ભરતભાઈ કોટડીયાની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. સમાજજીવનને અને સંસ્કૃતિને નિસબત ધરાવતા વિષયવસ્તુ સાથેની આ વાર્તા ભૃણપરીક્ષણ અને સ્ત્રી ભૃણહત્યા જેવા વિષયને સુંદર રીતે એક દોરીમાં પરોવીને વાર્તાના માધ્યમ દ્વારા પ્રસ્તુત કરી છે. અહીં તેમણે સૂચવેલી ક્રાંતિ કોઈ વિશાળ સામાજીક ક્રાંતિ નથી પરંતુ દરેકને મનમાં અને વ્યવહારમાં સમાવવા જેવી માનસીક ક્રાંતિ છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસ્તુત કર વાની તાક આપવા બદલ શ્રી ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેકો શુભકામનાઓ. અનિવાર્ય સંજોગોને કારણે તેમની વાર્તા ખૂબ મોડી પ્રસ્તુત થઈ રહી છે એ બદલ ક્ષમા.
* * * * * * * * * * * *
સલોની ગ્રેજ્યુએટ થઈ ચૂકી હતી. કોલેજમાં સલોનીનો હંમેશા ફર્સ્ટ ક્લાસ જ આવતો હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ થતાં જ સલોનીના મમ્મી-પપ્પા એક સારા અને સુશીલ મુરતિયાની શોધમાં લાગી ગયા. દિકરી ઉંમરલાયક થાય ત્યારે તેના હાથ પીળા કરવાની તમન્ના કયા મા-બાપને ન હોય? શરદભાઈ અને કલ્પનાબેનને પણ દિકરીને પરણાવવાની હોંશ હતી. શરદભાઈએ તો સગાંવ્હાલાંમાં બધે જ સલોની માટે મુરતિયો શોધવા માટે કહી દીધું હતું.
સલોની પણ પોતાનો ભાવિ ભરથાર કેવો હશે તેની કલ્પના કરતી. ગ્રેજ્યુએટ થયેલી છોકરીઓના મનમાં પોતાનો ભાવિ પતિ પોતાને સમજી શકે તેવો, ભણેલો, સંસ્કારી અને સરળ હોય તેવું કલ્પનાચિત્ર અંકાયેલું હોય છે. સલોનીએ પણ એવું જ ધારેલું હતું કે તેનો લાઈફ પાર્ટનર કંઈક અલગ જ પ્રકારનો હોય. સરળ અને નિર્મળ સ્વભાવનો હોય, હસમુખો હોય, પોતાને સમજી શકે તેવો હોય એવું ઈચ્છે. આમ જોઈએ તો સલોનીનો પરિવાર રૂઢિચુસ્ત હતો. જેમ આપણા સમાજમાં જોઈએ કે કોઈ કુટુંબમાં હિટલરને પણ ભૂલાવે તેવા ચુસ્ત કાયદાઓ જોવા મળતાં હોય છે તેમ સલોનીના કુટુંબમાં પણ કડક નિયમો હતા. સ્ત્રી સ્વાતંત્ર્ય તો બિલકુલ નહોતું. વાણી સ્વાતંત્ર્ય પર તો અલીગઢી તાળા લાગી ગયેલાં હતા. સલોનીને કોલેજ કરવાનું તો મહામુસીબતે થયું બાકી તો જડ નિયમો પ્રમાણે શરદભાઈ એમ જ વિચારતા હતા કે દીકરીની જાતને તો વધારે ભણાવીને ક્યાં નોકરી કરાવવી. દીકરીએ તો સાસરે જઈને વૈતરું જ કરવાનું હોય છે. એને ભણાવીને શું કરવું? સલોનીને પણ માંડ દસ ધોરણ સુધી ભણવાની રજા મળી હતી. પણ સલોની ખૂબ જ હોંશીયાર હોવાથી તેના શિક્ષક તેમજ ગામના આગેવાનોએ શરદભાઈને સલોનીને આગળ ભણાવવા માટે મહામુસીબતે સમજાવ્યા. સલોની એટલે જ તો કોલેજ સુધી પહોંચી હતી. સલોની પરિવારનું સુકાન જ શરદભાઈ લઈને બેઠા હતા, જે કાંઈ નિર્ણયો લેવાતા તે સરમુખત્યારશાહી ઢબે લેવાતાં હતાં. શરદભાઈના મુખમાંથી શબ્દ નીકળે તે વટહુકમ, ઘરના કોઈ સભ્યે શરદભાઈના નિર્ણય સામે બગાવત કરી હોય તો શરદભાઈના મગજનો પારો સાતમા આસમાને પહોંચી જતો એટલે ઘરનો કોઈપણ વ્યક્તિ શરદભાઈના નિર્ણય સામે દલીલ કરતા ડરતો હતો.
સલોનીનો અભ્યાસ પૂર્ણ થતાં જ શરદભાઈએ તેના માટે મુરતીયો શોધવા માટે જ્યાં જ્યાં તેમના સગા હતાં ત્યાં સમાચાર મોકલી દીધાં. હવે તો તેમને ફક્ત માંગા આવવાનો ઈન્તઝાર હતો. સલોનીને પરણાવવા તે એટલા તલાપાપડ થઈ ઉઠ્યા કે સગાં સંબંધીઓને રોજ કહેતા કે મારી દિકરી માટે કોઈ કમાઉ અને મહેનતકશ મુરતિયો શોધી આપો.
એક દિવસ શરદભાઈના એક દૂરના સગાં સલોની માટે માંગુ લઈને આવ્યા, શરદભાઈ તો તાબડતોબ ઉપડ્યા મુરતિયો જોવા.
નાનકડા એવાં ગામમાં ગામઠી જેવો દેખાતો પરિવાર, ભણતરની દ્રષ્ટિએ સાવ પછાત અને આર્થિક દ્રષ્ટિએ સદ્ધર એવાં આ પરિવારમાં પતિ-પત્ની જીવનભાઈ અને સરોજબેન, બે છોકરા અજીત અને સુમીત એમ ચાર સભ્યો હતા, મકાન મેડીબદ્ધ હતું, જમીન જાયદાદ સારી હતી. જીવનભાઈ માંડ બે ચોપડી ભણેલાં હશે પણ તેમની મહેનતના જોરે તે આગળ આવ્યા હતા.
ગામમાં માંડ એક ખખડધજ શાળા હતી. તે પણ પ્રાથમિક શિક્ષણ સુધીની જ ! ગામલોકો ભણતરને બદલે કામને વધુ મહત્વ આપતાં હતાં તેથી ગામમાં ભણતરનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા હતાં. ગામમાં માંડ એક નાનકડી એવી દુકાન હતી જેમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળતી હતી. આ દુકાન જીવનભાઈ તેમજ તેમના પુત્રો અજીત અને સુમિત ચલાવતા હતાં. આવા આ પરિવાર સાથે નાતો જોડવા શરદભાઈ આવ્યા હતાં. તેઓ જીવનભાઈને મળ્યા અને પોતાના આવવાનો ઉદ્દેશ્ય જણાવ્યો. પોતીકા પુત્રના સગપણની વાત આવે ત્યારે કયા બાપને હરખ નહોય? એમાંય એવા સમયે કે દીકરાનાં બાપના પગરખાંના તળિયા ઘસાઈ જાય તોય સગપણ ન થાય. દીકરીવાળા દીકરાવાળાની ડેલી સામુંય જોતા નથી એવા કપરાં સમયમાં દીકરાનું માંગુ આવે ત્યારે દીકરાના બાપને કેટલી ખુશી થતી હશે એ વર્ણવવી મુશ્કેલ છે. જીવનભાઈના હૈયે આજ અપાર આનંદની રોશની ઝળહળી ઊઠી.
‘સૂકા પાછળ લીલુંય બળી જાય’ દિવસે દિવસે દીકરીઓની ઘટ પડતી જાય છે. વિજ્ઞાનની આધુનિક શોધોએ સત્યાનાશ વાળ્યો છે. વિજ્ઞાન જેટલું ઉપયોગી એટલું જ નુકસાનકારક સાબિત થવા લાગ્યું છે. શહેરના લોકો મોંઘવારીના આ જમાનામાં પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે ખર્ચનું ભારણ ઘટાડવાનું વિચારવા લાગ્યા. લોકોના મનમાં એક માન્યતા ઘર કરવા લાગી કે દીકરી જન્મે એટલે ખર્ચનું ભારણ વધે. દીકરીને ભણાવી ગણાવીને પછી તો પારકે ઘરે જ મોકલવાની ને ! લગ્નમાં પણ સામાજિક મોભો જાળવવા માટે દેખાદેખી. દીકરીનાં કરિયાવરનો ખર્ચ, ભપકાદાર લગ્ન, ઘરેણાં-ગાંઠા આપવામાં પણ દેખાદેખી, આવા સમાજના જડ વલણ સામે સામાન્ય માણસની તો કમર જ તૂટી જવની. જ્યારે દીકરો તો કમાવામાં ભાગીદાર રહે. દીકરો કમાવા લાગે એટલે દીકરાના મા-બાપને આર્થિક ટેકો મળી રહે. આપણી સંસ્કૃતિમાં દીકરીને લક્ષ્મી ગણાવાઈ છે જ્યારે આજે તો સંસ્કૃતિના પાનામાંથી દીકરીનો છેદ જ ઉડી ગયો છે. અત્યારે એવો સમય છે કે કોઈની દીકરી દીકરાવાળાના ઘરમાં લગ્ન કરીને આવે તો લક્ષ્મી જ લાવે, લોકોને પોતાના ભવિષ્યના ખર્ચના આયોજનમાં દીકરી વસમી લાગે છે. એ ખર્ચનું ભારણ ઘટાડવા માણસ વિચારવા લાગ્યો ત્યાં જ વિજ્ઞાનનો સહારો તેને મળ્યો અને ડોક્ટરોને કમાવાનો એક રસ્તો મળ્યો – સોનોગ્રાફી મશીન. સ્ત્રીને ગર્ભ રહે કે તરત જ માણસ ડોક્ટર પાસે પહોંચી જાય અને સોનોગ્રાફી મશીનની મદદથી ગર્ભનું જાતિપરીક્ષણ કરાવીને જોઈ લે તેવો સીલસીલો શરૂ થયો. ધીમે ધીમે માણસ દીકરીને ખર્ચાળ ગણીને ગર્ભમાં જ તેના મૃત્યુનો પ્રબંધ કરવાના રાક્ષસી કૃત્યને સહજતાપૂર્વક કરતો થઈ ગયો આમ માતાની કૂખમાં જ દીકરીઓને ખતમ કરી દેવાનો કુરિવાજ શરૂ થયો.
આઝાદી પહેલા દીકરીને દૂધપીતી કરવાનો કુરિવાજ હતો, આજે ટ્રેન્ડ બદલાયો છે, આધુનિક ઉપકરણોની મદદથી આજે તેમને જન્મ પહેલાં જ રહેંસી નખાય છે. આ ક્રૂર રિવાજની અસર ગામડાઓમાં પણ પડી. સ્ત્રી ભૃણ હત્યા કરવી માણસો માટે સહજ થઈ અને પરિણામ સ્વરૂપ આજે દીકરીઓની અછત વર્તાવા લાગી. આવા સમયે દીકરાનુ માંગુ આવે ત્યારે દીકરાના બાપને કેટલી ખુશી થાય? જીવનભાઈને પણ અપાર આનંદ થયો અને ચિંતાનો બોજ હળવો થયો કે હાશ, હવે મારા દીકરાનું ઘર તો બંધાશે.
શરદભાઈ તો જીવનભાઈને ભગવાન જેવા લાગ્યા, જીવનભાઈએ તેમની સારી આગતાસ્વાગતા કરી, મહેમાનગતીમાં કોઈ ઉણપ ન રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી અને અજીત – સલોનીના વૈવિશાળનું નક્કી થયું. જીવનભાઈએ ગામમાં સાકર વહેંચી અને ખુશી વ્યક્ત કરી.
એક માસ બાદ સલોની અને અજીતના લગ્ન લેવાયા. સલોની સાસરે આવી અને પોતાના સંસારનું સુકાન સમ્હાળ્યું. પોતે પુરું ભણેલી હોય અને અભણ લોકોની વચ્ચે તેને થોડી ગૂંગળામણ થતી હતી પણ દીકરીને જ એડજસ્ટ થવાનું હોય છે. તેને એક વિચાર સ્ફૂર્યો કે ગામમાં જાગૃતિ લાવવી જોઈએ અને આવનારી પેઢીને ભણતર અપાવું જોઈએ. તેણે પોતાના મનની વાત અજીતને કહી, અજીતે કહ્યું, ‘ભલે તું ગામમાં જાગૃતિ લાવવાની વાત કરે પણ લોકો આપણને હાસ્યાસ્પદ ગણશે.’
સલોનીનો નિશ્ચય દ્રઢ હતો, એણે વાત પડતી ન મૂકી, એ મુખી પાસે ગઈ અને તેમને પોતાના મનની વાત કહી. મુખીએ તેને કહ્યું, ‘બેટા, તમે ગામમાં શિક્ષણ અપાવવાનું શરૂ કરાવવા માંગો છો પણ એનો વિરોધ થશે જ. તો પણ તમે કહો છો એટલે આપણે શરૂ કરીએ, શરૂઆત ક્યાંથી કરીશું?’
સલોનીએ કહ્યું, ‘ગામમાં જે ખખડધજ શાળા છે તે ચાલુ કરીએ અને તે પહેલા તો ગામના લોકોને શિક્ષણની જરૂરત સમજાવીએ.’
બીજા દિવસથી શાળાની મરામત શરૂ થઈ અને સલોની પણ ઘરે-ઘરે જઈને ભણતરની ઉપયોગીતા લોકોને સમજાવવા લાગી. થોડોક વિરોધ પણ થયો પરંતુ મુખીની દરમિયાનગીરીએ એ પણ શાંત થઈ ગયો. શાળા શરૂ થઈ, બાળકો આવવા લાગ્યા અને સલોની શિક્ષણ આપવા લાગી.
સમય પસાર થવા લાગ્યો, સલોની ગર્ભવતી થઈ, જીવનભાઈના પરિવારમાં ખુશી છવાઈ ગઈ, સલોની પણ આનંદમાં આવી ગઈ. સ્ત્રી માટે જિંદગીનો જો કોઈ આનંદદાયક દિવસ હોય તો તે માં બનવાનો દિવસ છે, એની ખુશીનો પાર નહોતો.
એક દિવસ અજીતે સલોનીને કહ્યું, ‘ચાલ આપણે ડોક્ટરને બતાવતા આવીએ.’ સલોની અને અજીત મેટરનીટી હોમમાં ગયા જ્યાં સલોનીની તપાસ કરાઈ, સોનોગ્રાફી ટેસ્ટમાં બાળકની જાતિ જાણવાના અજીતના આગ્રહથી ડોક્ટરે પોતાની ત્રીજી કમાણી સ્વરૂપે ગર્ભનું જાતિ પરીક્ષણ કરી અજીતને કહ્યું કે આવનાર બાળક છોકરી છે. અજીતના ચહેરા પરથી નૂર ઉડી ગયું, તેને દીકરો જોઈતો હતો.
અજીતે ડોક્ટરને કહ્યું, ‘સલોનીનો ગર્ભપાત કરી દો, મારે દીકરી નથી જોઈતી, તમારી જે ફી થતી હોય તે લઈ લો.’
ડૉક્ટરે એ માટે બે દિવસ પછી આવવા કહ્યું. અજીત અને સલોની ઘરે આવ્યા, અજીતે સઘળી વાત તેના મમ્મીને કહી પછી પોતાનો નિર્ણય જણાવ્યો કે દીકરી છે એટલે ગર્ભપાત કરાવીએ. આ સાંભળી સલોનીના પગ નિચેથી ધરતી સરકી જતી હોય તેમ લાગ્યું, તેણે મનમાં વિચાર્યું, શું આવા લોકો પણ જગતમાં હશે જે પોતાના સ્વાર્થના વિચારે બીજાની ખુશીઓનું ખૂન કરતા પણ અચકાતા નથી. માતૃત્વ શું છે એ તો સ્ત્રી જ જાણી શકે. પુત્ર હોય કે પુત્રી, સ્ત્રીની તમન્ના માતૃત્વની હોય છે.અજીતે મને પૂછ્યા વગર આવો નિર્ણય કઈ રીતે લઈ લીધો? તેના મનમાં ઘમસાણ મચી ગયું, આંખોમાં ઝળઝળીયા આવી ગયા. એક નિર્દોષ જીવને રહેંસી નાખવાનો તખ્તો તૈયાર થઈ ગયો હતો, બે કફન તૈયાર થઈ રહ્યા હતાં, એક આવનારી જિંદગીનું અને બીજું મમતાનું. આ વિચારે સલોનીના રોમે રોમમાં ઝણઝણાટી ઉપડી ગઈ, જે નિર્ણય લેવાનો હતો તે સલોનીએ જ લેવાનો હતો.
તેણે અજીતને કહ્યું, ‘તું મારી કુખ ઉજાડવા માંગે છે, મારી કૂખે દીકરી હોય કે દીકરો, હું તો જન્મ આપીશ જ, હું ગર્ભપાત કરાવી આવનારી જિંદગીનું કાસળ કાઢવા નહીં દઉં.’ આ સાંભળી અજીત ગુસ્સે ભરાયો અને કહ્યું, ‘આ મારું ઘર છે, અહીં મારી મરજી મુજબ જ થશે.’
સલોનીએ કહ્યું, ‘હું ગર્ભપાત કરાવવાની નથી જ, આ બાળક પર જેટલો તારો અધિકાર છે એટલો જ મારો પણ છે અને ગમે તે થઈ જાય પણ આ બાળક દુનિયામાં આવશે જ.’ આ સાંભળી અજીતનું મોં વીલાઈ ગયું અને તે ત્યાંથી જતો રહ્યો. સલોની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
આ બનાવ બન્યા બાદ અજીત સલોની સાથે બોલતો નહીં અને વાતવાતમાં ચીડાઈ જતો. સરોજબેન પણ નાની નાની બાબતોને મોટું સ્વરૂપ આપી દેતાં. વાત વાતમાં સલોની સાથે ઝઘડો કરતાં, પણ સલોની બધુ સહન કરી લેતી અને છાને ખૂણે રડી લેતી. તેને હૈયે હામ હતી કે આવનાર લક્ષ્મી તેના જીવનમાં અજવાશ ભરી દેશે. ગર્ભના જાતિ પરીક્ષણ અને ભૃણ હત્યાને રોકવાનો તેણે વિચાર કર્યો અને મુખી પાસે ગઈ પોતાની આપવીતી તેમને સંભળાવી અને ન્યાય માંગ્યો.
મુખી કહે, ‘બેટા, આ તો દુનિયાની રીત છે.’
સલોની કહે, ‘આવી ક્રૂર રીત જેમાં બે બે જિંદગીને એક સાથે મારી નાંખવામાં આવે? આ કુરિવાજને દૂર કરવો છે, એની શરૂઆત ભલે મારાથી જ થતી.’
મુખીએ કહ્યું, ‘બેટા, આવા રિવાજો તો સમાજની જડમાં છે, એ આટલી સરળતાથી થોડા દૂર થશે? અને સમાજ તમારી નિંદા કરશે તે અલગ.’
સલોનીએ કહ્યું, ‘પણ કાકા, તમે વિચાર્યું છે કે સૃષ્ટી ચલાવવા સ્ત્રી અને પુરુષ બંનેનો સમાન ફાળો હતો. કુદરતના આ સમતોલનને આપણે ખોરવીશું તો બધે અંધાધૂંધી જ ફેલાઈ નહીં જાય? તમે જ કહો, ગામમાં એવા કેટલા કુંવારા છે જેમને છોકરી મળતી નથી?’
મુખી કહે, ‘સાચી વાત, એ છોકરાઓને કોઈ પોતાની છોકરી દેવા તૈયાર નથી.’
સલોનીએ પણ તેમાં સૂર પૂરાવ્યો, ‘આજે આ પ્રશ્ન એટલે જ ઉભો થયો છે કારણ કે આપણે આપણા જ પગ પર કુહાડો મારી રહ્યા છીએ. ગર્ભપાતની આડમાં સ્ત્રીઓની જાતિના નિકંદનનું જે ઘોર પાપ આપણે કરી રહ્યા છીએ એને લીધે દીકરાઓને કુંવારા રાખવાના આશિર્વાદ આપણે આપીએ છીએ. આજે દીકરાના પ્રમાણમાં દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે, આ પ્રશ્ન અત્યારે જ વિકટ છે તો આવનારા સમયમાં કેટલો વિકરાળ થશે એ કોઈએ વિચર્યું છે ખરું?’
મુખી થોડા મૂંઝાયા, કહે, ‘સલોની બ એટા, તમારી વાત સો ટચના સોના જેવી, આ કુરિવાજ ડામવા જેવો તો ખરો, પણ લોકોને આ વાત કઈ રીતે સમજાવવી?’
સલોની કહે, ‘કાકા, આ કુરિવાજને ડામવા બધી જ રીતરસમો કામે લગાડવી પડે, સમજાવવાથી ન માને તેને શિક્ષાથી મનાવવા પડે. તમે એક કામ કરો, શહેરમાંથી વસ્તીગણતરીના અને જન્મના આંકડા લઈ આવો, પોકિસ ઈન્સ્પેક્ટર, કલેક્ટર, સમાજસેવકો વગેરેને તેડાવો. લોકોને આ બાબતે આપણે સમજાવીએ, આપણા ગામમાંથી આ કુરિવાજ નાબૂદ ન થાય ત્યાં સુધી આ લડત ચાલશે.’
સલોનીના કહેવા મુજબ મુખીએ કર્યું અને ગામમાં એ મુજબના કાર્યક્રમો યોજાવા લાગ્યા. ગામના મુખ્ય ચોકમાં એક વિશાળ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં રાજ્યના પોલીસવડા, સમાજસેવકો અને કલેક્ટર તથા મંત્રીઓ વગેરે આવ્યા. પોલીસવડાએ કહ્યું કે ભૃણની જાતિતપાસ અને હત્યા કાયદાકીય રીતે અક્ષમ્ય અપરાધ છે, તેની સજાને પાત્ર બનવું હોય તો જ આવું જઘન્ય કૃત્ય કરવું. સલોનીએ મંચ પરથી કહ્યું કે આપણા સૌનો જન્મ એક સ્ત્રીને કારણે જ થયો છે, એ ના હોત તો તમે આ પૃથ્વી પર કઈ રીતે આવ્યા હોત? પોતાની વિતક તેણે મંચ પરથી લોકો સમક્ષ કહી, અજીત પણ મેદનીમાંથી એ સાંભળી રહ્યો, પોતાની જાત પર તેને પસ્તાવો થયો અને મંચ પર જઈને સલોનીની માફી માંગી, દીકરીને અપનાવવા એ તૈયાર થયો અને પોતાની આંખ ઉઘાડવા બદલ તેણે સલોનીનો આભાર માન્યો.
સલોનીના ક્રાંતિકારી વિચારે ગામમાં જાગૃતિ આણી હતી, ગામ આજે સાચા અર્થમાં નંદનવન બન્યું હતું, મુખીના અને જીવનભાઈના ચહેરા પર સલોનીની આ ઉપલબ્ધી જોઈને સંતોષ છવાઈ ગયો.
– ભરત કોટડીયા
NICE STORY..BUT ITS DEPEND ON READER SIGHT..HERE ALL COMMENTER ARE READER YA CRITIC THAT QUESTION FOR ME…
સમાજને ઉજાગર કરતી વાર્તા, થોડાક સમજે તૉ પણ બસ, હજુ સમાજને જાગૃત કરવા માટે કઈક કરવુ પડશે એવુ લાગે છે…………………..
Subject matter of the story is good but writing is somewhat mediocre.Than again this is the first story by writer so one should be easy on giving opinionThat includes myself.Congratulation to Bharatbhai on his first attempt.
વિષય જુનો જરૂર છે, પણ સાથે એટલો જ વિચારવા યોગ્ય છે. આજના વધતા જતા બળાત્કારના કીસ્સા શું સુચવે છે ?
“સાપનોભારો તુલસીક્યારો,
તમે ભલેને ગમે તે ધારો
કોઈ કહે છે પારકું ધન એ
પણ સાવ અલગ છે ઉત્તર મારો,
જીવતરને મઘમઘતું કરતું
દીકરી નામે ‘અત્તર’…….તુષારભાઈ શુક્લના પુસ્તકમાંથી
This story : Salony is educated. she is knowlegeble to understand the real life & belive in social wefare.Shri Bharat Kotadia had presented the broad view in creative manner & demonstrate “mamata ” of lady, tried to stop this injustice / evil in a society.
We should Well come as it reformation “‘ KRANTI “
Its all propaganda and no story at all. it could have been a good story but it hasn’t. Why should Mukhi obey Saloni? She said something and repair work starts at school! It’s so magical!
બહુ સુંદર બોધ લેવા જેવી વાર્તા છે. સ્ત્રી ભૃણ હત્યાના પ્રચાર જેવી નહીં પણ ભૃણ હત્યાના વિરોધવાળી વાર્તા છે. મુખી જેવા સમજુ થોડા વધારે ને વધારે સમાજને મળે તો પણ ઘણો સુધારો થાય. અને ભારતનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય.
વાર્તા સારી.. માફ કરજો પણ સ્ત્રી ભૂણ હત્યાના પ્રચાર સમી લાગી … આ વાત ને અલગ રીતે રજુ કરી શકાય..