પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૪) 1


૧૬. અનહદ સાથે નેહ… – મકરન્દ દવે

મારો અનહદ સાથે નેહ !
મુંને મળ્યું ગગનમાં ગેહ.

ખરી પડે તે ફૂલ ન ચૂંટું
મરી મટે તે મીત;
મનસા મારી સદા સુહાગણ
પામી જગમાં પ્રીત
અનંત જુગમાં નહીં અમારે
એક ઘડીનો વ્રેહ !
મુંને મળ્યું ગગનમાં ગેહ.

ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ,
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ;
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ !
મુંને મળ્યું ગગનમાં ગેહ.

સતનાં મેલી રંગ સોગઠાં
ખેલું નિત ચોપાટ
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ;
ભેદ ન જાણે ભોળી દુનિયા
ખોટી ખડકે ચેહ,
મુંને મળ્યું ગગનમાં ગેહ.

– મકરન્દ દવે

૧૭.  સોનાવરણી – રાજેન્દ્ર શુક્લ

સોનાવરણી ટેકરીઓ ને વાદળ છાયો વાસ
બેચાર પડે છાંટા ને ત્યાં તો મ્હેંકી ઉઠે શ્વાસ;

આછી અમથી લ્હેરખડીએ ઝૂમે સઘળાં ઝાડ,
એમ અમસ્તાં આનંદોનાં ખુલ્લાં સાવ કમાડ;

આસપાસમાં રહે ઊઘડતો રંગ કસુંબલ તોર,
એક અજાણ્યું પંખી બોલે નવું નવું નક્કોર.

કનકકુંભથી સમય સ્ત્રવેને સ્ત્રવે અનવરત શ્રેય,
પરવાળાનાં પાત્ર પ્રકંપિત પરવાળાનું પેય.

– રાજેન્દ્ર શુક્લ

૧૮. વરસવા માંડ્યો છે વરસાદ.. – ચંદ્રકાન્ત શેઠ

વરસવા માંડ્યો છે વરસાદ
ને ઊતરતો જાય છે ભીંતોનો ભેજ મારામાં
જ્યોત હવાઈ ગઈ છે
ને અંધકાર સમયને ઘટ્ટ કરતો ઘેરે છે મને અંદરથી.
પાણીના ધક્કે
ઠલવાય છે કાંપ મારા આરસના ઉંબર પર
ને એક ઠંડી વીજળી પસાર થાય છે
બારીના સળીયામાંથી,
કમકમાવતી સળીયાને.

ટેબલ લૅમ્પના હૂંફાળા વર્તુળમાં સંકોડાતો હું
દીવાસળીના ચાંપતા ખ્યાલથી ભીતરની ભઠ્ઠીને
હુંફ આપવા માંગું છું
આવતી કાલની,

ગઈ કાલના ખંડેરમાંથી નીકળે
કાળી વીંછણના ડંખથી સમસમતો
વરસાદના રોગિષ્ઠ પાણીમાં ડખોળાતો
કોઈ મલેરિયાથી એકાંતની છાયામાં તરડાતો
શરદીલા શ્વાસને ઘૂંટવા મથતો
મારી ભીતર હાંફું છું પોચી વાદળિયા છાતીથી.

વરસાદ શાંત છે,
પણ મારી ખોપરીમાં હજુયે ખડખડે છે નેવાં
મેં હવે તરવાનો મિજાજ ગુમાવ્યો છે
ને એક કાગળની હોડીમાં જગા કરી લીધી છે
આવતી કાલ માટે

વરસાદ તો ગમે ત્યારે વરસવાનો જ,
વાદળ મારા આકાશમાં આજેય જોરદાર છે,
જેટલાં ગઈ કાલે હતાં.

– ચંદ્રકાન્ત શેઠ

૧૯. પ્રેમઘટા ઝુક આઈ.. – જયન્ત પાઠક

સંતો પ્રેમઘટા ઝુક આઈ,
સઘન ગગનથી સુન્દર વરસ્યો પ્રેમામૃતની ધારા,
જીવનની જમનાના છલકી ઉઠ્યા બેઉ કિનારા;
મુદિત રહ્યું મન ન્હાઈ. સંતો..

મ્હેકી ઊઠી ઉરધરા, છવાઈ હર્ષ તણી હરિયાળી,
વાદળઉરને વીંધતી આંખો વીજલની અણિયાળી;
પ્રકટ પ્રેમગહરાઈ. સંતો..

ગહન તિમિરને અંક સપનમાં ઢળી સૃષ્ટિની કાયા,
સકલ ચરાચર પરે અકલની ઢળી અલૌકિક છાયા;
ભેદ ગયા ભૂંસાઈ. સંતો..

– જયન્ત પાઠક

૨૦. વરસાદ પછી.. – લાભશંકર ઠાકર

જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર !
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે

યથા રાધિકા
જમુનાજળમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ ટપકતાં
પારસદેહે
વસન ફેરવે
ધીરે ધીરે.

જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નેનન માંહે
છુપાઈને એ
કૃષ્ણ-કનૈયો ?

– લાભશંકર ઠાકર

આજે ફરીથી વર્ષાકાવ્યોનો આ ચોથો ભાગ પ્રસ્તુત છે. આવા સુંદર કાવ્યો શોધાતા રહ્યાં, અનેક પુસ્તકો ફંફોસાતા રહ્યાં અને એક પછી એક એ ધોધમાર કૃતિઓ અને કાવ્યરચનાઓ મળતા રહ્યા છે એ અલગ આનંદની વાત છે. અહીં શક્ય હોય તેટલા વિવિધ રચનાકારોની વર્ષા અંગેની એક એક કૃતિ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને અત્યાર સુધી પ્રસ્તુત થયેલ વીસેય કાવ્યોમાં એક પણ રચનાકારની બે કૃતિ નથી એ આપ જોઈ શક્શો. હજુ વધુ કાવ્યો આવતીકાલે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૪)

  • વિવેક ટેલર

    ખરેખર પ્રસંશનીય પ્રયાસ…

    વરસાદ ઉપર તો આખા પુસ્તક લખી શકાય એટલા કાવ્યો આપણા સાહિત્યમાં છે જ… ફક્ત વર્ષાકાવ્યોના સંપાદન પણ આપણે ત્યાં થયા છે…