અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૧ – સં. જીજ્ઞેશ અધ્યારૂ 14


પ્રથમ ભાગ :-

અમિતાભ બચ્ચનના જીવનનો વિગતે પરિચય અને તેમના તથા શ્રી હરિવંશરાય બચ્ચન અને શ્રીમતી તેજી બચ્ચનના જીવનને વિગતે વર્ણવતું પુસ્તક ‘અમિતાભ બચ્ચન’ સૌમ્યો વંદ્યોપાધ્યાય દ્વારા લખાયેલું છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક પ્રસંગ છે. પ્રસંગ તો વિદેશનો છે પણ ભારતીય જનમાનસની સિનેમા પ્રત્યેની ગાંડપણની હદ સુધીની ભાવનાને પણ તે તાદ્દશ બંધ બેસે છે.

ઈ.સ. ૧૯૪૨ના અરસાની આ વાત છે જ્યારે બીજા વિશ્વયુદ્ધની તાણમાંથી બહાર આવવા અમેરિકન લોકો મોજ મસ્તીમાં ડૂબી જવા માંગતા હતા. ફ્રેંક સિનાત્રાને ચર્ચિત કરવા તેમના પ્રેસ પ્રતિનિધિ જ્યોર્જ ઈવાન્સે એક કીમીયો અજમાવ્યો. તેણે બાર યુવતીઓને કરારબદ્ધ કરી, એ યુવતીઓને શીખવવામાં આવ્યું કે ફ્રેંકનું ગીત શરૂ થાય કે તરત તેમણે “ઓ ફ્રેંકી, ઓ ફ્રેંકી” બોલીને ચીસો પાડવી અને પાગલોની જેમ શરીરને હલાવતા જાણે ખજાનો મળી ગયો હોય, આનંદની અવધિ આવી ગઈ હોય તેમ દોડાદોડ કરવી, થોડીક ક્ષણો પછી બેભાન થઈ જવાનું નાટક કરવું. ઈવાન્સે પ્રેક્ષકગૃહમાંથી એ બેહોશ બાળાઓને લઈ જવા ઍમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી રાખેલી. આ ઘટનાના સમાચાર માટે તેણે ફોટોગ્રાફરોને અને પત્રકારોને પણ અગાઊથી બોલાવી રાખેલા. એ છોકરીઓને આ કામ માટે અગાઊથી પાંચ પાંચ ડોલર આપવામાં આવ્યા અને ત્રણ મહીના તેમને આ માટે રિહર્સલ કરાવવામાં આવ્યું. ન્યૂયોર્કના પેરામાઉંટ થિયેટરમાં ફેંકના પહેલા દિવસનો કાર્યક્રમ પૂરો થતા પહેલા જ ઈવાન્સે ચક્તિ થઈને જોયું તો હકીકતમાં ત્રીસ છોકરીઓ બેહોશ થઈ ગઈ હતી, જ્યારે તેમણે તો ફક્ત બાર યુવતીઓને કરારબદ્ધ કરેલી. અમિતાભ બચ્ચનને સૌમ્યો વંદ્યોપાધ્યાયે આ ઘટના વિશે કહીને તેમની પ્રતિક્રિયા પૂછેલી, તેમણે હસીને કહેલું, ‘કોઈકને પકડીને હીરો તો બનાવી દેવાશે, પણ બસ ત્યાં સુધી જ. કેમેરો શરૂ થતાં જ એ એકલો જ રહી જાય છે. અભિનય તો એણે જ કરવો પડશે.” તેમનું કહેવું હતું કે ગમે તેવા પ્રચારના સાધનો હોય, પણ વ્યક્તિની પ્રતિભા જ તેને પ્રસિદ્ધિના સર્વોચ્ચ શિખર તરફ લઈ જાય છે, ઠાલા પ્રચારના સાધનોથી કાંઈ વળતું નથી.

અમિતાભ બચ્ચન પર હમણાં ૬૦૦થી વધુ પાનાંનું એક પુસ્તક વાંચી રહ્યો છું. અમિતાભ બચ્ચનને આત્મકથા અથવા જીવનકથા એવા શબ્દો પ્રત્યે લગાવ નથી એટલે આ પુસ્તકનું નામ ફક્ત તેમના નામ પર જ છે. અમિતજીના જન્મથી લઈને તેમના બાળપણ, સંઘર્ષ અને સફળતાની આખી દાસ્તાન આ દળદાર પુસ્તક વર્ણવે છે. અમિતાભ કહે છે કે મને સમજવા માટે મારા બાબુજી અને માંને સમજવાનો પ્રયત્ન કરજો, મને સમજવામાં તમને તકલીફ નહીં પડે.

આ પુસ્તક અમિતાભ બચ્ચન કેમ આ સદીના મહાનાયક છે એ વાત પ્રસંગોથી ખૂબ સરળ અને સબળ રીતે સાબિત કરે છે. જેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આખો દેશ એક વાર પ્રભુભક્તિમાં ડૂબી ગયેલો એવા અમિતાભ અંતર્મુખી છે, પરંતુ સ્પષ્ટવક્તા છે. પોતાના પર પુસ્તક લખવા તૈયાર થયેલા સૌમ્યો વંદ્યોપાધ્યાયને અમિતાભ ચેતવણી આપતા કહે છે, “તમને ખબર છે તમે કોના ઉપર પુસ્તક લખી રહ્યા છો? અમિતાભ બચ્ચન પર, કોણ છે એ? તે એ વ્યક્તિ છે જેની પાસે અપાર સંપત્તિ છે, જેણે એ સંપતિ ખોટા રસ્તે એકઠી કરી છે, એ દેશના પ્રધાનમંત્રીનો મિત્ર છે, એના બાળપણનો મિત્ર. આ માણસ ખોટું – સાચું કંઈ પણ કરે, એને બધું માફ છે. તેના પરિવારના લોકોને જો નહેરૂજી, ઈંદિરાજી સાથે ઘનિષ્ઠ સંપર્ક ન હોત તો જીવનમાં તેના માટે કંઈ પણ કરવું મુશ્કેલ હોત. એ એવો માણસ છે જે રૂપિયાથી આ દેશમાં બધું ખરીદે છે, પત્રકારોને પણ. તમે ભલે પુસ્તક લખવા વિચારો પણ હું તમને કહી દઊં, લોકો તમારી આલોચના કરશે, કહેશે કે મેં રૂપિયા આપીને તમારી કલમ ખરીદી લીધી છે – તમારા સાથીઓ જ કહેશે. તમને આ સવાલ કોઈ પૂછી પણ શકે. અને જ્યારે તમે સાચું બોલશો તો કોઈ તમારી વાત પર વિશ્વાસ નહીં કરે. લોકો તમારા પર શંકા કરશે, અમિતાભ બચ્ચનના ચમચાના રૂપે તમે ઓળખાશો. તમને ઘણી તકલીફો ભોગવવી પડશે, તમે ફરીથી એક વખત તમારા નિર્ણય પર પુનર્વિચાર કરી લો.”

પણ એ વિચાર કરવાનો કોઈ પ્રશ્ન નહોતો. સૌમ્યો વંદ્યોપાધ્યાયે આ પુસ્તક લખવામાં ખૂબ લાંબો સમય લીધો, અનેક લોકો પાસેથી ઝીણી ઝીણી વિગતો એકઠી કરવામાં, અમિતાભની સાથે રહીને તેમને સમજવાનો પ્રયત્ન કરવામાં અને એકઠી કરેલી વિગતોને ગોઠવવામાં ખાસ્સો સમય લાગ્યો. પુસ્તકની શરૂઆતમાં હરિવંશરાય બચ્ચનની વાત છે. કવિ તરીકે પ્રસ્થાપિત થવાની, પ્રથમ પત્નીના મૃત્યુની, તેજીજી સાથેની મુલાકાતની અને એ સમયે કરેલા હિંદુ – શિખ આંતરધર્મિય લગ્નની, આર્થિક રીતે નબળી પરિસ્થિતિઓમાંથી એકબીજાના સહારે માર્ગ કાઢવાની, ભાડાના એકથી બીજા ઘરમાં જવાની, નોકરીઓમાં રાજકારણનો સામનો કરીને દ્રઢતા પૂર્વક પોતાની જાતને સાબિત કરવાની અનેક વાતો જે અમિતજીના ચરિત્રમાં તેમના પિતાજી દ્વારા આવી છે – એ વાતો ખૂબ ઉંડાણપૂર્વક અને વિગતે આલેખાઈ છે.

રાજીવ ગાંધી સાથેની અમિતાભની પહેલી મુલાકાતનો પણ આ પુસ્તકમાં ઉલ્લેખ છે. ૧૯૪૬માં ‘ઍડોલ્ફી’ નામના મકાનમાં જ્યારે બચ્ચનજી રહેવા આવ્યા તે જ મકાનમાં અમિતાભે જન્મદિવસની પાર્ટીમાં ઈન્દીરાજીની સાથે આવેલા બે વર્ષના રાજીવને જોયા હતા. ૧૧ ઓક્ટોબર ૧૯૪૬ના દિવસે પાર્ટીની સાથે યોજાયેલ ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં ઈન્દીરાજીના ખોળામાં નાનકડા ધોબી બનીને આવેલા રાજીવને તેમણે પહેલી વખત જોયા હતા. દિલ્હી રહેવા આવ્યા પછી બંને પરિવાર નજીક જ રહેતા હતા, ત્યારે રજાઓમાં અમિત અને રાજીવ મળતા. કુરતા – પાયજામા અને ટોપી પહેરેવા રાજીવનો પહેલેથી જ શોખ હતો, અમિત તેમને કહેતા, “તુમ તો ભઈયા નેતા બનોગે.”

પૂનામાં ‘મેં આઝાદ હું’ ના શૂટીંગ દરમ્યાન કેટલીક વિદ્યાર્થીનીઓને અમિતાભને મળવા આવેલી એ પ્રસંગ પણ ખૂબ સરસ રીતે વર્ણવાયો છે. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને તેમણે ભોજન માટે આમંત્રિત કર્યા અને પછી તેમની સાથે નેશનલ ડિફેન્સ અકાદમીની મુલાકાત લીધી, આથી એક વિદ્યાર્થીએ સૌમ્યોજીને કહ્યું કે અમિતજી ખૂબ સરસ વ્યક્તિ છે. સૌમ્યો વંદ્યોપાધ્યાયે તેને કહ્યું કે, “નાનકડી મુલાકાતમાં કોઈ વિશે આમ સર્ટિફિકેટ ન આપી દેવું જોઈએ. કોઈક કારણે જો એમણે તમને ન બોલાવ્યા હોત કે તમારી સામે ન જોયું હોત તો તમે કહેત કે તે અહંકારી છે, ઘમડી છે, તેનામાં શિષ્ટાચાર પણ નથી.” આ પ્રસંગ જ્યારે તેમણે અમિતજીને કહ્યો અને પોતે કહેલ તર્ક પણ તેમને સંભળાવ્યો ત્યારે અમિતાભે કહેલું, “આ જ વાત તો હું કોઈને સમજાવી શક્તો નથી, કોઈની વાતનો જો હું જવાબ ન આપી શકું તો તે મને ઘમંડી સમજી લેશે, જો કોઈ પત્રકારને પાંચ મિનિટથી વધુ સમય ન આપી શકું તો તે લખશે કે અમિતાભ બચ્ચન પાસે પત્રકારો માટે સમય નથી, તેને પ્રેસ વાળાની કાંઈ પડી નથી. કોઈકની સામે જોઈને હું સ્મિત ન કરું તો કહેશે કે હું મારા ખરાબ સમયના સાથીઓને ભૂલી ગયો છું. આપણા દેશમાં કોઈકને માટે ધારણા બાંધવા માટે વિચારવાની જરૂરત નથી પડતી. તમને કોઈ માણસ ગમતો નથી, તો લખી દો કે તે બહુ બદમાશ છે, અને કોઈક ગમે છે તો તેને માથે ઉપાડીને ફર્યા કરો.”

પેલા વિદ્યાર્થીઓ વિશે વાત કરતા તેમણે કહ્યું, “એ છાત્રાઓએ સાંભળ્યું છે કે મારા ઘરમાં રાંધવા માટે ભાત ખાસ દેહરાદૂનથી આવે છે, દર બે દિવસે મારા ઘરે કલકત્તાથી માછલીઓ લાવવામાં આવે છે, વિલાયતથી દરજી મારા કપડાનું માપ લેવા આવે છે અને સીવેલા કપડા પહોંચાડવા પણ આવે છે. દર અઠવાડીયે ઘરમાં નવા પડદા લાગે છે અને ફર્નિચર બદલે છે, કોઈક મેગેઝીનમાં તેમણે આ બધુ વાંચેલું. આશ્ચર્યની વાત તો એ કે આ બધું વાંચીને એ લોકો વિશ્વાસ કરી લે છે. અમિતાભ બચ્ચનના નામે ગમે તે લખો, ગમે તે છાપો, લોકો વિશ્વાસ કરશે. તમે લખશો કે એ રોજ એક કરોડ રૂપિયા વાપરે છે તો લોકો માની લેશે. મારો પલંગ સોનાનો છે, પાણી સ્વિત્ઝર્લેન્ડથી આવે છે, વિશ્વના બધા શહેરોમાં મારા બંગલા-ગાડી છે, મારા મકાનની અગાશીમાં હેલીપેડ છે, વગેરે વગેરે… આ તો કોલેજના વિદ્યાર્થીઓ છે છતાંય જો આવી વાત પર વિશ્વાસ કરી લેતા હોય તો દેશવાસીઓનું શું કહેવું? મને આ સાંભળીને આશ્ચર્ય થાય છે, પણ એટલું સમજાય છે કે અમિતાભ બચ્ચન સહજ નિશાન છે અને આ તકનો બધા ફાયદો ઉઠાવવા માંગે છે.” જો કે અમિતાભ બચ્ચન વિશે છપાતી આ મોટાભાગની ખોટી વાતોનો વિરોધ તેઓ કરતા નથી અને આમ મૌન પ્રોત્સાહન આપે છે. આવી વાતોની ઉપેક્ષાની તેમની નીતીને લીધે કાઈ પણ લખવાની આઝાદી લોકોએ લઈ લીધી.

જીવનની મુશ્કેલ ઘડીઓમાં પણ સંઘર્ષની પ્રેરણા તેમને તેમના માતાપિતાએ આપી છે, અમિતજી માને છે કે કદાચ આ જ કારણે તેઓ ગમે તેવી કપરી પરિસ્થિતિઓમાં પણ તૂટી જતા નથી, પરંતુ સ્વકેન્દ્રિત થઈને આંતરદર્શન કરે છે, તેમાંથી બહાર નીકળવાના રસ્તા તેઓ હતાશ થયા વગર વિચારી શકે છે. તેમના બાળપણનો એક પ્રસંગ પણ અહીં ટાંક્યો છે. એક વખત રમતના મેદાનમાંથી કોઈકની સાથે ઝઘડો થવાથી તેઓ માર ખાઈને ઘરે રડતા રડતા પાછા આવ્યા હતા. રડવાનું કારણ જાણીને તેજીજીએ તેમને ગુસ્સે થઈને કહેલું, ‘જા, પહેલા તું એ લોકોને મારીને આવ જેમણે તને માર્યું છે, પછી ઘરે આવીને રડજે. આમ માર ખાઈને ફરીથી કોઈ દિવસ ઘરે આવતો નહીં, જો કોઈ તને મારે તો તું તેને જરૂર મારજે.”

ઈ.સ ૧૯૮૫ના ફિલ્મ ફેસ્ટીવલમાં તેઓ રશિયા ગયા હતા, મોસ્કો ફિલ્મ ફેસ્ટીવલના આયોજકોએ તેમને આમંત્રિત કરેલા. સોવિયેત યુનિયનના સરકારી અતિથિ તરીકે તેમને આમંત્રિત કરાયા હતા. જતા પહેલા તેઓ તેમના પિતાજીને મળવા ગયેલા એ પ્રસંગની વાત પણ ટાંકવાની લાલચ રોકી શક્તો નથી. તેમણે હરિવંશરાયજીને પૂછેલું, “ડેડ, જીવનની સાથે સિનેમાના અંતરને તમે સમજાવી શક્શો? સિનેમાએ લોકોને આવા દીવાના કેમ કરી દીધા છે? સિનેમાના નશામાં લોકો ચૂર રહે છે.” બચ્ચનજીએ ત્યારે ‘પૉએટિક જસ્ટિસ’ ની વાત કહેલી. “કોઈક વ્યક્તિને જીવનભર રાહ જોવા છતાં પૉએટિક જસ્ટિસ’ નથી મળતો. પણ સિનેમાના બે ત્રણ કલાકમાં તેની અતૃપ્ત ઈચ્છાઓ પૂર્ણ થઈ જતી દેખાય છે. જીવનની અપૂર્ણ આકાંક્ષા પડદા પર પૂરી થઈ જાય છે. અને એટલે જ સિનેમા શક્તિશાળી માધ્યમ છે.” અમિતાભ માને છે કે ન્યાનના પક્ષમાં રહેવાવાળાઓએ જોરશોરથી તેને જાહેર કરવાની જરૂરત રહેતી નથી. ઉપેક્ષાની કળા સહજસાધ્ય નથી. રાહુલ રવૈલ કે સુભાષ ઘાઈ જેવા નિર્દેશકો મારી વિરુદ્ધમાં કાંઈક કહેશે તો પત્રિકાઓ અને વર્તમાનપત્રો તો તેને છાપશે જ, લોકો તેને વાંચશે, એક પક્ષ બાંધશે અને પછી જે તે દિવસે જ્યારે તેમને હકીકતની ખબર પડશે ત્યારે તે જાણશે કે કોણ સાચું હતું, મારે કાંઈ કહેવાની જરૂરત જ નહીં પડે.

અમિતાભ કહે છે, “બાબુજી અને માં બંને ભિન્ન ધ્રુવોના વ્યક્તિઓ છે, અને બંનેની વિપરીત ધારાઓ મારામાં સમાન માત્રામાં મૌજૂદ છે. બાબુજીને ખૂબ લાંબા સમય સુધી ચરમ અભાવોની સામે લડવું પડ્યું, આર્થિક સ્થિતિ તે પછી સુધરી તેથી ગરીબીના અનુભવ અને અનુભૂતિમાંથી માંને પસાર થવું પડ્યું નથી. બાબુજી પૂર્ણ રીતે પૂર્વની શૈલીમાં ઉછરેલા સનાતની અને માં પશ્ચિમની શૈલીમાં ઉછરેલી, બાબુજી જીવનભર સત્યની શોધમાં લાગેલા રહ્યા અને માં સૌંદર્ય તથા શિષ્ટાચારની શોધમાં. માં પાસેથી મને સૌંદર્યબોધ મળ્યો છે તો બાબુજી પાસેથી સંવેદનશીલતા મળી છે. વિચારવું કે ચિંતન કરવું એ એમની જ શીખ છે. કામ થયા પછી તેના વિશે ચિંતન કરવા પર તેઓ ભાર મૂકતા જેથી સ્વયંને સુધારી શકાય, પણ એથી અગત્યની વાત તેમણે શીખવી તે વિચારીને કામ કરવું. તેમણે જ શીખવ્યું છે કે સત્ય છુપાવ્યુ છુપાતુ નથી.”

નહેરુ ગાંધી પરિવાર સાથેની ઘનિષ્ઠતા વિશે તેઓ કહે છે, “બાબુજીને કેમ્બ્રિજમાં ડોક્ટરેટ કરતી વખતે પંડિતજીએ સહાયતા કરી હતી, તે વગર બાબુજીને વિદેશ જવુ સંભવ નહોતું. તેમને દિલ્હી પણ પંડિતજી જ લઈ ગયેલા એ પણ સાચું, પણ ઈન્દિરા ગાંધી જ્યારે પ્રધાનમંત્રી નહોતી ત્યારે મારી નોકરી લાગેલી, અને એ પણ મારી જ યોગ્યતાથી. મારા ભાઈને પણ તેની યોગ્યતાથી જ નોકરી મળેલી. રાજીવ પ્રધાનમંત્રી બન્યા તે પહેલા અમે ભાઈઓ પોતપોતાના ક્ષેત્રમાં સ્થિર થઈ ચૂક્યા હતા. એ પરિવાર સાથે ઓળખાણ હતી, પરંતુ પોતપોતાના જીવનમાં યોગ્ય સ્થાન મેળવવા અમારે પ્રતિક્ષણ સંઘર્ષ કરવો પડ્યો હતો એ વાત લોકો ભૂલી જાય છે. લોકો સમજે છે કે અમને પોતાની મહેનતથી નહીં, પરંતુ પ્રધાનમંત્રી પરિવારની સિફારીશથી અનાયાસ બધું મળી ગયું છે.

અમિતજીના કલકત્તાના વસવાટ અને નોકરી સમયે સંઘર્ષના મિત્ર રાજેન વ્રજનાથનું કહેવું છે, “વિચાર્યુ નહોતુ કે અમિતાભને મુંબઈમાં આટલી ખ્યાતિ મળશે, હવે આટલા વર્ષે હું સહજતાથી કહી શકું કે ઓહ, મને ત્યારથી ખબર હતી કે અમિત એક મહાન અભિનેતા બનશે અને નામ કમાશે વગેરે વગેરે. પણ આવું નહીં કહું – સાચે કહું તો અમિતને આટલી સફળતા મળશે તે અમારામાંથી કોઈએ નહોતું વિચાર્યું. મને લાગ્યું હતું કે બહુ તો તે એક ચરિત્ર અભિનેતા બનશે, પણ હીરો – ક્યારેય નહિં.”

વધુ તેઓ ઉમેરે છે કે, “હીરો જેવી કોઈ પ્રતિભા અમિતમાં દેખાતી નહોતી, તેનામાં શું હતું? શરમાળ હતો, પરિચિત માહૌલમાં તે હસી મજાક કરી શક્તો પણ અજાણ્યા લોકોમાં તે સંકોચ પામતો. અભિનય હોય કે વ્યક્તિગત સંબંધો – તે સ્લો સ્ટાર્ટર હતો. તે નાચતો ગાતો તો પણ ઓળખીતાઓ સાથેની પાર્ટીમાં, અન્યથા તે સંકોચ પામતો અને આ બધું હિન્દી ફિલ્મોના હીરો માટે આવશ્યક હતું. હીરો જે અર્થમાં સુંદર જોઈએ તે અર્થમાં અમિત સુંદર નહોતો, નાચ ગાનમાં અવ્વલ નહોતો, અભિનયમાં પણ સામાન્ય જ હતો. એટલે તેની સફળતા વિશે અમને શંકા હતી, પણ આટલા વર્ષે વિચારતા લાગે છે કે તેણે એ સમયે ફિલ્મ જગતની શૂન્યતાને ભરી હતી. એક જેવા હીરોને જોઈ જોઈને દર્શક થાકી ગયેલા, બધા ચોકલેટી હીરો હતા, એક જ પ્રકારનો પ્રેમ, એક જ પ્રકારના ભાવ અને એ જ પ્રકારના નાચ. અમિતનું પદાર્પણ નવીન હતું, લોકોએ એટલો લાંબો હીરો કદી જોયો નહોતો, આવું ગળું સાંભળ્યું નહોતું, આવી આંખો પણ જોઈ નહોતી. આવી સ્ક્રીન પ્રેઝન્સથી અમિત છવાઈ ગયો, એ મૂળભૂત સતત શીખતો વિદ્યાર્થી હતો એટલે તે પોતાને સુધારતો સંવારતો રહ્યો, કદાચ આજે પણ તેના શીખવાના આગ્રહમાં ઓટ નથી આવી. તે વિનમ્ર છે, ભદ્ર છે. નારાજ થાય તો અંતર્મુખ થઈ જયા છે, મૌન થઈને પોતાને આત્મકેન્દ્રિત કરી લે છે.”

૩૦ નવેમ્બર ૧૯૬૮ના દિવસે જ્યારે અમિતાભ બચ્ચન કલકત્તાની તેમની ‘બ્લેકર્સ’ની નોકરી છોડીને ગયા ત્યારે તેમનો પગાર હતો ૧૬૮૦ રૂપિયા. રાજીવ ગાંધી અને સોનિયાના લગ્ન પહેલા જ્યારે રાજીવ દિલ્હી આવતા ત્યારે સોનિયાના ફોટોગ્રાફ્સ સાથે લઈ આવતા, જો કે રાજીવે તેમને કદી એ વિશે કાંઈ કહ્યું નહીં, પણ અમિત સમજી ગયેલા કે એ દોસ્તી વિશેષ છે. સોનિયા પહેલી વખત દિલ્હી આવ્યા એના બે મહિનામાં જ લગ્નની વાત નક્કી થઈ ગઈ, અને એ પણ કે અમિતાભ બચ્ચનના વિલિંગ્ટન ક્રિસેટના ૧૩ નંબરના બંગલે જ જાન આવશે. ૧૯૬૮ના લગ્નના એ દિવસે જ સોનિયાએ અમિતાભને ધર્મના ભાઈ માની રાખડી બાંધી હતી. તેમની અને તેમના ભાઈ અજિતાભની પત્ની રમોલાજીની રાખડીઓને અમિતાભ સહુથી મૂયવાન સંપત્તિ ગણતા. એટલી કે ૧૯૮૨માઁ જ્યારે બ્રિચકેઁડી હોસ્પીટલમાં એ મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે ડૉક્ટરોના વિરોધ છતા એ રાખડીઓ તેમણે કાઢવા દીધી નહોતી. પણ રાજીવ અથવા ઈન્દિરાજીના બળ પર તેમણે કદી કાંઈ મેળવ્યું નથી, અમિતાભ કહે છે, કે જ્યારે કેમેરા સામે ઉભું થવાનું આવે છે ત્યારે કોઈ ઓળખાણ, કોઈ ભલામણ કામ નથી લાગતી. કેમેરાને યોગ્યતાનું પ્રમાણ આપવું જ પડે છે.

મહત્વની વાત ત્યારે થઈ જ્યારે સાધનાજીએ આપેલી એક પાર્ટીમાં અમિતાભ હાજર હતા, ત્યાં એક ડાયરેક્ટ અને પત્રકાર ખૂબ ખરાબ રીતે ઝઘડ્યા, ગાળો બોલ્યા અને ડીશો પણ તોડી, પણ સાધનાજી નિર્વિકારપણે એ અવગણતા રહ્યા. અમિતે ઘરે આવીને બચ્ચનજીને અટપટી ઘટના વિશે કહ્યું, ત્યારે બચ્ચનજીએ બલરાજ સાહનીનું ઉદાહરણ તેમને આપેલું. કામ પૂરું થતા જ એ પોતાના વિશ્વમાં જતા રહે છે, પોતાની આસપાસ તેમણે એક સુરક્ષાકવચ બનાવી દીધું જેમાં કોઈ અનાધિકારીને પ્રવેશ નથી, ત્રણ સદીઓથી અમિતાભ તેમના અનુકરણે જ જીવે છે, કામ પૂરું થતા એ જાને એક દ્વીપ જેવા થઈ જાય છે જેમાં તે એકલા રહે છે.

તેમની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીમાં તેમને ખ્વાજા અહમદ અબ્બાસે લીધા, કારણકે તેમને કોઈક અલગ દેખાવવાળા માણસની જરૂર હતી. અબ્બાસ સાહેબને મળવા ગયા ત્યારે ફક્ત અમિતાભ જ નામ તેમને કહેલું, પણ કોન્ટ્રાક્ટમાં બચ્ચન વાંચીને પૃચ્છા થઈ તેના જવાબમાં પોતે મવિ હરિવંશરાય બચ્ચનના પુત્ર છે એમ તેમણે કહેલું. તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ દિલ્હીના શીલા સિનેમામાં માતા પિતા સાથે જોઈ હતી. એ પછી સુનિલ દત્તની રેશમા ઔર શેરામાં તેમને કામ મળ્યું. અમિતાભના પ્રિય અભિનેતા છે દિલિપકુમાર, અને અભિનેત્રીઓમાં તેમા પ્રિય છે વહીદા રહેમાન. તેમાં તેમની હિરોઈન હતી રાખીજી અને તેમના પહેલા ફિલ્મી લગ્ન પણ રાખી સાથે જ થયા. તેમાં પહેલા અમિતાભના ભાગે ખૂબ લાંબા સંવાદો હતા, પણ પછી તેમના પાત્રને મુંગુ કરી દેવાયેલું, એ વિશે રાખીએ કહેલું, “પોતાના મોટામાં મોટા શત્રુ વિશે પણ એ કદી કાંઇ નહીં બોલે, એ જ એની ખાસીયત છે. દુશ્મનો સાથે તે ક્યારેય ઉલઝતો નથી, એ પોતાના કામથી જ દરેક ટિકાનો જવાબ આપે છે, અને ત્યારે તેનો કોઈ કાટ હોતો નથી.”

અબ્બાસ સાહેબ સાથે આઊટડોર શૂટીંગથી પાછા આવ્યા પછી ઘર ન હોવાને લીધે બે રાત તેમણે મરીનડ્રાઈવ પર જ વીતાવેલી. વર્લીની સિટી બેકરીમાં અડધી રાત્રે બિસ્કીટ અડધા ભાવમાં મળતા, ચાર આનાના બિસ્કીટ બે આનામાં, એ લઈને અમિતાભ ખાતા, કે પછી ક્યાંક ઈંડા-કરી અને ટોસ્ટ ખાઈ લેતા. રોજ સવારે કામની શોધમાં નીકળી પડતા, એકથી બીજા સ્ટુડીયો, એક થી બીજા નિર્માતાની ઑફીસ, કોઈક તેમને કહેતુ કે તું બહુ લાંબો છે, કોઈક કહેતુ તારી સાથે કોઈ હિરોઈન કામ નહીં કરે, તો કોઈક કહેતું કે તારો ચહેરો કવિ જેવો છે, એ લાઈનમાં જતો રહે. એવું કહેવા વાળા હતા રાજશ્રી પ્રોડક્શન્સના શેઠ તારાચંદ બડજાત્યા, પ્રમોદ ચક્રવર્તી, શક્તિ સામંત, બી આર ચોપડા…. જો કે પછી એ બધાએ અમિત સાથે કામ કર્યુઁ, પણ સફળતા મળ્યા પછી. અસફળ દિવસોમાં ‘રેશ્મા અને શેરા’ પછી અબ્બાસ સાહેબ તેમને હૃષિકેશ મુખર્જી પાસે લઈ ગયા, ‘આનંદ’ માટે.

અમિતાભને લઈને અબ્બાસ હૃષિકેશ મુખર્જીના ઘરે બાંદ્રાના સમુદ્રતટે ગયેલા, અને કહેલું, “આ અમિતાભ છે, ‘સાત હિન્દુસ્તાની’માં એણે સારુ કામ કર્યું છે, મારા મિત્ર હરિવંશરાય બચ્ચનનો દીકરો છે, જો જો, તમારી પાસે કોઈ ફિલ્મમાં એને માટે કામ હોય તો… એ કામ શોધી રહ્યો છે.”

હ્રષિકેશ તેને જોઈ રહ્યા, એ દુબળા પાતળા યુવકને જેના ચહેરા પરથી લાગે કે એનામાં ઘણી વેદના છુપાયેલી છે. એનો અવાજ પણ ભારી હતો, જાણે નાભિથી નીકળીને આવતો હોય એવો ઉંડો – ત્યારે તેમને થયું કે ‘આનંદ’ની ડોક્ટર વાળી ભૂમિકા માટે તે યોગ્ય છે. એ વાર્તા રાજકપૂર અને તેમના સંબંધો પર આધારિત હતી. રાજકપૂર કાર્ડિયાક ન્યૂરોસિસથી ખૂબ બીમાર પડી ગયેલા ત્યારે આ વાર્તાનું બીજ જનમ્યું. રાજેશ ખન્નાની ભૂમિકા પહેલા કિશોરકુમાર કરવાના હતા, એ પછી શશિ કપૂર, પણ વાત ન બની. રાજેશ ખન્નાએ સામેથી આ ભૂમિકા માંગી હતી. જો કે અમિતાભને હૃષિકેશ મુખર્જીએ તરત પસંદ નહોતા કરી લીધા, તેમની ‘સાત હિન્દુસ્તાની’ જોયેલી, અને ઓમપ્રકાશે પણ તેમના વખાણ કર્યા. ‘આનંદ’ પહેલા પહેલા જ્યોતિ સ્વરૂપની ‘પરવાના’માં પણ અમિતાભ કામ કરતા હતા. એ જ અરસામાં રવિ નગાઈચની ‘પ્યાર કી કહાની’માં પણ તેમણે કામ શરૂ કર્યું. ‘આનંદ’ના શૂટીંગમાં પહેલી વખત રાજેશ ખન્ના સાથે તેમની મુલાકાત થઈ.

અમિતાભ યાદ કરે છે, “એ દિવસોમાં રાજેશ ખન્ના માટે આખો દેશ પાગલ હતો, તેમની સાથે કામ કરવાનો અર્થ જ અનોખો હતો. તેને અને શશિ કપૂરને જોવા હું સ્ટુડીયોથી સ્ટુડીયો ફરતો. તેમને છુપાઈને જોયા કરતો. રાજેશ ખન્ના જ પહેલા સુપરસ્ટાર હતા.”

રાજેશ ખન્નાની સાથે કામ મળતાં જ તેમની કીંમત પણ વધી ગઈ, લોકો તેમને ઓળખવા માંડ્યા. પણ તેમની અને રાજેશ ખન્નાની વચ્ચે ક્યારેય સંબંધ મધુર રહ્યા નહીં એવું કેમ? એ પ્રશ્નના જવાબમાં રાખી કહે છે, “સુપરસ્ટાર રાજેશ ખન્નાનો પીછો કરીને અમિત ફક્ત સુપરસ્ટાર જ ન બન્યો, રાજેશ ખન્નાનું નામ લોકોની યાદોમાંથી ભૂંસાવા લાગ્યુ અને રાજેશ ખન્નાની સફળતાને અમિતે છીનવી લીધી એ તેઓ કદી સહન કરી શક્યા નહીં.” જો કે અમિતાભ બચ્ચન કહે છે કે તેમની સાથે ‘આનંદ’ અને ‘નમક હરામ’માં કામ કરવામાં કોઈ તકલીફ પડી નહોતી. ‘આનંદ’ના અંતમાં રાજેશ ખન્ના મરી જશે તો લોકોની બધી સહાનુભૂતિ તેને મળશે એ બીકથી અમિતાભે હૃષિકેશ મુખર્જી સાથે અઠવાડીયા સુધી વાત કરી નહોતી, તેમને ચિંતા હતી કે લોકો તેમના અભિનયને યાદ રાખશે? પણ હ્રષિકેશ મુખર્જીએ કહેલું, “ફિલ્મ તો હું બનાવું છું, તને મારા પર ભરોસો નથી?’ એવો જ પ્રસંગ ‘અભિમાન’ના ગીતો માટે પણ થયેલો, તેમણે હ્રષિકેશ મુખર્જીને કહ્યું, “આ બધા ગીતો મને ગમતા નથી, એ ચાલશે નહીં.” એ પછી અભિમાનના બધા ગીતો હિટ થયા અને ગીતોના લીધે જ શ્રીલંકામાં એ બે વર્ષ ચાલી.

‘આનંદ’થી અમિતાભને એક ઓળખ મળી, એ કહે છે, ‘આનંદ’ રીલીઝ થઈ તેના બીજા દિવસે સવારે મને સ્ટુડીયોમાં જતો જોઈને કોઈએ ધ્યાન આપ્યું નહોતું, પણ સાંજે લોકો મને ઓળખવા માંડ્યા હતા. પણ એ પછી તેમની ફિલ્મો એક પછી એક ફ્લોપ થતી રહી, ‘બોમ્બે ટુ ગોવા’, ‘વંશી બિરજુ’, ‘એક નજર’, ‘સંયોગ’, ‘રાસ્તેકા પત્થર’, ‘ગહરી ચાલ’ અને ‘બંધે હાથ’. ઘણી ફિલ્મોમાંથી રિલીઝ લેટર પર પણ તેમણે સહી કરવી પડી. ‘બોમ્બે ટુ ગોવા’ માટે તેમને સાડા સાત હજારથી પણ ઓછા પૈસા મળેલા, જીતેન્દ્ર ત્યારે ત્રણ લાખ લેતા હતા.

એ દોઢ બે વર્ષના નિષ્ફળતાના ગાળા પછી તેમને પ્રકાશ મહેરાની ‘ઝંઝીર’ માટે કરારબદ્ધ કરાયા. નિર્દેશક તરીકે પ્રકાશ મહેરાની પ્રથમ ફિલ્મ. ‘ઝંઝીર’ માટે પ્રાણના પુત્ર ટોની અને જાવેદ અખ્તરે અમિતાભનું નામ સૂચવ્યું. પોતાની વાતની પુષ્ટિ માટે જાવેદ તેમને અમિતાભની ‘બોમ્બે ટુ ગોવા’ જોવા લઈ ગયા, જેમાં એક દ્રશ્યમાં અમિતાભ ચ્વીંગમ ખાતા ખાતા શત્રુઘ્ન સાથે લડે છે. એ દ્રશ્ય જોઈને પ્રકાશ મહેરાએ તેમને ‘ઝંઝીર’ માટે તરત કરારબદ્ધ કરી દીધા.

(ક્રમશ:)

– મૂળ પુસ્તક ‘અમિતાભ બચ્ચન’ (લેખક સૌમ્યો વંદ્યોપાધ્યાય) માંથી અનુવાદ કરીને સાભાર, આ પુસ્તકસમીક્ષા અને પ્રસંગો વર્ણવતા લેખનો બીજો ભાગ આવતીકાલે રજૂ થશે.


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “અમિતાભ બચ્ચન (પુસ્તક સમીક્ષા તથા પ્રસંગો) ભાગ ૧ – સં. જીજ્ઞેશ અધ્યારૂ

 • Maheshchandra Naik (Canada)

  સરસ ભાવવાહી અનુવાદ માટે આપને અભિનદન……સદીના મહાનાયકના જીવનની અંતરંગ વાતો અમારા સુધી લઈ આવવા બદલ આભાર…..આપની રજુઆત કાબિલેદાદ…………….ખુબ આનદ, આનદ થઈ ગયો…

 • i.k.patel

  મેં બચ્ચનજી ની લગભગ બધી જ ફિલ્મો જોઈ છે, આ લેખ થી ઘણું નવું જાણવા મળ્યું તે માટે આભાર.

 • JITENDRA N. BAROT

  મજા આવી ગઈ ભાઈ…બચ્ચન જી ના જીવન વિશે જાણીને…ખુબ ખુબ આભાર..પરિશ્રમ નો કોઈ પર્યાય નથી..જીતેન્દ્ર બારોટ. accra,Ghana.

 • maganlal

  શરદનિ દાયરિ ભાગ-૧થિ૫૫ મે વાચ્યા સે અમિતાભનુ જિવન સનઘર્સ ભરેલુ સે તેથિ તોતે
  સુપરપાવર સે તેનુ જિવન પન સુપરપાવરસે

 • durgesh oza

  ખુબ જ લાગણીસભર સમૃદ્ધ રજૂઆત.શ્રી અમિતાભ બચ્ચનનો લેખ ખુબ જ સુંદર.એમની સૌમ્યતા સાથેની એમની સર્જકતા ઉડીને આંખે વળગે તેવી છે. આનંદ ફિલ્મ બે દિગ્ગજ કલાકારનું હીર બતાવી જાય છે. સુંદર લેખ બદલ અભિનંદન.

 • Suresh Shah

  હજી તો એક ભાગ વાંચ્યો – અમિતાભના જીવનની ગહનતા સમજાવા માંડી. તેમનો ઘેરો અવાજ, હંમેશ કાંઈક કહેવા માંગતી આંખો – આ બધું.
  આસ્વાદ કરાવવા બદલ આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

 • Krishnakumar

  સરસ મજાના પુસ્તક્નો પરિચય કરાવવા બદલ આભાર. સરળ વાંચનની સગવડ ખરેખર ઉપયોગી છે, વાંચનની ઘણી મજા આવે છે. આ પ્રમાણે નવું નવૂં આપતા રહો.

 • Ashok Vaishnav

  જીવન સમુદ્રનાં શાંત અને તોફાની મોજાંઓપર અમિતાભે તેમની કૌટુંબીક અને વ્યાવસાયિક નૈયાઓને બહુબી સફળતાથી ચલાવી જાણી છે તેમાં કોઇ બે મત ન હોઇ શકે.
  તેમની પહેલી ઇનીંગ્સમાંથી બીજી ઇનિંગ્સમાનું પદાર્પણ ‘કૌન બનેગા કરૉડપતિ’ -૧ વડે થયું તેમ કહેવાય છે. એક મત એવો પણ એવો પણ એ કે તેમની પહેલી ઇનિંગ ખ્યાતિ માટે યાદ કરવામાં આવશે તો તેમની બીજી ઇનિંગ તેમને મળેલાં માન માટે યાદ કરવામાં આવશે.
  આટલા લાંબા સમય સુધી દર્શકોની બદલતી પેઢીઓ સાથે માનભેર નજરમાં રહેવું તે પોતે જ એક આગવી સિધ્ધિ છે.

 • Harshad Dave

  જીવન જીવવાની યોગ્ય રીત સહુ સહુની અલગ હોય છે પરંતુ બીજાના જીવન ઉપરથી પોતે જે પાઠ, બોધપાઠ અને ધડો લેવાનો હોય તે ના લેવામાં આવે તો વાચન માત્ર મનની મોજ કે સમયનો વ્યય બની રહે છે. પ્રેરક હોય તેવાં જીવન ચરિત્રો અવશ્ય વાંચવા જોઈએ અને વંચાવવા જોઈએ. – હદ.