એક અસંભવિત સાહિત્યિક ઘટના.. – કુમાર ભટ્ટ 10
કુમારભાઈ ભટ્ટની પ્રસ્તુત કૃતિ પ્રયોગશીલ કહી શકો એ પ્રકારની રચના છે. તેઓ કહે છે, “શરૂઆતમાં બે ત્રણ પેરેગ્રાફ જેટલી સૂઝેલી વાત લખાવા માંડી પછી એને જ્યાં જવું હોય એમ એની પાછળ પાછળ હું ગયો. કોમિક તો છે જ, આમ જુઓ તો લંબાઈના પ્રમાણમાં ‘વાત’ ખાસ ન પણ લાગે, પણ વાક્યે વાક્યે સંભવિત વાર્તાઓની કુંપળો દેખાય છે એની મને મજા પડી. ઘણા વાર્તા વાચકોને વાર્તામાં શું વાત છે એ તરત સમજાય જાય છે અને પછી એમને ‘વાર્તા’માં રસ નથી રહેતો એવા વાચકો માટે આ ‘કથા’ નો સાર એટલો જ છે કે … પણ એમને તો તરત ખબર પડી જ જાય પછી શું કે’વું?
પંચાણું ટકા વાત સંવાદ ઉપર જ ચાલે છે અને લગભગ એટલી જ વાત એક જ નિરીક્ષકની દૃષ્ટિથી જોવાઈ છે. રચના થોડી વિચિત્ર છે. જાણકારને ‘ચાલુ રાખો, સરસ છે’ એટલું કે’તાં ય કદાચ ઉદાર હોવાનો ભાવ થાય. તો પણ કોમેન્ટ્સ આર વેલકમ – જેવી હોય એવી. લંબાઈ વધારે છે એટલે શક્ય હોય તો વાત ક્યારે પૂરી થાય એની રાહ જોયા વગર વાંચશો તો થાક ઓછો લાગશે. વાતને ‘વાર્તા’ બનાવે એવું એક પણ વાક્ય રચનામાં નથી. અને એને ‘વાર્તા’ બનતાં રોકે એટલાં એમાં પાત્રો છે. એને ‘નાટક’ બનાવે એવો કોઈ ક્લાઈમેક્સ નથી. શરૂઆતમાં હ્યુમર છે. બીજા ભાગમાં તો એ પણ નથી. તો પણ જોઈ જુઓ ! Who knows? કદાચ મજા આવે પણ ખરી!”
અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.