ચાલને ભાઈ ચરણ મારા… – મુરલી ઠાકુર 3


ચાલને ભાઈ ચરણ મારા,
જ્યાં સુધી આ જગના ચીલા,
થોભજે તારે થોભવું હોય તો-
થંભે જો એ ચીલા…

ચાલને ભાઈ ચરણ મારા,
લેઇ વિસામો એકાદ પળનો,
પળજે પાછો પંથે,
ચાલને ભાઈ ચરણ મારા !
પાડતો આગળ ચીલા..

ચાલને ભાઈ ચરણ મારા,
સીમને વીંધતા ચીલા પેલા,
પથિક ઝંખતા રહેતા !
ઓરતા એના પૂછવા કાજે
છેડા એના ઢૂંઢવા કાજે

ચાલને ભાઈ ચરણ મારા,
લાધે ભલે ના કાંઇ તુજને,
ચાલતાં ચીલે એવા
ધૂળનો ભેટો વાટે થાતો
ચાલવાનો એ લહાવો

ચાલને ભાઈ ચરણ મારા,
ધરતી કેરી ધૂળ મોરંતી,
સંદેશા કાંઇ દેતી,
ધૂળમાં મ્હોરે ફૂલ બે કુણાં,
મ્હોરશે હૈયાં તારે

ચાલને ભાઈ ચરણ મારા,
ચાલને મારા ચરણ આગળ,
ધૂળની વાટે આગળ આગળ,
અદીઠ કોઇ પંથ ઉકેલે,
વધતો તારી આગળ આગળ
ચાલને ભાઈ ચરણ આગળ
ચાલને મારા ચરણ આગળ
ચાલને આગળ આગળ
ચાલને ભાઈ ચરણ મારા…

– મુરલી ઠાકુર

મુરલી ઠાકુરની પ્રસ્તુત રચના સદા આગળ ધપતા રહેવાની, પ્રયત્ન છોડી દીધા સિવાય સતત મહેનત કરતા રહેવાની વાત કહેતી સુંદર રચના છે. કવિ પોતાના ચરણને અને એ રીતે પોતાના મનોબળને, આત્મવિશ્વાસને અને સફળતા પ્રત્યેની શ્રદ્ધાને પ્રસ્તુત રચના દ્વારા આગળ વધતા રહેવાની વાત કહે છે.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ચાલને ભાઈ ચરણ મારા… – મુરલી ઠાકુર

  • La'Kant

    કૈક સમાનાર્થી એક ” કંઈક’ ની રચના પેશ છે!

    પુરૂષાર્થ : ‘ ચાલો ’

    “મેં તો બસ ચાલવાનો મનસૂબો કરી ચાલવા માંડ્યું,
    પળપળ પોતાની મેળે પંથ ઊઘડતો,કહેતો:”કઈં કરવું”
    છેવટે કઈં ના બને તો ચાલતાંરે’વું,બસ ગતિમાં રહેવું
    નવું કઈં નઝરે પડશે,મળશે લોક મજાના,મળતારહેવું.
    એમ મળતા મળતા ઊઘડતા રહેવું,હસતાં-રમતાં રહેવું,
    બદલાવ,કુદરતી છે,ક્રમ-નિયમ અસહજથી અળગા રહેવું.
    કરવાની છે પ્રતીક્ષા માત્ર! ઇન્તેઝાર જેવું કઈં કરતાં રે’વું,
    અહીંથી તહીં,આંટાફેરા,ચકરાવા,ચલકચલાણુંરમતારે’વું. ”
    – લા’કાન્ત / ૧૫-૧૦-૧૨

  • Harshad Dave

    આશાન્વિત થઈને ચાલતા રહેવું જોઈએ. હાર કે જીત, જે મળે તે જીવનમાં લડતા રહેવું જોઈએ. સુંદર રચના, પ્રેરક છે, ભાવસભર છે. નહીં માફ નીચું નિશાન. નવો ચીલો પડવાની વાત બહુ જ પ્રેરક છે. અહીં ભાવ અને ભાવના સુપેરે વ્યક્ત થયા છે. માણવા જેવી, જાણવા જેવી અભિવ્યક્તિ. અભિનંદન. આભાર. – હદ.

  • Maheshchandra Naik

    સરસ વાત કવિશ્રીએ કરી છે
    પ્રયત્નોમા કચાસ નહી રાખવાની………………..