૨૪ ઓગસ્ટ : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ – હર્ષદ દવે 8


Source : http://Narmad.com

૨૪મી ઓગસ્ટનો દિવસ કયા કારણે વિશેષ છે? યાદ ન આવે તો કહી દઉં, એ આપણા શ્રી નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મદિવસ છે, આશા છે આપને હવે તો ખ્યાલ આવ્યો હશે કે હું કવિ નર્મદની વાત કરી રહ્યો છું જેમનો ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના દિવસે સૂરતમાં જન્મ થયો હતો. આ જ દિવસને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવે છે. અંધવિશ્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાનો એ સમયે પણ વિરોધ કરનાર નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા. એક રાષ્ટ્ર, સ્વરાજ અને રાષ્ટ્રભાષા વિશે ગાંધીજી અને નહેરૂથી પાંચ સદી પહેલા વિચાર મૂકનાર નર્મદ સમયથી ઘણા આગળ હતા. વિશ્વ ગુજરાતી ભાષા દિવસને તેમની સાથે સાંકળીને ભાષાનું ગૌરવ જ વધ્યું છે. આવતીકાલે વિશ્વભરના ગુજરાતીઓ આ દિવસને તેના સાચા અર્થમાં ઉજવે એ જ આશા સાથે શ્રી  હર્ષદભાઈ દવે દ્વારા પ્રસ્તુત છે ગુજરાતી ભાષાની આજ અને આવતીકાલ વિશે કેટલીક વાતો. હર્ષદભાઈનો અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

* * * * * * * * * * * * * * * * * * * *

આ મોરના ટહુકા, ભમરાનું ગુંજન, વર્ષાનું ટાપુર ટુપુર શું છે? એ પ્રકૃતિની ભાષા છે! બુદ્ધિશાળી માણસે બીજા માણસ સાથે વાત કરવા માટે ભાષા વિકસાવી છે. ભાષા શબ્દો અને વ્યાકરણથી રચાય છે. ભાષાનો ઉપયોગ માનવી પોતાની સંવેદના અને ભાવોને વ્યક્ત કરવા માટે કરે છે. ભાષાની અભિવ્યક્તિ બોલીને અથવા લખીને થઇ શકે છે. જે લખાય નહીં કેવળ બોલાય તેને ‘બોલી’ કહે છે.

ભારતના બંધારણની કલમ ૮ મુજબ માન્યતા પ્રાપ્ત ભાષાઓ ૧૮ છે જેમાંની એક આપણી ગુજરાતી ભાષા છે. ગુજરાતની પાંચ કરોડ વટાવી ગયેલી વસ્તી ગુજરાતીભાષી છે. સંસ્કૃત શબ્દ ‘ગુર્જરત્રા’ અને પ્રાકૃત શબ્દ ‘ગુજ્જરતા’ ઉપરથી ઊતરી આવેલા શબ્દ ‘ગુજરાત’ પરથી વિશેષણ બન્યું ‘ગુજરાતી’. ગુજરાતી શબ્દના ત્રણ અર્થ છે: (૧) ગુજરાતનું અથવા ગુજરાતને લાગતું (૨) ગુજરાતી ભાષા અને (૩) ગુજરાતનો રહેવાસી. ગુજરાતી આર્યકુળની ભાષા છે.

ગુજરાતી ભાષાનો વિકાસ રાતોરાત નથી થયો. તેણે પાષણ યુગથી ગુજરાત સલ્તનત યુગ સુધીમાં કેટલાય ‘યુગો’નો પ્રવાસ કર્યો છે. તે રેવા (નર્મદા), વિશ્વામિત્રી, ભાદર અને ભોગાવો જેવી ઘણી નદીઓના વહેણ  સાથે મુખરિત થઇ છે. દ્વારકાધીશથી ગાંધીજી સુધીના ૧૫૦૦ વર્ષના ગાળામાં ગુજરાતી ભાષા સમૃદ્ધ થતી રહી છે. તે ગુજરાતના ૩૬૬ દેશી રાજ્યોમાં ગુંજતી રહી છે. ૧૯૫૬માં મુંબઈ રાજ્યની રચના સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. ત્યારબાદ ૧ મે, ૧૯૬૦ ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતના અલગ રાજ્યની રચના થઇ.

ગુજરાતી ભાષા ભારતની સંસ્કૃતિનું સુપેરે પ્રતિબિંબ પાડે છે. ગુજરાતી ભાષા ભારતની એકતાનું અતૂટ સૂત્ર છે. ગિરિનગર જૂનાગઢ, કૃષ્ણની દ્વારકા, ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર, બાર જ્યોતિર્લિંગોમાંનું એક સોમનાથ, ગાંધીનગરનું અક્ષરધામ, ૮૬૩ દેરાસરો ધરાવતું પાલીતાણા, મીરાં દાતાર વગેરે સાંસ્કૃતિક વૈવિધ્યનો સમન્વય દર્શાવે છે

વાદળથી વાતો કરતાં ગિરનારના સંતો, મહાત્માઓ અને યોગીઓ ગુજરાતી ભાષાને બળકટ બનાવે છે. નરસિંહ અને મીરાના કાંઠે વહેતી ગુજરાતી કાવ્યધારાને ઝીલનારા સાક્ષરોએ ગુજરાતી ભાષાને આધુનિક ઓપ આપ્યો. નર્મદ, પ્રેમાનંદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કાન્ત, કલાપી, ક.મા.મુનશી અને કાલેલકર જેવા અનેક શબ્દશિલ્પીઓએ ગુજરાતી ભાષાને મુગ્ધાવાસ્થાએ પહોંચાડવામાં અનન્ય સાથ આપ્યો છે. હેમુ ગઢવી અને ઝવેરચંદ મેઘાણીના કાંઠે ગવાતી ગુજરાતી ભાષા આજે પણ ગુજરાતી હૃદયમાં ગુંજે છે, ગાજે છે અને પડઘાય છે.

ભક્તિયુગમાં ગુજરાતી ભાષા ધર્મમય બની છવાઈ ગઈ. સંગીતના સૂરોને સથવારે અને સમકાલીન સાહિત્યકારોના વાંગ્મયના સાન્નિધ્યમાં તે અલંકૃત બની. ગુજરાતની સમૃદ્ધિ સાથે ગુજરાતીઓની ભાશા પણ સમૃદ્ધ બની  પ્રમાણ આપવાની જરૂર છે ખરી? સિદ્ધ હેમશબ્દાનુશાસન, હિમાલયનો પ્રવાસ, જીવનનું પરોઢ, જનમટીપ, ગૃહપ્રવેશ, ગ્રામલક્ષ્મી, લીલુડી ધરતી, સાત પગલાં આકાશમાં, સરસ્વતીચંદ્ર, મળેલા જીવ, માધવ ક્યાય નથી મધુવનમાં જેવું સમૃદ્ધ સાહિત્ય વાંચીએ તો અંતરમન પ્રસન્ન થઇ જાય. આ જ ‘સત્યના પ્રયોગો’ કહેવાય! મનપાંચમના મેળામાં અલગારી રખડપટ્ટી કરીએ તો દૃષ્ટિ સમક્ષ ગુજરાતી રાસ-ગરબાની રમઝટ તરવરે. એ લચક, લય અને લહેકા ગુજરાતી ભાષાની આગવી ઓળખ રજૂ કરે છે. ગુજરાતના પર્વો, તહેવારો, વ્રતો અને ઉત્સવોમાં ગુજરાતી ભાષાનો છલકતો ઉમંગ ઉછળે છે. ગુજરાતનું લોક સાહિત્ય ગુજરાતી ભાષાને ગરવાઈ બક્ષે છે.

ગુજરાતી ભાષા વૈભવ માણવો હોય તો તેના ગ્રંથભંડારો, ગ્રામ વિદ્યાપીઠો, મહાવિદ્યાલયો, વિજ્ઞાન અને ટેકનોલોજીની સંસ્થાઓમાં સમય ગાળવો જોઈએ. ગુજરાતી ભાષા કૈશોર્ય વટાવી યુવાનીમાં કદમ માંડી રહી છે. તેની જાણ થાય છે વર્તમાન ટી.વી., કમ્પ્યૂટર અને રેડિયો પરથી થતા પ્રસારણ દ્વારા.

કન્યા જયારે વયમાં આવે ત્યારે તેના મા-બાપને કન્યાના ભવિષ્ય વિષે મનમાં ચિંતા થાય છે. ઘણા ગુજરાતી પ્રેમીઓ ગુજરાતી ભાષા વિષે પણ કંઇક એવી જ મનોદશા અનુભવે છે. એવું લાગે છે કે ગુજરાતી ભાષાનો પ્રવાહ પલટાયો છે! આપણી પ્રિય ગુજરાતી ભાષાનું ભાવિ શું અંધકારમય છે? શાથી એવું લાગે છે? જો આ વાતમાં તથ્ય હોય તો તે અંગે આપણે અત્યારે જ કઈક કરીએ તો પાછળથી પસ્તાવાનો વખત ન આવે. વર્તમાન ‘ગુજરાતી ભાષા’નું અવલોકન કરતાં; અભ્યાસ કરતાં; જણાય છે કે ગુજરાતીઓ આ બાબત પરત્વે સભાન નથી.

ઈ.સ. ૧૮૧૮ થી બ્રિટિશ યુગ શરુ થયો ત્યારથી જ ગુજરાતી ભાષા પર અંગ્રેજી ભાષાનો પ્રભાવ પથરાવા લાગ્યો હતો. ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે ગુજરાતીઓનો પ્રેમ ઘટી ગયો છે. માતા-પિતા બાળકોને ગુજરાતી ભાષા શીખવવા માટે સક્ષમ નથી અને સમય પણ ફાળવી શકતા નથી. કમ્પ્યૂટર, ટીવી, મોબાઈલ જેવા નવાં ઉપકરણોના પ્રચંડ આક્રમણ સામે અત્યારે વિદ્યાર્થીઓ દિશાહીન થઇ ગયા છે. વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નબળા રહે છે. તેઓ ઓછા ગુણાંક મેળવે છે. જે માતા-પિતા પોતાનાં બાળકોને ‘ગળથૂથી’માંથી ગુજરાતી શીખવતા તેઓ ખુદ હવે બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવામાં શરમ-સંકોચ અનુભવે છે. ગુજરાતીને  વૈકલ્પિક વિષય તરીકે ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ પણ, અભ્યાસ પાછળ પૂરતો સમય આપી શકતા નથી કે આપવા ઇચ્છતા પણ નથી. ખોટી માન્યતાઓને લીધે ગુજરાતી ભાષાની અવગણના થાય છે. જેમ કે: ‘ભાષામાં વધારે (સોમાંથી સો) ગુણાંક મેળવી જ ન શકાય’, ‘ગુજરાતની બહાર ગુજરાતીઓ માટે નોકરી મેળવવી શક્ય નથી.’ વગેરે. મોટી કંપનીઓમાં અને વ્યવસાયમાં સર્વત્ર અંગ્રેજી ભાષાને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય ન વંચાતું હોય ત્યાં અનૂદિત સાહિત્યની તો વાત જ શી રીતે થઇ શકે? વાંચવાની અભિરુચિ જ ઓસરી ગઈ છે.

ગુજરાતી બાળક સાચું-ખોટું અંગ્રેજી બોલે તો અંગ્રેજી ભાષાનો વ્યામોહ રાખનારાં અને અંગ્રેજીનું અધકચરું જ્ઞાન ધરાવતા માતા-પિતા ખુશ થાય છે. આજનો ગુજરાતી વિદ્યાર્થી ‘હનુમાન’ ને ‘મંકી-ગોડ’ તરીકે ઓળખે છે અને રામ, ભારત, લક્ષ્મણ તથા શત્રુઘ્નને ‘રામા’, ‘બરટા’, ‘લક્સ્મના’ અને ‘શત્રુગના’ તરીકે ઓળખે છે. શું અહીં ગુજરાતીપણું ગાયબ થઇ ગયું હોય તેવું નથી લાગતું?

ગુજરાતીભાષી વર્તમાન પેઢી ગુજરાતી ભાષામાં નબળી છે. વર્તમાનપત્રો, બોલચાલની ભાષા, ટીવી, કમ્પ્યૂટર, રેડિયો પર થતી ભાષાની ભૂલો, દ્વિભાષી (ખીચડી-ભાષા) અને માતૃભાષાની ઉપેક્ષા જેવા પરિબળોને લીધે ગુજરાતી ભાષાનું ભવિષ્ય અંધકારમય નહીં તો એ જોખમમાં છે એટલું તો કહી જ શકાય.

ગોંડલ નરેશ ભગવતસિંહનો ભાષાપ્રેમ કેટલો અદભુત હતો! તેમને અનેક વિદ્વાનોની મદદથી ૨૬ વર્ષની અવિરત મહેનત લઈને ગુજરાતી ભાષાનો એકમાત્ર જ્ઞાનકોશ તૈયાર કરાવ્યો જેમાં ૨,૮૧,૩૭૭ શબ્દો (અર્થો સાથે કુલ ૮,૨૧,૮૩૨ શબ્દો) છે! અને પાંચમી આવૃત્તિનાં સાતમું પુનર્મુદ્રણ પામેલા ‘સાર્થ જોડણીકોશ’માં ૬૮,૪૬૭ શબ્દો ઉપરાંત પાંચ હાજર શબ્દોની પુરવણી છે! તમને થશે કે તેને ડીજીટલ સ્વરૂપ આપવું જોઈએ. પરંતુ, જી હા એ કાર્ય થઇ ગયું છે!

મહાન યુગપુરુષોના અથાક પ્રયાસોથી સમૃદ્ધ થયેલી ગુજરાતી ભાષાને વર્તમાન પ્રવાહથી બચાવવામાં આવે તો જ તે ટકશે, રહેશે અને જીવશે. ગાંધીજીના શબ્દો ભાષા-શુદ્ધિનો આગ્રહ દર્શાવે છે. ‘…અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણે શરમ લાગે છે. તેના કરતા માતૃભાષાની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ…’ હવે અહીં તો જોડણી નહીં પણ ‘માતૃભાષાનું સમૂળગું અસ્તિત્વ’ જોખમમાં છે ત્યારે દરેક ગુજરાતીની આંખ ઉઘડવી જોઈએ.

‘જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત!’ ગુજરાતી આપણી ભાષા છે, તેને આપણે બચાવી શકીએ તેમ છીએ. કેવી રીતે? મનન કરતાં જણાય છે કે આપણે ગુજરાતીઓએ એવો સંકલ્પ કરવો જોઈએ કે આપણે ગુજરાતી ભાષામાં બોલવા, લખવા કે વાંચવામાં નાનપ, શરમ કે સંકોચ નહીં અનુભવીએ. આપણે આપણા સંતાનોને અનિવાર્યપણે ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન આપશું. આપણી ગુજરાતી સંસ્કૃતિ અને અસ્મિતા ટકાવી રાખવા તથા તેને  ઝળહળતી રાખવા માટે, વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે દરેક શિક્ષક હૃદયમનથી પ્રયત્નો કરશે. ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ભાષાના વર્તમાનપત્રો, સામયિકો, પુસ્તકો વાંચવા, વાંચવવા, ખરીદવા, ભેટ આપવા યથાશક્તિ પ્રયાસ કરશે દરેક ગુજરાતી.

વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાને સારી રીતે શીખવાનો ખરેખર પ્રયત્ન કરે. તેઓ ગુજરાતી ભાષા બોલશે, લખશે, વાંચશે અને સાંભળશે તેવો સંકલ્પ કરે. માતૃભાષા પ્રત્યેના પ્રેમને જાળવી રાખે. પોતાના મિત્રોને ગુજરાતી ભાષામાં રસ લેતા કરે.

દાતાઓ ગુજરાતી ભાષાના ઉપયોગને વધારવામાં (પરોક્ષ રીતે) દાન કરીને મદદરૂપ બની શકે. તેઓ લેખકોને, અનુવાદકોને, વિદ્યાર્થીઓને, પ્રકાશકોને અને શૈક્ષણિક સંસ્થાઓને યથોચિત દાન કરી શકે.

ગુજરાત સરકારે તેમજ કેન્દ્ર સરકારે ગુજરાતી ભાષાને નબળી પડતી અટકાવવા માટે આર્થિક સહાય, શૈક્ષણિક સહાય, તાલીમ, ઉપકરણો, અનુદાન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવી ઘટે. વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવા પ્રેરણા મળે તેવા પગલાં સરકારે ભરવા જોઈએ. વિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો, પુસ્તકાલયો માટે મકાનો બાંધવા, જાળવવા અને તેને લગતી પ્રાથમિક સવલતો પૂરી પાડવા પૂરતા પ્રયાસો થવા જોઈએ. ગુજરાતીભાષી સમાજમાંથી આવતા વિદ્વાનોને નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવે તે પણ જરૂરી છે. પ્રકાશકો પણ ગુજરાતી જ્ઞાનકોશ, વ્યાકરણ ગ્રંથો, શબ્દકોશો અને અન્ય સામાન્ય જ્ઞાન, અભ્યાસને માટે જરૂરી ગ્રંથોનું પ્રકાશન કરે એ બહુ જરૂરી છે.

ગુજરાતી ભાષામાં લેખો, નિબંધો, કાવ્યો, કથાઓ, નવલિકાઓ, નવલકથાઓ, નાટકો, પ્રવાસ કથાઓ, બલોપયોગી પુસ્તકો, જીવનચરિત્રોના આલેખનોને પ્રોત્સાહન આપવું, તેવા લખાણોનું પ્રકાશન કરવું અને આવી પ્રવૃત્તિઓને વેગ આપવો આવશ્યક છે. અલબત, આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે પરંતુ તેનું પ્રમાણ અને પ્રસાર વધવા જોઈએ. આ તો પાણી પહેલા પાળ બાંધવાની વાત છે. આપણે જાણીએ છીએ કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.  જયારે આપણને સંકેત મળે  કે આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છીએ ત્યારે જાગ્યા ત્યારથી સવાર માનીને આગળ વધવું જોઈએ.

ગુજરાતી અખબારોએ આવા પ્રયાસોને વાચા આપવાની શરૂઆત કરી છે તે પ્રસંશનીય છે. ગુજરાતી ભાષાની કાળજી લેનારા કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ પાસેથી વર્તમાન પેઢી પ્રેરણા લઇ શકે. એવા પ્રેરણાસ્રોતમાં ઠક્કરબાપા, નાનાભાઇ, ગીજુભાઈ બધેકા, કલ્યાણરાય જોશી, પૂ. મોટા, મગનભાઈ દેસાઈ, ડોલરરાય માંકડ, ઝીણાભાઈ દેસાઈ, નવલભાઈ શાહ, મૂળશંકર મો. ભટ્ટ અને બીજા અનેક આજીવન શિક્ષણના ભેખધારીઓનો સમાવેશ થાય છે. અત્યારે પણ ગુણવંત શાહ, ડો. હરિવલ્લભ ભાયાણી, સુરેશ દલાલ (જેણે હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી) તેમની સાહિત્યિક સેવા આપે છે જે પ્રેરક છે. તેઓ જાગૃત વિચારકો, લેખકો અને કવિઓ છે.

વિદેશમાં રહીને પણ ઘણા ભાષાપ્રેમીઓ પોતાનો ભાષાપ્રેમ દર્શાવે છે. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ હોય એનો અર્થ એવો નથી કે અન્ય ભાષા પ્રત્યે પ્રેમ ન રાખી શકાય. મન હોય તો માળવે જવાય અને માન્ચેસ્ટર પણ જવાય.

ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ હોવાનો અર્થ એવો નથી કે આપણે અંગ્રેજી, હિન્દી કે અન્ય ભાષાને ભૂલથી પણ સ્પર્શવું નહિ. એકથી વધુ ભાષામાં પારંગત હોવું ગૌરવ ગણાય. મૂળ વાત માતૃભાષાથી અળગા ન થવાની છે. ભાષાપ્રેમ ભીતરથી ઉદભવે પરંતુ ભીતર એવું બીજ વડીલો જ વાવી શકે. જેટલી સહજપણે આપણે આપણી ભાષામાં અભિવ્યક્તિ કરી શકીએ એટલી સહજપણે અન્ય ભાષામાં ન કરી શકીએ.

મોરારીબાપુ ખરેખર સાચું કહે છે કે: ‘અંગ્રેજી કામની ભાષા હોય તો તેની પાસેથી કામ લેવાય, કામવાળીની જેમ. કામવાળી અને ગૃહિણીમાં જે તફાવત છે તે જ તફાવત અંગ્રેજી અને ગુજરાતીમાં છે. અંગ્રેજીને તેના સ્થાને રાખવામાં આવે એ જ ઉત્તમ છે.’

ભારતમાં શિક્ષણનું કુલ બજેટ ૧૦ અબજ ડોલર છે, અમેરિકી હાર્વર્ડ યુનિવર્સીટીનું પોતાનું બજેટ જ ૩૫ અબજ ડોલર છે! આપણા સ્નાતકો અને અનુસ્નાતકોએ પ્રેરણા લેવી હોય તો ૯૨ વર્ષના અબજોપતિ જોહન ક્લુજે પાસેથી લઇ શકે છે કે જેમણે જ્યાં અભ્યાસ કર્યો તે કોલમ્બિયા યુનિવર્સીટીને રૂ.૧,૬૦૦ કરોડ જેટલું દાન આપ્યું! ગુજરાતમાં ઘણી સમૃદ્ધિ છે. ઘણા સમૃદ્ધ લોકો છે. તેઓ આગળ આવી શકે છે.

આવું થાય તો ગુજરાતી ભાષાનો શબ્દ હમેશા આ પૃથ્વી પર નાદબ્રહ્મ બની ગુંજતો રહેશે. આપણે સહુ સાથે મળીને એવું થાય તેમ ઈચ્છીએ અને એ માટે હૃદયપૂર્વક સાથ આપીએ.

– હર્ષદ દવે


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “૨૪ ઓગસ્ટ : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ – હર્ષદ દવે

 • ASHOK M VAISHNAV

  ગુજરાતિ વિકિ -જ્ઞાનકોષ,વિકિસ્ત્રોત – જેવા મંચ પર કામ કરી રહેલા સવ્યંસેવક મિત્રોની મદદથી Wikimedia India Chapterદ્વારા ગુજરાતની શાળાઓમાંના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં કમ્પ્યુટરનો ઉપયોગ કરે તે આશયથી એક અજમાયશી પ્રયોગ શરૂ કરાયો છે. ત્રિપદા શિક્ષણ ટ્રસ્ટ અને તેની સંલગ્ન શાળાઓ અને બીજી અન્ય ૧૦ શાળાઓને આ અજમાયશી પ્રયોગમાટે આવરી લેવાઇ છે.
  કોઇ પણ એક ગુજરાતી સાહિત્યકાર વિષે ૩૦૦ થી ૫૦૦શબ્દોના સંશિધનાતમક લેખ લખવામાટે આ શાળાઓનાં વિદ્યાર્થીઓને એક નાની સ્પર્ધા દ્વારા આમાંત્રણ આપવામાં આવ્યું છે.
  આપ્ર્યોગનાં પરિણામો આ માસનાં અંત સુધીમાં જોવા મળષે તેવું આયોજન છે.
  તે પછીથી આ પ્રયોગને વિકસાવવા બાબતે વિચારણા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 • Haresh Parmar

  વિશ્વ ગુજરાતી ભાષા દિવસ આપણે મનાવીએ છીએ પણ તેણે બચાવવાના કે સમૃદ્ધ કરવાના ઉપાયો નથી કરતા. ગુજરાત રાજ્યમાં ગુજરાતી માતૃભાષાનું ઘડતર પ્રાથમિક શાળામાંથી વિશેષ થાય છે પણ ટેટ જેવી પરીક્ષામાં અંગ્રેજીનું મહત્વ ત્યાર પછી ભરતી પ્રક્રિયામાં પણ અંગ્રેજીવાળા અરજદારોને પ્રાધાન્ય. આ લખવાનું એટલાં માટે કે માતૃભાષા ઉત્સવ માત્ર ઉત્સવ ન રહે. કૈક પરિણામ પણ આવે.

 • Kaushal Parekh

  આભાર જીગ્નેશભાઈ આજ ના દીવસ પર આપશ્રી એ સુંદર લેખ મુકવા બદલ.

  આજની જીંદગી ની હરીફાઈ ની દોડભાગ માં માણસ પોતે ક્યાં છે શું છે તે ભુલી જાય છે. દરેક માણસ જ્યાં કામ કરતા હોય છે. ત્યાં પોતે અંગ્રેજી નો બે-ચાર વાક્ય તો વાપરી લેતા હોય છે. પોતાની ગુજરાતી ભાષા છોડી ને અન્ય ભાષા શીખવાનું ધેલું ગાડપણ લાગેલું છે. પણ આપણી ગુજરાતી ભાષા માં જે તાકાત છે કે જો કોઈ પત્ર ગુજરાતી માં લખે તો તેનો એટલો સુંદર પ્રભાવ પડે છે કે સામેવાળી વ્યક્તિ તે કામ કરવા માટે તત્પર થઈ જતા હોય છે.

  મને ગવૅ થાય છે કે હું ગુજરાતી છું ને મને આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પર ગવૅ છે કે આપણા ગુજરાત અને ગુજરાતી ની ભાષા નો ડંકો દેશ-વિદેશ માં હાલ જાળવી રાખ્યો છે.

  ચાલો આપણે ભેગા મળીને આપણી ભાષા ને સંસ્ક્રુતિ ને બચાવી જોઈએ. એવું ના થાય કે ૧૦ વષૅ પછી ગુજરાતી ભાષા કેવી હોય તેવું ના થાય.

  આભાર.

 • Ullas Oza

  વિશ્વ ગુજરાતી ભાષા દિવસ વિષે શ્રી હર્ષદભાઈ દવેનો માહિતીપૂર્ણ લેખ.
  ગુજરાતી ભાષા ગુજરાતીઓ થકી હંમેશા જીવંત રહેશે.
  જ્યાં જ્યાં વસે ઍક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.
  પરદેશમા વસતા ગુજરાતીઓ પણ ગુજરાતી ભાષા માટે ઘણા બ્લોગ ચલાવે છે જે ઍ વાતને સાર્થક કરે છે.
  શ્રી હર્ષદભાઈ દવે નો આભાર.
  ઉલ્લાસ ઓઝા

 • Bharat Kapadia

  ખરું કહ્યું, હર્ષદભાઈ.
  પરંતુ, આજના દિવસોમાં, ખુદની માની ચિંતા ઓછી થતી દેખાય છે, તેવા સમયમાં માતૃભાષા વિષે ચિંતન તો થશે. નક્કર ચિંતા અને તેના ઉપાયો પર અમલ કોણ કરશે, તે જોવું રહ્યું. જરૂર કરવાની સૂરજ જેવડી છે. ઝાઝા હાથ રળિયામણા ના ન્યાયે ઝાઝા દીવડા ભેગા થઇ દીપક-કર્મ કરશે તો કોક આવતીકાલે સૂરજ ઉગવાની સંભાવના બની રહેશે.

 • Haresh Parmar

  નમસ્કાર સર/મેડમ
  ગુજરાતમાં આજે માતૃભાષાને બચાવવાનું અભિયાન ચાલે છે. ગુજરાતી સાહિત્યકારો પણ સભાન પણે ગુજરાતી ભાષાની સેવા અને ચિંતા કરી રહી છે. હું પણ ઇચ્છુ છું કે તેમાં કોઇ યોગદાન આપી શકું. મૂળ વાત પર આવીએ. હમણા હમણા શિક્ષણ ક્ષેત્રે ટેટ નામની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા પાસ થયેલ વિદ્યાર્થી જ સરકારી શાળામાં તેમજ ખાનગી શાળામાં નોકરી કરી શકે છે. આ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાઈ છે. જેમાં એક પરીક્ષા પછી ઘણા શિક્ષકોની ભરતી થઇ ચૂકી છે. અત્યારે લેવાયેલી પરીક્ષા બાબતે હજું જાહેરાત નથી આવી. આગળના ભવિષ્યમાં જાહેરાત આવશે. હવે ટેટ પરીક્ષાની સમીક્ષા કરીએ તો તે પરીક્ષામાં ચાર ભાષા જાણનાર શિક્ષક બનાવવી યોગ્યતા ધરાવે છે. જેમાં અંગ્રેજી, હિંદી, ગુજરાતી અને સંસ્કૃત. ગુજરાતી માધ્યમમાં ભણેલ ગુજરાતી હિંદી અથવા સંસ્કૃત રાખનાર વિદ્યાર્થી અંગ્રેજી ગુજરાતી અથવા હિંદી અથવા સંસ્કૃત રાખનાર વિદ્યાર્થી જોડે જ પરીક્ષા દે છે. જેમાં અંગ્રેજીનું મહત્વ વધુ હોઈ તે નિષ્ફળ નીવડે છે, તેમાં સફળ બહુ જૂજ હોય છે. આમ જોઈએ તો નુકશાન નથી પણ ભાષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને માતૃભાષા શિક્ષણના મહત્વને જોતાં એ સ્પષ્ટ થાય છે કે, ભરતી પ્રક્રિયામાં ટેટનું પરિણામ જોવાય છે. તેણે આધારે અંગ્રેજી સાથે અન્ય ભાષા રાખનાર ટેટમાં પણ વધુ સફળ થાય છે અને ભરતી પ્રક્રિયામાં પણ લેવાય છે. તે બહુભાષી છે તે તેની વિશેષતા હોઈ શકે પરંતુ અંગ્રેજીનો વિદ્યાર્થી માતૃભાષાને કેટલો ન્યાય આપી વિદ્યાર્થીઓને ભણાવશે તે શંકાસ્પદ છે. જેમ કે, જો અંગ્રેજી અને અન્ય ભાષા રાખનાર શિક્ષક બને તો તે અંગ્રેજીને વધુ મહત્વ આપી ગુજરાતીને ગમે તેમ ભણાવી દે. માતૃભાષાનું જે મહત્વ છે તે બાળક વગર જાણ્યે અંગ્રેજીમાં આગળ વધે છે. તો ભવિષ્યમાં માતૃભાષાનો હ્રાસ થવાની સંભાવના રહે છે. બીજો પક્ષ જોઈએ તો, અંગ્રેજી અને અન્ય ભાષા રાખનાર ટેટ પરીક્ષામાં વધુ પાસ થાય છે, અથવા તેમનું મેરીટ ઊંચું આવે છે. જેથી માતૃભાષા ગુજરાતી તેમજ અન્ય ભાષા રાખનાર વ્યક્તિ અંગ્રેજીને કારણે નિષ્ફળ જાય તો તે બેરોજગાર બને છે. આમ, માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી બેરોજગાર રહે તો ભાષાનું જ નુકશાન થવાનું. જેથી મારું નમ્ર નિવેદન છે કે, પ્રસ્તુત નિવેદન અને મુદ્દાને ધ્યાને લઈ શિક્ષણ જગત પર નકેલ કસી તેમાં સુધાર કરવાની.

  જય ભારત
  હરેશ પરમાર
  સંશોધક અને શિક્ષણ શિક્ષણ સહાયક – ગુજરાતી
  માનવિકી વિદ્યાપીઠ, ઇગ્નૂ,
  નવી દિલ્લી – ૧૧૦૦૬૮

 • Ashok Vaishnav

  અમદાવાદમાં ૨૬ ઑગસ્ટ્,૨૦૧૨સુધી અનુવાદિત પુસ્તકોનું પ્રદર્શન યોજાયું છે. મહત્વનું કોઇ પણ ગુજરાતી – સાહિત્યિક કે બીન સાહિત્યિક – સર્જનના અન્ય ભાષાઓમાં અનુવાદ થાય અને તે જ રીતે અન્ય ભાષાઓમાંનાં તે જ પ્રકારનાં સર્જનના ગુજરાતીમાં જેટલા બહોળા સ્તરે અનુવાદ થાય તે ગુજરાતી ભાષાને અન્ય ભાષાઓન્પ ઉપયોગ કરનારાઓને અને અન્ય ભષાઓમાંના પ્રદાનને ગુજરાતી જાણનારાઓને એક સેતુએ બાંધવામાં મદદ કરી શકે. સમાજની જેમ ભાષા પણ જેટલી મુક્ત રહે તેટલી જે તે ખીલી ઉઠી શકે છે.
  અક્ષરનાદ આ પ્રવૃતિને યોગ્ય ડીજીટલ મંચ પૂરૂં પાડવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે. અન્ય માધ્યમો, જેવાં કે વિકિસ્રોત, પર કેટલાક યુવાન સ્વયંસેવકો કાર્યરત છે. આમ છૂટપુટ કામ જરૂર થઇ રહ્યાં છે.
  આશા રાખીએ એક વર્ષ પછીના “ગુજરાતી” દિવસ સુધીમાં આ દિશામાં નજરે ચ્ડે તેટલી વ્યાપક પ્રગતિ થઇ હોય્.

 • Mahendra Naik

  ગુજરાતીની ભાષા તરીકેના ભવિષ્યની ચિંતા સમયસરની છે. મોડું થઈ જાય તે પહેલાં જ ચાલો આપણેં કાંઈક કરીએ.