાળું આલ્બમ કાપી નાખ્યું? એ તો બહુ ખોટું કર્યું. સાવ કેવા છો તમે લોકો ! સાવ લાગણી વિનાના ..’ પદ્મા બેનનો આક્રોશ રુદનને બારણે આવીને રોકાયો.

‘અરે, અરે પદ્મા બેન! પદ્મા બેન! તમે તો બાપુ બહુ ઢીલાં!’ તપન ભાઈ ખુરશીમાંથી ઉઠી અને પદ્મા બેન પાસે સોફામાં બેઠા. ‘શુચિનું આલ્બમ સાવ હેમખેમ છે. તમે ચિંતા ન કરો.’

‘પદ્મા બેન! આ તપન જરા વિચિત્ર તો ખરો જ .’ નલીની બેને કહ્યું.

‘કેમ, એમ કહ્યું?’ પદ્મા બેને પૂછ્યું.

‘આ જુઓને મનસ્વીજીના ફોટા કાપવા એમણે તમારા લગ્નના બધા જ ફોટાની કોપી કરાવી. પાંચ હજાર ખર્ચ્યા પણ ફોટા કાપવા’તા એટલે કાપ્યા! એ વિચિત્ર નહીં તો બીજું શું?’ નલીની બેને કહ્યું.

‘એ તો વિચિત્ર ખરું જ પણ સમારંભની સાંજે આન્ટીને ઘરે આવીને તમે બે ય ખાનગીમાં કાપેલાં આલ્બમ મૂકી ગ્યાં એ ય વિચિત્ર કહેવાય નહીં અભિભૂતીબેન?’ અનુરીતાએ તંગ બનેલા વાતાવરણને હળવું બનાવવા નલીની બેનને સહાય કરી અને પૂછ્યું, ‘છેલ્લે થોડી ચા અને આઈસ ક્રીમ ચાલશે ને ?’

{20}

બધાં ગયાં. અમે ઘરની સાફસૂફી માટે રોકાયાં.

‘that was quite an evening sir!’ મેં મનસ્વીજીને કહ્યું. એ હસ્યા, કહે,’ સારું થયું, મિસ્ટરી સોલ્વ થઇ ગઈ. તમારાં આન્ટીના મનનો ભાર હળવો થઇ ગયો હશે.’

‘મને તો કલ્પના જ નહીં કે તપન અંકલ આટલા સેન્ઝીટીવ હશે.’ મેં કહ્યું.

‘મેં સંગ્રહ રદ કર્યો એનું એને આટલું દુ:ખ થયું હશે – થઇ શકે – એ મને ખ્યાલ જ ન આવ્યો.’ મનસ્વીજીએ વધારે તો પોતાને જ કહ્યું.

આ બાજુ રસોડામાં – કાચની ડીશો ધોતાં..

‘આન્ટી!’

“હં’

‘આ શુચિ બેન ..?’

‘એ જૂની વાત છે… ટ્રેજીક છે.. ન કરવા જેવી ..’

‘સોરી, આન્ટી…’

‘અનુરીતા બેટા!’

‘હં આન્ટી .’

‘એક વાત કહું?’

‘ખોટું ન લગાડતી.’

‘ન જ લગાડું ને’

‘મેં જોયું કે તેં બધાને આઈસ્ક્રીમ આપ્યો પણ રાહુલને ન આપ્યો’.

‘તમે જોયું ?’

‘હા, અને મને એ ય ખબર છે કે તેં શું કામ ન આપ્યો.’

‘શું કામ કયો જોઉં !’

‘એ અહીં મને મળવા આવ્યો’તો અને એને ફોટા કપાયાની ખબર હતી એ વાત એણે તને નો’તી કરી એનું તને ખોટું લાગ્યું! ખરુંને?’

અનુરીતાએ શરમાઈને હા પાડી . પછી કહ્યું,’ એવું ખાનગી રાખે તો ખોટું તો લાગે જ ને આન્ટી?’

‘હા, બેટા, મને ય લાગે પણ મેં જ એની પાસે વચન માગેલું કે એ આલ્બમ કપાયાની વાત કોઈને ન કરે. એટલે એ તને કેવી રીતે વાત કરે?’

‘થેન્ક્સ આન્ટી, તમે મને કહ્યું .’

‘એટલે બેટા, મારું કહેવાનું એમ છે કે તું એને અમથી અમથી હેરાન ન કરતી.’

‘ઓ કે આન્ટી’

‘થેન્ક્સ બેટા’

‘આન્ટી?’

‘હં બેટા!’

‘રાહુલે તમને તમારી લગ્નની ભેટ પાછી લાવી દીધી એટલે તમને એ લાડકો લાગે છે ને ?’

હવે આન્ટી શરમાયાં અને કહે, ‘એ તો લાગે જ ને?’

‘આન્ટી! તમારા લાડકાને હેરાન તો નહીં કરું પણ થોડો ટટળાવું તો તમને વાંધો નથી ને?’ અનુરીતાની હસતી આંખ નીચે ગુલાબી થતા ગાલ ઉપર સાબુ વાળા હાથે ટાપલી મારીને આન્ટી એને ભીંજવીને ભેટ્યાં…

– કુમાર ભટ્ટ


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “એક અસંભવિત સાહિત્યિક ઘટના.. – કુમાર ભટ્ટ

  • tushuar suresh bhatt

    સ્પેલ બાઉન્દ સસ્પેન્સ. કથાવસ્તુ પણ એકદમ નવતર અને “ગમ્ભિર” રહસ્ય હોવા છતાઁયે એકદમ હળવેી શૈલિ. એક વખત શરુ કરો પછેી મુકવાનુ મન ના થાય. સુન્દર વાર્તા.

  • dhruv

    કુમારભાઈ,

    સરસ વાર્તા. અભિપ્રાયો વાચવાનેી પણ મજા પડેી
    જિગ્નેશને પણ ધન્યવાદ
    ધ્રુવ

  • Dipak Dholakia

    ભાઈ કુમાર ભટ્ટ પાસે કુશળ કલમ છે, એમાં શંકા નથી. એક બેઠકે વાંચી નાખી. છેક સુધી રસ જળવાઈ રહ્યો. એક જ જગ્યાએ ગોટાળો જણાયો. પ્રકરણ ૧૬માં અભિભૂતિ કહે છે કે એમાં તપનની, રાહુલની ફિંગર પ્રિન્ટ છે. કોઈ અજાણી ફિંગર પ્રિંટ લીધા પછી તરત જ કોઈ એ કોની છે તે ન કહી શકે. ફિંગર પ્રિંટ એક્સપર્ટ માત્ર બે ફિંગર પ્રિંટોની તુલના કરીને સામ્ય અને ભીદ દેખાડી શકે. અભિભૂતિ પાસે સરખામણી કરવા માટે તપન કે રાહુલની ફિંગર પ્રિંટ પહેલેથી હતી નહીં!
    એ જવા દો. વાર્તા બહુ સારી રીતે લખેલી છે. કોઈ દાવો ન કરી શકે કે એને અધવચ્ચે જ અંત સમજાઈ ગયો હતો. ઍટ લીસ્ટ, હું તો એવો દાવો નથી કરતો. અભિનંદન, ભાઈ કુમાર અને જિજ્ઞેશ, તમને બન્નેને!