ભારતીય લેખકોના અંગ્રેજી પુસ્તકો… – રજનીકાંત મહેતા 7


‘ગુજરાત અને ગુજરાતીઓ’ વિશે જાણવું હોય તો લંડન આવો. આ વાંચીને સૌને આશ્ચર્ય તો થશે જ. થોડા દિવસ પહેલાં લંડનના હોલેન્ડ પાર્ક વિસ્તારમાં એક પ્રાચીન અને જૂના પુસ્તકોની દુકાનમાં જવાનું થયું. ભારતીય પુસ્તકોનો અલગ વિભાગ હતો. ત્યાં નજર કરવા માંડી. ૧૮૫૨ કે ૧૮૮૨માં અંગ્રેજી ભાષામાં પ્રકાશન પામેલા ‘ગુજરાત અને ગુજરાતીઓ’ પુસ્તક પર નજર પડી. શ્રી બહેરામ મલબારીના ખૂબ જ રસ પડે એવા આ પુસ્તકમાં ગત સદીના ગુજરાત અને ગુજરાતીઓનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, તે પુસ્તકના થોડા પાનાંઓ વાંચવાથી જાણી શકાયું. ૭૫ પાઉન્ડ (રૂપિયા ૩૭૦૦) ની કિંમત જરા વધારે લાગી તેથી પુસ્તક ખરીદ્યું નહીં પરંતુ ખરીદવાની ઇચ્છા તો થઈ જ છે.

‘અંગ્રેજી ભાષા રાખો’, ‘અંગ્રેજી હટાઓ’, ‘અંગ્રેજી ગુલામીનું ચિહ્ન છે’, ‘અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે’, ‘વિશ્વ સાથે સંબંધ રાખવા અંગ્રેજી ભાષા આપણને સહાયરૂપ થશે’, ‘ભારતમાં અંગ્રેજીની શી જરૂર છે?’, ‘રશિયા, જાપાન જેવા દેશો અંગ્રેજી વગર ચલાવી શકે તો ભારત કેમ નહીં?’, ‘અંગ્રેજી ભાષા દેશની પ્રગતિમાં અવરોધક છે’, ‘અંગ્રેજી ભાષા વગર ૨૧મી સદીમાં કઈ રીતે જઈશું’, ‘અંગ્રેજીથી ભારતની સ્વતંત્રતા જોખમાશે’, ‘અંગ્રેજી ભાષા દ્વારા ભારત સમૃદ્ધ બનશે’… આવા તો જાતજાતના અને વિરોધાત્મક મત ભારતની સ્વતંત્રતા બાદના વર્ષોમાં આપણે સૌ સાંભળતા આવ્યા છીએ અને ન જાણે હજી કેટલાંય વર્ષો સુધી સાંભળીશું. કયું કથન સાચું અને કયું ખોટું એ જુદા જુદા સમય અને સંજોગોને આધીન હોઈ શકે પરંતુ એક વાત તો તદ્દન સ્પષ્ટ છે કે આજના યુગમાં જ્યારે કોઈ પણ દેશ બીજા દેશોની સીધી અથવા આડકતરી સહાય અને સહાનુભૂતિ વગરનું બહુ પ્રગતિ ન કરી શકે ત્યારે એકબીજાના સંપર્કમાં રહેવામાં જ સર્વ દેશોનું હિત છે. સંપર્કમાં રહેવાનું માધ્યમ ભાષા છે. જે ભાષાઓને દુનિયાના ઘણા દેશોએ-ખંડોએ સ્વીકારી છે તેમાં અંગ્રેજી ભાષાનું મહત્વનું સ્થાન છે તે નિર્વિવાદ છે. ભૂતકાળમાં રશિયા અને જાપાન જેવા દેશોએ પોતપોતાની ભાષા દ્વારા જ સર્વ પ્રકારની પ્રગતિ કરી હતી તે એક હકીકત છે પરંતુ આજે બદલાયેલા સંજોગોમાં આ દેશોએ પણ પોતાની પ્રજા અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવી શકે તે માટે અનેક પગલાં ભર્યા છે.

આજે ખુદ અંગ્રેજ પ્રજા અંગ્રેજી ભાષા જાણે છે તેના કરતા ઘણી વધારે સારી રીતે ઘણાં ભારતીય લોકોએ અંગ્રેજી જ્ઞાન મેળવ્યું છે. અમેરિકા, યુરોપ અને ખાસ કરીને બ્રિટનના સાહિત્યમાં તો આજે કેટલાય ભારતીય લેખકોનું માનભર્યું સ્થાન છે – અલબત્ત તેમનું સ્થાન મોખરે છે તેમ કહેવું જરા પણ અનુચિત નથી.

લંડનના એક અખબાર ‘ધ ડેલી ટેલિગ્રાફ’ ના એક લેખમાં અંગ્રેજ લેખક બ્રુસ પોલિંગ કહે છે કે ‘છેલ્લા દાયકામાં અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠ લેખન થયું હોય તો તે ભારતીય લેખકોએ કર્યું છે.’

આ લેખ પ્રકાશન પામશે તે અરસામાં બ્રિટનના પ્રતિષ્ઠિત ‘બુકર પ્રાઈઝ’ માટે પુસ્તકોની એક લઘુ યાદી બહાર પડી ગઈ હશે જેમાંથી વર્ષના વિજેતાનું નામ ચૂંટવામાં આવશે. (થોડા વર્ષો પહેલા સલ્માન રશ્દીની નવલકથા ‘મિડનાઈટ્સ ચિલ્ડ્રન’ માટે તેમને આ ‘બુકર પ્રાઈઝ’ મળ્યું હતું.) આ લઘુ યાદીમાં ઘણા ભારતીય લેખકો હશે એવું અનુમાન કદાચ અતિશયોક્તિભર્યું લાગે પણ જાણકાર વ્યક્તિઓનું માનવું છે કે છ લેખકોની યાદીમાં કદાચ ત્રણેક ભારતીય લેખકો હશે, વિક્રમ શેઠ, ગીતા મહેતા અને ઉપમન્યુ ચેટર્જી.

લંડનના એક પ્રકાશક તાજેતરમાં રજાઓ ગાળવા મોરોક્કો ગયા હતા ત્યારે તેમણે જોયું હતું કે સ્વીમીંગ પુલ પાસે બેઠેલા લોકોમાંથી છએક જણા એક જ પુસ્તક વાંચી રહ્યા હતાં અને એ હતું વિક્રમ શેઠની ૧૩૫૦ પાનાંની નવલકથા ‘અ સ્યૂટેબલ બૉય’. છેલ્લી ગણતરી પ્રમાણે આ પુસ્તકની એક લાખ ઉપરાંત પ્રતો વેચાઈ ગઈ છે. લંડનમાં આ પુસ્તકની કિંમત આજે ૨૦ પાઉન્ડ (આશરે એક હજાર રૂપિયા) છે છતાં બ્રિટનમાં તો આ પુસ્તકને સૌથી વધુ વેચાણ થયેલા પુસ્તક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભારતના છેલ્લા ૪૦-૪૨ વર્ષના જીવન સાથે એક કુટુંબની કથા સાંકળી લઈને લેખકે એક સજીવન વૃતાંત વાચકો સમક્ષ ખૂબ જ દિલચસ્પ રીતે રજૂ કર્યું છે એમ અહીંના સમીક્ષકોનો બહુમત છે.

આજે બ્રિટનનાં ભારતીય લેખકોનાં અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકો માટે ફરી ઊંડો રસ જાગ્યો છે. ગત છ મહીનામાં અહીંના પ્રકાશકોએ ભારતીય લેખકોની બારેક નવલકથાઓ પ્રકાશિત કરી છે. આ લેખકો કાં તો અહિં જન્મ્યા છે અથવા તો મૂળ ભારતીય છે. વિક્રમ શેઠ ઉપરાંત તાજેતરમાં જ ગીતા મહેતા, અમિત ચૌધરી, આર. કે. નારાયણ, સુનેત્ર ગુપ્તા અને શશિ દેશપાંડેની નવલકથાઓ આ પ્રકાશકો દ્વારા પ્રકાશન પામી છે. તદુપરાંત ઉપમન્યુ ચેટર્જીની બીજી ઉત્કૃષ્ટ નવલકથા ‘ધ લાસ્ટ બર્ડન’ પણ પ્રકાશન પામી છે જે દિલ્હીના વિવેચકોના મત પ્રમાણે અત્યારથી જ બુકર પ્રાઈઝ પામી ચૂકી છે.

આટલા બધા ભારતીય લેખકોની સફળતાનું કારણ શું? કેટલાકનું કહેવું છે કે ‘અ સ્યૂટેબલ બૉય’ની સફળતા પાછળ આ બધી નવલકથાઓમાં વધારે રસ જાગ્રત થયો પરંતુ આ પૂરતુ નથી. અલબત્ત અહીંના વાચકોમાં તો જ્યારથી વી. એસ. નાઈપાલના પુસ્તકો છપાયાં હતાં ત્યારથી ભારતીય લેખકો અને તેમના પુસ્તકોમાં રસ જન્મ્યો હતો.

ગત સદીમાં તો બ્રિટનનું સામ્રાજ્ય ભારત પર હતું તે કારણે ભારતમાં અને ભારતીય લેખકોમાં અંગ્રેજ અને સમગ્ર બ્રિટિશ પ્રજાને વિશિષ્ટ રસ હતો. પરંતુ આઝાદી પછીની લગભગ અડધી સદી બાદ પણ ભારતીય લેખકોની નવલકથાઓમાં આટલો બધો રસ છે તેનું કારણ શું?

એક અનામી લેખકની ભારત વિશેની સૌપ્રથમ નવલકથા ‘ધ ડિસઈન્ટરેસ્ટેડ નબૉબ’ કલકતામાં ૧૭૫૮માં પ્રકાશન પામી હતી. લગભગ તે જ અરસામાં ‘ધ પિલ્ગ્રીમ્સ પ્રોગ્રેસ’ પુસ્તકનો તામિલ ભાષામાં અનુવાદ થયો હતો. ૧૯મી સદીની આખર પહેલાં શેક્સપિયર, જોનસન, ડીફો, લેમ્બ અને સ્કોટના અંગ્રેજી પુસ્તકો ભારતના વાચકોમાં ખૂબ પ્રિય થઈ પડ્યાં હતાં.

એક ભારતીય લેખકે અંગ્રેજીમાં લખેલી સર્વપ્રથમ નવલકથા ભારતીય બળવા પછીના બીજા જ વર્ષે એટલે કે ૧૮૫૮માં પ્રકાશન પામી હતી અને તે હતી પ્યારચંદ મિત્રાની નવલકથા ‘ધ સ્પોઈલ્ટ ચાઈલ્ડ ઑફ અ રિચ ફેમિલિ’.

ભારત સ્વતંત્ર થયું તે પહેલાં તો અંગ્રેજ લોકો ભારતને કિપલીંગ અને ઈ. એમ. ફોસ્ટર જેવા વિખ્યાત અંગ્રેજ લેખકોની નજરે નિહાળતા હતા પરંતુ ત્યાર બાદના વર્ષોમાં આર. કે. નારાયણ, નિરાદ ચૌધરી અને નાઈપાલ જેવા ભારતીય લેખકોના પુસ્તકોએ ભારતને નવી દ્રષ્ટિથી જોવાની તક અંગ્રેજ લોકોને પૂરી પાડી હતી.

અંગ્રેજ વાચકો માટે આ જાતનાં પુસ્તકોની લોકપ્રિયતા અને ભારતીય લેખકોની શ્રેષ્ઠ કૃતિઓ રચવાની ક્ષમતાના કારણોમાં મોખરે કયું કારણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે? ભારતની બહુરંગી સંસ્કૃતિ અને જીવનમાં રંગાયેલ ભારતીય લેખકોના વિશાળ અનુભવને આધારે નિર્માણ થયેલાં લખાણ તે એક મહત્વનું કારણ ખરું. અનેક પરદેશી સંસ્કૃતિઓને આવકારી પોતાના જીવનમાં એકરૂપ થવાની તક ભારતે હંમેશા આપી છે અને પરિણામે ઉદભવેલી સુંદર સંસ્કૃતિ અને તેજસ્વી દેશમાં જન્મેલા માનવીઓને જે ઉત્તમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તે ભાગ્યે જ અન્ય દેશોમાં થઈ શકે છે. તેથી જ ભારતમાં જન્મેલા અથવા ભારતમાં રહેલા લેખકો અને જ્ઞાનીઓ ઈશ્વરની સ્તુતિ ગાવા રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો લખી શકવા સમર્થ હતાં. આધુનિય યુગમાં અંગ્રેજી ભાષામાં લખાયેલા શ્રી અરવિંદના ‘ધ લાઈફ ડિવાઈન’ અને ‘સાવિત્રી’ જેવા ગ્રંથો અને મહાકાવ્યોની બરોબરી કરી શકે તેવા લખાણો અંગ્રેજી ભાષામાંતો શું પરંતુ સમગ્ર વિશ્વની ભાષાઓમાં જડી શકે તેમ નથી. આવી મહાન કૃતિઓ રચનાર વ્યક્તિઓનાં દેશમાં જે પરમ શક્તિ છે તે અંગ્રેજી ભાષામાં લખનાર અન્ય લેખકોના જીવનમાં પણ પ્રતિબિંબિત થયા વગર રહી શકે ખરી?

– રજનીકાંત જે. મહેતા
(‘રજનીકાંત જે. મહેતાના ડાયસ્પોરા નિબંધો’ માંથી સાભાર – સંપાદક ડૉ. બળવંત જાની)

૧૯૯૨થી ૨૦૦૨ સુધીમાં રજનીકાંતભાઈના ચાર નિબંધસંગ્રહો પ્રકાશિત થયા છે. ડાયસ્પોરા લેખકોમાં તેમનું સ્થાન આગવું અને વિશિષ્ટ છે, તેમના નિબંધ સંગ્રહો ‘થેમ્સ નદીને કાંઠે’, ‘મીઠી સ્મૃતિઓની જુદી જ દુનિયા’, ‘દરિયાપારની દાસ્તાન’ તથા ‘વણખેડ્યો પ્રદેશ દરિયાપારનો’ વાચકોના પ્રેમને પામ્યા છે. આ નિબંધ સંગ્રહોમાં તેમનું ડાયસ્પોરિક વ્યક્તિત્વ અને વિચારધારા ઝળકે છે. આ ચાર નિબંધસંગ્રહોમાંથી પસંદગીના નિબંધોનું આસ્વાદમૂલક મૂલ્યાંકન કરીને તેનુ સંપાદન શ્રી બળવંતભાઈ જાનીએ કર્યું છે. પ્રસ્તુત નિબંધ એ જ સંપાદનમાંથી લેવામાં આવ્યો છે જેમાં લેખક ભારતીય લેખકોના અંગ્રેજી પુસ્તકો વિશે વાત કરે છે, એ લેખકોની ક્ષમતાઓ અને તેમની પ્રસિદ્ધીની વાત તેઓ અહીં જણાવે છે. પ્રસ્તુત નિબંધ અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી બદલ શ્રી રજનીકાંતભાઈ તથા ડૉ. બળવંતભાઈનો આભાર.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ભારતીય લેખકોના અંગ્રેજી પુસ્તકો… – રજનીકાંત મહેતા

 • vijay joshi

  Thanks a million to Mr Maheta for throwing well deserved light on the fact that writers of Indian origins are making their presence felt in UK and in USA. Shashi Tharur, Zumpa Laheri, Arundhati Roy, Bharati Mukerji are some of the other prominent English writers. I might add to the list already mentioned in above article. In recent past it is true that writers for whom English is the 2nd language tend to write better than writers whose mother tongue is English as far as fiction writing is concerned. There are superb American and British writers who write exceptional non-fiction books. Niam Ferguson, Michael Lewis, James Burke, Bill Bryson to name a few. I write and recite English poems, essays and travelogues in local book clubs in NJ and I know first hand some very impressive writing is done by many immigrant writers not just from India but from all over the world. Many thanks to Jigneshbhai for publishing such informative article, this is beauty of Aksharnaad, which has become a platform for multiple diverse points of views.

 • Suresh Shah

  આજે Asian Writers નો ખાસ વિભાગ લગભગ દરેક મોટી લાયબ્રેરીમા છે. તેમા ગુજરાતી લેખકો કદાચ વઘુ જોવા નથી મળતા. કારણ શું?
  લંડન ના ભદ્રાબેન, વિપૂલભાઈ, ના પ્રયત્નો પ્રસંશનીય છે.
  Opinion મુખપત્ર દ્વારા વિપૂલભાઈ વાંચકોને અંગ્રેજી તથા ગુજરાતી મા રસલહાણ કરાવે છે.
  મારા કેટલાય લેખો અને બીજા લેખકો ના લેખો અંગ્રેજી મા ભાષાંતર કરુ છુ – આજની યુવાપેઢી ના લાભ માટે. અક્ષરનાદમા આવુ કાઈક વાંચવા મળે તો યુવા વાચકો ને આકર્ષી શકાય.

  – સુરેશ શાહ, સિંગાપોર