જો બાલ મેં હેં વો ટાલ મેં નહીં હેં.. – કામિની સંઘવી 8


ઈર્ષા કરવી એ સમાન્ય માણસનો સહજ સ્વભાવ છે. સાધુ સંતો માટે પણ તેના થી પર થવાનું દુષ્કર છે. પૂછો નિર્મલબાબાને ! આજકાલ ભારતના બધાં જ સાધુ–સંતોને નિર્મલબાબાની ઈર્ષા થાય છે કે નહીં ? જાત જાતના યોગ પ્રાણાયામ કરીને અમસ્તો જ પરસેવો પાડ્યો. પૈસા તો એમ જ કૃપા વરસાવીને પણ મેળવી શકાય છે. હવે જો સાધુ–સંતોને ઈર્ષા થતી હોય તો આપણે તો પામર જંતુઓ કહેવાયે. એટલે ઈર્ષા કરવી આપણને શોભે. વધતી–ઓછી વય સાથે ઈર્ષા થવાના કારણ પણ બદલાય છે. અમુક ઉંમરે કોઈના સુંદર–સુશીલ પતિ કે પત્ની જોઈને ઈર્ષા થાય, થાય અને થાય જ. અને મોટાભાગનાને થઈ હશે તેમ માનું છું. તો અમુક ઉંમર પછી ભલે ને પરમ મિત્ર કે સખી હોય પણ તેના સુદીર્ઘ અમાસની કાળી રાત જેવા વાળ જોઈને પણ ઈર્ષા થાય. કારણકે જો બાલ મેં હેં વો ટાલ મેં નહીં હેં.

પુરુષ અને સ્ત્રીને જુદાં જુદાં સમયે જુદી જુદી વસ્તુ કે વ્યકિત પ્રત્યે અનુરાગ હોય છે. પરંતુ બન્ને વાળ પ્રત્યે એક સરખી માત્રામાં અનુરાગ ધરાવે છે. કારણ કે સોન્દ્રર્ય કે યુવાનીનો ભાર સૌથી વધારે માથાના વાળ પર રહે છે. પરંતુ બહુ ઓછા લોકો નસીબદાર હોય છે જેમના અમુક ઉંમર પછી પણ સુકેશ હોય. એટલે અમુક વ્યકિતની કેશરાશિ જોઈને ઝુલ્ફા, અલક, લટ, કુંતલ વગેરે શબ્દો યાદ આવે. તો ઘણાનાં વાળ જોઈ જીંથરા, થોભિયા, શિખા, ઓડિયા વગેરે વાળના પર્યાય યાદ આવે. હવે સીમમાં આડેધડ ઉગેલા ઝાડી–ઝાંખરાને બગીચો તો નો જ કહેવાય ને !

કોઈના વાળ વિશે ટીકા–ટીપ્પણી કરવી તે ગોધરાકાંડ જેવો જ સેન્સેટિવ ટોપિક બની રહે છે. કારણ કે દરેક સ્ત્રી પુરુષને પોતાના વાળ પ્રત્યે માતાને બાળક પ્રત્યે હોય તેટલો લગાવ હોય છે. પણ વિધિની વક્રતા એ છે કે બાળક માતાનું કહ્યું બધું જ કરે છે પણ વાળ બળવાખોર વ્યકિતત્વ ધરાવે છે એટલે માની જેમ અપેક્ષા રાખવી ઠગારી નીવડે છે. વાળ પોતાનું સ્વતંત્ર વ્યકિતત્વ વિસરી શકતા નથી એટલે તે સ્વછંદી બાળકની જેમ વર્તવાનું ચાલુ રાખે છે. ઝાડ પરના પાંદડા પોતાની મરજી મુજબ ખરે છે અને તેનું અનુકરણ વાળ પણ કરે છે. વળી દરેક વાળ પોતાને સ્વતંત્ર માને છે. એટલે ભલે તેમને તેલ ચોળવાની, શેમ્પુ–કન્ડિશનિંગ કરવાની ટ્રીટમેન્ટ એક સરખી મળતી હોય. પરંતુ “વિના સહકાર નહીં ઉધ્ધાર“ તે વાત વાળ સફેદ થવા અને ખરવા સમયે બરાબર યાદ રાખે છે. અને એક સફેદ થાય તેની પાછળ બીજો અને ત્રીજો લાઈનમાં જ હોય ! તેમનું વર્તન અસલ ભારતના સસંદ સભ્યો જેવું રહે છે. બે વર્ષ પહેલાં સસંદસભ્યોનો પગાર વધારવાની વાત આવી ત્યારે શાસક વિપક્ષમાંથી કોઈએ પણ વિરોધ નોંધાવ્યો હતો ? “વિના સહકાર નહીં ઉધ્ધાર“ ખરું? પણ અણ્ણાના લોકપાલ બિલ પાસ થવા સમયે દરેક પક્ષને પોતાનું સ્વતંત્ર વ્યકિતત્વ યાદ આવ્યું. અને અંતે અયોગ્ય રીતે થયેલી માવજતને કારણે જેમ વાળ ખરી પડે તેમ લોકપાલ બિલ ખરી પડયું.

દીકરી જેમ સાસરે જ શોભે તેમ વાળ માથા પર જ શોભે છે. વાળ પ્રત્યે ગમે તેટલો પ્રેમભાવ કે મોહ હોય તો પણ દાળ–શાકમાં આવતા વાળ જોઈને કોઈને તેના પ્રેમ થતો નથી. લોકો ભલે કહે જલ હી જીવન હે પણ હું માનું છું કે બાલ હે તો જવાની હે ! પણ તે વાત ફક્ત માથાના વાળને જ લાગું પડે છે. બાકી શરીરના કોઈ અંગ પરનો વાળ પગમાં કાકરો ખૂંચે તેમ દરેક વ્યકિતને ખૂંચે છે. એટલે જ બજારમાં જેટલાં ક્રીમ વાળ વધારવા માટે મળે છે તેટલાં વાળ દુર કરવા માટે પણ મળે છે.

પહેલાંના સમયમાં એટલે કે મારાં તમારા દાદા–દાદીના સમયમાં બહેનો જાત જાતની અને ભાતભાતની હેરસ્ટાઈલ કરતી. જેમાં મોટાભાગે ઘરમાં ચોટલો અને બહાર કશે જવું હોય તો જાત જાતના અંબોડા. તેથી જ કહેવત પડી હશે “ચાર ચોટલા ભાંગે સૌના ઓટલાં“ તે કહેવત પડી હશે. પરંતુ હવે ચોટલા અને અંબોડા આઉટ ઓફ ફેશન છે અને છૂટા કોરાવાળ ઈન થીંગ છે.

આપણાં હિન્દી ફિલ્મના ગીતકાર, કવિ–શાયરોએ ફિલ્મી ગીતોમાં સ્ત્રી પુરુષના વાળનું સોન્દર્ય વર્ણવવામાં વિશેષ પ્રેમ દાખવ્યો છે. “ઉડે જબ જબ ઝુલ્ફે તેરી, કંવારીઓ કા દિલ મચલે“ તેવું સાહિર કે શેલેન્દ્ર જ લખી શકે. કારણ કે તેઓના જીવનના અંત સુધી સુકેશ ધરાવતા હતા. “ન ઝટકો ઝુલ્ફ સે પાની કે મોતી તુટ જાયેગેં“. તે પંકિતમાં વાળમાંથી ટપકતા પાણીને ભલે શાયર મોતી કહે પણ મારાં મતે તો મોતી વાળ માટે જ વપરાયું છે. હવે વાળ કંઈ હીરા–મોતી કે માણેક થી ઓછા કિમતી છે? એ તો જેના ખરતા હોય તેને પુછો !

એક વાત આજના યુવાન–યુવતીઓ બહુ સારી રીતે સમજી ગયા છે કે જેટલું મહત્વ કેશનું છે તેટલું જ મહત્વ કેશ કર્તન કલાકારનું પણ છે. કહેવાય છે કે ગાંધીજી પોતાના વાળ કસ્તુરબા પાસે કપાવતા. હવે પત્નીના હાથે તે પતિના વાળ સુરક્ષિત રહેતા હશે ભલા? એટલે જ ગાંધીજીએ યુવાઅવસ્થાએ વાળ ગુમાવ્યા હતા. જે વાત ગાંધીજી ન સમજી શકયા તે આજના યુવાનો સમજી ગયા છે. તેથી જ હેર ઓઈલ, મસાજ, શેમ્પુ, કન્ડિશનિંગ, મહેંદી, હેરડાઈ કે હેરકલર કરવાની ચિંતા તે પત્નીના બદલે હજામને સોંપે છે. માથે થી કેશનો ભાર ઓછો થાય તેના કરતાં ખિસ્સામાંથી ભાર ઓછો થાય તે વધું સારું !

આ બધી કેશ–કલાપની વાતો જેના સુદીર્ઘ કેશ છે તેને વધારે કરવાનું મન થાય. બાકીના ને તો “દ્રાક્ષ ખાટી છે“ તેવું જ વિચારવું ગમે. કારણ કેશ પર ઈશ કે જીન્સનો પ્રભાવ વધારે રહે છે. પણ કાળા માથાનાં માનવીને કુદરત સામે ટક્કર લેવાનું ગમે છે. એટલે તે કેશ ખરચીને પણ કેશ મેળવતો થયો છે. અમિતાભ બચ્ચન થી લઈને માઈકલ જેકશન જેવા સ્ટાર કેશ થી કેશ ખરીદે છે. માઈકલ જેકશન જ્યારે ગુજરી ગયો ત્યારે ખબર પડી કે જેના વાળ પર દુનિયાભરની સ્ત્રીઓ ફિદા હતી અને જેના વાળ જોઈને દરેક પુરુષ ઈર્ષાથી બળીને ખાક થતો હતો તે વાળ વાસ્તવામાં નકલી હતા ! જેકશનના માથા પર તો સમ ખાવા પુરતો પણ એક પણ વાળ ન હતો. તેથી જ કહેવાનુ મન થાય છે જે મજા ઓરિજિનલમાં છે તે ડુપ્લીકેટમાં તો નો‘જ આવે ને ! અને તે બાબતે ઓરિજિનલ અને ડુપ્લીકેટ કેશ ધરાવતા બધાં લોકો સહમત હશે તેમ માનું છું. કેશ પુરાણ પુરું.

– કામિની સંઘવી

ફૂલછાબ દૈનિકની વિશેષ પૂર્તી ગુલમોરમાં પ્રસિદ્ધ થતી જેમની કૉલમ ‘તુલસીક્યારો’ વાચકોમાં ખૂબ લોકપ્રિય છે તેવા લેખિકા-પત્રકાર શ્રી કામિનીબેન સંઘવીની કલમ સ્ત્રીઓને લગતા વિષયોને એ સ્તંભમાં રસપ્રદ અને અસરકારક રીતે આવરે છે. અક્ષરનાદ પર આ તેમની પ્રથમ કૃતિ છે. પ્રસ્તુત હાસ્યલેખ અંતર્ગત તેઓ કેશ વિશેની અનેક ‘ફ્રેશ’ અવનવી વાતો લઈને આવે છે. આશા છે તેમનું આ ‘કેશપુરાણ’ વાચકોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કામિનીબેનનો આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “જો બાલ મેં હેં વો ટાલ મેં નહીં હેં.. – કામિની સંઘવી

  • Umakant V. Mehta "ATUL"

    અભિનંદન કામિનીબહેન, અક્ષરનાદ દ્રારા ગુજરાતી સાહિત્ય સૃષ્ટિમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ જ સુંદર મર્માળુ હાસ્ય લેખ. ઉમાકાન્ત વિ.મહેતા.આતુલ્”

  • Suresh Shah

    કામિનીબેન ને અભિનંદન. રોજિંદી જીવનમાંથી રમૂજ ઉપજાવવાની કળા એમને હ્સ્તગત છે.
    ઝુલ્ફોને સંબંધિત કંઈક હળવા મિજાજનુઃ
    તમારી ઉડતી ઝુલ્ફોને જરા કાબુમા રાખો ….
    હજારોના દિલ ઘાયલ થયા છે, હવે તો માથામાં તેલ નાખો!

    -સુરેશ શાહ, સિંગાપોર