ઓતરાતી દીવાલો – કાકાસાહેબ કાલેલકર 4


જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંણો ખોરાક, મજૂરી કરતાં પડેલા કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલા લખાણો એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધુમ્મસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માણ્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિ માતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દ્રષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્વનો તેટઓ જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષા દ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે દયા માગવાપણું બહુ ઓછું હોય અને છતાં એમાંથી હ્રદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે.

સન ૧૯૨૩નો ફેબ્રુઆરીનો મંગળ દિવસ હતો. જેલનો પ્રવેશવિધિ પૂરો થયો અને હું ‘યુરોપિયન વૉર્ડ’ની એક કોટડીનો સ્વામી બન્યો. આ ઓરડીમાં ઉંચે બે જાળિયાં હતાં, પણ તે હવાને માટે હતાં, અજવાળું આપવાનું તેમનું કામ ન હતું. અજવાળું તો કોટડીના લગભગ મારા કાંડા જેવડા સળિયાવાળા બારણામાંથી જેટલું આવે તેટલું જ. આંગણામાં લીમડાનાં અઢાર ઝાડ ત્રણ હારમાં ગોઠવાયેલાં હતાં. પાનખર ઋતુ એટલે ઘરડાં પાંદડા સવારથી સાંજ સુધી પડ્યાં જ કરે. આઠ દિવસની અંદર લગભગ બધાં જ પાંદડા ખરી પડ્યાં અને અઢારેઅઢાર ઝાડ ક્ષપણક જેવાં નાગાં દેખાવા લાગ્યાં. આ સ્થિતિ જોઈને મને બહુ આનંદ ન થયો. મેં કહ્યું, ‘કર્થ પ્રથમમેવ ક્ષણપક!’

અમારા મકાનની જમણી બાજુ પર દાબડે બાપાના વાવેલ કેટલાક છોડ હતા, બે આંબાના, બે લીમડાના ને એક જાંબુનો. એ પોતાનાં બાળકો જ ન હોય એમ બાપા અ બધાં ઝાડની સારવાર કરતા. પ્રેમનો ઉમળકો આવે એટલે પોતાની કાનડી ભાષામાં ઝાડો સાથે વાત પણ કરતા, અને મારી સાથે તેને લગતી વાતો કરતાં તો બિલકુલ થાકતા જ નહીં. જમી રહ્યા પછી અમે આ છોડ વચ્ચે બેસીને અમારાં વાસણ ઉટકતા. જસતનાં આ વાસણ ઉટકવાની ખાસ કળા હોય છે. મુનિ જયવિજયજીએ આ કળામાં વિશેષ પ્રાવીણ્ય મેળવ્યું હતું. ભારે ઉમંગથી અને થોડીક જબરદસ્તીથી તેમણે મને એ ઉપર્યુક્ત કળાની દીક્ષા દીધી. બીજે જ દિવસે તેઓ જેલની બહાર ગયા એટલે એક જ પાઠનો હું ભાગ્યશાળી થયો. જસતના વાસણનું તેજ એ તો જાહેર કામ કરનાર દેશસેવકની આબરૂ જેવું હોય છે. રોજ સાવધ ન રહે તો જોતજોતામાં ઝાંખુ પડી જાય. એના પર જરાક ઝાંખપ આવે કે તરત સ્નેહપ્રયોગ કરવો પડે. સાથે કંઈક ખટાશનો પણ અનુભવ કરાવીએ તો વધારે ઠીક.

સાંજના છ વાગ્યા એટલે અમે પોતપોતાની કોટડીમાં પુરાયા. ખટ ખટ અવાજ કરતા તાળાંએ સરકારને ખાત્રી આપી કે કેદી રાત્રે નાસી જાય એમ નથી, પણ નર્યાં તાળાનો વિશ્વાસ શો? રાત્રે લગભગ અર્ધે અર્ધે કલાકે ફાનસો આવીને ખાતરી કરી લેતાં કે કેદી અલોપ થયો નથી. જાગતો ન હોય તો પણ જગા પર છે. જાગતા હોઈએ તો ફાનસને અમારું ને અમને ફાનસનું દર્શન થતું. જેલ બહાર ઠીક ઉજાગરા થયેલા તેથી જેલમાં સ્થિતિ થતાંવેંત ઉંઘવાનું જ કામ મેં પ્રથમ આદર્યું. ઉંઘ ખાતે રોજના સરેરાશ ચૌદ કલાક મંડાતા. આઠ દિવસમાં ઉંઘની ઉઘરાણી પૂરી કરી નવા અનુભવ માટે તૈયાર થયો.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ઓતરાતી દીવાલો – કાકાસાહેબ કાલેલકર