મેરુ તો ડગે, જેના મનના ડગે પાનબાઈ,
મરને ભાંગી પડેને બ્રહ્માંડજી,
વિપત્તિ પડે ને તોયે વણસે નહીં ,
સોઇ હરિજનના પરમાણ જી
ચિત્તની વરતી જેની સદાય નિરમળ,
ને કોઇની કરે નહિ આશજી:
દાન દેવે પણ રહે અજાચી ,
રાખે વચનુમાં વિશ્વાસજી…મેરુ
હરખ અને શોકની આવે નહિ હેડકી,
ને આઠે પહોર રહે આનંદજી,
નિત રે નાચે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી.. ..મેરુ.
તન મન ધન જેણે પરભુને સમરપિયા
તે નામ નિજારી નરને નારજી;
એકાંતે બેહીને આરાધના માંડે તો,
અલખ પધારે એને દુવારજી…મેરુ.
સદગુરુ વચનમાં શુરા થઇ ચાલે
ને શીશ તો કર્યા કુરબાનજી;
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
જેણે મેયલા અંતરના માનજી… મેરુ….
સંગતુ કરો તો તમે એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપૂરજી,
ગંગાસતી એમ બોલિયા ,
જેને નેણ તે વરસે ઝાઝા નૂર જી… મેરુ…
ભગતિ કરો તો તમે એવી તે કરજો પાનબાઇ
રાખે વચનુમં વિશ્વાસજી
ગંગાસતી એમ બોલિયા
તમે થાજો સદગુરુના દાસજી… મેરુ
ગંગાસતીનું આ પ્રસિદ્ધ ભજન છે, એવા પણ લોકો હશે કે જેમને આમાંની કેટલીક પંક્તિઓ યાદ હશે, પણ ખબર નહીં હોય કે આ ભજન કોનું છે. કવિનું કામ આ રીતે ભાષામાં ઊપસતું હશે અને કવિનું નામ આજ રીતે ભાષામાં ભૂંસાઇ જતું હશે, ગંગાસતી અને પાનબાઇ, સાસુ અને વહુ, આજે 2012માં પણ આ સંબંધ સકારણ વગોવાય છે. મધ્યકાલિન યુગમાં ગંગાસતી અને પાનબાઇની જોડી આદર્શ સાસુવહુ તરીકે, ગુરુશિષ્યા તરીકે પ્રખ્યાત, એમ કહેવાય છે કે ગંગાસતીએ જે કાંઇ ગાયું તે પાનબાઇના અંતરાત્માને ઉછેરવા માટે. માં તો ગર્ભ ધારણ કરે અને શરીર આપે. પણ વહુની આવી માવજત આખા જગતમાં વિરલ કહી શકાય. સાસુ મહેણાં માટે જાણીતી છે, ગાણાં માટે નહીં. ગંગાસતીનું ગીત આત્માને જ્ઞાનથી અજવાળે એવું છે, આ બધા સંસારી સંતોને પોતે વિરલ કવિતા કરે છે એની કોઇ સભાનતા નહોતી. એક એક વ્યક્તિ વિદ્યાપીઠ જેવી, અનુદાન(ગ્રાંટ) નો પ્રશ્ન જ નહોતો. જે કાંઇ હતું તે ઇશ્વરનો અનુગ્રહ, પરમની કૃપા અને ગ્રેસ.
મેરુ પર્વત માટે કહેવાય છે કે એના જેવો કોઇ અડગ પર્વત નથી, આમ પણ પર્વત પલાંઠી વાળીને બેઠો તે બેઠો. પર્વતની સામે નજર કરીએ એટલે એની અવિચળતા પ્રત્યે ધ્યાન ખેંચાય. પર્વતની પુત્રી નદી ચંચળ, અને પર્વત અચળ, અમસ્તા પણ પ્રકૃતિના તત્ત્વોનું ધ્યાન ધરીએ તો દરેક તત્ત્વમાં કશુંક છે, પર્વતની અડગતા, નદીનું સાતત્ય, આકાશની ભવ્યતા, પૃથ્વીની રમ્યતા, વીજળીની રુદ્રતા, તડકાનું તાંડવ, ચાંદનીનું ચંદન, આખી ભગવદ્ ગીતાનો વિભૂતિયોગ પ્રકૃતિમાં વ્યક્તિ અનુભવી શકે.
ગંગાસતી બહુ મોટી વાત કહે છે,મેરુ જેવો પર્વત ડગે, પણ મનુષ્યનું મન ન ડગે તો એ સંકલ્પશુદ્ધમનુષ્ય હેમખેમ જીવી જાય, બ્રહ્માંડને ભાંગવું હોય તો ભલે ભાંગે, પણ મન ન ભાંગે, એ તો અચળ અને અવિચળ રહે ,મન (જેવી) જેટલી ચંચળ વસ્તુ કોઇ નથી, ચાંચલ્યને સ્થિરતા આપવી, એને ધીરતા અને વીરતા આપવી એ ભવ્ય પુરુષાર્થ છે.
આપણે સાચો હરિજન કોને કહીશું? ઇશ્વરનો જણ કોને કહીશું? રામશ્યામના સ્વજન કોને કહીશું? ઇશુના અંતેવાસી કોને કહીશું સાચો? મહમદના મિત્ર કોને કહીશું? એક જ ને માત્ર એક જ જવાબ છે. પાર વગરની વિપત્તિ પડે ને તોયે ભીતરથી જે વણસે નહીં તે હરિજન. વિપત્તિમાં જેની ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા ડગે નહીં એ હરિજન કોઇ રાવ નહીં, ફરીયાદ નહીં, ભગવાનને ભાંડવાની વાત નહીં, વિપત્તિમાં લાચારીથી કશું આઘુંપાછું કે આડુંઅવળું કે કાળુંધોળું કરવાનો વિચાર નહીં, ક્યાંય અંદરનો વણસાડ નહીં કે ભીતરનો કચવાટ નહીં એ હરિજનનું પ્રમાણ છે.
આપણા ચિત્તની વૃત્તિ કોઇને કોઇ રીતે ખરડાયેલી હોય છે, પ્રવૃત્તિના ડાઘા હોય છે, પ્રવૃત્તિ સાથે મનુષ્યનો પ્રકૃતિગત અહમ્ હોય છે, અહમ્ની સાથે અપેક્ષા, અપેક્ષાની સાથે મહત્વકાંક્ષા, સફળ થાય તો છાક, નિષ્ફળ જાય તો હતાશા, આ બધું માણસમાત્ર સાથે સંકળાયેલું હોય છે. પણ કેટલાક વિરલા એવા હોય છે કે એમની વૃતિ ક્ષણ પૂરતી નહીં; પણ કાયમને માટે નિર્મળ હોય છે, કામ,ક્રોધ,લોભ, મોહ, મદ –આ બધા મળ છે, આના વિના રહેવું એટલે નિર્મળ, ક્ષણ બે ક્ષણ પૂરતા તો ક્યારેક કોઇ નિર્મળ રહી શકે, પણ સદાય નિર્મળ રહે એ ભક્તિમાંથી વિભૂતિ થવાની પ્રક્રિયા છે, આપણે જે કાંઇ હતાશ થઇએ છીએ, એનું કારણ આપણી સાંસારિક આશા અને અપેક્ષામાં છે, બનતા લગી રમણલાલ સોનીની પંક્તિ છે, ‘ન રાખ આશા કદી કોઇ પાસ, કરી શકે પછી કોણ નિરાશ.’
કોઇની પાસે પણ આશા ન રાખવી એ અંતરથી સુખી થવાનો રાજમાર્ગ છે. આશા એ સુખની વચ્ચેનો અંતરાય છે. પોતાનાથી બને તો કોઇકને આપી છૂટે, આપ્યા પછી પોતાના મનમાં પણ આપ્યું છે એની વાતને ન ઘૂંટે. આવા વિસ્મરણના વરદાનની સાથે જે રહે એને આપ્યાનો ભાવ કે ભાર નથી રહેતો, જે આવો ભાવ કે ભાર રાખે છે એને મટે સંસાર એ શેરબજાર છે જ્યાં લિયા-દિયાના સોદાઓ થતા હોય છે. આપ્યા પછી વળતરની અપેક્ષા નહીં, આપનારને એક જ સત્ અને તે અજાચક-વ્રત. આવા જાતકના ઇતિહાસ નથી લખાતા. એને વિશ્વાસ કે ભરોસો પરમમાં હોય છે, એને માટે કોઇ પામર(હલકો) નથી. આ ભરોસો તે ભગવાનનો છે.
પછી એક અદ્ ભુત વાત છે, ચિત્તની અવસ્થાને જે વ્યક્તિ આટલી ઊંચી અને સ્થિર ભૂમિકાએ જાળવી શકે એવા સદ્ ભાગીને હરખ-શોકની હેડકી નથી આવતી. એનો સંબંધ દિવસ ને રાત, રાત ને દિવસ, પળેપળે, સ્થળે સ્થળે, સતત કહો કે આઠે પહોર આનંદ સાથે હોય છે, સત્ ચિત્ અને આનંદનું પ્રયાગ આમ જ સર્જાય છે. આવા માણસો નથી ચાલતા કે નથી દોડતા, નથી બેસતા કે નથી સૂતા, ભીતરથી સત્સંગનું કીર્તન ને નર્તન જ ચાલતું હોય છે. અ નિત્ય નર્તન-કીર્તનમાં ડૂબેલો જીવ માયામાં ફસાતો નથી, પણ માયાથી ઊફરો( અલગ, વિરક્ત,વૈરાગી) ચાલતો હોય છે.
મોટાભાગના માણસો સમર્પણની વાતો કરે છે, પણ એમનું સમર્પણ હાફ-હાર્ટેડ (અધકચરું) હોય છે. જે માણસ ભગવાનમાં ભરોસો રાખે અને આવતીકાલની ચિંતા કરે એનો અર્થ એવો કે એને પૂરો ભરોસો નથી, અધૂરો ભરોસો સૌથી વધુ ખતરનાક છે. તન,મન અને ધન જેણે ઇશ્વરને અર્પણ કર્યા હોય એને પછી સ્મરણ પણ ન હોય અને સ્વપ્ન પણ ન હોય, એની ક્ષણેક્ષણમાં શાશ્વતનું સ્વર્ગ હોય, એવો માણસ સ્વભાવશત્રુ ન હોય, નિરામય હોય, એના ભીતરનો ફોટોગ્રાફ લઇએ તો ત્યાં ડાઘડૂઘ વિનાનું આરસનું મંદિર જ દેખાય. માણસે રક્ષા કરવાનું છે પોતાના એકાંતનું. નામ સ્મરણ અને આરાધના હોય, નરી અને નકરી ભક્તિ હોય તો આપણે આંગણે આવ્યા વિના ઇશ્વરનો પણ છૂટકો નથી..ઇશ્વરને પણ આપણું સરનામું શોધવામાં રસ છે અને ઇશ્વર એવો ભટૂકડો અને અણઘડ નથી કે ખોટે બારણે ઘંટડી વગાડે.
સાચા શિષ્યો સતગુરુના વચનને ઉવેખે નહીં, જે ગુરુને નર્યા સત્ માં રસ હોય એના પંથ પર તો એ જ ચાલે, જે ભીતરથી શૂરવીર હોય. પ્રીતમની પંક્તિઓ યાદ આવે છે. “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.” આ કુરબાની એ જ જીવનની કૃતાર્થતા, દ્વિધાથી પીડાવાનું નહીં ને કોઇને પીડવાના પણ નહીં. ગુમાનની ગાંઠડી ઉતારી નાખવાની. એ ઊંચકીને ચાલીએ તો જ બેવડ વળી જઇએ.
સંગત કોની કરવી? પહેલી સંગત તો અંગતની હોય. અને જે ભજનમાં ભરપૂર રહે એવાનો સત્સંગ. જે ભજનમાં સભર સભર હોય એનો સમંદર કદીયે સુકાવાનો નહીં. સંતો તો આંખથી ઓળખાય; કારણકે એમની આંખમાં જ સો સો વૉલ્ટના બલ્બ શરમાઇ જાય એવું વાત્સલ્યના અમીથી ભરપૂર તેજ હોય છે, આ તેજ અમૃતનું અજવાળું થઇને વરસે છે, એ આપણને આંધળા નથી કરતું,પણ આપણે આપણી આરપાર જોઇ શકીએ એવી દૃષ્ટિ અને હરિવરની સૃષ્ટિ આપે છે.
ગંગાસતી અ આખી વાત પાનબાઇને સ્વયંસ્ફૂરિત ભજનના લયમાં કહે છે, પોતાનાને કહે છે એટલે ઉપદેશ નથી લાગતો પણ આત્મતીયતા લાગે છે, ભક્તિ અધૂરા ભરોસે થાય નહીં એની વાત ઘૂંટી ઘૂંટીને કહે છે અને જો દાસ થવાનું હોય તો સ ગુરુના જ થવાય, એટલે કે સત્ ના જ થવાય.
ચિત્તનું સત્ સાથે અનુસંધાન થાય તો પછી જીવનમાં આનંદનું અવતરણ થાય.
– શ્રી સુરેશ દલાલ
પ્રસ્તુત લેખ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.
શ્રી સુરેશભાઈ મોદીસાહેબ………….આપના વિચારોનું પ્રમાણ હોય તો જણાવશો. લોક સાહિત્યની સરવાણીમા શ્રી દલાલ સાહેબની વાત જ છે. તમે જણાવેલી વાત પણ પણ છે. સાચી વાત શું છે, એનું પ્રમાણ જાણવાની મને પણ ઉત્કંઠા છે. આખર તો આ એક દસ્તાવેજી બાબત છે. એનું સાચું ચિત્ર પ્રમાણ સાથે મળે તો આવનારી પેઢીને પણ એક માર્ગદર્શન મળે. મારા લોક સાહિત્યના અભ્યાસ પ્રમાણે લગ્ન થયાં બાદ કુરેલી તરીકે આવ્યાં બાદ સાસુ-વહુના સંબંધ ઉભાં થયાં હતાં. એટલે શ્રી દલાલ સાહેબની વાત પણ સાચી છે.
કવિતાનું સુંદર ચરિત્ર ચિત્રણ શ્રી દલાલ સાહેબે કર્યું છે.
-રમેશભાઈ ચાંપાનેરી (વલસાડ)
આ લેખમા બહુ મોટો હકિકત દોષ છે. ગન્ગાસતિ અને પાનબઈ સાસુ વહુ નથી .
They are known as Rani and a Khavas. Panbai had come with Gangabai to Gangabai’s hasband’s house after marrige to serve her. And there after Gangabai was dettached by worldly affairs and joined spiritual world Bhakti Mard and her all Bhajans then were addressed to Panbai.
વર્તમાનની વાસ્તવિકતા અલ્પશબ્દોમાં સમજાવવા સહિત જીવન જીવવાને કળા ખૂબજ સુંદર રીતે રજૂ કરવામાં આવીછે. આવી સુંદર અભિવ્યક્તિ અને સાથે સમજૂતિ બદલ અભિનંદન.