આ પહેલા પ્રસ્તુત કરેલ ભાગ ૧ થી આગળ…
આનું કારણ એ હતું કે સકીનાનું સંભારણું રમઝુ માટે જરાય સુખદ નહોતું. ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભારેલો પડ્યો હતો. આવે પ્રસંગે એ રાખનું આવરણ દૂર થતાં ડોસાની ભીતરમાં ભડાકા ઊઠતા. કારણ એ હતું કે સકીનાને સાસરિયે મોકલ્યા પછી આઠમે દિવસે જ એના ભેદી મૃત્યુના વાવડ આવેલા. એ મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શકેલો નહિ. એનું રહસ્ય ગામ આખામાં આજ સુધી ગોપિત જ રહેવા પામેલું. એક અટકળ એવી હતી કે સકીનાને જે ગામમાં વરાવેલી ત્યાંનાં બે બરોબરિયાં ને જોરુકાં કુટુંબોના જુવાનોની નજર આ જુવતીના જોબન પર ઠરેલી. માથાભારે ગણાતી મીર કોમના બેમાંથી એક જૂથને તો રમઝુએ નારાજ કરવું જ પડે એમ હતું. પણ એ અટંકી કોમનાં માણસો નારાજ થઈને જ બેસી રહે એવાં સોજાં નહોતાં. સકીનાની જુવાનીની અંગડાઈએ એમના વૈરાગ્નિને વીંઝણો ઢાળ્યો ને એમાંથી બન્ને હરીફો વચ્ચે વસમાં વેણની આપલે થઈ ગઈ. આખરે એમાંથી તરવારની ધાર ઝબકી ગઈ. બન્ને પક્ષો ઝાટકે આવ્યા, ને એમાંથી જ કહે છે કે, સકીનાનું કાટલું કાઢી નાખવામાં આવેલું. આ સમાચાર સાંભળીને રમઝુને વજ્રાઘાત લાગેલો. સકીનાના અકાળ મૃત્યુથી ડોસાએ પુત્રી તેમજ પત્ની બન્નેના દેહવિલયનો બમણો વિયોગ અનુભવેલો. દિવસો સુધી તો એ અવાક થઈ ગયેલો. એની ચિત્તભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતાં કે ડોસાની ડાગળી ચસકી ગઈ છે.
તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમઝુએ શરણાઈની તાન ઉપર આમથી તેમ ડોલવા માંડ્યું ત્યારે લોકોએ એને ગાંડામાં ગણી કાઢ્યોને?
પીપળા હેઠે ગાડું થોભ્યું. ગવરીની સરખી સમોવડી સહિયરો એક પછી એક વિદાય આપવા આવી. સહુ બહેનપણીઓ ગવરીની નજીક જઈ, ગોઠિયણના કાનમાં ધીમી ગોષ્ઠિ કરી આંસુભરી આંખે પાછી આવતી હતી. ઘરચોળાના ઘૂંઘટાની આડશે રડી રડીને ગવરીની આંખ લાલ હિંગોળા જેવી થઈ ગઈ હતી એ તો અત્યારે જ ખબર પડી. હીબકતી પુત્રીને જોઈને માતાનું હ્રદય હાથ ન રહ્યું. સાથે આણેલી ટબૂડીમાંથી ગવરીને બે ઘૂંટડા પાણી પાઈને તેઓ કોચવાતે હ્રદય ચાલ્યાં ગયાં. પણ એમની પાંપણ પર આવીને અટકેલા આંસુ રમઝુની નજર બહાર નહોતાં રહ્યાં; લાગણીના આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત નહોતી કરી શક્તી એની અભિવ્યક્તિ રમઝુ પોતાના સૂર વાટે કરી રહ્યો.
આમ તો આ પાદરનો પીપળો અને ચબૂતરો ગામની સેંકડો કન્યાઓની વિદાયનો સાક્ષી બની ચૂક્યો હતો.ર અમઝુ પોતે પણ આવા અસંખ્ય વિદાયપ્રસંગોએ શરણાઈ વગાડીને સાટામાં રૂપિયારોડો મહેનતાણું મેળવી ચૂક્યો હતો, ખોબો ભરીને ખારેક, લાડવા લઈ ચૂક્યો હતો. પણ આજની વાત અનોખી હતી. આજનું વળામણું વિશિષ્ટ હતું, આજનો વિદાયપ્રસંગ સાવ વિલક્ષણ હતો. આજે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને આરે પહોંચેલો ખખડી ગયેલો રમઝુ મીર નહોતો પણ વીસ વરસ પહેલા સકીનાને વિદાય આપનાર પુત્રી પિતા હતો. તેથી જ તો, તળશી વેવાઈએ પાવલાથી માંડીને બાધા રૂપિયા જેવડી મોટી રકમની ત્રણ ત્રણ વાર દાદ આપવા છતાં રમઝુ શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહીં ને?
કન્યાપક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમુ વિદાયગીત ઉપડ્યું હતું –
દાદાને આંગણ આંબલો
આંબલો ધીરગંભીર જો..
એક રે પાંદડુ અમે તોડીયું
દાદા ન દેજો ગાળ જો
અમે રે લીલુડા વનની ચરકલડી..
માત્ર ગવરી નહીં, ગવરીની ગોઠિયણો જ નહીં, કન્યાનાં આપ્તજનો જ નહીં, પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે કે ડૂસકાં ભરતું લાગ્યું અને મીરની શરણાઈએ આ શોકમગ્ન વાતાવરણ સાથે અજબ સમવેત સાધ્યો. એના સૂરમાં ઘૂંટાતું દર્દ વાતાવરણની ગમગીનીને દ્વિગુણિત બનાવી ગયું. રમઝુ ચગ્યો હતો. એની શરણાઈ ચગી હતી. પોતાના ચિરાયેલા દિલની વેદનાને ચગાવવામાં પણ ડોસો ચેન અનુભવતો હતો.
પણ કન્યાને લઈને ઝટપત ઘરભેગા થઈ જવાની ઉતાવળમાં વરરાજા તેમજ વરના બાપ તળશી વેવાઈ તલપાપડ થઈ રહ્યા હતા. પાદરના મોકળા પટમાં મોકળે મને સુરાવટ રેલાવી રહેલા મીરને જોઈને વેવાઈની અકળામણ વધતી જતી હતી.
આખરે એમણે ભૂધર મેરાઈ સમક્ષ એ અકળામણ વ્યક્ત કરી પણ ખરી – ‘આ તમારો મીર તો ભાર્યે લાલચુ લાગે છે ! આટલી દાદ દીધી તો યે હજી ધરવ નથી થાતો ! અમારે તો આંહી સિમાડે જ સૂરજ આથમી જાશે એમ લાગે છે….’
વેવાઈની ફરિયાદ સાંભળીને તુરત ભૂધર મેરાઈ, જાનનો મારગ રોકીને ઊભેલા મીર પાસે જઈ પહોંચ્યા અને મોટે સાદે સંભળાવ્યું, ‘એલા ડોસલા, આવો ભૂખાળવો ક્યાંથી થ્યો? આટલી બધી દાદ દીધી તો ય હજી તને ધરપત નથી? આટલાં પાવલાં પડ્યાં તોય હજી હાઉ નથી કેતો?”
પણ રમઝુ તો પોતાની શર્રણાઈના સૂર સિવાય બીજું કાંઈ સાંભળે એમ જ ક્યાં હતો? કંટાળીને ભૂધર મેરાઈએ વેવાઈને કહ્યું, “ડોસાની ડાગળી જરાક ચસકી ગયેલ છે. દુખિયો જીવ છે ને એમાં પાછી પાકી અવસ્થા થઈ એટલે હવે કળ-વકળનું ભાન નથી રિયું.”
“એને ભલે કળ-વકળનું ભાન ન હોય પણ અમારે અસૂરું થઈ જાશે એનું શું?” તળશી વેવાઈએ તીખે અવાજે કહ્યું, “એક તો બીકાળો મારગ ને ભેગું જરજોખમ…”
હવે ભૂધર મેરાઈનો મિજાજ હાથથી ગયો. એમણે દાદ પેટે જમીન પર ફેંકાયેલા સિક્કા વીણીને પરાણે મીરની મુઠ્ઠીમાં પકડાવ્યા ને પછી એને હડસેલો મારીને કહ્યું, “એલા લપરા, હવે તો મારગ મોકળો કરીને ઘરભેગો થા! હજી તારે કેટલાક રૂપિયા ઓકાવવા છે? કે પછી મીઠા ઝાડનાં મૂળ ખાવાં છે, માળા માગણ?”
ભૂધર મેરાઈના હડસેલાથી મીર હાલ્યો તો ખરો પણ પોતાના ઘરને – ગામને – મારગે નહીં, સીમને મારગે, સણોસરાને કેડે.
“આ તો હજી સગડ નથી મેલતો.” તળશી વેવાઈ કંટાળીને બોલ્યા, “આ તો અમારી મોર્ય વેતો થ્યો….”
“મર થાતો.” સીમને મારગે સામે ચાલતા રમઝુને જોઈને ભૂધર મેરાઈએ કહ્યું, “થાકશે એટલે એની મેળે પાછો આવતો રહેશે.” અને પછી વેવાઈને છેલ્લી સૂચના તરીકે ઉમેર્યું, “હવે ખબરદાર એને રાતું કાવડિયું પણ આપ્યું છે તો !… તમે પહેલેથી જ છૂટે હાથે દાદ દેવામાંડી એમાં ડોસો સોનાનાં ઝાડ ભાળી ગયો. પણ હવે ભૂંગળું ફૂંકી ફૂંકીને મરી જાય તોય સામું જોશો મા.”
અને પછી બન્ને વેવાઈઓ ભાવે કરીને ભેટ્યા અને જાન સણોસરાને કેડે ચડી.
રમજુ હજી પણ ધૂનમાં ને ધૂનમાં જાનની મોખરે જ હાલ્યા કરતો હતો. પાદરમાં ઊભેલાં લોકો આ ગાંડા માણસની હાંસી ઉડાવતા હતાં. પુત્રી વળાવીને ભારે હ્રદયે ઘર તરફ પાછાં ફરતા હતાં ત્યારે સ્ત્રીઓએ છેલ્લું ગીત ઉપાડ્યું હતું –
એક આવ્યો’તો પરદેશી પોપટો,
બેની રમતાં’તા માંડવા હેઠ
ધૂતારો ધૂતી ગયો…
ધૂનમાં ને ધૂનમાં મોટાંમોટાં ડગ ભરતાં રમઝુને કાને આ ગીતનાં વેણ આછાંપાતળાં અથડાતાં હતાં, પણ એને ખ્યાલ નહોતો કે પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. પુત્રી વિયોગના દુઃખ દર્દમાં એ જાણે કે દિશાશૂન્ય થઈ ગયો હતો.
હવે તો જાનૈયાઓએ પણ મીરની મશ્કરી શરૂ કરી હતી.
“સાવ મગજ-મેટ થઈ ગયો લાગે છે.”
“માગણ કીધાં એટલે હાઉં… આંગળી દેતાં પોંચાને જ વળગે… એના જીવને સંતોષ જ નહીં…”
“મર વગાડ્યાં કરે એનું ભૂંગળું… હાલીહાલીને પગે પાણી ઊતરશે એટલે આફૂડો પાછો વળશે.”
“ને ઠેઠ સાણોસરા સુધી વગાડતો આવે તોય શું વાંધો છે? સામૈયામાં પણ આની જ શરણાઈ કામ આવશે, ગામના મીરને રૂપિયો ખટવવો મટ્યો.”
પણ રમઝુ સાણોસરા સુધી ન ગયો. વચ્ચે કબરસ્તાન આવ્યું કે તુરત એના પગ થંભી ગયા. ધણમાંથી પાછું ફરેલું ઢોર ગમાણનો ખીલો સૂંઘીને ઉભું રહી જાય એમ કબરસ્તાનમાંથી આવતી મરવાછોડની પરિચિત સોડમ નાકમાં જતાં જ મીર ખચકાઈને ઊભો રહી ગયો. પાછળ વરકન્યાને લઈને ગાડું આવતું હતું. અને એની પાછળ જુવાન જાનૈયાઓની ઠીઠિયાઠોરી સંભળાતી હતી. રમઝુની આંખ સામે, સાસરે સોંઢતી ગવર નહીં પણ સકીના પસાર થઈ ગહી. તુરત એનો હાથ ગજવા તરફ વળ્યો. પાદરમાં ભૂધર મેરાઈએ ધૂળમાંથી ઉસરડો કરીને પરાણે ગજવામાં નખાવેલા પૈસા હાથ આવ્યા. જોયું તો સાચે જ દોથો ભરાય એટલા સિક્કા દાદમાં મળી ચૂક્યા જણાયા.
રાંક રમઝુ તો રાજી રાજી થઈ ગયો. હરખભર્યો એ ગાડા નજીક ગયો ને બોલ્યો, “લે ગગી, આ કાપડાના કરીને આપું છું.”
અને હજી તો એ રકમનો સ્વીકાર થાયકે અસ્વીકાર થાય એ પહેલાં તો ઊતરતી સંધ્યાના ઉજાસમાં રમઝુ કબરસ્તાનમાં દાખલ થઈ ગયો. એની એક આંખ સામે ગવરીનું કાપડું અને બીજી આંખ સામે સકીનાનું કફન તરવરી રહ્યું.
આ ચસકેલ માણસના આવા વિચિત્ર વર્તાવ બદલ જાનૈયાઓ ફરી વાર ચેષ્ટા કરતા આગળ વધ્યા.
દિવસને આથમતે અજવાળે રમઝુએ મૃત પત્નીની કબર પાસે બેસીને સરસ સુરાવટ છેડી. એમાં મિલન અને વિયોગના મિશ્ર ભાવોની ગંગા જમુના ગૂંથાઈ ગઈ. પવનની પાંખે ચડીને એ સૂર મોડેમોડે સુધી ગામમાં તેમજ સીમમાં સંભળાતા રહ્યાં. અને અનેક મિલનોત્સુક તેમજ વિયોગી આત્માઓ આ સુરાવટમાંથી એકસરખી શાતા અનુભવતા રહ્યાં.
પણ કમનસીબે રમઝુની શરણાઈની આ છેલ્લી સુરાવટ હતી. એ પછી એ શરણાઈ કે એ સૂર ગામલોકોને કદી સાંભળવા મળ્યા જ નહીં.
– ચુનીલાલ મડિયા
(‘શરણાઈના સૂર’ માંથી સાભાર)
ચુનીલાલ મડીયા આપના સર્વદર્શી સાહિત્યકાર છે, નવલકથા, વાર્તા, નાટક, વિવેચન, અનુવાદ, પ્રવાસવર્ણન, સોનેટસર્જન તથા સંપાદન જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે સર્જન કર્યું છે. પ્રસ્તુત વાર્તા તેમના વાર્તાસંગ્રહ ‘શરણાઈના સૂર’માંથી લેવામાં આવી છે. શરણાઈવાળા રમઝુ મીરનું પાત્રાલેખન ભાવુક અને પુત્રીવત્સલ પિતાના પાત્રને ભાવકના હ્રદયમાં એક અનોખું સ્થાન અપાવે છે. ભૂધર મેરાઈની દીકરીના લગ્ન પછી વિદાયપ્રસંગ પોતાની પુત્રીની વિદાયનો પ્રસંગ હોય એમ સાનભાન ભૂલીને શરણાઈ વગાડતા મીરની મનોદશાનું અનન્ય આલેખન લેખકે આપ્યું છે. ખરેખર તો તે પોતાની શરણાઈના સૂર થકી પિતૃસ્નેહના સૂરોને જ વહાવી રહ્યો છે, પરંતુ જાનૈયાઓ એ સમજવા અસમર્થ છે – એ પ્રસંગનું વિગતે વર્ણન અને વાર્તાનો અનોખો અંત તેને એક યાદગાર સર્જન બનાવે છે. પ્રસંગમાં કરુણતાનું નિરુપણ લેખકની અનન્ય શૈલીનો પરિચય કરાવે છે અને વાચકના હ્રદયને પણ દ્રવિત કરી દે છે. આ વાર્તા આજે બે ભાગમાં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત છે તેનો બીજો ભાગ
No words…….I respect to ramazu’s felling……
બહુ જ સરસ અને સુંદર વાર્તા. આ વાર્તા અમને દસમા ધોરણમાં હતી. વાંચીને ખૂબ જ આનંદ થયો અને આંખમાં આંસુ આવી ગયાં.
amazing and heart touching 🙂
Nice Dil dhruji oothe tevi vaarta se
ચુનીલાલ મડિયા અને ધૂમકેતુ મારા પ્રિય લેખકો છે ‘શરણાઈ ના સૂર ‘ મે ઘણી વખત વાંચી દરેક વખતે શરણાઈ વાળો ‘રમજુ મિર ‘ વાચક ની સામે સાક્ષાત પ્રગટ થાય તેવી મડિયા ની કલમ ની કમાલ છે .
આ બંને લેખકોનું લગભગ બધું સાહિત્ય વાંચ્યા પછી મારૂ એવું તારણ છે કે બંને લેખકોના વાર્તાના મુખ્ય પાત્રો માં કોઈ ને કોઈ ધૂન સવાર હોય છે , સામાન્ય માણસને તે ગાંડપણ લાગે અને આમતો ‘કોઈ પ્રેમ માં પાગલ અને ગાંડા માણસ વચ્ચે એક પાતળી ભેદ રેખા છે .
મનોજ હિંગુ
I studies this story in 8th standard. whenever i read this story, everytime tears are coming to read this story. “Vela vela ni chaydi” novel is also fantastic.. written by shri madiya sir…
This is one of the lessons I studied during my school days, not sure but may in standard 4th. I liked the character Ramjhu. Shri Madiya has very carefully described and expressed the feelings of him for his daughter. The sudden change in situation of the story made my eyes flow. The touching story I have ever read in my life. Hats off to the writer. And thanks to Aksharnaad for uploading the story.