રાજકારણીઓ માટે એક મૅનેજેબલ કૉમોડીટી : જનતા – હરિન્દ્ર દવે 7


રાજકારણીઓ માટે એક મૅનેજેબલ કૉમોડીટી : જનતા – હરિન્દ્ર દવે
(‘ગાંધીની કાવડ’ નવલના એક પ્રકરણનો નાનકડો ભાગ)

* * * *

‘કોણ ગયું છે અંદર, બાપુ પાસે?’

ભાનુપ્રસાદે ગુસ્સામાં પૂછ્યું.

‘થોડાક ખાદીનાં કપડાં પહેરેલા માણસો હતા.’

‘મોટરમા આવ્યા હતા?’

‘ના પગે ચાલીને આવ્યા હતા.’

‘નામ શુ?’

‘ખબર નથી.’

‘ટેરિલિનની ખાદી પહેરી હતી?’

‘ના’

‘કાંજી કરેલા, ઈસ્ત્રીવાળાં કપડાં હતાં?’

‘ના, ચોખ્ખા પણ લઘરવઘર કપડાં હતાં.’

ભનિયાએ હોઠ પીસ્યા.

‘અંદર શા માટે જવા દીધા?’

‘તેઓ માસ્તર સાહેબને ઓળખતા હતા.’

‘એમ તો હું ય અમેરિકાના પ્રમુખને ઓળખું છું, મને કોઈ એના બંગલામાં જવા દેશે?’

ભનિયાના પ્રશ્નોથી ગુમાનસિંહ જેવા ગુમાનસિંહને લાગ્યું કે કંઈક બફાઈ ગયું છે.

‘શું થયું ભાનુપ્રસાદ?’ ગુમાનસિંહે પૂછ્યું, ‘મેં તો આ બધાને જગમોહનદાસના માણસો માનીને જવા દીધા. ચૂંટણી વખતે ખાદીવાળાના ટોળા આવે એમાં નવાઈ શું? પાંચ વરસે આ ચાલીસ દિવસ કમાણીના મળે. છોને ગયા બચાડા. માસ્તરસાહેબ પાસે શું છે તે લઈ લેશે? તિજોરીની ચાવી તો તમારી પાસે જ છે.’

‘ગુમાનસિંહ તમે કાચા છો. હરિજનવાસના ઝૂંપડામાં આગ લગાડવી એક વાત છે; આ ખાદીધારીને સમજવા બીજી વાત છે.’

‘ઈ, તમારી વાત સાચી ભઈ ! મહી નદીનું તળીયુ હાથ લાગે પણ આ ખાદીવાળાનું પેટ હાથ ન લાગે.’

ભાનુપ્રસાદ પોતાના શરીર પરની ખાદીને જોઈ ઘડીભર સોફા પર બેસી ગયો.’

‘કેટલા જણા હતા?’

‘ચાર ભાઈડા હતા – બે બાઈડી હતી.’

‘તો તો એ જ.’

‘કોણ છે? વળી બીજી કોઈ ટાકુટોળી તો નથી ને?’

‘ડાકુટોળીને તો પહોંચી વળાય પણ આ ટોળકીને પહોંચી વળવુ મુશ્કેલ છે.’

ગુમાનસિંહ થોડોક મૂંઝવણમાં પડી ગયો.

ભનિયો ઉભો થયો, કંઈક વિચાર કરી લીધો અને પછી ગુમાનસિંહને કહ્યું, ‘જો હું અંદર જાઉં છું. કાંઈક વધુ વખત લાગે તો બાપુને કોઈ પણ બહાને ત્યાંથી બહાર બોલાવી જજે.’

‘ભલે.’

ભનિયો અંદર ગયો, એને ઠાકુરે કહ્યું હતું એ વાત સાચી હતી, અંદર થોડાક સર્વોદય કાર્યકરો બેઠા હતાં. કરુણાશંકરના ચહેરા પર અપરાધનો ભાવ ઉપસી આવ્યો હતો.

‘તમારી વાત સાચી છે ભાઈ, પણ બે બાજુએ માંગે છે, હું ક્યાં જાઉં?’ કરુણાશંકરે કહ્યું.

‘માસ્તરસાહેબ, આ બધા તમારો ઉપયોગ કરે છે. તમે તો ગાંધીબાપુ પાસે રહ્યા છો, તમને ગાંધીનો બીજો અવતાર કહે એ તમે સાંભળી કેમ શકો છો?’

‘ના પાડું તો નમ્રતામાં ખપી જાય એનું શું?’

‘માસ્તરસાહેબ, આ એક એક રાજકારણી ગોડસેના નવા અવતાર છે. તેઓ ગાંધીને તો વીંધે છે, સાથે સાથે તમારા જેવા થોડાક સાચકલા માણસોને પણ વીંધી નાખે છે.’

‘ને?’

‘હા તમને.’ શાંતિભાઈએ કહ્યું.

‘ચુનિભાઈથી પણ ન રહેવાયું, તેમણે કહ્યું, ‘ભાઈ, તમને હવે આ ગોળીથી વીંધી શહીદ નથી બનાવતા, સોનાની કટારથી મારે છે. તમે એ સોનાને મોહી જાવ છો અને તમારા વ્યક્તિત્વ પર થયેલા ઘા નો ખ્યાલ રહેતો નથી. તમે અરીસામાં તો જુઓ, છે આ અમારા કરુણાશંકર માસ્તર?’

બરાબર આ જ તબક્કે ભાનુપ્રસાદ દાખલ થયો. એણે બધાને ચરણસ્પર્શ કર્યા. ભનિયાના આ વિવેકથી તથા વ્યૂહાત્મક તબક્કે થયેલા પ્રવેશથી કરુનાશંકર રાજી થઈ ગયા.

‘ભનિયા, ઓળખે છે?’

‘હા, આ બધા તો મોટા માણસો છે. વિનોબાજીના શિષ્યો છે, ખરુંને?’

‘હા’

‘એટલે તો એમની ચરણરજ લીધી, એમના જેવા થવાનું ગજું નથી, એમના જેવાના આશિર્વાદ મળે તોયે ઘણું!’

બધા કાર્યકરો ભનિયાના વિવેકથી અંજાઈ ગયા. પણ ભનિયાએ પહેરેલ ખાદીના કુરતા-પાયજામા પર કાશ્મીરી વણાટની શાલ અને પગમાં કોલ્હાપુરી ચંપલને જોતા તેમને હજી પાંચસાત વરસ પહેલાનો ભનિયો યાદ આવી ગયો.

‘આ ભનિયો ખરું?’ ગૌરીપ્રસાદે કહ્યું.

‘ગૌરીભાઈ’ શાંતિભાઈએ કહ્યું, ‘અવિવેક ન કરો. આ તો ભાનુપ્રસાદ માસ્તર છે.’

‘ભાનુપ્રસાદ માસ્તર?’

‘હા’, શાંતિભાઈએ કહ્યું, ‘થોડા વખતમાં ગાંધી અટકની જેમ માસ્તર અટકના પણ સિક્કા પડશે. જગમોહનદાસનો જમણો હાથ છે, ઠાકુર પણ એને પૂછીને પાણી પીવે છે. આવતીકાલે આ જગમોહનદાસના સ્થાને તો બેસશે જ, પણ દેશના વડાપ્રધાન થઈ જાય તોયે નવાઈ નહીં લાગે.’

ભનિયાના ચહેરા પર રોનક આવી ગઈ, આમ છતાં તેણે હોઠ પરના મલકાટને દાબી દીધો અને કહ્યું, ‘અંકલ, તમે પણ મજાક કરો છો? હું તો આ દેશ માટે થવાય એટલો ઉપયોગી થાઉં છું. બાપુનુ તપ છે, એમાંથી પ્રેરણા મેળવું છું.’

‘કયા બાપુનું તપ? ગાંધીબાપુનું કે આ માસ્તરનું?’ ગૌરીપ્રસાદથી પૂછાઈ ગયું.

‘ગાંધીબાપુનું તપ તો મેં ક્યાં જોયું છે? પણ બાપુને આજે પણ સવાર-સાંજ ચરખો કાંતતા જોઉં છું ગરીબોની વાત સાંભળી તેઓના દુઃખ દૂર કરતા જોઉં છું ત્યારે લાગે છે કે એમના પુત્ર તરીકે એમનું નામ ઉજાળી શકું તો ઘણું!’

‘ભનિયા, બાપુનું નામ તારે ઉજાળવું છે?’

‘હા.’

‘તો અમારી સાથે સત્યાગ્રહ કર.’

‘શા માટે?’

‘આ જગમોહન ભારાડી અને હજારોનું લોહી ચૂસનાર ઠાકુર સાથે કરુણાશંકર માસ્તર બેસે એટલે અમારો જીવ કપાઈ જાય છે.’

‘જગમોહનભાઈમાં શું ખરાબી છે?’

‘એમાં સારાઈ શું છે? ભ્રષ્ટાચારમાં ખદબદતો કીડો છે.’

‘નાના મોંએ મોટી વાત કરું તો ક્ષમા કરજો. પણ જગમોહનભાઈને મેં લોકોનું કામ કરતા જોયા છે. ભ્રષ્ટાચાર ક્યાં નથી? આટલા બધા ભ્રષ્ટાચારભર્યા દેશમાં કામ કરવું હોય તો થોડુંક આડુંતેડું કરવું પડે. પણ એકદમ ચોખ્ખા દિલના માણસ છે. પ્રજાના હિત માટે રાત કે દિવસ જોતા નથી.’

‘એટલે તો જગમોહન મોટરની નીચે પગ દેતો નથી અને દેશમાં એક ટંકનું ભોજન ન મેળવનારાઓની સંખ્યા વધતી જાય છે.’

‘પંડિતોને ગીતાનો બોધ મારે ન કરવાનો હોય. તમે મુરબ્બીઓ છો. જવાહરલાલજી શું કહે છે એ તમે ન વાંચ્યું હોય એમ કેમ મનાય? આપણે સમાજવાદ લાવવો છે. પણ મૂડી ઊભી થાય તો મૂડીની વહેંચણી કરી શકાય. અત્યારે તો આપણે ગરીબીની જ વહેંચણી કરવી પડે એવી પરિસ્થિતિ છે.’

કરુણાશંકરને આ ક્ષણે ભનિયો તારણહાર લાગ્યો.

‘અલ્યા ભનિયા.’ શાંતિભાઈએ કહ્યું.

‘તું અમને સમાજવાદ શીખવીશ? આદિવાસીઓ વચ્ચે ફરતાં જ આ પગને હવે સાઠ થયાં. આ દેશની પ્રજાને અને છેલ્લા આટલાં વરસથી તેના પર રાજ્ય કરનારાઓને અમે જાણીએ છીએ. તેં તો આ નવા રાજાઓનો પ્રસાદ જ ચાખ્યો છે. અમે તો એમના શાસનની લાઠી ઝીલી છે, ગોળીઓ વચ્ચે ફર્યા છીએ, એમની જેલોની પણ મુલાકાત લીધી છે. માસ્તર ભૂલી ગયા તમે? હજી પાંચ વરસ પહેલા ગઈ ચૂંટણી વખતે આપણે સાથે મળીને દેશની સ્થિતિની ચર્ચા કરી હતી ત્યારે આ હજી ભનિયો માંડ ચૌદ વરસનો હશે, દફ્તર લઈ સ્કૂલે જતો હતો.’

‘એ દફ્તરની તો મોંકાણ છે આ !’ કરુણાશંકર બોલી ગયા.

‘મુરબ્બીઓ, એટલે તો કહું છું કે તમે માત્ર બૌદ્ધિકોની રીતે દેશને જુઓ છો. દેશમાં કોઈ ગરીબ ન રહે તેનો ઉપાય પ્રધાનો મોટર છોડી બળદગાડીમાં ફરે એ નથી. મોટરમાં તેઓ ઝડપથી કામ કરશે અને કરશે તો એ ગતિએ દેશ આગળ વધશે.’

‘માસ્તર સાહેબ, આપણી વાતોમાં આ નાદાન છોકરાની ત્મારે પણ ગળે ન ઉતરે એવી દલીલોનો વિક્ષેપ શા માટે? હજી પાંચ વરસ પહેલાં, યાદ છે ને, આપણે વાતો કરતા હતા ત્યારે સરપંચ આ રીતે જ – બસ આ જ ભાષામાં વાત કરતો હતો.’

‘ગૌરીપ્રસાદ મને લાગે છે કે તમારી વાત સાચી છે, પણ તથ્ય છે. આપણે આ દેશનું દુઃખ દૂર કરવું છે પણ શરૂઆત ક્યાંથી કરીશું ? આપણે કંઈક કરવું જોઈએ એ ખરું -‘

હજી કરુણાશંકર આગળ કંઈ પણ કહે એ પહેલા તો ગુમાનસિંહ હાંફળો ફાંફળો અંદર પ્રવેશ્યો, ‘માસ્તરસાહેબ, બાને કાંઈક થઈ ગયું છે. જલદી ચાલો, તમને તેમનો શ્વાસ રૂંધાતો હોય તેમ લાગે છે.’

– હરિન્દ્ર દવે (‘ગાંધીની કાવડ’માંથી સાભાર.)

ગાંધીની કાવડ લઘુનવલ સાદ્યાંત રાજકારણનું કથાવસ્તુ ધરાવે છે તે કારણે તેને રાજકીય કથાવસ્તુ વાળી નવલકથા કહી શકાય, પણ આખરે તો નવલકથા ગમે તે વિષયને અનુલક્ષીને હોય, એનું હાર્દ સ્પર્શવું જોઈએ, લાલચુ, અપરાધી અને બદમાશ રાજકારણીઓ પાસે સત્તા મેળવવાની, મેળવીને ટકાવી રાખવાની ને બને તો વધારતા જવાની અનેક તરકીબો છે એમાંની એક આ નવલમાં આલેખાઈ છે તે છે શુદ્ધ માનવીને નિષ્કલંક પ્રતિભા અને પ્રતિમાને હાથો બનાવવાની. કરુણાશંકર માસ્તર ગાંધીજીના નિકટના સાથી અને સ્વાતંત્ર્યસેનાની છે તેમને હાથો બનાવવામાં બે લાભ, એક તો તેઓ સરકારની ટિકા કરતાં અટકે અને બીજો પક્ષના -સરકારના પક્ષમાં તેમનો ઉપયોગ કરી શકાય. રાજકારણીઓ માનવીને પણ મૅનેજેબલ કૉમોડીટી માને છે તે આ કૃતિમા ફલિત થાય છે. ગાંધીની કાવડ આપણી પ્રવર્તમાન વ્યવસ્થાનો આયનો પણ કહી શકાય, એ જ નવલકથાનો મને ગમતો એક નાનકડો ભાગ આજે પ્રસ્તુત છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “રાજકારણીઓ માટે એક મૅનેજેબલ કૉમોડીટી : જનતા – હરિન્દ્ર દવે

 • Harshad Dave

  સામા પૂરે તરવાનું મુશ્કેલ હોય છે. આપણે ના કહીને બેસી જઈએ તો આમાંથી ઉગરવાનો કે ઉગારવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે? કરોળીયો જાળ કરતાં પડે તો પણ ઉઠે છે. અહીં ક્યાંક આશા છે. પ્રયત્ન છોડી દઈએ તો હજારો નિરાશામાં છૂપાએલી એક આશા પણ ન રહે. દીપક ભલે આખા વિશ્વને ઉજાળી ન શકે પરંતુ પોતાની આસપાસના અંધકારને તો જરૂર દૂર કરી શકે. દૂધનો લોટો તળાવમાં નાખવાની ટહેલ સામે બધા પાણીનો લોટો પધરાવે તો … વિષચક્રમાંથી બહાર નીકળવાનો સારો રસ્તો તમે પણ સૂઝાડી શકો. આભાર.(સુભાષભાઈને)
  કોમોડીટીનો એક ભાગ બની જતા કરુણાશંકરોને વિચારતા કરવા અને તે પરીસ્થીતીમાંથી મુક્ત થવા માટે તો આ કથા છે. હાથો બનાવનારા લોકોએ પણ વિચારવું પડે તેવી વાત છે. (પ્રવીણભાઈને)

 • સુભાષ પટેલ

  હરીન્દ્રભાઇની ગાંધીની કાવડ જો આજે પણ એટલી જ પ્રસ્તુત હોય તો આ એક perpetual situation કહી શકાય. સમાજને આમાંથી કોઇ સારો રસ્તો બતાવી શકશે? કદાચ ના.

 • Harshad Dave

  ગાંધીની કાવડને જયારે મેં પ્રથમવાર વાંચી ત્યારે જ મેં નિર્ણય કરી લીધો કે આ કથાનો હિન્દીભાષી વાચકોને પરિચય થવો જોઈએ. એ કથા મને સ્પર્શી ગઈ હતી. એ જ નામથી મેં તેનો હિન્દીમાં અનુવાદ કર્યો જે ધર્માંયુંગમાં આઠ હપ્તામાં પ્રકાશિત થઇ. ત્યારબાદ તેનું પુસ્તક સ્વરૂપે દિલ્હીથી પ્રકાશન થયું. ત્યારે હરીન્દ્રભાઈએ મને કહ્યું કે જુઓને હર્ષદભાઈ આ લોકો હવે મને કાઈ જવાબ આપતા નથી તમે તેમને લખો! મેં પ્રકાશકને પત્ર લખ્યો તો તેમણે મને ચાર નકલ મોકલી કહ્યું અમે આથી વિશેષ કશું કરી શકીએ તેમ નથી. મને થયું ત્યાં પણ આમ જ ચાલે છે! અલબત હરીન્દ્રભાઈએ આ પુસ્તકના અનુસંધાને બીજી નવલકથા પણ લખી જેનું નામ છે – મોટા અપરાધી મહેલમાં! (એટલે કે નાના અપરાધી જેલમાં!) જેનો પણ મેં હિન્દી અનુવાદ કર્યો છે: ‘શોધ પ્રતિશોધ’ નામથી. રસ ધરાવતા વાંચકો માટે આ માહિતી લખી છે. તેઓ ગાંધીની કાવડની કથાવસ્તુને આગળ વાંચવા માટે મોટા અપરાધી મહેલમાં વાંચી શકે છે. જીજ્ઞેશભાઈ તમારી છણાવટ ગમી અને જે અંશ રજૂ કર્યો છે તે પણ વર્તમાન રાજકારણની પરિસ્થિતિને યથાતથ રજૂ કરે છે. આભાર. – હદ.