દસ રાધા-કૃષ્ણ કાવ્યો… – સંકલિત 6


૧. કાહેકો રતિયા બનાઈ? – સુન્દરમ

કાહેકો રતિયા બનાઈ?
નહીં આતે, નહીં જાતે મન સે,
તુમ ઐસે ક્યોં શ્યામ કનાઇ? કાહેકો….

હમ જમના કે તીર ભરત જલ,
હમરો ઘટ ન ભરાઇ,
ઐસો ઘટક્યોં તુમને દિયો,
જાકે તુમ બિન કો ન સગાઇ? કાહેકો….

ચલત ચલત હમ વૃંદાવન કી
ગલી ગલી ભટકાઇ,
સબ પાયા રસ, પિયા પિલાયા,
તુમરી સૂરત ન દિખા. કાહેકો….

હમ ઐસે તો પાગલ હૈં પ્રભુ,
તુમ જાનો સબ પગલાઇ,
પાગલકી ગત પાગલ સમઝે
હમેં સમઝો, સુંદરાઇ ! કાહેકો…

– સુન્દરમ

૨. મેંશ ન આંજુ રામ… – નીનુ મઝુમદાર

મેંશ ન આંજું, રામ !
લેશ જગ્યા નહીં, હાય સખીરી!
નયન ભરાયો શ્યામ.

એક ડરે રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ. મેઁશ….

કાળાં કરમનો કાળો મોહન, કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ. મેંશ…

– નીનુ મઝુમદાર

૩. બે મંજિરાં//ભગવતીકુમાર શર્મા

મારે રૂદિયે બે મંજીરા;
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા;
એક મંજિરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.
શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા… મારે.

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં… મારે.

– ભગવતીકુમાર શર્મા

૪. સંદેશ – પ્રીતમ લખલાણી

મથુરાને મારગડે
મળે જો માધવ તો
કહેજો કે
મારે એના હોઠોને
ચૂમીથી ચાખવાના બાકી છે
ગોકુળમાં
ગોપીની મટુકીમાંથી
ચોરેલું ગોરસ
ખાટું હતું
કે મીઠું
એ નહીંતર
જાણવું કેમ ???

– પ્રીતમ લખલાણી

૫. આ નભ ઝૂક્યું તે.. – પ્રિયકાન્ત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે!

આ સરવર જલ તે કાનજી
ને પોયણી તે રાધા રે!

આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે!

આ પરવત શિખર તે કાનજી
ને કેડી ચડે તે રાધા રે!

આ ચાલ્યા ચરણ તે કાનજી
ને પગલી પડે તે રાધા રે!

આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે!

આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે!

આ લોચન મારા તે કાનજી
ને નજરૂં જુએ તે રાધા રે!

– પ્રિયકાંત મણિયાર

૬. માધવ ક્યાંય નથી.. – હરિન્દ્ર દવે

ફૂલ કહે ભમરાને,
ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિન્દીના જલ પર ઝૂકી
પૂછે કદમ્બ ડાળી,
યાદ તને બંસી અહીં વેણુ
વાતા’તા વનમાળી?
લહર વમળને કહે, વમળ વાત સ્મરે સ્પંદનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઇ ન માગે દાણ, કોઇની
આણ ન વાટે ફરતી,
હવે કોઇ લજ્જાથી હસતાં
રાવ કહી ક્યાં કરતી !
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસમટુકી, મારી
વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો,
ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાળજ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં.

– હરિન્દ્ર દવે

૭. મંદિર સાથે પરણી મીરાં.. – સુરેશ દલાલ

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે!
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે!

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે,
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે!

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે,
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે!

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે,
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે!

– સુરેશ દલાલ

૮. શ્યામ તને હું સાચે કહુઁ છુઁ.. – સુરેશ દલાલ

શ્યામ તને હું સાચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી હે ગિરધારી, ગયા જનમની ગોપી.

જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે;
એક વાંસળી મોરપીંછની, મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂરશબ્દની સીમાએથી, આંખ આંખમાં રોપી,
હું તો તારી હે ગિરધારી, ગયા જનમની ગોપી.

કિયા જનમનાં કદંબ ઊગ્યા, કિયા જનમની છાયા;
મીંરા ને મોહન મુખડાની, અનંત લાગી માયા.
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી;
હું તો તારી હે ગિરધારી, ગયા જનમની ગોપી.

– સુરેશ દલાલ

૯. રથના ચીલામાં આંખ પૂરો.. – હરિન્દ્ર દવે

તમે ગોકુળની સીમે જઈ ઝૂરો
કે કાન, હવે મથુરામાં મ્હાલશે.
તમે રથના ચીલામાં આંખ પૂરો
કે ભાન હવે ઓસરવા લાગશે.

ચાલ્યા, તો એવી સમાધિ દઈ ચાલ્યા,
કે આઠે પહોર એની એ લગન,
કાનકુંવર સંગે જરા ચાલીને પાછું,
એના ઠેકાણે આવી ઉભું વન.

મનનો આ ઘાટ છે અધૂરો કે
કોણ એને અધરસ્તે માગશે?

રથના ચીલામાં થોડી ઉડે છે ધૂળ,
થોડી કાંકરીઓ આંખડીમાં ખૂંચે
ઊતરીને ઢાળ ગયો નંદનો કુંવર
હવે ચિતનો હિલોળ વધુ ઉંચે

જુઓ, લથડે છે પાય ભર્યા મેળે
કે કોણ હાથ મારગમાં ઝાલશે?

– હરિન્દ્ર દવે

૧૦. કૃષ્ણ તારી પ્રીતના – હિતેન આનંદપરા

કૃષ્ણ તારી પ્રીતના તો કંઇક દાવેદાર છે
કોઇ તારી પીડને જીરવી જવા તૈયાર છે.

રંગમહેલોની ઉદાસી કોઇએ જાણી નથી
લોક સમજે દ્વારિકામાં તો બધુ ચિક્કાર છે.

કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે
શું કરે રાધા કે એનાં અશ્રુઓ ચોધાર છે

વાંસળી છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું
આ જગત સામે બિચારો ઇશ્વરે લાચાર છે

એક અમથું તીર એને કઇ રીતે મારી શકે?
આ ગુનામાં એ સ્વયં પોતે જ હિસ્સેદાર છે.

– હિતેન આનંદપરા

આજે શ્રી કૃષ્ણ અવતરણના સ્મૃતિદિને, જન્માષ્ટમી નિમિત્તે કેટલાક કૃષ્ણકાવ્યો એકઠા કરીને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યો એકત્ર કરી ટાઈપ કરી મોકલી આપવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. દસેય કાવ્યરચનાઓ અજોડ છે અને મને ખૂબ ગમે છે. પ્રભુ સર્વેને સુખ, શાંતિ અને ઐચ્છિક આશીષ આપે એવી શુભકામનાઓ સાથે આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “દસ રાધા-કૃષ્ણ કાવ્યો… – સંકલિત