નડતર (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા 5


ચંપકલાલ આજે તો બરાબરના અકળાઈ ઊઠ્યા. તોબા આ બધા વિરોધીઓથી ! એ હવે બરાબરના કંટાળી ગયા હતા. પોતાના કેટકેટલા વિરોધીઓ? જ્યાં જુઓ ત્યાં બસ દુશ્મનનું જ થાણું, વિરોધનું જ પીરસાતું ભાણું. વૃક્ષની સામે કોઈ દિવાલ ખડી થઈ જતા સૂરજનો પ્રકાશ મળતો બંધ થઈ જાય ને વૃક્ષ કરમાવા માંડે એવી કંઈક હાલત ચંપકલાલની હતી. એ વિચારમાં સરી પડ્યા, ‘માણસ માણસમાં આંતરો, કોઈ ઝવેર તો કોઈ કાંકરો, પણ અહીં તો બધા પોતાની આબરૂના કાંકરા કરવા ટાંપીને જ બેઠા હોય છે. માથે છાણાં થાપે, પોતાને ઉભા ને ઉભા કાપે. આડો ચાલતો મોહન, કાનાફૂસી કરતો જીતુ, ઊઠાં ભણાવતા બકુલભાઈ, પેલો અદકપાંસળી અરવિંદ, ટીકા કરતા અમૃતલાલ ! આ દુનિયામાં મારું પોતાનું કહી શકાય એવું કોઈ છે જ નહીં શું?’ ચંપકલાલ રોજેરોજ ગાંડાઘેલા કાઢી ભગવાન સમક્ષ ચિત્રવિચિત્ર માંગણી મૂકતા, ‘હે ભગવાન, બધા મારી પાછળ આદુ ખાઈને પડ્યા છે, મારા વિરોધમાં છે. મને તું અદ્રશ્ય થઈ જવાની ગેબી શક્તિ આપ. હું બીજાને જોઈ શકું પણ બીજા મને ન જોઈ શકે એવી શક્તિ મળી જાય તો તો..! બીજાનું મન જાણવાનો હુનર આપ કાં પછી વિરોધ શમે ને બધા મારા થઈ જાય, મારી તરફેણમાં બોલે એવું વરદાન આપ.

બીજા બધા તો જાણે ઠીક પણ એને ચતુરલાલ સામે ખૂબ મોટો વાંધો અને બરાબરની દાઝ. આમ તો તેની હારે તુંકારે બોલવાનો સંબંધ હતો. પણ પછી એને લાગ્યું કે ચતુરલાલ એની ઉઘાડેછોગ વાટે છે, કજિયા કરાવે છે ને પછી તાલ જોતો જોતો ટેસથી ભજીયાં ખાય છે. ‘ઘાંચીની ઘાણી જેવો તારી જાતનો ચતુરીયો સાલો… પહેલા પાણી ચડાવે પછી પાણા નાખે ને ત્યારબાદ પાણી ફેરવી દે. ડગલે ને પગલે નડે છે. કોઈનું ઘર બળે ને કોઈને તાપણું થાય.’ ચંપકલાલને આજે તેની સાથે થયેલી પેલી જૂની વાતચીત યાદ આવી ગઈ જ્યારે પોતે આપવીતી વર્ણવી ત્યારે સાંત્વના દેવાને બદલે ઊલટું તેણે તો…

‘ચતુર, આજે તો ભારે થઈ, મારી થેલી પડી ગઈ.’

‘સારૂ થ્યું ચંપક, એ જ લાગની હતી એ, ભિખારીય ન અડે એવી હતી. જે થાય તે સારા માટે.’

‘શું ધૂળ સારું? પહેલાં મારી વાત તો સાંભળ, એમાં મારું પાકીટ હતું.’

‘તો તો બહુ સારૂ, ખખડધજ બારણાં જેવું પાકીટ, હવાઈ ગયેલ ફટાકડા જેવું, વાસી બિસ્કીટ જેવું. ભલું થયું ખોયું પાકીટ, સુખે ઢોલની દાંડી પીટ.’

‘હવે ઢોલવાળી, એક ધોલ દઈશ ને તો… પૂરૂ સાંભળ્યા વિના શું ભસ્યે જ જાય છે કૂતરાની જેમ?’

‘ભસ્યે જાય છે એમ કીધા પછી ‘કૂતરાની જેમ’ એમ બોલવાની જરૂર નથી ચંપક, સીધેસીધું ભસી નાંખને કે…’

‘જો હું સીધેસીધો જ જતો હતો, ચાલતો હતો મૂરખ… એ થેલીમાં પાકીટ ને એ પાકીટમાં પૈસા હતા.’

‘સારૂ થ્યું, બચી ગયો, તારી બુદ્ધિ માટે તને બચી ભરવાનું મન થઈ ગયું. પાકીટમાં પૈસા જ હતા, રૂપિયા નહીં એ કેટલું સારું? સૂડીનો ઘા સોયથી ટળ્યો, પાકીટ લેનારો પણ પસ્તાયો હશે.’

‘અરે ચતુરલાલ, પાકીટમાં પૈસા મતલબ રૂપિયા હતા ને એ પણ પૂરા પાંચ હજાર, ૫૦૦ ૫૦૦ની ૧૦ નોટો.’

‘તો તો અતિ ઉત્તમ, આજકાલ ૫૦૦ની નકલી નોટ ખૂબ આવે છે, પકડાઈ જવાય તો નાહક દંડાવું પડે, જેલમાં ખંડાવું પડે, આ તો ભારી કામ થયું, તમે બધા જેલમાં જતાં બચ્યા એના માનમાં પાર્ટી આપો પાર્ટી.’

ચંપકલાલ ચતુરને મારવા દોડ્યા, ‘પહેલા તું પૂરી વાત તો સાંભળ, વચ્ચે ખોટાં ડબકા શું માર્યા કરે છે? પછી એવું થયું કે એ થેલી એક ભાઈ પાછી દેવા આવ્યા.’

‘એમાં પાકીટ નહીં હોય.’

‘હતું’

‘તો એમાં પૈસા… ભૂલ્યો, રૂપિયા નહીં હોય.’

‘ચંપક, તો એનામાં બુદ્ધિ નહીં હોય, ને કાં તો નોટ બદલાવી લીધી હશે, અસલીને બદલે નકલી…’

બસ આવું જ થયા કરતું હતું. જો કે પાકીટ પાછું આપનારો ચતુરલાલનો જાણીતો જ હતો. પૈસા પાછા મળી ગયા હતા જેની ચતુરલાલને અગાઊથી ખબર પડી ગઈ હતી ને એટલે તે મશ્કરીના ચાળે ચડ્યા હતા. પણ ચંપકલાલે તો આ ઘટનાને વિરોધ સાથે સાંકળી લીધી હતી. ને પછી બે ચાર એવા કિસ્સા બન્યા જેથી એણે ચતુરલાલ સાથેનો સંબંધ કાપી નાખ્યો હતો. આ માણસ એને બહુ નડતો હતો, હેરાન કરતો હતો એવું એને લાગ્યું. બેય એક જ… કાપડના ધંધાના વેપારી. હમણાં ચંપકલાલનો ધંધો બહુ સારો ચાલતો હતો ને ચતુરલલનો ઠીક ઠીક એટલે તેણે ‘આવો’ ધંધો આદર્યો હતો. ‘એ પોતાની પ્રગતી નહોતો જોઈ શક્તો’ એવું ચંપકલાલ માનવા લાગ્યા હતા. તે કોઈની સાથે વાતચીતમાં મગ્ન હોય તો તેમને એમ જ લાગતું કે ‘આ મારી જ વાટે છે, બદબોઈ કરવાની એકેય તક છોડે તો એ ચતુરલાલ શાનો !’

ચંપકલાલ આમ દુઃખી દુઃખી થઈ ગયા. પોતાની તરફેણમાં બોલનારો ગોતવો એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ. પોતે જેમની આરતી ઉતારતા એ જ લોકો એમની બરાબરની પૂજા કરતા હતા. ચારે બાજુ જાણે વિરોધીઓનો ઘેરો અને એની વચ્ચે ભીંસાતા, પીસાતા એકલા અટૂલા ચંપકલાલ.

ચંપકલાલની પત્નીએ ઘણી વાર સમજાવવાની કોશિશ કરી કે ‘એક હાથે તાળી ન પડે પછી વિરોધ થાય તો શું? રોજ મરે તેને કોણ રડે? તમે સાચા હોવ તો ખોટા ઉધામા મૂકી દો ને ! અને હાથી પાછળ તો કૂતરા ભસ્યા કરે. હાથે કરીને હોળીનું નાળીયેર શું કામ બનો છો? ગઈ તિથિ તો જોશી પણ ન વાંચે ને તમે જૂનું બધું ભેગુ કરીને યાદ કરો છો – મૂકોને વિરોધની વાતમાં પૂળો.’ પણ ચંપકલાલ જેનું નામ, એ વિરોધની વાત જ કૂટ્યા કરતા ને કપાળ કૂટ્યા કરતા. એક ગ્રંથી ઘર કરી ગયેલી, મનની અંદર એક જ વિચાર ઘોળાતો હતો કે આ વિરોધ મારો પીછો નથી મૂકતો. જો એ કેડો મૂકી દે તો બેડો પાર થઈ જાય, નડતર જાય તો જીવન જીવવા જેવું થઈ જાય, ને આજે તો આખો દિવસ એણે આ વિચારની જ પ્રદક્ષિણા કર્યા કરી. રાત્રે પણ એણે સૂતા પહેલા ગેબી શક્તિ આપવા માટે ભગવાનને ખૂબ આજીજી કરી ને પછી એ સૂઈ ગયા.

ને ભગવાન જાણે ઝૂક્યા હોય એમ એના સપનામાં આવ્યા. ‘વત્સ, માંગ માંગ, માંગે એ આપું.’ ચંપકલાલે તો મનમાં ઘૂંટાતું હતું એ જ માંગી લીધું ને ભગવાન કહે, મારું નામ ત્રણ વાર લઈ, કોઈનુંય ખરાબ ઈચ્છ્યા વગર ત્રણ તુલસીપત્ર પાણીમાં દસ ઘડી રાખી પછી તે પાણી તું જેને પીવડાવીશ એ તારો થઈ જશે. તને જે નડે છે એ તારો મિત્ર થઈ જશે, વિરોધ શમી જશે, નડતર નાસી છૂટશે. પણ હા, જો એનો દુરુપયોગ કરવાની કોશિશ કરી તો આ ઔષધિ કામ નહીં કરે ને આ પ્રયોગની સફળતા માટે બે શરત પાળવી પડશે. શરત જરા આકરી છે પણ…

‘પ્રભુ, વિરોધી ચિત થતો હોય તો બે તો શું, હું બાવીસ શરત પાળવા તૈયાર છું, મને જલદી કહો એ બે શરત કઈ છે?’

‘તો સાંભળ વત્સ, તું જેને આ ઔષધી પા, એની તારે ખરા દિલથી માફી માંગી લઈ ગઈગુજરી ભૂલી જવાની ને બીજી શરત એ કે તારે એને સામે ચાલીને ઘેર બોલાવી ચા-પાણી પીવડાવવાના.’

‘પણ પ્રભુ એ ચા-કોફી કશું પીતા જ ન હોય તો? બદલીમાં નાસ્તો ધરું તો ઉપવાસ કે બાધા હોય તો?’

‘પહેલા તો તું દિલ ખોલીને સ્પષ્ત કર કે તારો એને ચા પાણી પીવદાવવાનો ઈરાદો તો છે ને? ન ખવડાવવાની બાધા તેં તો નથી લીધી ને વત્સ?’

‘પ્રભુ, હોય કંઈ? તમે મારા પર શંકા ન કરો. વિરોધી હેઠા પડી જતા હોય તો બધી શરત મંજૂર છે, પણ હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી? મારે એ જ પૂછવાનું કે તમારું કયું નામ ત્રણ વાર લેવાનું એ જરા સ્પષ્ટ કરશો? ને પછી આ તુલસીજળ એની અસર બતાવીને જ રહેશે ને? સાવ પાકું? એકસોને દસ ટકા સામેવાળો… !’

‘વત્સ, તું મારા પર શંકા ન કર. આ રામબાણ ઔષધી છે. આ પાણી પીતા જ સામેનો માણસ પાણી પાણી થઈ જશે. વિરોધીઓનું ને એનું પાણી ઉતરી જશે. આ પ્રયોગ એનું પાણી બતાવીને જ રહેશે. રામ, કૃષ્ણ, શંકર કે તને જે ગમે તે નામ લેજે. હું તો એક જ છું, તમે જ બધા મને જુદા જુદા નામે, રૂપે…. નામ મહત્વનું નથી, ભાવ અને શ્રદ્ધા મહત્વના છે. ને હા, એક અગત્યની વાત આ પ્રયોગ તું ખાલી ત્રણ વાર જ કરી શકીશ. ત્યારબાદ એની અસર નહીં થાય. પછી એની શક્તિ પાછી ખેંચાઈ જશે એટલે સમજીને એનો ઉપયોગ કરજે. તને જે નડે તેને આ પાણી પીવડાવતા એ તારો થઈને રહેશે. વિરોધનો વીંટો વળી જશે. નડતર જાશે જંતર વગાડતું. જા વત્સ, વિજયી ભવ. તથાસ્તુ.’ અચાનક એક પ્રખર તેજલિસોટો થયો. વીજળીનો ગડગડાટ…

ભગવાન અદ્રશ્ય ને ચંપકલાલની આંખો અંજાઈ ગઈ. એ સફાળા ઝબકીને જાગી ગયા. ‘અરે ! આ તો સપનું, પણ આ તો વહેલી સવારનું સપનું, એ કાંઈ ખોટું ન જ હોય ને વળી જે મારા મનમાં છે એ જ વાત!’ ચંપકલાલ તો રાજીના રેડ, પત્નીને ઢંઢોળી ભરઉંઘમાંથી જગાડી રહ્યા ને બધી વાત માંડીને કરી રહ્યા.

સવાર પડી ન પડી ત્યાં તો ચંપકલાલને ચટપટી ઉપડી, સપનાની વાત સાચી છે કે નહિં એ ચકાસવા તેમણે આ પ્રયોગ પહેલા નાના વિરોધી એવા અરવિંદ ઉપર કર્યો ને આ શું? એ તો મિત્ર થઈ ગયો. લિજ્જતદાર ‘ચા’ના ને પોતાના વખાણ કરવા લાગ્યો, પોતાની તરફેણમાં બોલવા લાવ્યો, પોતાને માનની નજરે જોવા લાગ્યો, લે બોલ ! અરવિંદ ઉષ્માભેર હાથ મિલાવીને ગયો ને… ‘હવે તો પાકું’ એમ બોલી ચંપકલાલ ખુશીમાં નાચવા લાગ્યા. પત્ની કહે, ‘પાગલપણાનો હુમલો આવ્યો કે શું?’ ચંપકલાલ કહે, ‘હજી આ તો ટ્રેલર છે. પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.’

તે દિવસ એણે ખૂબ વિચાર કર્યો. અરવિંદ સાથે તો સાવ નાની અમથી જ માથાકૂટ હતી ને? ને આમ જુઓ તો એને માથાકૂટ કે વિરોધ ન કહીએ તો ય ચાલે. તો પછી અરવિંદ આમ તરત માની ગયો, કડવાશ ને કચવાટ ખંખેરી મીઠડો થઈ ગયો એ ‘કાગનું બેસવું ને ડાળનું પડવું’ ક્યાંક એવું તો નથી ને? તેમણે ખૂબ મનોમંથન કર્યું ત્યારે ભગવાનની આ વાત પર શંકા કરવા બદલ એણે થોડી શરમ પણ અનુભવી, પછી મન મક્કમ કરી ખુલ્લા દિલે ચતુરલાલને પોતાને ઘેર બોલાવવાનો નિર્ણય કરી લીધો ને તેને ઘેર આવવા માટે મનાવી લીધા. ચતુરલાલ આવ્યા એટલે એણે તેને પ્રેમપૂર્વક સત્કાર્યા. બધી વિધિ કરી ને પછી માફી માંગી ઔષધિ પીવડાવી… પછી આતુરતાપૂર્વક ચમત્કાર નિહાળવા થનગની રહ્યા. ને એ પાણી પીતા જ ચતુરલાલની આંખમાં પાણી આવી ગયા. એ બધું ભૂલી જઈ પોતાની ભૂલ સ્વીકારી રહ્યા ને પછી કહી રહ્યા, ‘એલા ચંપક, સાચું માનજે, મારા મનમાં આમ તો કંઈ હતું જ નહીં. હું તો અમથો અમથો… ને ઘરનો માણસ સાચું ન કહે, નિર્દોષ મજાકમશ્કરી કરી હસે – હસાવે નહીં તો બીજુ કોણ કરશે? પણ તેં તો મારી વાતને જુદી રીતે… જો કે થોડો મારો વાંક પણ કહેવાય કે…’

બંને ફરી પાકા મિત્રો બની ગયા. ખટરાગનો રાગ વાગતો બંધ થઈ ગયો. સંવાદની વાંસળી ગૂંજી ઊઠી. એણે ચતુરલાલ સામે એકીટશે નજર માંડી એટલે એ આર્દ્ર સ્વરે કહી રહ્યા, ‘આમ શું જુએ છે? હું તારો એ જ ચતુર છું જે પહેલાં હતો.’ બેય પ્રેમવશ એકબીજાને ભેટી પડ્યા. અરવિંદની જેમ ચતુરલાલ પણ હરખભેર વિદાય લઈ રહ્યા. ચંપકલાલને હવે પાકો ભરોસો બેઠો, ને આનંદ હ્રદયની અંદર પેઠો.

ચતુરલાલના ગયા પછી ચંપકલાલે શાંતિથી વિચાર્યું, ‘ખરેખર કેટલા લોકો તેમના વિરોધી હતા? આટલા બધા લોકો મને નડતા હતા? એમ જ હતું કે પછી…? કોણ વાસ્તવમાં નડતું હતું..?’ પત્નીએ કહેલી વાત તે યાદ કરી રહ્યા, ‘એક હાથે તાળી ન પડે…’ ભગવાને કહેલી વાત પણ એને યાદ આવી. ‘તને જે નડે તેને આ પાણી પીવડાવતા એ તારો થઈને રહેશે. વિરોધનો વીંટો વળી જશે ને નડતર જાશે જંતર વગાડતું.’ ચંપકલાલે ગળગળા સ્વરે ત્રણ વાર ભગવાનનું નામ લીધું, પાણીમાં ત્રણ તુલસીપત્ર નાખ્યા, ને પછી ‘મને માફ કરજે મારા પ્રભુ’ એમ બોલી દસ ઘડીનીય રાહ જોયા વગર પોતે જ એ તુલસીદળનું જળ ગટગટાવી ગયા.

– દુર્ગેશ ઓઝા

શ્રી દુર્ગેશભાઈ ઓઝા આપણી ભાષાના જાણીતા લેખક છે. અનેક સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમની કૃતિઓ પ્રસ્તુત થતી રહે છે. અનેકવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો સુપેરે પરિચય આપનારા દુર્ગેશભાઈ ટૂંકી વાર્તાઓના સિદ્ધહસ્ત સર્જક છે. મમતઆ સામયિકના ૨૦૧૨, જુલાઈ અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમની પ્રસ્તુત વાર્તા નડતર માનવસહજ સ્વભાવની અને સંબંધોની તદ્દન સરળ પરંતુ અસરકારક રજૂઆત છે. આંતરખોજ દ્વારા જ માણસ અન્યો સાથેના પોતાના સંબંધો ટકાવી શકે, સંબંધોને સૌથી વધુ નડતર માણસના પોતાના અહંનુ જ હોય છે એ વાત પ્રસ્તુત વાર્તામાં તેઓ સુપેરે કહી જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દુર્ગેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “નડતર (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા

  • durgesh oza

    મારી ટૂંકી વાર્તા ‘નડતર’ ગમી એ બદલ વાંચક મિત્રો , અક્ષરનાદ બ્લોગનો, શ્રી જીગ્નેશભાઈનો આભાર.શુભેચ્છા.

  • hardik yagnik

    ટુંકા બ્રેક પછીની પાછી અક્ષરનાદની શરુવાત દુર્ગેશભાઇની વાર્તાથી સારી બની ગઇ.

  • ASHOK M VAISHNAV

    ખરેખર કોણ કોને નડે છે તે ખોળવાના પ્રયન કરતી વખતે એક આંગળી ચીંધો ત્યારે ત્રણ આંગળી આપણી સમક્ષ પાછું વાળીને, જે નિર્દેશ કરે છે, તેનો સણોસરો ઉતરી જાય તેવો સંદેશ આ ટુંકી વાર્તા આપણને સદાય સમજાવતી રહેશે.