રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ – જગદીશ જોશી 5


આંખ બંધ કરી તમને કોઈએ આપેલી ‘જાદુની ઝપ્પી’ને યાદ કરો, એ સમયે હ્રદયનો કોઈ છેડો ભીનો થઈ ગયો હશે અને એ ભીનાશ આંખમાં રેલાઈને ટપકી પડી હશે ગળામાં શ્વાસ અટકી ગયો હશે, જગત અને જીવનનું અસ્તિત્વ જ ઓગળી ગયું હશે. પણ આવું આલિંગન ક્યારેક અને કોઈકે જ આપેલું હોય છે. એમાં કોઈ લેતી દેતીનો વ્યવહાર નથી, બન્ને પક્ષોએ બસ આપવાનું જ છે. આ જોડાણ – સંબંધ એ પ્રેમસંબંધની ઝલક માત્ર છે. નાના બાળકના માથા પર ફરતો માંનો પ્રેમાળ હાથ બાળક માટે આનંદનું નિમિત્ત બને છે. કેડબરીની મીઠાસની અપેક્ષા વગર બહેનના હાથે ભાઈને બંધાતી રાખડી પ્રેમસંબંધનું પ્રતીક છે. પ્રશ્નોથી થાકી હારીને બેઠા હોઈએ ત્યારે ખભા પર મૂકાયેલો મિત્રનો હાથ એ પ્રેમસંબંધની અનુભૂતિ છે. આવા તો કેટલાય પ્રસંગોમાં અનુભવાતો પ્રેમ સંબંધ જીવન જીવવાનું બળ પૂરૂ પાડે છે. ઘણી વખત તો આ બળ મેળવવા આપણે શાહમૃગવૃત્તિ અપનાવી શુષ્ક સંબંધોની રેતીમાં માથુ નાંખી પ્રેમ સંબંધની ભ્રાંતિમાં જીવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. પણ અંતે તો નિરાશા જ સાંપડે છે.

શું આપણા સંબંધો અપેક્ષા કે જરૂરીયાત આધારિત જ છે? એની ચકાસણી માટે એક પ્રયત્ન કરી શકાય. આપણા સંબંધના ફ્લેશબેકમાં જઈ એક એક પ્રસંગની ફરીથી અનુભૂતિ કરવી પડે અને આ અસંખ્ય ક્ષણોમાંથી કેટલીક ક્ષણોમાં થોડી વાર માટે પણ હ્રદયમાં ભીનાશ ઉભરી હોય તો એ ક્ષણો માટે આપણો જરૂરિયાતનો સંબંધ પણ પ્રેમમાં ફેરવાઈ ગયો, હકીકતમાં તો ઘઉંમાં કાંકરાની જગ્યાએ કાંકરામાં ઘઉંની ભેળસેળની જેમ પ્રેમસંબંધમાં ક્યારેક આવતી જરૂરીયાતની ક્ષણોના સ્થાને જરૂરીયાતના સંબંધમાં પ્રેમની ક્ષણો આવતી થઈ ગઈ. સવાલ આવી ક્ષણોને લાંબો સમય માણવાનો છે. આવી ક્ષણો કેમેરાની ફ્લેશની જેમ શુષ્ક જીવનમાં પ્રકાશ પાથરી અંધારામાં ઓગળી જાય છે. આપણૅ બધા ઈચ્છીએ છીએ કે આપણને પ્રકાશમય જીવન મળે, પણ ક્ષુલ્લક સંબંધોના અંધારામાં અટવાયા કરીએ છીએ અને શુષ્ક જીવન વ્યતીત કરીએ છીએ.

આમાં વાંક આપણો જ છે ને? સાવ એમ કહી શકાય એવું પણ નથી કારણકે જીવવા માટેની મજબૂરીમાં પણ જરૂરીયાતના સંબંધોમાં તણાવું પડે છે. હા, પણ એટલું તો ચોક્કસ કહી શકીએ કે આવા સંબંધોમાં લક્ષ્મણરેખાની જેમ મર્યાદા રેખા બાંધી શકીએ જેથી સંબંધોમાં મર્યાદા રાખીએ અને જરૂરીયાત સંતોષાતા અસ્ત થતા સંબંધના કારણે દિલમાં દુઃખ નહીં થાય. કારણકે આપણે પહેલેથી જાણતા હોઈશું કે આ સંબંધ ફક્ત જરૂરીયાત સાચવવા પૂરતો જ હતો અને કદાચ જરૂરીયાત ન સંતોષાય ત ‘તું નહીં ઔર સહી’ની જેમ અન્ય સંબંધ બાંધવામાં ક્ષોભ ન થાય.

વર્તમાન યુગમાં જરૂરીયાતને જ પ્રેમનો પર્યાય બનાવી ‘નહીં માલૂમ હસરત હૈ યા તું મેરી મુહબ્બત હૈ, બસ ઈતના જાનતા હું કે મુજકો તેરી જરૂરત હૈ…’ આ જરૂરત જ છલકે છે. સામે પક્ષે એક જૂનું ગીત પણ યાદ આવે છે, ‘સિર્ફ અહસાસ હૈ યે રૂહસે મહસૂસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો…” સવાલ આપણી રૂહનો છે, ક્યાં ખોવાઈ ગઈ છે? ના! ખોવાઈ ગઈ નથી પણ ફક્ત તેના પર પડ ચડી ગયા છે. તમે ક્યારેય ડુંગળીનો મધ્ય ભાગ એકલો ખાધો છે? ખાઈ જુઓ, સાકર જેવો લાગશે પણ તેના પર તીખાશના પડ ચડી ગયા છે, ન ગમતી વાસ ફેલાવે છે. આપણા પણ સાકર જેવા આત્મા પર અપેક્ષાઓના તીખા પડ ચડી ગયા છે અને ન ગમતી જીંદગી જીવવી પડે છે. ‘આત્મા’ શબ્દ વાંચીને ઘણાને આ વાત ઉપદેશાત્મક લાગવા માંડશે પણ આપણે આત્મા-પરમાત્માની વાત નથી કરવી કારણકે જીવન સંધ્યાએ તમે દોડી દોડીને થાકી ગયા હશો ત્યારે હાશકારો મેળવવા તમે જ એ ઉપદેશો સાંભળવા દોડી જશો. આપને તો પ્રેમભર્યું જીવન જીવવા અને સંબંધોમાં પ્રેમ પાંગરતો જોવા ઈચ્છીએ છીએ. આવું જીવન જીવવાનો પ્રયત્ન તો કરી શકીએ ને! કરવાનું છે ફક્ત એટલું કે ડુંગળીના ફોતરાઓ – અપેક્ષાઓને ઓળખવાનાં છે, જો એ જાણકારી મેળવી લઈશું તો એના થકી બંધાતા સંબંધોને પણ ઓળખશું અને એવા સંબંધોની ભરતી ઓટ કે અસ્ત વખતે કોઈ તકલીફ નહિં થાય. કદાચ આનંદ ન થાય તો પણ ‘એ તો એમ જ હોય’ એવું સ્વીકારી દુઃખ તો નહિં જ થાય.

અપેક્ષા રહિત પ્રેમસંબંધોનો વિકાસ કરવા જેવો છે, પ્રયત્ન કરી જુઓ અને એ પ્રયત્ન કરવાની ઈચ્છા ન થતી હોય તો જિમ્દગી આમ જ જીવાય એમ માનીને શુષ્ક જીવન પસાર કરવામાં પણ વાંધો નથી.

પ્રભુ તમને યોગ્ય પ્રેરણા આપે.

– જગદીશ જોશી


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ – જગદીશ જોશી