મૈત્રી એટલે… – મેહુલ બૂચ 7


મૈત્રી એટલે રૂંધી નાખે એવી
લાગણીની ભીંસ નહીં
શ્વાસને મળતી મબલખ મોકળાશ એટલે ‘મૈત્રી !’

નિકટતા એટલી જે દ્રષ્ટિ ધૂંધળી કરી નાખે એ મૈત્રી નહીં.
પુસ્તક અને આંખો વચ્ચેના અંતરથી ઉદભવતી સ્પષ્ટતા એટલે ‘મૈત્રી !’

શું ‘મૈત્રી’ એટલે ચમકતા કાગળમાં લપેટાયેલી
મોંઘીદાટ ભેટનો ભાર ?

ના રે ના,
મૈત્રી એટલે તો સુદામાની પોટલીમાં સંતાયેલી તાંદુલની હળવાશ,

‘ફેસબુક’ ના ફ્રેન્ડ્સ લિસ્ટ’માં વધતા
નામોની યાદથી સીંચાતો
‘અહમ’ મિજાજને મૈત્રી તો ન જ કહેવાય..

વર્ષો પછી સાવ અચાનક
આંખો પર દબાયેલી જાણીતી હથેળીએ સર્જેલા
ક્ષણિક અંધકારમાં ઊગતો કાયમી ઉજાસ એટલે ‘મૈત્રી !’

‘ડૂબતા’ ને બચાવવા કિનારે ઉભા રહી
દોરડુ ફેંકનાર કદાચ મિત્ર ન પણ હોય
પરંતુ જેના સુધી પહોંચવાની ઝંખના
હલેસા બની સામે કિનારે પહોંચાડે
એ તો મિત્ર જ હોય.

બે નદીઓનું એકબીજામાં ભળી જઈ
અસ્તિત્વ ગુમાવી દેવાની ઘટનાને
મૈત્રીનું નામ ન આપીએ તો ચાલે..

પરંતુ એકબીજાનું અસ્તિત્વ અકબંધ રાખી,
છેટા છતાંયે સદાનો સંગાથ જાળવવા યત્નબદ્ધ કિનારા
સાવ સાચા મિત્રો કહેવાય.

ટૂંકમાં
આઘું છતાંયે અંગત
અને અંગત છતાંયે આઘું એટલે ‘મૈત્રી !’

– મેહુલ બૂચ

મૈત્રી વિશેની અસંખ્ય રચનાઓ આપણા સાહિત્યમાં ઉપલબ્ધ છે, તેમાંથી ઘણી આપણા અંતરને રણઝણાવી જાય એવી સક્ષમ અને સુંદર કૃતિઓ છે. પરંતુ મેહુલભાઈ બૂચની પ્રસ્તુત કૃતિ તેનો એક સાવ અનોખો, સહજ અને છતાંય અર્થપૂર્ણ આયામ રજૂ કરે છે. પોતાના અભિનયથી અને અસરકારક અને ભાવવહી અવાજથી અનેકોના હ્રદય જીતનારા મેહુલભાઈની કલમ આવા સુંદર સર્જનો પણ કરી શકે છે એ વાતનો પુરાવો આ કૃતિ આપે છે. તેમના તરફથી આવા સર્જનો સતત મળતા રહે એવી અપેક્ષા સાથે અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “મૈત્રી એટલે… – મેહુલ બૂચ