મહેતાબ – નિમિષા દલાલ 8


“એક્સ્ક્યુઝ મી” જાણે રૂપાની ઘંટડીનો રણકાર થયો.

“યે………” સ્વપ્નીલે અવાજની દિશામાં ફરીને જરા સ્ટાઈલથી બોલતા કહ્યું અને સ………ગળામાં જ અટકી ગયો.

“આખા પાર્કીંગમાં ક્યાંય જગ્યા નથી. આજે મારો કોલેજમાં પહેલો દિવસ છે ને મને મોડું થઈ ગયું છે. જો તમે થોડા ખસો તો હું મારી સ્કૂટી પાર્ક કરી શકું.”

રૂપરૂપનાં અંબાર સમી યુવતી સામે ઉભી હતી. એને જોઈને સ્વપ્નીલના તો જાણે હોશ જ ઉડી ગયા. એકદમ ગૌર વર્ણ, પૂનમના ચાંદ જેવો ગોળ ચહેરો, સુરાહીદાર ગરદન, અણીયાળી કાજળ આંજેલી આંખો, ગુલાબી ગાલ ને પાતળા પરવાળા જેવા હોઠ. ઓરેંજ કલરના ડ્રેસમાં ખુબજ સુંદર લાગતી હતી. જેવો અવાજ મીઠો હતો એવીજ એ પણ મીઠડી લાગતી હતી. લાંબા વાળને નાના બટરફ્લાય પિનથી બાંધેલા હતા. કાનમાં મોટી ગોળ ગોલ્ડન કડી, ગળામાં ગોલ્ડન ચેઈન, એક હાથમાં ગોલ્ડન બ્રેસલેટ અને બીજા હાથમાં વોચ. સ્વપ્નીલ એને અપલક નયને જોઇ રહ્યો હતો. એને જોવામાં પેલીએ શું કહ્યું એ પણ સ્વપ્નીલને સભળાયું નહીં.

“હેલ્લો… હે….લો.. ઓ ઓ.. ઓ. ઓ મીસ્ટર….. પ્લીઝ મને થોડી જગ્યા આપો.”

પણ સ્વપ્નીલ તો ખોવાઈ ગયેલો. જાણે ત્યાં હતો જ નહીં. એના મિત્રોએ હચમચાવ્યો અને કહ્યું કે એ યુવતીને પાર્કીંગની જગ્યા આપ.

“ઓહ… યા.. સ્યોર સ્યોર” એણે ચમકીને જવાબ આપ્યો અને ત્યાંથી ખસતાં બોલ્યો.

“સોરી હં… આઈ એમ વેરી વેરી સોરી.” કહી સ્વપ્નીલ ખસી ગયો અને એ જગ્યામાં એ યુવતીએ પોતાની સ્કૂટી પાર્ક કરી વાળમાંથી બટરફ્લાય પિન કાઢીને પર્સમાં મૂકી. સ્વપ્નીલ એના લહેરાતા વાળને જોઈ રહ્યો. એ સ્વપ્નીલને થેંક્સ કહી નોટબુક લઈ સ્મિત વેરતી કોલેજમાં જતી રહી. એનું નામ મહેતાબ હતું. કોલેજમાં આજે એનો પહેલો દિવસ હતો અને આ હતી સ્વપ્નીલ સાથેની એની પહેલી મુલાકાત. બીજા દિવસથી રોજ સ્વપ્નીલ વહેલો આવતો અને પોતાની બાઈકની બાજુમાં મહેતાબના સ્કૂટીની જગ્યા રાખતો. મહેતાબ પણ કદી બીજે જગ્યા હોવા છતાં એજ જગ્યામાં પોતાની સ્કૂટી પાર્ક કરતી અને સ્વપ્નીલ સામે સ્મિત કરીને કોલેજમાં જતી રહેતી. મહેતાબ કોલેજના પહેલા વર્ષમાં હતી અને સ્વપ્નીલ બીજા. બંને વચ્ચે પહેલાં સ્મિતની આપ-લે પછી નોટબૂકની આપ-લે અને પછી કોલેજની ઈતર પ્રવૃત્તિઓમાં સાથે ભાગ લેવો, એમ પરિચય વધતો ગયો અને વર્ષનાં અંત સુધીમાં તો એ પરિણયમાં પણ ફેરવાઈ ગયો. બહુ ટૂંકી ઓળખાણમાં બંને પ્રેમી બની ચૂક્યા હતા. મહેતાબની સ્કૂટી કોલેજમાં જ રાખી બંને ઘણીવાર નજીકની રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા કે કોફી પીવા જતા. હવે મહેતાબ કોલેજના બીજા વર્ષમાં અને સ્વપ્નીલ છેલ્લાં વર્ષમાં આવ્યો. અત્યાર સુધીમાં તો બંનેએ એકબીજાને સાથે જીવવા-મરવાના કોલ આપી દીધા હતા. એ લોકો ક્યાં જાણતા હતા કે એક મુસ્લિમ કન્યાને સ્વપ્નીલના માતા-પિતા સ્વીકારશે કે નહી કે પછી મહેતાબના ઘરમાંથી લગ્નની મંજૂરી મળશે કે નહીં. એ લોકો તો બસ પોતાના પ્રેમમાં મસ્ત હતાં.

એકવાર સ્વપ્નીલ મહેતાબને પોતાની બાઈક પર લઈને જતો હતો ત્યારે ચાર-પાંચ જણાએ એને રસ્તામાં આંતર્યો. બ્રેક લાગતા મહેતાબે આગળ જોયું. “ભાઈજાન” એ બબડી. “સ્વપ્નીલ આ મારા ભાઈઓ છે.” ડરના માર્યા એના ચહેરા પરથી રંગ ઉડી ગયો હતો. એણે મજબુતીથી સ્વપ્નીલને પકડી રાખ્યો હતો. એના ભાઈઓ માંથી એક આગળ એની બાઈક પાસે આવ્યો અને મહેતાબનો હાથ ખેંચી એને નીચે ઉતારી.

“ચલ ઘર ચલ. આજ અબ્બાસે તેરી ધુલાઈ કરવાતા હું. મૈને તો અબ્બાકો પહેલે હી સે મના કિયા થા પર અબ્બાકી તો તું લાડલી હૈ ના. કોલેજ જાકર યે સબ કરતી હૈ? શર્મ નહીં આતી તુજે?”

“ભાઈજાન મેરી બાત સુનીએ.” મહેતાબ બોલી.

“અબ ક્યા સુનું મૈં તેરી બાત? મુજે જો દેખના થા વો તો મૈંને દેખ લીયા. છોટેને જબ મુજે બતાયા થા તબ મુજે ઉસ પર ભરોસા નહીં હુઆ પર અબ અપની આંખોસે દેખ લીયા હૈ. અબ ઘર ચલ.”

“ભાઈજાન મેરી બાત સુનીએ મેરી સ્કુટી કોલેજમેં હૈ. વો તો લેને દીજીએ.” મહેતાબે ઘસડાતાં ઘસડાતાં કહ્યું.

“વો છોટે લે આયેગા, તું બસ ઘર ચલ.” મહેતાબનો બીજો ભાઈ સ્વપ્નીલ પાસે આવ્યો અને બોલ્યો,

“દેખ બે.. આગેસે મેરી બહેનકી ઓર આંખ ઉઠાકે ભી દેખા ના તો તેરી ખૈર નહીં સમજા?” ધમકી આપી બધા જતા રહ્યા. પણ સ્વપ્નીલ અને મહેતાબની મુલાકતો રોકી નહીં શક્યા. મહેતાબના ભાઇઓ મારામારી કરવા જવાના હતાં પણ એમના અબ્બાએ એમ કરતા રોક્યા. એમને મારામારી કરવા કરતાં મહેતાબના નિકાહ કરાવવાનું વધુ યોગ્ય લાગ્યું એટલે મહેતાબના અબ્બાએ એક નાના ગામડામાં એના નિકાહ કરાવી દીધા.

સ્વપ્નીલ રોજ બાઈકની બાજુમાં સ્કૂટીની જગ્યા રાખતો પણ મહેતાબ આવતી નહીં. આઠ દિવસ થઈ ગયા. ફાયનલ પરીક્ષા આવતી હતી અને સ્વપ્નીલનું મન વાંચવામાં લાગતું નહોતું. એણે મહેતાબની એક મિત્રને એના વિશે પૂછ્યું તો એણે કહ્યું કે મહેતાબના તો નિકાહ થઈ ગયા. સ્વપ્નીલને આઘાત લાગ્યો. બે દિવસ સુધી એ ઘરમાં ગુમસુમ બેસી રહ્યો. એ એક સામાન્ય મધમવર્ગીય પરિવારનો છોકરો હતો. એને આમ બેસી રહેવું પરવડે એમ નહોતું એટલે મહેતાબને ભૂલીને ભણવામાં મન પરોવ્યું. એની સખત મહેનત રંગ લાવી અને એ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો. એક કંપનીમાં એને સારા પગારની નોકરી મળી અને એણે એ સ્વિકારી પણ લીધી. એણે મહેતાબના ફોટાઓ એક નાનકડી પેટીમાં મૂકીને તાળુ મારી દીધું ને તાળુ મારી દીધું એની યાદોને પણ. પૂર્ણ પ્રમાણીકતાથી નોકરી કરવાથી એના શેઠ નિખિલરાયને ઘણો નફો થયો. એમણે આ હીરાને પોતાની તિજોરીમાં કેદ કરવાનું વિચાર્યું એટલે કે પોતાની એકની એક દીકરી સપનાને સ્વપ્નીલ સાથે પરણાવવાનું. એમણે આ બબતમાં સ્વપ્નીલની મરજી પુછી. સ્વપ્નીલ તો મહેતાબનો થઈ ચૂક્યો હતો એટલે એણે લગ્નની ના પાડી. નિખિલરાય સ્વપ્નીલના ઘરે જઈને એના માતા-પિતાને રાજી કરી આવ્યા અને માતા-પિતાની વાત સ્વપ્નીલ ટાળી ના શક્યો. એણે નિખિલરાયની એકની એક દીકરી સપના સાથે લગ્ન કરી લીધા.

શરૂઆતના ત્રણ વર્ષતો એમનો સંસાર સારો ચાલ્યો. જેના ફળસ્વરૂપે એક દીકરો સોહમ અને એક દીકરી સ્વરાનો જન્મ થયો. પછીના એક વર્ષમાં સ્વપ્નીલે વારાફરતી એના માતા-પિતા ગુમાવ્યા. સપનાને એના પિતા સાથે રહેવા જવું હતું અને સ્વપ્નીલને એમાં પોતાનું માન ઘવાતું લાગ્યું એટલે એણે ના પાડી અને સપનાએ સ્વપ્નીલને વાત વાતમાં હડધૂત કરવાનું શરૂ કર્યું. સ્વપ્નીલ પોતાના બાળકો સામે જોઇને બધું સહન કરતો અને એમના એ બાળકો પોતાના પિતાને હડધૂત થતાં જોઈ જોઈને મોટા થયા. નિખિલરાય હતા ત્યાં સુધી તો સપના થોડી પણ કંટ્રોલમાં રહેતી હતી પણ તેમના મૃત્યુ પછી જબરદસ્તી એ બધાને પિતાના બંગલે રહેવા લઇ આવી. સ્વપ્નીલ અને સપના બંને મનથી તો દૂર થઈ જ ગયા હતા. સપનાએ અહીં સ્વપ્નીલને એક જુદો ઓરડો આપી દીધો હતો. એ સપનાનાં રૂમમાં સપનાની મરજી વિના નહીં જઈ શકતો. એને ઓફીસે આવવાની પણ સપનાએ મનાઈ કરી દીધી. ઓફિસનો બધો કારભાર એણે પોતાના હાથમાં લઈ લીધો હતો. સ્વપ્નીલ જો ઓફિસે જાય તો આખા સ્ટાફની સામે એને ઉતારી પાડતી. બીજે કશે નોકરી કરવા દેવાની પણ ના પાડી. પાર્ટીઓમાં કે સામાજીક પ્રસંગોમાં પણ એ એકલી જતી હતી. સ્વપ્નીલને એણે ઘરમાં એકલો રહેવા મજબૂર કર્યો હતો. કોઈને ખબર નહોતી પડતી કે આવું એ કેમ કરતી હતી. કેટલીકવાર બાળકો પણ એના ગુસ્સાનો ભોગ બનતા પણ માતા ની ગેરહાજરીમાં પિતાનો સ્નેહ પામતા. સ્વરા અને સોહમને પિતાની ખૂબજ દયા આવતી. એમણે પપ્પાને કદી હસતાં પણ જોયા નહોતા.

આમ કરતાં વર્ષો વીતી ગયા. બાળકો મોટા થઈ ગયા. સોહમ ગ્રેજ્યુએટ થતાં જ સપનાએ ઓફિસમાં એક કેબિન બનાવી કારભાર સમજાવવા માંડ્યો. સોહમ મન લગાવીને બધું જ કામ શીખી ગયો. સ્વરાનું ભણવાનું પણ હવે પુરું થયું હતું. એને પણ સપનાએ ઓફિસમાં એક કેબિન આપી દીધી. બંને બાળકોને બીઝનેસ સોંપી એણે નિવૃત્તિ લઈ લીધી. હવે એ ક્લબમાં વધુ સમય ગાળવા લાગી. સ્વપ્નીલ માટે એની પાસે સમય નહોતો. સ્વપનીલને એકાંતમાં મહેતાબ યાદ આવતી. એ એને સંબોધીને રોજ એક પત્ર લખતો અને પેલી પેટીમાં મુકી દેતો. પોતાના મનની બધીવાત એ મહેતાબ સાથે પત્રમાં કરતો. એકાંતમાં કલાકો સુધી એ પેલી પેટીને લઈને બેસી રહેતો. એક વાર ખુલ્લી બારીમાંથી સોહમ અને સ્વરાએ પેટીમાં પત્રો અને ફોટા છે એમ જોયું પણ ફોટા કોના છે એ દૂરથી દેખાયું નહીં. સ્વપ્નીલ જ્યારે પણ એ પેટી ખોલતો ત્યારે બારી દરવાજા બંધ કરીને બેસતો. આજે એના ધ્યાન બહાર બારી ખુલ્લી રહી ગઈ હતી. બીજે દિવસે સોહમ અને સ્વરાએ પેટીમાં શું છે એમ પુછ્યું તો સ્વપ્નીલે વાત ટાળી દીધી… સપના પણ આ પેટી વિશે નહોતી જાણતી.

એકવાર મોડી રાત્રે ક્લબમાંથી પાછા ફરતી વેળા ટ્રક સાથે સપનાની કારનો અકસ્માત થયો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન એનું મૃત્યુ થઈ ગયું. સોહમ અને સ્વરાને થોડુ દુ:ખ તો થયું પણ પપ્પા હવે મરજી મુજબ જીવી શકશે એ માટે ખુશી પણ થઈ. સોહમે તેના પપ્પાને ઓફિસે આવવાનું કહ્યું. પણ વર્ષોથી ઘરમાં જ બેઠેલા દુનિયાથી દૂર રહેતા સ્વપ્નીલે ના કહી. એ જ રાત્રે સ્વપ્નીલ પેટી ખોલીને ફોટા જોતાં જોતાં સૂઈ ગયો હતો. સોહમ અને સ્વરા પાર્ટીમાં ગયા હતા એટલે એ દરવાજો બંધ કર્યા વિના જ ફોટા લઈને બેઠો હતો. અને એમાં એને ઉંઘ આવી ગઈ. સોહમ અને સ્વરા પાર્ટીમાંથી આવ્યા સ્વરાએ દરવાજો ખુલ્લો જોયો અને પેટી પણ, એણે તરત સોહમને બોલાવ્યો. બંને ભાઈ-બહેને પત્રો વાંચ્યા, ફોટા જોયા. પપ્પાની ઉદાસીનું કારણ અને ઉપાય બંને મળ્યા. રૂમમાંથી બહાર આવીને એમણે મહેતાબને શોધવાનું નક્કી કર્યું. પેટીમાંથી એક પત્ર અને મહેતાબ તથા સ્વપ્નીલનો સાથે પડાવેલો એક ફોટો એમણે લઈ લીધો હતો. એની કોપી કરાવી બંને ભાઈ-બહેને પોતાની પાસે રાખી હતી.

સ્વરાને તેની એક મિત્ર સાથે નારી સંરક્ષણગૃહમાં જવાનું થયું. સંચાલકની ઓફિસમાં સ્વરાએ મહેતાબનો ફોટો જોયો. સંસ્થામાં કામ કરતી દરેક બહેનોના ફોટા ત્યાં હતા. પોતાના પર્સમાંથી ફોટો કાઢી મેળવી જોયો. એ મહેતાબનો ફોટો જ હતો. એણે ઓફિસના ફોટાઓ માંથી મહેતાબનો ફોટો બતાવી એના વિશે સંચાલિકાને પૂછ્યું. એમણે કહ્યું કે એનું નામ મહેતાબ છે. એના પતિના અવસાન પછી એના પુત્રએ એને કાઢી મૂકી હતી. એ અહીં આશરો લેવા આવી અને અમે એને રહેવા દીધી. એ અહીં બહેનોને સિવણ -ભરત – મહેંદી મૂકતા વગેરે શીખવે છે. સ્વરાએ એને મળવાની ઈચ્છા જાહેર કરી. તો સંચાલિકાએ કહ્યું કે એ અત્યારે તો કામથી બહાર ગઈ છે. તમે કાલે સવારે એને મળી શકશો.

બીજે દિવસે સ્વરા અને સોહમ મહેતાબને મળવા ગયા. પિતાની પેટીમાંથી મહેતાબને સંબોધીને લખેલો પત્ર અને સ્વપ્નીલ સાથેનો એનો ફોટો એમણે મહેતાબને આપ્યો. એ જોતાં જ મહેતાબ ગુસ્સે થઈ ઉભી થઈ ગઈ, “કોણ છો તમે લોકો?”

“ગુસ્સે નહીં થાઓ. અમે તમને નુકસાન પહોંચાડવા નહીં તમારી મદદ માગવા આવ્યા છીએ. આ ફોટામાં તમારી સાથે જે છે એના અમે સંતાનો છીએ. અને અમારા ઉદાસ પપ્પાનું હાસ્ય માગવા આવ્યા છીએ.” પછી બંને ભાઈ-બહેને મહેતાબને સ્વપ્નીલની જીવનકથની કહી. પોતે એક વખત જેને પ્રેમ કરતી હતી એની આવી દશા સાંભળીને એ મદદ કરવા તૈયાર થઈ.

શરૂઆતમાં રોજ પછી એક એક દિવસના અંતરે અને પછી અઠવાડિયે એક વાર એમ મહેતાબ સ્વપ્નીલને મળતી. મહેતાબના મળ્યા પછી સ્વપ્નીલમાં આવેલો બદલાવ એના સંતાનોથી છાનો નહી રહ્યો. હવે એ ઓફિસે જવા પણ તૈયાર હતો. એણે ગુમાવેલો આત્મવિશ્વાસ એનામાં પાછો આવ્યો. સ્વરા અને સોહમે તેમનો આ ઉત્સાહ કાયમ રાખવા મહેતાબને વિનંતી કરી. મહેતાબને તેમની સાથે લગ્ન કરવા કહ્યું. મહેતાબને સમજ નહીં પડી કે પોતે શું જવાબ આપે. એણે કહ્યું કે પોતે મુસ્લિમ છે અને યુવાનીમાં જો સમાજને એનો વાંધો આવતો હોય તો આ ઉંમરે શું લગ્ન કરવા યોગ્ય છે? સ્વરા અને સોહમે કહ્યું, “આજ સુધી અમારા પપ્પાએ ઘણું સહન કર્યું છે. અમારે માટે અમારા પપ્પાની ખુશીથી વધારે કંઈ નથી. તમે જો માની જાઓ તો તમારો આ ઉપકાર અમે જીંદગીભર નહીં ભૂલીએ.” મહેતાબ પોતાના પિતાની ખુશી ખાતર સમાજથી બગાવત કરવાની ઇચ્છા ધરાવનાર આ બાળકોને જોઇ રહી. થોડું વિચારીને એણે લગ્નની હા પાડી અને સ્વપ્નીલને પણ સમજાવી ફરી લગ્ન માટે તૈયાર કર્યો. રોજ ઓફિસે જતા પોતાના પિતાને રવિવારે સવારે બંગલાની લોનમાં મહેતાબ સાથે ચા પીતા ખુલ્લા મને હસતાં જોઇને સ્વરા અને સોહમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. માતા-પિતા બાળકોની ખુશી માટે બધું જ કરવા તૈયાર હોય છે અહીં બાળકોએ પિતાને એમની ખુશી આપી.

– નિમિષા દલાલ

નિમિષાબેન દલાલની આ પહેલા ચાર વાર્તાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. ગૂંચવણો વગરની અને સામાન્ય જીવનઘટનાઓને સહજતાથી સ્પર્શતી અને એવી જ સરળ પ્રવાહી શૈલી અને ભાષા ધરાવતી તેમની વાર્તાઓમાં આપણા સમાજજીવનની સરળતા ઝળકે છે. ઘરકામમાંથી નવરાશ મેળવીને એક ગૃહિણી આમ સતત સાહિત્યસર્જનના પ્રયત્નમાં રત રહે તે ખરેખર એક પ્રશંશાપાત્ર વાત કહેવાય. આજે પ્રસ્તુત છે તેમની એક વધુ વાર્તા તેમના આગવા અંદાઝમાં. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

બિલિપત્ર

જાતને મળવા હું મથતો હોઉં છું,
એને મળવાની બધી તજવીજમાં.
-સુધીર પટેલ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “મહેતાબ – નિમિષા દલાલ

  • નિમિષા

    આભાર અશોકભાઈ મારી કોઇ
    નવી વાર્તા અહી મુકાય ત્યારે આપના પ્રતિભાવની હંમેશા રાહ જોતી હોઉ છું. મારી કોઇ પણ વાર્તા માટે આપે આપેલ સુચનો નું બીજી વાર્તા લખતી વખતે હું ધ્યાન રાખું છું. આમજ આપનો સહકાર આપતા રહેશો.. આભાર..

  • Ashok Vaishnav

    ધર્મ, જાત કે પ્રાંતનાં બંધનો જ્યારે પ્રેમની વચ્ચે દિવાલ બની રહે ત્યારે તો માનવી તે પરિસ્થિતિ જોડે સમાધાન કરી લે તે તો સમજાય, પરંતુ આજના સમયમાં, એટલે ક કથાસમયના સંદર્ભમાં આજથી પચીસેક વર્ષ પહેલાં પણ સ્વપ્નિલની એવી તે કઇ મજબુરી રહી હશે કે તે આટલી હદે ગુલામીની દશા સ્વિકારી લેવા સુધી મજબૂર થઇ ગયો હશે, તે સમજી નથી શકાતું.
    જો કે નવલિકા જેવાં માધ્યમમાટે પાત્રઓની દરેક લાગણીઓને સમજાવી શકાવવું લેખક માટે કદાચ શક્ય ન પણ બનતું હોય. એવા સ્ંજોગોમાં વાચક પોતાની મનઃસ્થિતિ અને સંજોગો મુજબનું અર્થઘટન કરી લે તે સ્વાભાવિક ગણાય.
    આવું બનવાની સંભાવના છતાં પણ લેખિકા તેમના મૂળભૂત હાર્દને નવલિકાના અંતમાં સરળતાથી સાંકળી શક્યાં છે.

    • Ashok Vaishnav

      Whilst on the subject, I would like to present Shri Khushwant Singh’s views on what constitute an India Short Story as qouted in “introduction” to “Best India Short Stories Volume I’ [Impression 2006, Publisher: HarperCollins Publishers// ISBN 13: 978 81 – 7223- 632-8]:
      “Is there something special about the Indian short story? I think there is.It sticks to traditional rules of the craft. It is in fact short and not a novella or an abridged novel. It revolves around one or at least two or three characters and does not have along list of dramatis personae as in a novels. It is limited in time and space and does not span decades or spreads out in different locales. It also has a well-formulated central theme and does not touch upon several topics or clashes of personalities. It has distinct beginning, a build-up and usaully a dramatic end,frequently an unexpected one which sums the story.”