વિનોબા સાથે યુવાનોની પ્રશ્નોત્તરી… 3


(ભૂદાનયજ્ઞ અને તે અંગેની વાતો, સમજણ, વિગતો અને સ્પષ્ટતાઓને આવરી લેતું વિનોબાનું પુસ્તક ‘ભૂદાનયજ્ઞ’ એ આખીય પ્રક્રિયા અંગે વિનોબાના વિચારો ખૂબ સ્પષ્ટતાપૂર્વક મૂકે છે. એ પુસ્તકના અંતે વિનોબા સાથે થોડાક જીજ્ઞાસુ યુવાનો અને કાર્યકર્તાઓ સાથે મહત્વના વિષયો અંગે શ્રી વિનોબા સાથે થયેલી પ્રશ્નોત્તરીના કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તર મૂકેલા છે જે અહીં પ્રસ્તુત કર્યા છે. આજના સમયમાં પણ આ ઉત્તરો પ્રસ્તુત અને વિચારપ્રેરક થઈ રહે છે.)

પ્ર. ભૂદાનયજ્ઞના કામ માટે અમે કૉલેજ છોડીએ એવું તમે ઈચ્છો છો?

જ. મેં કહ્યું છે કે ભૂદાનયજ્ઞમાં કામ ન કરવું હોય તો પણ કોલેજ છોડો. હું સને ૧૯૧૬માં કૉલેજ છોડીને ચાલી નીકળ્યો હતો. પણ જેમને એક વરસ પછી મોહ થાય તેઓ ફરીથી કૉલેજમાં જઈ શકે, અને એક વરસ કામ કર્યા પછી તેમનો મોહ છૂટી જાય તો રૂદાં વાનાં થાય. જે વિદ્યાર્થીઓ એક વરસ પછી જૂની કેળવણી લેવા ન ઈચ્છે તેમને માટે સર્વ સેવા સંઘ તરફથી કેળવણીની યોજના થઈ શકે. તેમને માટે નઈ તાલીમની કોઈક વ્યવસ્થા થઈ શકે. દરેક પ્રાંતમાં એવી એક બે સંસ્થાઓ ચાલુ કરી શકાય જે વિદ્યાર્થીઓ કામ કરવા ઈચ્છે તેમના ત્રણ ભાગ પાડી શકાય –

૧) કેટલાક એવા હશે જેઓ ફક્ત રજાઓમાં કામ કરવા ઈચ્છશે;
૨) કેટલાક એવા હશે જેઓ એક વરસ માટે કૉલેજ છોડીને કામ કરશે અને
૩) કેટલાક એવા હશે જેઓ કૉલેજથી તદ્દન મુક્ત થઈને કામ કરશે.

તિલક મહારાજ કૉલેજમાં હતા ત્યારે ઘણા નબળા બાંધાના હતા તેથી તેમણે એક વરસ કૉલેજ છોડીને વ્યાયામ કર્યો અને ચાર વરસનો પાઠ્યક્રમ તેમણે પાંચ વરસમાં પૂરો કર્યો. પણ તેમણે કહ્યું કે તેથી મેં કંઈ ખોયું નથી. તેના જોર પર જીવનની તકલીફો પાર કરી છે; તેમને ઘણી તકલીફ સહેવી પડી હતી તે સૌ જાણે છે.

પ્ર. ભૂદાનયજ્ઞથી સામ્યવાદને ભારતમાં ફેલાતો અટકાવી શકાય એવો લોકોનો ખ્યાલ છે તો શું તેલંગણમાં સામ્યવાદી પક્ષનું જોર હવે પહેલાના જેવું નથી?

જ. તેલંગણમાં ભૂદાનયજ્ઞનું ખાસ કામ થયું જ નથી. અમે જે કાંઈ કર્યું તે પછી ત્યાં કંઈ થયું નથી અને જેમણે અમારી સાથે કામ કર્યું તેઓ ચૂંટણી માટે ઉભા ન રહ્યા. ચૂંટણીમાં કોંગ્રેસના લોકો ઉભા રહ્યા હતા અને તે વખતે સામ્યવાદીઓએ પોતાની નીતિ બદલી હતી, તેથી તેમને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. આ પ્રમાણે બબ્બે, ત્રણ ત્રણ વરસ સુધી જેલમાં રહ્યા પછી તેઓ છૂટીને હીરો બનીને આવ્યા હતા તેથી તેઓ જીત્યા. કોંગ્રેસ વાળા જાતે કંઈ કામ કર્યા વિના અમારા પુણ્ય પર મફતમાં જીતી ન શક્યા.

સામ્યવાદને રોકવાનું કામ અમારું નથી. આ એક સ્વતંત્ર વિચાર છે. આ પોઝિટિવ છે, નેગેટિવ નથી. હિંદુસ્તાનમાં ગરીબી છે તે સારાં સાધનોથી દૂર કરી શકાશે. તો કોઈ ખરાબ સાધનો નહીં વાપરે. કોઈને તરસ લાગી હોય અને પીવાને સ્વચ્છ પાણી મળે તો તે શા માટે ગંદુ પાણી પીએ? હિંદુસ્તાનમાં સારાં સાધનોથી ગરીબીનો કોયડો હલ થશે તો ખરાબ સાધનોનો ઉપયોગ નહીં થાય. તેલંગણમાં અમે બે મહિનામાં બાર હજાર એકર જમીન ભેગી કરી હતી. ત્યાર પછી ત્યાંના લોકોએ કંઈ ન કર્યું. એ બાર હજાર આરંભમાત્ર હતા. ત્યાં આ કામ વેગથી ચાલે તો લોકોની શ્રદ્ધા તેના પર બેસશે.

પ્ર. ચીનની આધુનિક સરકારે ત્રણ વરસની અંદર એટલી ઉન્નતિ કરી છે કે જેટલા વિદેશીઓ ત યાં જાય છે તે બધા આશ્ચર્યચક્તિ થઈને તેના વખાણ કરવા મંડી પડે છે. શું ભારતની પરિસ્થિતિ એવી નથી કે પોતાના દેશવાસીઓને સુખી કરવા માટે તે ચીનનો રસ્તો અપનાવે? શું તમારા ભૂદાનયજ્ઞ એવું માધ્યમ સાબિત થઈ શકે કે તે આટલા થોડા વખતમા6 ભારતની ચીન જેટલી ઉન્નતિ કરે?

જ. ચીનની તારીફની વાતો ઘણા લોકો કરે છે પણ ચીનમાં એક રાજ્યક્રાંતિ થઈ છે. એવી રાજ્યક્રાંતિ થાય છે ત્યાં બીજી રીતે કામ થાય છે. તેને માટે ત્રીસ વરસ સુધી ચીનની સિવિલ વોર ચાલી એ કોઈ જોતું નથી. અને ફક્ત રાજ્યક્રાંતિ પછીનાં બે ત્રણ વરસનું કામ જુએ છે. પણ રાજ્યક્રાંતિ પછી સરકારના હાથમાં જે શક્તિ આવે છે એવી શક્તિ હિન્દુસ્તાનની પાસે નથી, દંડશક્તિયે નથી અને તમારી પાસે પૂરતી સેના પણ નથી. આજે જે સેના છે તેને રાખવામાં જ બજેટના સાઠ ટકા ખર્ચ થઈ જાય છે તેથી સેના વધારવી હોય તો બધું ખર્ચે એ જ ખાઈ જશે. ચીનની સ્થિતિ જુદી છે. ત્યાં રાજ્યક્રાંતિ થઈ, કેટલો રક્તપાત થયો ! તેથી ચીનનો દાખલો આપણા દેશમાં લાગુ નહીં પડે. પણ અમે એ માનીએ છીએ કે અત્યારે આપણી સરકાર જેટલી પ્રગતિ કરી રહી છે તેનાથી વધારે પ્રગતિ થઈ શકે પણ કોઁગ્રેસ આજે રાજ્યકર્તાઓની જમાત બની ગઈ છે, તેથી તેમાં મૂડીપતિઓ પણ આવ્યા છે. તેમની વિરુદ્ધ જઈને કામ કરવાની હિંમત સરકાઅરમાં નથી અને મુખ્ય વાત એ છે કે વિચારની સ્પષ્ટતા થઈ નથી.

પ્ર. મૂડીવાદનો અંત કઈ રીતે આવે?

જ. મૂડીવાદનો અંત નહીં પ્રેમથી આવે કે નહીં સંઘર્ષથી આવે; વિચારથી આવશે. પ્રેમ કે સંઘર્ષ કથાનો અંત આણી શક્તા નથી. સંઘર્ષમાં ઘર્ષણ થાય છે તેથી બંને પક્ષ ક્ષીણ થાય છે અને પ્રેમ કોઈ નવી ચીજ પેદા કરતો નથી. પ્રેમ ઉત્સાહ પેદા કરે છે પણ સમાજમાં ક્રાંતિ વિચારથી જ થાય છે. અમે હિસ્સો માગીએ છીએ, ભિક્ષા માગતા નથી કારણ કે લોકોને અમે એ વિચાર સમજાવવા ઈચ્છીએ છીએ કે જમીન સૌની છે. વિચાર માન્ય થાય તેની નિશાની તરીકે અમે હિસ્સો માગીએ છીએ. છેવટે જમીન સૌની થાય એમ કરવાનું છે. અમારી વિચારમાં જેટલી શ્રદ્ધા છે એટલી બીજી કોઈ ચીજમાં નથી. સંઘર્ષથી ક્રાંતિ નહીં પણ ક્ષય થાય છે અને પ્રેમથી ક્રાંતિ નહીં પણ વૃદ્ધિ થાય છે. તેમ છતાં સંઘર્ષનો મોકો આવે તો અમે વિચારપ્રચારને માટે સંઘર્ષ પણ કરીશું; અમે સંઘર્ષ ટાળશું નહીં. સંઘર્ષ પણ એક પ્રગતિ છે તે પ્રગતિની જરૂર હશે જ તો તે પણ કરીશું પરંતુ ક્રાંતિ કેવળ વિચારપ્રસારથી થાય છે તેથી અમે વિચારપ્રચાર કરીએ છીએ.

પ્ર. આજના કામથી નવું નેતૃત્વ મળતું નથી, બલકે જૂના નેતાઓને ફરીથી જીવન મળે છે એવું કેમ?

જ. જૂના નેતાઓને ફરીથી જીવન મળતું હોય તેથી શું નુકસાન છે? તેમને આ વિચાર પસંદ પડે છે અને તેમનામાં પરિવર્તન આવે તો પછી તેમને નેતૃત્વ મળે તેથી શું નુકસાન છે? અને તેઓ ઢોંગ કરતા હશે તો તેમની પણ આ કામમાં પરીક્ષા થઈ શકે. સંસ્કૃતાના એક શ્લોકમાં કહ્યું છે તેમ કાગડો અને કોયલ બંને કાળાં છે, પણ વસંતઋતુ આવતા બંને ઓળખાઈ જાય છે તે પ્રમાણે આ કામમાં જેઓ નકલી લોકો હશે તે દેખાઈ આવશે. પણ આ કામમાં નવું નેતૃત્વ ન હોય તો બીજા કયા કામમાં હોય? આ એક એવું આંદોલન નીકળ્યું છે જે આખા સમાજને ત્યાગની પ્રેરણા આપે છે. તેમાં નવા લોકો દાખલ થઈ રહ્યા છે અને તેમાંથી નવું નેતૃત્વ નિર્માણ થાય છે.

– વિનોબા ભાવે

(ઓક્ટોબર 1958માં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘ભૂદાનયજ્ઞ’ માંથી સાભાર, પ્રકાશક નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ)

બિલિપત્ર

ગાંધીજી એકલા હિન્દુસ્તાનના નથી પણ આખી દુનિયાના છે તોયે તેઓ ગુજરાતી હતા. તેમણે પોતાના ઘણાંખરાં મૌલિક લખાણ ગુજરાતીમાં લખ્યાં છે. ગુજરાત મારફતે હિંદુસ્તાનની સેવા કર્વાના ખ્યાલથી, બીજા ત્રીજા અનેક સ્થાનોમાંથી માગણી થવા છતાં તેમણે ગુજરાતના પાટનગરમાં આશ્રમ સ્થાપ્યો હતો. આ બધું આપણે ભૂલી શકીએ નહીં. હું આશા રાખું છું કે ગુજરાત આખા હિન્દુસ્તાનમાં અગ્રસર થશે અને બધાને માર્ગ બતાવશે
– વિનોબા (ઓગસ્ટ 1953)


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “વિનોબા સાથે યુવાનોની પ્રશ્નોત્તરી…