ચાર અછાંદસ રચનાઓ – વિજય જોશી 5


૧. જીવ

શું ખબર
અજ્ઞાન શરીરને કે,
આખી જીંદગી ઘસાયું
સાંચવવા જે જીવને,
એ કૃતઘ્ન જીવ
સાંભળી પગરવ મૃત્યુના,
નાસી જશે,
શોધવા નવું શરીર
પુનર્જન્મમાં!

૨. કાળું ગુલાબ.

પ્રયોગશાળામાં
કાળા ગુલાબે
પૂછ્યું વિજ્ઞાનીને,
શું તે દુનિયાનો ઈતિહાસ વાંચ્યો નથી?
કાળા રંગ ઉપર થયેલા
અમાનુષી અત્યાચારો વિશે
શું તને ખબર નથી?
કાળું એટલે કદરૂપું માનનારા,
સ્વભાવને બદલે રંગ
અને રૂપને મહત્વ આપનારા,
ગુલાબને
સુંદરતાનું પ્રતિક માનનારા
તારા સમાજમાં
મને કોઈ સ્થાન નથી.

ફૂલવાળાની રેકડીમાં ન વેચાએલા
આ કાળા ગુલાબની
અચાનક આંખ ખુલી ગયી.
સપનું ટૂટી ગયું.
મરવાની આશા કરતું,
જીવવાનો ઢોંગ કરતું,
કચરાપેટીમાં એકલું
રડતું કરામાયેલું
કાળું ગુલાબ.

૩. યેશુ –

સદીઓથી
ક્રોસ ઉપર લટકું છું
માનવજાતને બચાવવા,
થાકી ગયો છું
માણસાઈ બતાવો,
નીચે ઉતારો મને!

૪. ચિતા –

અગ્નિદાહ આપી તને,
જોયું મેં પાછું વળી,
શરીર એકલું
ચાલતું’તું મારું,
પ્રાણ મારો
ચિતામાં છોડી!

ગાંધીજીને અસહકારની પ્રેરણા આપનારા મહાન અમેરિકન ફિલોસોફર હેન્રી ડેવિડ થરોં અછાંદસનું (Free Verse) વર્ણન કરતા કહે છે, “કદાચ કવિને ભિન્ન પ્રકારનો શબ્દનાદ સંભળાતો હશે, એ નાદ સાથે એને પગલાં માંડવા દ્યો – એક કે અગણિત.” તો ટી એસ ઈલિયટ કહે છે, ” “No verse is free for the man who wants to do a good job.”

આજે પ્રસ્તુત છે શ્રી વિજય જોશી દ્વારા પ્રસ્તુત ચાર અનોખા અછાંદસ, વિષયો છે જીવ, કાળુ ગુલાબ, યેશુ અને ચિતા. ચારેય અછાંદસ ભિન્ન પૃષ્ઠભૂમિને અને નોખા વિષયોને રજૂ કરે છે.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “ચાર અછાંદસ રચનાઓ – વિજય જોશી