અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૨ – સં. જીજ્ઞેશ અધ્યારૂ 5


ગઈકાલે પ્રસ્તુત કરેલો આ શૃંખલાનો પ્રથમ ભાગ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

સલીમ જાવેદની જોડીએ ઝંઝીર ફિલ્મની પટકથા લખી હતી, પ્રકાશ મહેરા તેના નિર્દેશક હતા. અમિતાભની પસંદગી જાવેદ અખ્તરની હતી. પહેલા દિવસના શૂટીંગમાંજ એ પસંદગી સાચી છે એવી ખાત્રી તેમને થઈ ગઈ, જ્યારે એ દ્રશ્યમાં પ્રાણ પોલીસ સ્ટેશનમાં આવે છે અને ઈન્સપેક્ટર અમિતના ટેબલ પાસે આવીને ખુરશી પર બેસવા જાય છે, અમિત એ ખુરશીને લાત મારીને કહે છે, ‘જબ તક બૈઠને કો ન કહા જાય, શરાફતસે ખડે રહો. યે પુલિસ સ્ટેશન હૈ તુમ્હારે બાપ કા ઘર નહીં.” પ્રાણે એ દ્રશ્ય પછી પ્રકાશ મહેરાને કહેલું, “હિન્દી સિનેમાને ખૂબ મોટો અભિનેતા આવી ગયો છે.”

ઝંઝીર ખૂબ સફળ થઈ પણ એ પહેલા તેમને ‘હેરાફેરી’ મળી ગઈ હતી, અને તેમની મિત્ર જયા ભાદુડી સાથે વિદેશ ફરવા જવાનો નિર્ણય પણ તેમણે કરી લીધો. પરંતુ તેમના પિતાએ કહ્યું કે લગ્ન કરીને જ તેઓ જઈ શકે, અને ફક્ત બે જ દિવસમાં લગ્ન સંપન્ન થઈ ગયા. પ્રેમલગ્ન હોવા છતાં તેઓએ કદી એ પ્રેમની શબ્દો દ્વારા અભિવ્યક્તિ કરી નથી, કે ન લગ્ન પ્રસ્તાવ માટે એવી કોઈ વિશેષ અભિવ્યક્તિ. બંને સમજી ગયા કે એક બીજા માટે અપરિહાર્ય છે. એ લગ્ન થયા ૩ જૂન ૧૯૭૩ના દિવસે. અમિતાભ કહે છે, “જયાને પસંદ કરવા પાછળનું કારણ હતું તેની સૌમ્યતા, મને તેનામાં એક સંપૂર્ણ સ્ત્રી દેખાઈ હતી, પત્ની તરીકે મારે એવી સ્ત્રી જોઈતી હતી કે જે મારા પરિવારને સમજવાનો પ્રયત્ન કરે, મારા માતાપિતાને મનથી સાચવે, લગ્ન કરીને અલગ રહેવાની માનસિકતા કદી હતી નહીં, એટલે જ પત્ની તરીકે ભણેલી, ઘરેલુ, વિશાળ હ્રદયવાળી, સુરુચિ સંપન્ન, ભદ્ર સ્ત્રીની કામના કરેલી. એવી વહુ જેનાથી મારા માતા પિતા સંતુષ્ટ હોય, ખુશ હોય. જયા મને એ રીતે ઉપર્યુક્ત લાગી હતી.”

જો કે અમિતાભ અને જયાજીના લગ્નજીવનમાં આવેલા ઉતાર ચઢાવ અથવા આંતરીક ઘર્ષણની વાતો કદી સપાટી પર – મીડીયામાં આવી નથી, એ તેમના પરિવાર સુધી જ સીમીત રહી છે. ફિલ્મી પત્રિકાઓમાં તેમનો આંતરકલહ જૂજ પ્રસંગોએ જ પ્રસ્તુત થયો છે. જો કે ભારતીય સિનેમાજગતમાં સંબંધો બનવાની અને તૂટવાની વાતો સૌપ્રથમ આ પત્રિકાઓ જ બહાર પાડે છે, અને મોટે ભાગે જેમના વિશે આ સમાચારો છપાય છે તેઓ પોતે જ છપાવે છે. તેમની સાથે ફિલ્મનું નસીબ જોડાયેલું હોય છે, કલાકારોનું ભાગ્ય, નિર્માતાઓના પૈસા અને શાખ – ઘણું આ પત્રિકાઓના સમાચારો પર આધાર રાખે છે. પણ અમિતાભનું કહેવું છે કે પરિવારનું કોઈ વ્યક્તિ જ્યાં સુધી આવા સમાચાર ન ફેલાવે ત્યાં સુધી પત્રિકાઓને માટે એવા સમાચારો મેળવવું અઘરું છે. અમિતાભ માને છે કે તેમના પરિવારે કદી આ પ્રકારના પ્રચારનો સહારો લીધો નથી, તેઓ કહે છે કે લગ્નના ઘણા વર્ષો થઈ ગયા, માન-અપમાન અથવા ખેંચતાણ આપસમાં થઈ હોય તેને જીવનનો સ્વભાવિક નિયમ સમજીને જ વર્ત્યા છીએ. મિથુન ચક્રવર્તીની એક વાત પણ અહીં ટાંકી છે જેમાં તેઓ કહે છે, “ઈંડસ્ટ્રીમાં ફક્ત એક જ મહિલાથી હું ડરું છું, અમારો સંબંધ ભાઈ બહેનનો હોવાથી શું થયું, જયાજીના વ્યક્તિત્વ સામે હું સમેટાયેલો જ રહું છું. મને લાગે છે કે અમિતાભ જેવા મૂડી માણસને સાચવવાની ક્ષમતા ફક્ત એક જ વ્યક્તિમાં છે એ છે જયાજી.”

‘ઝંઝીર’ની સફળતાથી અમિતજી એંગ્રી યંગ મેન સ્વરૂપે સ્થાપિત થઈ ગયા, તે પછી સલીમ જાવેદની જોડીએ ‘દીવાર’ની સ્ક્રિપ્ટ લખી. મુંબઈના બારામાં પાંગરેલા હાજી મસ્તાનના જીવનના અંશ, ઑન ધ વોટર ફ્રંટના પ્રસંગો તથા અમિતાભના વ્યક્તિત્વને લઈને એ કથા તૈયાર કરાઈ હતી. યશ ચોપડાને જે દિવસે તે મળી તેના બીજા જ દિવસે તેને બનાવવાનો નિર્ણય થઈ ગયો. અમિતાભ ‘દીવાર’ની પટકથાને સૌથી વધુ ચુસ્ત અને સચોટ ગણે છે તો નિર્માતા, નિર્દેશક એમ બધા તેનાથી પ્રભાવિત થયેલા. ગુલશન રાય શશિકપૂરની બદલે એ ભૂમિકા રાજેશ ખન્ના પાસે કરાવવા માંગતા હતા કારણકે અમિતાભ અને રાજેશ ખન્નાની જોડીની ફક્ત બે જ ફિલ્મો આવી હતી. પણ યશ ચોપડાને લાગ્યુ કે પોલીસ ઓફિસરની એ ભૂમિકામાં રાજેશ ખન્ના નહીં જામે, ‘દીવાર’ પૂર્ણ થવા આવી ત્યારે બધાને એ ખ્યાલ આવ્યો કે એમાં એક પણ ગીત નથી, જે પછીથી ઉમેરવામાં આવ્યા. ૧૯૭૫ના જાન્યુઆરીમાં ‘દીવાર’, માર્ચમાં ‘ઝમીર’, એપ્રિલમાં ‘ચુપકે ચુપકે’, જૂનમાં ‘મિલિ’ અને ઓગસ્ટમાં ‘શોલે’ રજૂ થઈ. અને એ સાથે અમિતાભ બીજા બધાને પાછળ મૂકીને ક્યાંય આગળ વધી ગયા. એ વન મેન ઈન્ડસ્ટ્રી કહેવાવા લાગ્યા. શત્રુઘ્ન સિન્હાએ શોલે માટે ઈનકાર કર્યા પછી તેમની ભૂમિકા અમિતાભને મળેલી. શોલેના એ રોલ માટે અમિતાભ ધર્મેન્દ્ર પાસે ગયેલા, જેમણે રમેશ સિપ્પીને એ માટે વિનંતિ કરી અને અમિતાભને એ રોલ મળ્યો. શોલેના એક દ્રશ્યમાં ધર્મેન્દ્ર એટલો બધો દારૂ પી ગયેલા કે તેમનાથી અચાનક ગોળી ચલાવાઈ ગઈ જે અમિતાભની બગલમાંથી નીકળી ગઈ.

શોલે પ્રથમ દિવસથી હિટ નહોતી, રિપોર્ટ ખરાબ હતા, એટલે પ્રથમ દિવસના અંતે રમેશ સિપ્પી, જી પી સિપ્પી, સલીમ જાવેદ વગેરે અમિતાભના ઘરે પહોંચ્યા, તેમનું માનવું હતું કે અંતમાં અમિતાભના મૃત્યુને દર્શકો પચાવી શક્યા નથી, એટલે આખા ફિલ્મના યુનિટને પ્લેન દ્વારા બેંગલોર લઈ જઈ એ દ્રશ્યનું ફરીથી શૂટિંગ કરવાની વાત ચર્ચાઈ રહી હતી. એ તકલીફ હતી પેઈડ ઑડિયન્સને લીધે, એવા દર્શકો જેમને ફિલ્મના સારા દ્રશ્યો પર બૂમો પાડવા અને બગાડવા મોકલાયા હોય. પણ શનિ અને રવિ પછી સારા રિપોર્ટ આવતા રહ્યા અને નવુ અઠવાડીયાથી તે સતત સુધરતા રહ્યા. અને પછી તો અસાધારણ… ‘મુકદ્દરકા સિકંદર’, ‘લાવારિસ’, ‘નમકહલાલ’ અને ‘શરાબી’ એ બધી ફિલ્મોની વાર્તા એકબીજાથી ભિન્ન હતી, તેમાં લેશમાત્ર સમાનતા નહોતી, શરાબીનું આલ્કોહોલિકનું ચરિત્ર ભજવવા અમિતજીએ કદી શરાબને હાથ લગાડ્યો નથી, કારણકે એ સમયે શરાબને છોડી ચૂક્યા હતા, પણ તેમના અભિનયમાં એ પાત્ર ખૂબ સુંદર રીતે ઝળકે છે.

રેખા, જયાજી અને અમિતાભને લઈને બનેલી સિલસિલા પણ ખાસ ચાલી નહીં, જો કે એ વખતે ચાલતી અમિતાભ – રેખાના પ્રણયની વાતોને લઈને એ ફિલ્મ ચાલશે એ વિશે નિર્માતાઓને શંકા નહોતી, પણ એ ચાલી નહીં. યશ ચોપડાને હતું કે ફિલ્મની પાત્ર વરણી ફિલ્મને ચલાવવામાં મદદ કરશે, પરંતુ જાવેદ અખ્તર કહે છે કે ફિલ્મની નબળી પટકથા અને પરંપરાગત વર્તુળમાંથી બહાર ન આવી શકવાની યશ ચોપડાની મજબૂરીએ ફિલ્મ પીટાઈ ગઈ. રેખાની સાથે અમિતાભના વિષયને લઈને એક ખૂબ લાંબો ઈન્ટર્વ્યુ આ પુસ્તકમાં છે જેમાં રેખા તેમના કથિત પ્રેમ સિવાયની વાતો ખૂબ ખેલદીલીથી કરે છે. એમાં તેમની સરળતા અને સાદગી ઝળકે છે.

જે અગત્યની ઘટનાની વાત ખૂબ વિગતે અહીં ચર્ચાઈ છે તેમાં મુખ્ય છે અમિતાભનો ‘કુલી’ના સેટ પર થયેલો ૨૪ જુલાઈ ૧૯૮૨નો અકસ્માત. ચિટફંડનું દ્રશ્ય હતું જેમાં ચિટફંડ દ્વારા પૈસા બરબાદ થવાના સમાચારે અમિતાભ ત્યાં પહોંચીને પુનિત ઈસ્સાર સાથે મારામારી કરશે. મારામારી સામાન્ય હતી એટલે ડમીનો ઉપયોગ કરાયો નહોતો. અમિતાભ બને ત્યાં સુધી ડમીનો ઉપયોગ કરતા નહીં, એટલે મનમોહન દેસાઈએ તેમને વધુ ભારથી કહ્યું પણ નહિં. પુનિતના ડાબા હાથનો મુક્કો અમિતાભને પેટમાં જમણી તરફ લાગવાનો હતો. વાંકા વળી, એ સહન કરી અમિતાભે એક ગુલાંટ મારવાની હતી અને પાછળ રાખેલ એક મેજ પર પડવાનું હતું.

ફાઈનલ ટેક સુધી બધુ બરાબર હતું, પણ દ્રશ્યમાં પુનિતનો મુક્કો વાગતા જ અમિતાભ પલટીને મેજ સાથે અથડાઈ ગયા, અને ફ્લોર પર પડી ગયા. મનમોહન દેસાઈ કટ કહીને બૂમ પાડી ત્યારે લોકોએ જોયું કે અમિતાભ પેટ વાંકા ઉભા થયા અને ખુરશી પર બેસી પડ્યા. એમણે મનમોહન દેસાઈને કહ્યું, ‘મુક્કો પેટમાં ખોટી જગ્યાએ વાગી ગયો છે, ખૂબ દુઃખે છે.”

થોડીક વાર પછી પણ દુખાવો ઓછો ન થયો એટલે મનમોહન દેસાઈએ વાગ્યું હતું એ જગ્યાએ જોયું પણ કાંઈ નિશાન નહોતું, તેમણે અમિતાભને કોફી આપી જેને લઈને તે ખુલ્લી જગ્યામાં આવીને બેસી ગયા, ટોઈલેટ પણ જઈ આવ્યા પરંતુ દુઃખાવો ઓછો ન થયો એટલે આખરે તે હોટલ જતા રહ્યા. પાંચ કલાક સુધી દુખાવો ઓછો ન થયો એટલે તેમણે ડોક્ટરને બોલાવ્યા, જેણે તપાસીને ઉંઘની ગોળી આપી. આખી રાત તેમણે બેચેનીમાં જ વિતાવી અને પહેલા જયાજી આવ્યા પછી અજિતાભ બચ્ચનને ફોન કરીને તેમના ફેમિલી ડોક્ટર સાથે બોલાવાયા. જો કે અઢાર કલાક વીતી ગયેલા અને કોઈ નિદાન ન થયું એટલે એ ડોક્ટરને પણ ચિંતા થઈ પરંતુ તે નિદાન ન કરી શક્યા, અમિતાભના પેટનો એક્સરે લેવામાં આવ્યો, પણ એક્સરેમાં કાંઈ ચિંતાજનક દેખાયું નહીં. ડોક્ટરોએ અમિતાભને સાંત્વના આપી.

સોમવારે પણ તકલીફ ઓછી ન થઈ, ઉલટુ હાલત વધુ ખરાબ થતી ગઈ, પેટમાં સોજો વધવા લાગ્યો અને સખત થઈ ગયો અને ડોક્ટરો કાંઈ સમજી શક્તા નહોતા, તેમના આંતરડાની નસ અને બે આંતરડા વચ્ચેનો સાંધો ફાટી ગયેલા અને તેમાંથી ગેસ પેટમાં જમા થઈ રહ્યો હતો, પેશીઓ ફાટી ગઈ હતી જેથી સેપ્ટિક થવાનો ખતરો પણ ઉભો થયેલો, પરંતુ એક્સરેમાં દેખાતું હોવા છતાં ડોક્ટરોનું ધ્યાન તે તરફ નહોતું ગયું. તેમની આ તકલીફની વાત માધ્યમોમાં અનેક અફવાઓ સ્વરૂપે ફેલાઈ ગઈ. મંગળવારે ડોક્ટરો પર દબાણ ખૂબ વધી ગયું કારણકે અમેરિકાથી રાજીવ ગાંધીએ કર્ણાટકના મુખ્યમંત્રીને ફોન કરી ઈલાજમાં ધ્યાન આપવા કહ્યું. ગંભીર અવ્યવસ્થા પર પણ એમણે અંગુલિનિર્દેશ કર્યો. અમિતાભ હવે જીવન મરણ વચ્ચેની હાલતમાં પહોંચી ગયેલા પણ ડોક્ટરોને હજુ ખબર નહોતી કે તકલીફ ક્યાં થઈ છે. અમિતાભને મુંબઈ બ્રિચકેન્ડી લઈ જવાની તૈયારીઓ કરાઈ. એ સમયે અન્ય ઓપરેશન માટે ડૉ. ભટ્ટ ત્યાં આવેલા હતા, વિનંતિ કરીને તેમને અમિતાભને જોવા માટે કહેવાયું. અમિતાભને લઈ જવાય એવી સ્થિતિ પણ રહેતી નહોતી કારણકે તેમને તાવ ૧૦૨ ડિગ્રી સુધી વધી ગયો, ધબકારા ૧૮૦ પ્રતિ મિનિટ થઈ ગયા. ડૉ. ભટ્ટના સૂચન અનુસાર તરત ઓપરેશન થિયેટર તૈયાર કરીને અમિતાભને લઈ જવાયા, પેટ ચીરતા જ જમા થયેલ કચરો, ગેસ અને લોહી બહાર નીકળવા લાગ્યા. ત્રણ કલાક તેમનું ઓપરેશન ચાલ્યું. ઓપરેશન ચાલતું હતું ત્યારે બહાર મૂશળધાર વરસાદ વરસતો હતો, અને તેમના હજારો પ્રસંશકો તેમના માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા. ઓપરેશન સફળ થયું પણ એ ધરપત ક્ષણજીવી હતી, બુધવારે ડોક્ટરોને લાગ્યુ કે તેમને ન્યૂમોનિયા થઈ ગયો છે, અમિતાભ ડિપ્રેશનમાં જતા રહેલામ તેમણે પ્રલાપ શરૂ કરેલો, શરીરન હિસ્સાઓમાં લાગેલી નળીઓને એ ફેંકી દેવા લાગ્યા હતા, ગુરુવારે ડોક્ટરોને લાગ્યુ કે તેમની કિડની કામ નથી આપી રહી, શુક્રવારે હાલતમાં થોડોક સુધારો થયો પણ કમળાની આશંકા જન્મી, તેમને મુંબઈ લઈ જવાનું નક્કી કરાયું, એક પ્લેનમાં આગળની સીટો કાઢીને તેમનો પલંગ ફિટ કરવાનું નક્કી કરાયું. અને હોસ્પિટલને દરવાજે ઉભેલા હજારો લોકોને ચૂકાવીને પાછળના દરવાજેથી પ્લેનમાં અને ત્યાંથી મુંબઈ લઈ જવાયા.

૨ ઓગસ્ટે ફરીથી ઓપરેશન કરાયું, અગાઊના ઓપરેશનના તૂટી ગયેલા ટાંકાને લીધે સેપ્ટિક થઈ ગયેલું, આઠ કલાકના એ ઓપરેશન પછી જ્યારે ડોક્ટરો બહાર આવ્યા ત્યારે અમિતાભનું જીવન ભગવાનના સહારે હતું, એ પછી તરતજ બ્રિટિશ સર્જન પીટર કોટને ઓપરેશન દ્વારા લોહી વહેતુ હતુ એવા આંતરીક ઘાને તેમણે બાળીને બંધ કરી દીધા. ૪ ઓગસ્ટે જ્યારે રાજીવ ગાંધી ત્યાઁ પહોંચ્યા ત્યારે અમિતાભ બેહોશ હતા, તે પછી ચારેક દિવસમાઁ ઈન્દિરા ગાંધી પણ સોનિયા ગાંધી સાથે તેમને જોવા આવ્યા. દમની તકલીફને કારણે ગળામાંથી પણ એક નળી અમિતાભને લગાડેલી હતી. આ આખોય વખત તેમના માટે આખા દેશમાં પૂજા, પ્રાર્થના, નમાઝ, બંદગી થતા રહ્યા, લોકો તેમના માટે ચિંતિત રહ્યા, બધા સમાચારપત્રોમાં તેમના તબીયતના બુલેટિન પ્રસ્તુત થતાં. ૨૪ સપ્ટેમ્બરે બ્રિચકેઁડી હોસ્પિટલથી તે ઘરે પ્રતીક્ષા બંગલે પાછા આવ્યા, આખા રસ્તાની દિવાલો તેમના માતે શુભેચ્છા સંદેશથી ભરેલી હતી, લોકો તેમના ઘરની બહાર કેઅઠા થયેલા. એ બધા તરફ હાથ હલાવીને અમિતાભે કૃતયતા વ્યક્ત કરી. એ પછી ઘરે પાછા આવ્યા બાદ તરત તેમણે મનમોહન દેસાઈને બોલાવીને પેલું દ્રશ્ય ફરી જોવાની ઈચ્છા વ્યક્ત કરેલી અને એમ થયું પણ ખરું. વિશ્વભરના માધ્યમોએ તેમના આ અકસ્માતની નોંધ લીધી. લાખો લોકોએ તેમના માટે ઉપવાસ કરેલા, માનતાઓ રાખી હતી, મંદિર મસ્જિદ, દેવળોમાં પ્રાર્થનાઓ થયેલી, યજ્ઞો થયેલા, લોકોના પ્રેમનો આસ્વાદ અમિતાભે પણ એ પહેલી જ વખત ચાખ્યો. મનમોહન દેસાઈ કહે છે કે આ વ્યક્તિની વિશેષતા, તેનો વર્ગ, તેની ભદ્રતા આખા ફિલ્મજગતમાં શોધી નહીં મળે. કોઈક બીજુ હોત તો કહેત કે તે હવે પુનિત સાથે કામ નહીં કરે, પરંતુ અમિતાભે તો પહેલો શોટ તેમની સાથે જ આપ્યો, જ્યાંથી દ્રશ્ય અટક્યું હતું ત્યાંથી ફરી શરૂ થયું.

આ સિવાય પુસ્તકમાં વિશ્વનાથ પ્રતાપસિંહ, ધીરુભાઈ અંબાણી, અરુણ નહેરુ વગેરેની સાથેની રાજીવ ગાંધી અને તેમની રાજનૈતિક ખેંચતાણ, કાવાદાવાઓ, ગંદી રાજરમત અને હાર જીતની વિવિધ ક્ષણૉ વિગતે વર્ણવાઈ છે. બોફોર્સ વિશે લગભગ પચાસથી વધુ પાનાંઓમાં વર્ણન છે, જેના લીધે અમિતાભ આખા દેશની નજરમાં, માધ્યમોની નજરમાં કસૂરવાર બની ગયા હતા, પરંતુ એ તકલીફમાંથી પણ આત્મશ્રદ્ધાના જોરે, પોતાને ખોટા સંડોવાયા છે એ વાત લોકોને ગળે ઉતારીને તે બહાર નીકળ્યા. તેમની સાથે વિશ્વનાથ પ્રતાપસિંહની દુશ્મનીની વાત, તેમના એમ.પી. બનવાથી રાજીનામું આપવા સુધીની પ્રક્રિયા વગેરે ખૂબ સચોટ વર્ણવાયું છે.

અમિતાભ બચ્ચન વિશે નસીરુદ્દીન શાહે એક ઈન્ટર્વ્યુ માં કહેલું કે અમિતાભે કોઈ મહાન ફિલ્મો નથી કરી, તેમની ફિલ્મ મજેદાર હતી, જેમ કે શોલે, પણ એ મહાન નહોતી. જીવનના અનેક ચડાવ ઉતાર વચ્ચેથી બહાર આવીને, નોકરી છોડીને હિન્દી ફિલ્મોમાં હીરો બનવાની, ત્યાંથી નિષ્ફળ થઈ સફળતા માટે સતત સંઘર્ષ કરવાની, એમ.પી બની જનતા માટે કામ કરવાથી લઈ આરોપોમાં ઘેરાઈને રાજીનામું આપવાની, સફળતા અને નિષ્ફળતાની અનેક સીમાઓ સતત જોવાની, મૃત્યુના મુખમાંથી પાછા ફરવાની, ફરી બેઠા થવાની અને સતત સંઘર્ષ કરી પોતાના સ્તરને ગુમાવ્યા વગર ટકી રહેવાની તેમની ક્ષમતા તેમને ભારતના લોકોના હ્રદયમાં મહાનાયક બનાવે છે, એવા નાયક જેમનું સ્થાન કરોડો લોકોના હૈયામાં અવિચળ છે – લોકોના મનમાં તેઓ બેતાજ શહેનશાહ છે. આજે પણ એ ઠાલી સફળતાની નહીં, સંઘર્ષ કર્યા પછી મેળવેલ સફળતાની પ્રતિમૂર્તિ છે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૨ – સં. જીજ્ઞેશ અધ્યારૂ

 • Heena Parekh

  અમિતાભના જીવન વિશે વાંચવાનું ગમ્યું. અનુવાદની કળા આપે બાખૂબી હસ્તગત કરી છે.

 • Harshad Dave

  મહાન માનવોના જીવન ચરિત્ર વાંચવામાં બહુ ઓછા લોકો રસ ધરાવતા હોય છે. પરંતુ આજનો ફિલ્મી ઘેલછા ધરાવતા દરેક યુવકો જો આ કથા વાંચે (અને મને લાગે છે કે વાંચશે) તો તેઓના જીવનમાં સારાં અને સુખદ વળાંક આવી શકે. તો તેઓ છાશવારે કરતા આપઘાત અને તેનાં વિચારોને અનધિકૃત પ્રવેશ કરતાં અટકાવી શકે. આગળ વધવાની પ્રેરણા મેળવી શકે. સંઘર્ષ એ માત્ર એક ફિલ્મનું નામ નથી પરંતુ જીવનનિ વાસ્તવિકતા છે એ હકીકત સમજી શકે. મહાનતાના માત્ર ગુણગાન ગાયા કરવા એ અભિગમ બિલકુલ યોગ્ય નથી. મહાન કેવી રીતે બની શકાય અને તે માટે શું કરવું જરૂરી છે તે સમજીને યથાશક્તિ જીવનમાં ઉતારવામાં આવે તો કાઈ બાત બને. વિકલ્પ ન હોય તેનાં વિકલ્પ શોધવા વ્યર્થ છે. દરેક મહાન વ્યક્તિએ સમય, શક્તિ, સંપત્તિ વ.નો ભોગ આપ્યો જ હોય છે અને આપણે નસીબને ભરોસે બેસી રહી શકીએ એટલા નસીબદાર તો નથી જ, જે હોય તેને તેનાં નસીબ મુબારક પણ તેમાં તેનું કર્તૃત્વ અને વ્યક્તિત્વ, આવડત અને હોશિયારી નથી જ નથી. – હદ

 • Ashok Vaishnav

  અમિતાભની ‘ટકી રહેવાની ક્ષમતા’ (surviver instinct)ખરેખર અનુકરણીય છે.
  નસીરૂદ્દીન શાહે કરેલ એક વિધાન જેવું જ વિધાન ‘૭૦ના દાયકાના અંતમાં કે ‘૮૦ના દાય્કાની શરૂઆતમાં ‘શતરંજ કે ખિલાડી’ તે સમયનાં રૂપાલી થીયેટરમાં જોવા ગયા હતા ત્યારે સાંભળવા મળેલ. મ્ધ્યચાલીસીના એક દર્શક ફિલ્મ પૂરી થયા પછી બહાર નીકળતાં કહી ર્હ્યા હતા કે સત્યજીત રે આવડા મોટા દિગ્દર્શક કેમ કહેવાયા હતા તે આજે સમજાયું. તે સમયનાં અવધમાં જે પ્રકારની શિથિલતા અને સુસ્તી હશે તે આખાં પિક્ચર દરમ્યાન અનુભવાતી હતી. અને તેમણે પાત્રોની પસંદગીમાં પણ કેટલી નજર દોડાવી છે. સંજીવકુમાર અને અમજદ આટલા સારા એક્ટર છે તે પણ આજે જ ખબર પડી. તેમણે અમિતાભના અવાજનો જ ઉપયોગ કર્યો તે પણ તેમની સુઝ જ બતાવે છે ને!
  એ વર્ગ આજે કદાચ અમિતાભ દ્વારા અભિનિત તેમના બીજી ઇનિંગ્સનાં બધાં પાત્રો વિષે શું માનત હશે તે જાણવાની ઉત્સુકતા તો થઇ આવે.