ત્રણ ચોટદાર અછાંદસ… – વિપિન પરીખ 6


૧. જોઈએ છે…

ભવોભવના ફેરામાંથી
મુક્તિ આપે
એવા પ્રભુની જરૂર નથી !

જોઈએ છે એક એવો પ્રભુ
જે
રેલવેના ટાઈમ ટેબલમાંથી મુક્તિ અપાવે,
ટ્રાફિકના સિગ્નલ પર દોડતી રક્તની ગતિને
અંકુશમાં રાખે
જમ્બોજેટમાં
સમયને ઘસડાઈ જતો અટકાવે
રેડિયો અને ટેલિવિઝનમાં મોકળાશ શોધતી
શૂન્યતાને ટપારે
સવારે
મૃત્યુના વાઘા પહેરીને
આવતા સમાચારોથી અળગો રાખે
અને જાહેર ખબરોમાં
મને સસ્તે મૂલે વેચાઈ જતો રોકે,
જોઈએ છે
એક એવો પ્રભુ…

૨. બેકારના ????

હરિ,
તને લાચારીનો રોટલો પીરસવામાં આવે
તો તું શું કરે?
જમે – પાછો ઠેલે?

તને આમંત્રણ આપવામાં આવે
ને પછી
મોં સામે ફટાક કરી
બંધ કરવામાં આવે જો દ્વાર
તો
તારા નયન શું કરે?
ભભૂકી ઊઠે? – રડી પડે?

માર્ગમાં
નિર્દોષ ભાવે કોઈ સળગતો પ્રશ્ન પૂછી બેસે
‘ક્યાં છો હમણાં?’
તો તું શું કહે? જમીન શોધે?

દસથી છ કામ પર ગયાનો ડોળ કરી
સાંજે પાછો ફરે ઘરે
અને રીટા ત્યારે પૂછે,
‘પપ્પા શું લાવ્યા?’
ત્યારે
તું મૂઠ્ઠી ખોલે કે બંધ કરે?

રાત્રે પથારીમાં કણસતાં કણસતાં
પડખું બદલતાં
કોઈ ઘેનભર્યા સ્વરે પૂછે
‘તમને ઉંઘ નથી આવતી?’
તો
તું સૂવાનો ઢોંગ કરે?

હરિ, તું શું કરે?

૩. બે પથારીની વચ્ચે

એણે પપ્પા સામે જોયું
ને હસ્યો
પપ્પાએ આંખ લાલ કરી
ભવા ઉંચા કર્યાં
પણ
જરા જેટલું હસ્યા નહીં.

એણે મમ્મી સામે જોયું
ને હસ્યો
મમ્મી જરા પણ હસી નહીં
પણ અચાનક
એની આંખ આંસુથી ઘેરાઈ ગઈ.

એને કશું જ સમજાયું નહીં

બે પથારી વચ્ચે

એકલો સૂઈ ગયો.

– વિપિન પરીખ

બિલિપત્ર

મને મેવાડમાં મીરાં મળી નહીં;
મને વૃંદાવનમાં રાધા મળી નહીં;
પણ કદાચ
એમાં મારો પણ દોષ હોય
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !

– વિપિન પરીખ

અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાં મૂકવા માટે લોકમિલાપ ટ્રસ્ટની પરવાનગીથી તેમના દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ ટાઈપ કરી રહ્યો છું. અને એમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. એમાંથી જ આજે ત્રણ અછાંદસ મૂક્યા છે. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આ અછાંદસ વિશે કહેવા માટે શબ્દો ખૂબ ઓછા પડે છે, એ તો અનુભવે જ કહી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “ત્રણ ચોટદાર અછાંદસ… – વિપિન પરીખ

 • La'Kant

  વાહ દોસ્ત વા હ !આજે ઘણું બધું યાદ અપાવી દીધું .
  વિપિન પરીખને ચારેક વાર મળવાનું બન્યું હતું,સાવ ‘ડા ઉન્ ટુ અર્થ’
  વ્યક્તિત્વ બે કલાક ચર્ચગેટની એક હોટેલમાં નિરાંતે છ મિત્રોના સંગાથે ખાસ મળવા બોલાવેલા. ઘણી સહ્રુદયતા થી દિલ ખોલીને વાતો શેર કરી હતી. તેમના’ તલાશ’ અને પન્ના નાયકના ‘ફિલાડેલ્ફિયા’
  કાવ્ય સંગ્રહોના સુરેશ દલાલે કરાવેલા એસ.એન.ડીટી ના કમ્પાઉન્ડમાં . ઘણાં વર્ષો પહેલાનો કાર્યક્રમ પણ યાદ આવી ગયો. આમ આનંદ અતીતની યાદો દ્વારા પણ મલી જય અચાનક આકસ્મિક્તાનું પણ એક થ્રિલ હોય છે!

  ખૂબ આભાર જીગ્નેશભાઈ

  આભાર જીગ્નેશભાઈ.