બસ એટલું કે એના ઉપર મારો હક નથી… – બરકત વીરાણી ‘બેફામ’ 9


બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું,
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી.

માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા,
તારી છબી હું ચીતરું એવું ફલક નથી.

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝકઝમક નથી.

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.

એના વદનને જોઈને ઓ ચાંદ માનનાર
મારા વદનને જો કે જરાય ચમક નથી.

આરામથી રહો ભલે પણ અગવડોની સાથ,
આ મારું મન છે કંઈ તમારું મથક નથી.

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ મુલક નથી.

– બરકત વીરાણી ‘બેફામ’

આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની મારી મનગમતી ગઝલોમાંની એક અગ્રગણ્ય ગઝલ. આ ગઝલ મને ખૂબ ગમે છે તેના અનેક કારણો છે, એક તો તેનો ભાવ, પ્રથમ શેરથી જ એ સૂચવી દે છે કે આ વિરહ પછીની ગઝલ છે, એમાં જુદાઈ છતાંય પ્રગટ થતી પ્રેમની ખુમારી અનોખી છે, પોતાના અને પ્રેમીકાના ચૈતસિક જોડાણની વાત ગઝલકાર અહીં કહે છે. આજે ઘણા વખતે બેફામ સાહેબની ગઝલ મૂકવાનો અવસર મળ્યો છે, આશા છે મારી આ પસંદ આપ સૌને પણ ગમશે.

બિલિપત્ર

બે આંખ મળે ત્યાં સેતુ
નહીં રાહુ, નહીં કેતુ.
– મકરન્દ દવે


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

9 thoughts on “બસ એટલું કે એના ઉપર મારો હક નથી… – બરકત વીરાણી ‘બેફામ’