રાઘવ, એક દ્રષ્ટાંત… – ઋત્વિ વ્યાસ મહેતા 11


“સુશ્રુષા સોસાયટી” નામથી જ જણાઈ આવે કે એમાં વસતા સોસાયટીજનો કેટલા મૃદુ અને સેવાભાવી હશે પરંતુ સત્ય કાંઈ વેગળુ જ હતુ. દસ બંગલા ની સોસાયટીમાં માત્ર એક ઘર સિવાય કોઈ આ નામ ને સાર્થક કરતું ન હતું. સોસાયટી ની બહાર મોટા તખ્તા પર કંડારેલુ નામ સોસયટીજનો માટે કોઈ બીજી લિપિ હોય એમ લાગતું. આ જ સોસાયટીના સેક્રેટરી શ્રીમાન ગોર્વધનરામ જોશી જાણે કોઈ દેશના સૈન્યવડા હોય એમ કોઈ ફેરિયા સોસાયટીની હદ ન ઓળંગે તેનો કડક જાપ્તો રાખતા, હા, પણ થોડાઘણા એમના હિતેચ્છુઓ સિવાય….

“એય છોકરા, આમ શું હાલી આવે છે.. આ બોર્ડ નથી વંચાતું? ભિખારીઓને સોસાયટીમાં આવવાની મનાઈ છે.” સેક્રેટરીના કરડાકી ભર્યા હોંકારાથી જાણે કોઈ ચોર રંગે હાથ પકડાઈ ગયો હોય એમ રાઘવ ધ્રુજી ઊઠ્યો અને ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગી છૂટ્યો.. રાઘવ એટલે દસ વર્ષનો ધરતી પર નો સાક્ષાત દરિદ્ર નારાયણ, કાળા કોલસા જેવો વાન, વીખરાયેલા અસ્તવ્યસ્ત વાળ, દોરડી જેવા હાથ પગ પણ પેટ જાણે ગાગર, એવામાં સદાય વહેતુ નાક તેના દેખાવને સંપૂર્ણ કરી દેતું. કારમી ગરીબી અને બાળકના ભરણપોષણથી છેડો છૂટો કરવા રાઘવ ના મા બાપ એને એક મેઘલી રાતે ઊંઘતો મૂકીને પોતાના દેશ ચાલી નીકળ્યા. નિરાધાર પરિસ્થિતિમાં પણ રાઘવે ખુમારીથી જીવવાનું પસંદ કર્યું અને ભીખ માંગવા કરતા ફાટેલા પ્લાસ્ટિક, ડોલ અને તગારા સાંધવાનું કામ શરૂ કર્યું.

એની અને સેક્રેટરી મહોદય વચ્ચે એક અતૂટ સંબંધ હતો ઉંદર – બિલાડીનો. રાઘવને જોતા જ સેક્રેટરી જાણે કોઈ અજાતશત્રુ દીઠો હોય તેમ રાડો પાડી હડધૂત કરતા તો બીજી બાજુ રાઘવ પણ એટલોજ જિદ્દી, તેમનું લોહી ઉકાળવા કોઈ કચાશ ન રાખતો. રાઘવને જેઠની ગરમી જેવા જીવનમાં વિસામો મળતો તો એક માત્ર હંસાબેન ના ઘરે. સુશ્રુષા સોસાયટીનું એકમાત્ર એવું ઘર કે જે આર્થિક રીતે બાકીના ઘરો કરતા ઊણું ઊતરે પણ વ્યવહારિકતામાં સવાયુ. મધ્યમવર્ગી હંસાબેન પાઠપૂજા અને મંદિરોમાં ચંપલ ઘસીને દાન પેટીઓ ઉભરાવવા કરતા જનસેવામાં શ્રદ્ધા રાખતા. તેઓ રાઘવ ને મદદ કાજે તેને પોતાના અને સંબંધીઓની ડોલ અને તગારા સાંધવાનું કામ સોંપતા, કોઇકવાર તેને જમાડતા તો કોઇકવાર બીમાર પડે દવા પણ કરી દેતા. હંસાબેને આ માટે હંમેશા સોસાયટીમાં ટીકાપાત્ર બનતા. અને એક દિવસ ગોર્વધનરામના સિતારા ગર્દિશમાં હતા, સોસાયટીના હિત માટે રાઘવ સહિત બધાય અજાણ્યાઓને સોસાયટી પાવન કરવા પર મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો સિવાય કે ગોર્વધનરામના પરિચિત ફેરિયાઓ.

આ બનાવ બાદ રાઘવ પંદર દિવસ સુધી સોસાયટીમાં દેખાયો નહીં. એક રોજ વૈશાખ મહીનાની બળબળતી બપોરે અચાનક રાઘવ સોસાયટીમાં આવી ચઢયો, હજુ સેક્રેટરી એને જોઇને લાકડી જ ઉઠાવા જતા હતા ત્યાં તેમનાં પત્ની હાંફ્ળા ફાંફ્ળા થતાં, “અરે સાંભળો, એના પર પસે હાથ સફાયો કરજો પહેલા ગાડી કાઢો, આપડા રાહુલનેી નિશાળ થી ફોન હતો, એ દાદર પરથી ગબડી ગયો છે અને માથામાં વાગ્યું છે. આ સાંભળતાજ સેક્રેટરી લાકડી છોડીને હાંફ્ળા ફાંફ્ળા થતા ઉતાવળ માં ઘરને તાળું મારી નીકળી ગયા. થોડીવારમાં સેક્રેટરી નો કાફલો ઘરે પાછો આવી પહોઁચ્યો. ચાવી ન મળતા સેક્રેટરી રઘવાયા થઈ ગયા અને ગાડી, પર્સ, ખિસ્સા વગેરે બધુંજ ફંફોળી માર્યું. એવામાં ઘર નું તાળું પણ ખુલ્લું જોતા તેમને માથે આભ ફાટી ગયું.

ઘરના ચોગાન માં રાઘવને જોતા જ એમની આંખોમાં લોહી ધસી આવ્યું… “ચોર સાલા, મેં તને સોસાયટીમાં ઘૂસવા ન દીધો એટલે તેં મારા ઘરમાં ચોરી કરી? તું તો આ લાકડી ને જ લાયક, તેમણે બધા સોસાયટીવાળાને ભેગાં કર્યા, “જોયું હંસાબેન, આ બધુ તમારા પરાક્રમે. તમે આને પેંધો ના પાડયો હોત તો?” અને એટલામાં રાઘવે હીબકા ભરતા મારથી સોળ પડેલા હાથે હંસાબેનને સેક્રેટરીના ઘરની ચાવી આપતા કહ્યું, “બેન, અહીં ની રોજી-રોટી બંધ થતા હું સદાય માટે મારા મામાના દેશ જતો હતો એટલે છેલ્લી વાર તમને મળવા આવ્યો હતો. આ સાહેબ જ્લ્દી જ્લ્દીમાં ચાવી ઘરના ઝાંપા પાસે પાડીને જતા રહ્યા હતા અને ઘરનું તાળું પણ બરાબર બંધ ન હતું તેમનો પસ્તીવાળો મારી પાસે ચાવી માંગતો હતો અને અંદર જવા જતો હતો પણ મેં ચાવી ના આપી અને બૂમો પાડવાની ધમકી આપી એટલે પસ્તીવાળો ગભરાઈને નાસી છૂટયો. એટલે સાહેબ ન આવે ત્યાં સુધી ઘરમાં કોઈ પેસે નહીં તેનું ધ્યાન રાખતો હતો બેન હું, ગરીબ છું પણ ચોર નથી.”

આ સાંભળતા જ સેક્રેટરી ભોંઠાં પડી ગયા અને શરમથી પાણી પાણી થઈ ગયા. એમણે જે જનમેદની એકઠી કરી હતી તેની સામે નીચા મોઢે ઘર ભણીની વાટ પકડી. એ દિવસે એ ખાખી બંગાળી કશું પણ ન હોવા છતા જીતી ગયો અને સેક્રેટરી ધનવાન હોવા છતા પણ હારી ગયા.

પણ એ દિ થી આજની ઘડી, રાઘવે એ સોસાયટીમાં પગ માંડ્યો નથી. એ કઈ દિશા ભણી ગયો શું કરે છે તેની કોઈ ને જાણ નથી.

આજ ના જમાના માં જ્યારે લોકો ફેરિયા અને બીજા સ્વાંગ ધરીને ઘરોમાં ચોરીઓ કરે છે એ લોકો નથી જાણતા કે આવા કૃત્ય થી સાચે જ એ વ્યવસાય પર નભનારા લોકોની રોજી રોટી છીનવાઈ જાય તેવું જોખમ તેઓ ઉભું કરતા જાય છે ત્યારે પ્રસ્તુત પ્રસંગ લોકોની આંખો ઉઘાડી આપવા સક્ષમ છે. આપણી આસપાસ થતી આવી ઘટનાઓ ચટપટી અથવ મસાલેદાર કહાનીઓ જેવી ન હોય તો પણ જીવન પર તેની અસર વધુ થાય છે કારણકે આ આપણી હકીકતની દુનિયા છે. આવો જ એક પ્રસંગ આજે ઋત્વિબેન વ્યાસ મહેતા લઈને આવ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને સર્જનની આ સફર માટે તેમને અનેક શુભકામનાઓ.

(સત્ય ઘટના : નામ અને થોડા ફેરફાર સાથે)

– ઋત્વિ વ્યાસ મહેતા


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “રાઘવ, એક દ્રષ્ટાંત… – ઋત્વિ વ્યાસ મહેતા