૫૫ વર્ષની ઉંમર પછી… – ડૉ. અજય કોઠારી 16


chal jindagi Jivi Laiye by Dr. Ajay Kothariજે જન્મ્યું છે તે વિદાય પણ લેવાનું જ છે. જે ફૂલ ઉગે છે તે કોઈ દિવસ કરમાશે પણ. કોઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યું, જીંદગી આખી મિત્રો બનાવવામાં જાય ને યમરાજ એને બુઢાપામાં અળગા કરે. પહેલા મિત્રનું મોત એક માનસિક ઝાટકો આપી જાય. ‘આજે આ મિત્ર, કાલે બીજો, સગાં-વ્હાલા, કુટુંબીજન, મારો વારો પણ હવે દૂર નથી.’ એક તરફ ગમગીનતાના કાળા વાદળ અને બીજી બાજુ એકલતાની નિરવતા.

૬૦ વર્ષની ઉંમર પછી આ ગમગીની અને એકલતાનો સામનો કરવાની પણ તૈયારી કરવી જોઈએ. કહેવું સહેલું છે, અમલમાં મૂકવું મુશ્કેલ છે ને છતાંય આ મુશ્કેલી પાર કરે જ છૂટકો. આપણી પાસે બીજો વિકલ્પ પણ નથી. જીંદગીમાં જો કોઈ હોબી કેળવી હોત તો બુઢાપામાં આ મુશ્કેલી સામે લડાય નહીં તો આ વૃદ્ધ સમય કેવી રીતે પસાર કરશે? પુત્રને કરકસર કરવાનું ભાષણ આપશે (વખત બહુ ખરાબ આવી રહ્યો છે), વહુને મસાલા વિશે સલાહ આપશે, નોકરોને સાફ સફાઈના કાયદા બતાવશે. ટૂંકમાં એની પાસે વણમાગી સલાહનો ભંડાર છે જે વારંવાર ખાલી કરશે.

૫૫ વર્ષની ઉંમર પછી…

જેમ ૪૨-૪૫ વર્ષે વાંચવાના ચશ્મા આવે (બેતાળાં) તેમ કેટલાકને ૫૫ વર્ષની ઉંમર પછી સાંભળવાની સહેજ ક્ષતિ જણાય. વ, બ, ડ, ફ અને થ અક્ષરોથી શરૂ થતા શબ્દો ગ્રહણ કરવામાં મુશ્કેલી નડે. બીના કોઈ બોલ્યું હોય તો વીણા સમજાય. આ વારસાગત પણ આવી શકે. બ્લડપ્રેશર અને ડાયાબીટીસના દર્દીઓમાં આ વધુ જોવા મળે છે.

‘કલમ ગોરી ને બેતાળાં આંખ,
જતી જુવાનીની નિશાની ઝાંખ.’

બીજા પાંચ સાત વર્ષની કળી જાય અને જો બહેરાશ વધવા માંડે તો અક્ષરોને બદલે શબ્દો સમજવામાં મુશ્કેલી નડે. આવે વખતે વ્યક્તિ, ‘હેં શું કહ્યું? શું કહ્યું?’ પૂછ્યા કરે અને કાન પાછળ છાજલી કરી કાન આગળ ધરે. વારંવાર હેં શું કહ્યું પૂછ્યા કરે એટલે સંતાનો, સગાં-સંબંધીઓ ને પત્ની સુદ્ધાં કંટાળે, બોલવાનું ટાળે અથવા બે વાર બોલવું ન પડે માટે મોટેથી બોલે. વ્યક્તિ એની બહેરાશ માટે એટલી જાણીતી થઈ જાય કે મેળાવડામાં, લગ્નમાં, સમારંભમાં, એકબીજા આ વાતને પ્રસારે. ‘એને કેમ છો કહીને સરકી જજો નહીંતર હેં… હેં… કહીને માથું ખાઈ જશે.’ વારંવાર બબ્બે વખત બોલાવનારને અમે ડુપ્લીકેટર કહીએ છીએ.

વળી પાંચ સાત વર્ષ વીતી જાય ને જો બહેરાશ વધે તો શબ્દો ચૂકી જતા હતા ત્યાં હવે અડધું-પડધું વાક્ય જ સાંભળે જેમાંથી અર્થ ન સરે. આંખે મોતિયો હોય એટલે વાંચવામાં તકલીફ પડે, ટી.વી જોવામાં મજા ન આવે, સમજાય નહીં, સંભળાય નહીં, પૂછાય નહીં. પત્ની પણ ઠપકો આપે, ‘શું પૂછ પૂછ કરો છો. મને તો શાંતિથી જોવા દો.’

પતિ જ્યારે બહેરાશના ત્રીજા તબક્કે પહોંચ્યો હોય ત્યારે પત્ની કદાચ પહેલા તબક્કામાં હોય ને અક્અરમાં જ ગફલત કરતી હોય. આ પ્રકારની બહેરાશમાં આંતરિક કાનની નસની શક્તિ કમજોર થતી હોય છે જે દવા કે ઓપરેશનથી સુધારી શકાતી નથી. આવી વ્યક્તિઓને અમે ઔરંગઝેબ કહીએ છીએ. શૂન્યમનસ્ક થઈ જાય, સંગીત, વાતચીત, વાંચવામાંથી રસ ઉડી જાય, વિચારોમાં ખોવાયેલ રહે. રિટાયર્ડ થઈ ગયો હોય કે થવાનો હોય ને ઓફિસના અન્ય કર્મચારીઓ એને ટાળે ત્યારે થાય, ‘આ જ લોકોને હું… હું ઉંચા લાવ્યો ને આજે મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી.’ ન સંભળાય એટલે એને સતત લાગ્યા કરે કે રૂમમાં બેઠેલા એની જ વાત કર્યા કરે છે. એવા અનેક દાખલાઓ છે કે માત્ર શંકાથી પ્રેરાઈને આવા વૃદ્ધ લોકોએ પોતાના વીલ બદલી કાઢ્યા છે.

૨૦ વર્ષે ચિંતા થાય કે લોકો મારે માટે કેમ કંઈ કહેતા નથી.

૪૦ વર્ષે થાય કે ચૂલામાં જાય, લોકોને જે કહેવું હોય તે કહે.

૬૦ વર્ષે થાય કે લોકો મારે માટે શું કહે છે.

મહિલાઓમાં રહેલા હોર્મોન માથાના વાળની જેમ સાંભળવાની નસને રક્ષણ આપે છે. તમે કેટલી ટાલવાળી મહિલા જોઈ છે? ડૉક્ટર તરીકે મારે પણ માથું ખંજવાળવું પડે.

આનો એકમાત્ર ઈલાજ છે શ્રવણયંત્ર (હિયરીઁગ એઈડ) પ્રથમ તબક્કામાં એને વાપરવાની જરૂર નથી પણ બીજા તબક્કા પછી લેવું ખૂબ જ આવશ્યક છે. ચશ્મા વ્યક્તિ પોતે જોઈ શકે તે માટે તરત જ સ્વીકારતા હોય છે, જ્યારે શ્રવણયંત્ર સહેલાઈથી નથી સ્વીકારતા. આનું માનસિક કારણ સમજવા જેવું છે. બહેરાશ એ ‘છુપાયેલી’ આંતરીક કાનની ક્ષતિ છે. શ્રવણયંત્ર પહેરવાથી એ ક્ષતિ ‘ઉઘાડી’ પડી જાય છે. બોલનારને થાય કે સાંભળનાર બહેરો છે એટલે વધુ જોરથી બોલે કે જેથી બે વાર બોલવું ન પડે પરીણામે આ મોટા અવાજે બોલેલુ સમજાય નહીં ને બોલી ઉઠે,

ભાઈ મારા, હવે ધીમેથી બોલ
જે પહેર્યું છે તે ઈલાજ છે, રોગ નથી.

ત્રીજા તબક્કામાં પહોંચેલી વ્યક્તિ ધીમેથી બોલેલું સાંભળી શકે છે. જ્યારે ટેલીફોન, એલાર્મની ઘંટડી, બાળકના જોરથી રડવાનો અવાજ સાંભળવામાં મુશ્કેલી નડે છે. એ વખતે એની પત્ની ને સંતાનો જ એની આ પ્રકારની બહેરાશ સ્વીકારવા તૈયાર નથી, ‘ડૉક્ટર, સાંભળવું હોય ત્યારે બધુ સાંભળે છે. ધીરેથી બોલીએ તો પણ સાંભળશે ને ઘંટીઓ વાગે ત્યારે જાણે સાંભળ્યું જ ન હોય એમ મોઢું કરીને બેસી રહેશે. સવલતની બહેરાશ છે.’ માટે જ શ્રવણયંત્ર સ્વીકારવુ જોઈએ. કુટુંબીજનો સાથે વાતચીત, પ્રોગ્રામ, પાર્ટી અને ટી.વી માણી શકાય. આને માટે વ્યક્તિએ ખુદ સ્વીકાર કરવાનો છે. એના પર શ્રવણયંત્ર બળજબરીથી ઠોકી બેસાડશો તો બીજાના સંતોષ ખાતર કદાચ ખરીદશે પણ અનેક બહાનાઓ કાઢી પહેરશે નહીં.

શ્રવણયંત્ર અનેક પ્રકારના ઉપલબ્ધ છે. ખીસ્સામાં રાખવાનું ને એમાંથી વાયર કાનમાં પહોંચે. આ પ્રમાણમાં સસ્તા આવે પણ વાયર ઝૂલતો દેખાય એટલે વ્યક્તિ સ્વીકાર ન કરે. બીજા પ્રકારનું શ્રવણયંત્ર કાનની પાછળ પહેરવાનું ને એમાંથી નાની પારદર્શક પ્લાસ્ટીકની નળી કાનમાં જાય. ચશ્માની દાંડીમાં બેસાડેલા શ્રવણયંત્ર પણ મળે છે પરંતુ અમુક હદની બહેરાશમાં જ ઉપયોગી થઈ પડે છે. કાનની અંદર પહેરવાનું શ્રવણયંત્ર જે આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વાજપાઈજી પહેરે છે. જેટલું ફેન્સી લેવા જાવ એટલી કિંમત વધે. સામાન્ય રીતે એક જ કાનમાં શ્રવણયંત્ર પહેરવાની જરૂર પડે છે. પહેર્યા પછી લગભગ દરરોજના ચાર કલાક ત્રણ અઠવાડીયા સુધી પહેરો પછી ટેવાઈ જશો. ત્યાં સુધી કાનમાં એક જાતનો સતત ધીમો અવાજ સંભળાયા કરે. શ્રવણયંત્ર એ કાનમાં બેસાડેલું દ્વનિવર્ધક યંત્ર (એમ્પ્લિફાયર) છે. પવનનો સુસવાટો, પંખાનો કે એરકંડીશનનો અવાજ તે ઘોંઘાટને પણ ધ્વનિવર્ધક કરશે. વ્યક્તિ પહેલી વાર ચશ્મા પહેરે ત્યારે ગંદકી ને મનુષ્ય બેઉ સરખા ‘ચોખ્ખી રીતે’ દેખાતા હોય છે પરંતુ શ્રવણયંત્ર પહેર્યા પછી એને માત્ર બોલેલું જ સ્પષ્ટ સંભળાય એવી ઈચ્છા રહે પણ આ જાતનું ફિલ્ટર શક્ય નથી.

નબળી નજરૂએ ચશ્મા માંગ્યા
આ દેખીને કાન પણ જાગ્યા
(અમે બે બહેનો તો બાજુ બાજુમાં છીએ)
રહે સામે સામે ને નખરા કેવા
સ્ત્રી જોવાની છે ચીજ
સાંભળશો તો પડશે વીજ.
– અજય

ભૂલવાનું –

૫૫ વર્ષની ઉંમર બાદ વ્યક્તિનું નામ જ યાદ ન આવે. એનો ચહેરો-મહોરો, ક્યાં મળ્યા હતાં, કોની સાથે, શું પહેર્યું હતું, શું વાત કરી હતી એ બધું જ યાદ હોય. ન યાદ આવે માત્ર એનું નામ. દુનિયાભરની પુરુષ મહિલામાં થતી ઉંમરને લગતી યાદદાસ્ત પરનો આ પ્રહાર છે. સાત પ્રકારની યાદદાસ્ત છે, આપણા અતીતની વાતો, તાજેતરના બનાવો, ચહેરા-મહોરા, નામ ઈત્યાદી. વૃદ્ધ વ્યક્તિને યુવાની, અરે બાળપણની વાતો પણ રજેરજ યાદ હોય પરંતુ સવારે શું ખાધું હતું એ યાદ ન આવે.

૭૦ વર્ષનો વૃદ્ધ એની પત્નીને મહીનાથી ‘ડાર્લિંગ, ડાર્લિંગ’ કહીને બોલાવ્યા કરે. આ સાંભળીને એક જુવાનિયાએ કહ્યું, ‘આ ઉંમરે પણ તમને તમારી પત્ની માટે કેટલો પ્રેમ છે!’ વડીલ કહે, ‘મૂંગો રહે, ડાર્લિંગ કહું છું કારણ કે છેલ્લા એક મહીનાથી એનું નામ જ યાદ નથી આવતું.

નામની ભૂલાતી યાદદાસ્ત એ ઉંમર સાથે વધતી રામકહાણી છે. ઘરને ઓફિસની વ્યક્તિઓ જેની સાથે વર્ષો વીતાવ્યા હોય એનું જ નામ મગજ જીભને ન પહોંચાડે. પતિએ પત્નીને કહ્યું, ‘આપણે માથેરાનમાં જેને મળેલા, અંબોડો કરેલો, લાલ સાડી હતી, મોટો ચાંદલો, ભારેખમનો ભપકો, સાથે ટાલિયો વર, બોલ, જલદી બોલ નામ શું?’ પત્નીએ કહ્યું, ‘એનું નામ વીણા.’ ‘અરે એનું નામ તો યાદ છે, તારૂ નામ શું?’

નામ યાદ ન રહેતી વ્યક્તિ દયામણા ચહેરે ભીખ માંગવા નીકળતી હોય છે. પત્નીને પૂછે, મિત્રને પૂછે, સાથે જે કોઈ હોય તેને પણ પૂછે, ‘એનું નામ શું હતું?’ મારી સલાહ છે કે આવા યાચકને મદદ ન કરશો. એને એના મગજ સાથે સાંઠમારી કરી નામ યાદ કરવા દો. તમને આવું થતું હોય તો તમે પણ નામની ‘ભીખ’ માંગવા ન નીકળો. ત્રણ વર્અ જો મગજ સાથે સાંઠમારી કરશો તો જીંદગીના અંત સુધી યાદદાસ્ત તીક્ષ્ણ થઈ જશે.

ક્યારે કોને શું કહું એ યાદ રહેતું નથી
હવે ચુપ રહેવાનો સમય આવી ગયો છે.
– મરીઝ

ભૂલવાની માત્રા ધીરે ધીરે વધતી જાય છે. બોલતા બોલતા બાકીનું કહેવાનું ભૂલી જાય. ટેલીફોન પર વાત કરતા કરતા બાકીનું બોલવાનું યાદ ન આવે. બાથરૂમમાં નહાવા જાવ ને યાદ ન આવે ને ટુવાલ વીંટાળી બહાર આવે.

કોઈ પણ ઉંમરે અને ખાસ કરીને ૫૫ વર્ષ બાદ આંકડા સાથે બોલવું નહીં. ‘મારે તમને ચાર વાત કહેવી છે.’ ત્રીજી વાત પતે પછી ચોથી યાદ ન આવે. સાંભળનાર ગણતા હોય છે, ‘ચોથી વાત કઈ?’ કોઈ સંસ્થામાં ભાષણ આપવાનું હોય તો અચૂક આ વાત યાદ રહે.

ભૂલવાની પ્રક્રિયા ઓછી હોય તેમ ૫૫ વર્ષ પછી કેટલીક વ્યક્તિઓ તરત નિર્ણય નથી લઈ શક્તા. ‘જાવ ત્યારે બારણું ખુલ્લું રાખજો. ના.. ના.. બંધ કરજો.’ આને માટે દ્રઢ મનથી બોલતાં પહેલા શું કહેવું છે તે નક્કી કરો.

ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે બોલનાર એકનું એક બે ત્રણ વાર બોલે, જાણે કે આપણે અબુધ હોઈએ. કેટલાક વળી વાક્યે વાક્યે ‘આઈ મીન, યૂ સી.’ ફેંકતા હોય છે જ્યારે ખૂબ જ અગત્યની ચર્ચા ચાલતી હોય કે સંસ્થામાં ભાષણ કરતી વખતે આ પ્રકારના ફાંફા સાંભળનારનો રસ ઉડાડી દે છે.

– ડૉ. અજય કોઠારી

બિલિપત્ર

ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને
પચાવવાની અશક્તિ
માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી
ડાહી લાગી નથી.
જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છે –
‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.’

 

* * * * * * *

 

ડૉ. અજય કોઠારી મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઓફ સર્જરી, ઈએનટી એસોસિયેશનના સંશોધન માટેના સુવર્ણચંદ્રક વિજેતા, યુરોપની બાળ ઈએનટી સંસ્થા અને વિશ્વની સર્જનોની દુનિયાની સર્વોચ્ચ કાઉન્સિલ ‘આઈફોસ’ના ગવર્નિંગ બોડીના એકમાત્ર ભારતીય ઈનટી ડૉક્ટર છે. ‘કોશિશ’ નામે બહેરા મૂંગાનું ભારતનું સર્વપ્રથમ ‘સેન્ટર ફોર ધ ડેફ’ મલાડ પૂર્વ, મુંબઈમાં કર્યું છે જ્યાં ૧૩૬ બાળકોને મફત શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ અને શ્રવણયંત્ર આપે છે. સાથે સાથે તેઓ એક સારા લેખક પણ છે. એક ડોક્ટર તરીકે તબીબી ઉપાયો અને સલાહો સાથેના અનેક પુસ્તકો સાથે તેમણે એકાંકી, કટાક્ષલેખ અને હાસ્યલેખ પણ આપણી ભાષાને આપ્યા છે.

‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક વિશે પરિચય આપતા ડૉ. કોઠારી જણાવે છે, ‘આપણી જીંદગી કેટલી? કોઈ કહેશે ૬૫ વર્ષની, સરકાર કહે છે સરેરાશ પુરુષની ૬૮ ને મહિલાની ૬૪ વર્ષની, પણ જિંદગી ૩ ફૂટના ઘોડીયાથી માંડીને ૬ ફૂટની ચિતા સુધીની. માત્ર ૩ ફૂટ લંબાતી ખેંચાતી આપણી આ જિંદગી’ તેને ડૉ. કોઠારીએ ઉંમરના હિસાબ સાથે જોડી છે. ‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક જીવનના વિવિધ તબક્કાઓને – સંબંધોને – તથ્યોને આવરે છે. જીવનસાથી, સંતાનો, પૌત્રો અને વંશવેલો, મિત્રો, ૫૫ વર્ષની ઉંમર પછી, જાતિય સંબંધ, ભગવાન, હોસ્પિટલ, અંતિમ યાત્રા જેવા વિવિધ પ્રકરણ ધરાવતી આ સુંદર પુસ્તિકાની ચાર વર્ષમાં ચાર પુનઃઆવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. આજે તેમના પુસ્તક ‘ચાલ જિંદગી જીવી લઈએ’ માંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત કર્યું છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને આવા હજુ અનેક પુસ્તકો તેમનાથી આપણને મળતા રહે એવી અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “૫૫ વર્ષની ઉંમર પછી… – ડૉ. અજય કોઠારી