૨૬ જાન્યુઆરીની ભારતીયોમાં પરિભાષા… 8


૨૬ જાન્યુઆરી – આ દિવસની ભારતીયોમાં મુખ્યત્વે બે પરિભાષા છે એમ મને લાગે છે,

૧. રજા, મોડા ઉઠવું, આરામથી નહાઈ-ધોઈને ફરવા નીકળવું, બપોરે ફરીથી સૂઈ જવું, સાંજે મોડેથી ઉઠવું, પત્નીએ બનાવેલી ચા હાથમાં લઈ સમાચારોમાં નેતાઓના ભ્રષ્ટાચારના, મોંઘવારીના, ખૂન અને બળાત્કાર જેવી ઘટનાઓના સમાચાર જોઈને કહેવું – આ દિવસ માટે આપણા લડવૈયાઓ આઝાદી માટે લડ્યા હતા? આ શું થવા બેઠું છે? અને અફસોસ વ્યક્ત કરવાનું કર્તવ્ય પૂર્ણ કરી ફરી ચેનલ બદલી નાંખવી, મોડે સુધી ફિલ્મ જોવી અને રાત્રે સૂઈ જવું ફરીથી બીજા દિવસની તૈયારી માટે.

૨. સવારે વહેલા ઉઠવું, ધ્વજવંદન સ્થળ તરફ તૈયાર થઈને પ્રયાણ કરવું, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને પૂર્ણ સન્માન સાથે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી ફરીથી પોતાના રોજીંદા કાર્યોમાં લાગી જવું.

મને કેમ એવું અનુભવાય છે કે નોકરીયાત વર્ગ, ધંધાદારી વર્ગ પ્રથમ વિભાગમાં અને વિદ્યાર્થી વર્ગ, સૈનિક, પોલીસ, નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓ બીજા ભાગમાં આવે છે. આ એક અનુમાન છે એમ કહી શકો, પણ એ કેટલું સાચું અને સચોટ છે અથવા ખોટું છે એ તમે વિચારી શકો.

પોતાના દેશ માટેનો પ્રેમ અને ખેલદીલી પૂર્વકની દેશભક્તિની લાગણી – ખોટો દેખાડો કે છોછ નહીં – મને અમેરીકનો અને ઈંગ્લેન્ડના નિવાસીઓમાં દેખાઈ છે. આપણે દેશ પ્રત્યે હજુ પ્રેમ હોવાના ઢોલ નગારા ભલે વગાડીએ, હકીકતે ઘણા સ્વકેન્દ્રીત વ્યક્તિઓ છીએ.

આટલા વિશાળ દેશની વિવિધતાઓમાં એક દુઃખની વાત એ પણ છે કે ભારતીય હોવા કરતા આપણે ગુજરાતી, તમિલ, મલિયાલી, બિહારી, કાશ્મીરી જેવા અનેક વિભાગોમાં વહેંચાયેલા છીએ. પ્રસાશનની સરળતા માટે બનાવાયેલ વિભાગો માણસથી માણસને અલગ કરી રહ્યા છે. ગુજરાતની વાત કરો તો એમાં પણ કાઠીયાવાડી, અમદાવાદી, સૂરતી, કચ્છી… આપણને ગમે તેટલો મોટો સમુદ્ર મળે – ખાબોચીયું જ આપણું સ્વર્ગ હોય એમ લાગે છે. અને ખાબોચીયાના રાજા સમુદ્રને કદી સન્માન બક્ષી શકે એવી આશા કે અપેક્ષા રાખવી અસ્થાને છે.

સ્વાર્થમાં લિપ્ત અને કૂપમંડુક રાજનેતાઓ, સતત પૈસાદાર અને સમૃદ્ધ થવા ગરીબોને વધુ ગરીબ કરી રહેલ ઉદ્યોગપતિઓ, ભ્રષ્ટ તંત્ર અને સ્વકેન્દ્રિત મનોસ્થિતિવાળા સમાજથી આગળ વધીને આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયેલ સ્વપ્નના ભારતની આપણે પ્રાપ્તિ કરી શકીએ એવી અપેક્ષા આજે વ્યક્ત કરવાની જરૂર સૌથી વધુ છે.

ભારતની આજની આ સ્વતંત્રતા માટે વર્ષો સુધી લડનાર, પોતાના લોહીથી આ આઝાદીને સીંચનાર અને સાથે સાથે આજના કપરા સંજોગોમાં પણ પોતાના કર્તવ્યને પૂર્ણ પ્રમાણિકતાથી નિભાવતા દેશવાસીઓને અંતરથી નમન અને સલામ.

અન્ય સર્વેને અર્પણ શ્રી મંગેશ પાડગાંવકરની આ રચના… સલામ..

શુભકામનાઓ…

જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “૨૬ જાન્યુઆરીની ભારતીયોમાં પરિભાષા…