પંખી તો ઉડતાં ભગવાન છે… – જીજ્ઞા ત્રિવેદી 6


પંખી તો ઉડતાં ભગવાન છે,
જે ટહુકાથી સાક્ષાત થાય છે.

દોરે વાદળ પર સૂરજ રંગોળી;
જુએ કળીઓ પણ ઘૂંઘટ ખોલી,
લઈ આંખો માં આશ ઉડે આખું અંકાશ,
એના કલરવમાં ઈશ્વર પડઘાય છે. પંખી તો…

કરે વાયરાને સાથે એવી વાતો;
જાણે કેટલાંય યુગનો નાતો,
કદી પીંછાના રોમરોમ રાધા રહે,
કદી ગીતોમાં માધવ મલકાય છે. પંખી તો….

જ્યાં ઝરણાંમાં ચાંચને ઝબોળી;
ત્યાંતો વગડાની આંખ થઈ પહોળી,
હોય આવળ-બાવળ કે આંબાની ડાળ,
ઝૂલી હૈયું એનું હરખાય છે. પંખી તો…

રહે યાદોની ધરતી ના કોરી;
લીધાં શ્રાવણને પાંખમાં ઘોળી,
કરે થૈ થૈ થનકાર, લઈ આંખમાં અષાઢ,
એના ટહુકામાં મેઘ મલ્હાર છે. પંખી તો…

એને ઉડવાની ઝંખના છે ઝાઝી;
એમાં મસ્તીની વારતા નિરાળી,
કરે પિંજરમાં કેદ તો પામે છે ખેદ,
એને લાગે ઉડવાનું વરદાન છે. પંખી તો….

– જીજ્ઞા ત્રિવેદી

જીજ્ઞા બહેનના ગઝલસંગ્રહ ‘અર્થના આકાશમાં’ માંથી એક ગઝલ આપણે ગત અઠવાડીએ માણી અને તેમના અવાજમાં સાંભળી પણ ખરી. આજે તેમની વધુ એક સુંદર રચના પ્રસ્તુત કરવાની લાલચ રોકી શક્તો નથી. જો કે આજની રચના તેમના સંગ્રહમાંથી નથી લીધી, એ તેમનું ગઝલોપરાંતનું સર્જન છે – એ એક સુંદર મજાનું ગીત છે. એક એવું ગીત જેમાં તેમણે સજીવ ઈશ્વરની કલ્પના કરી છે, પંખીને તેમણે ઉડતા ભગવાન ગણાવ્યા છે અને એ પછી પોતાની વાતના પુરાવા રૂપે તેઓ અનેક તર્કસંગત કારણો આપે છે, માણીએ આ સુંદર ગીત. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમે આવા સુંદર સર્જનો સતત થતાં રહે તેવી અનેક શુભકામનાઓ.

બિલિપત્ર

મું ભાયો તડ હિડકો, પણ તડ લખ હજાર,
જુકો જેઆં લંધેઆ, સે તેઆં થ્યા પાર.

{મને એમ કે પાર થવાનો એક જ માર્ગ છે, પણ માર્ગ તો હજારો-લાખો છે, જેમણે જે માર્ગ લીધો ત્યાંથી તે પાર થયા ને તરી ગયા.}

– આદિ કચ્છી કવિ મેંકણદાદા (શ્રી પ્રભાશંકર ફડકેના પુસ્તક ‘શબ્દને સથવારે’માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “પંખી તો ઉડતાં ભગવાન છે… – જીજ્ઞા ત્રિવેદી

  • Harshad Dave

    સુંદર રચના… કુદરતનું નૈસર્ગિક સંતુલન… કલાપી કહે છે રે રે પંખી ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો…આવું પસ્તાવાનું વિપુલ ઝરણું સહુના હૃદયમાં વહેતું હોય તો પ્રત્યેક પંખી ટહુકો ભરીને આશીર્વાદ આપે! -હદ.