મૂળાક્ષરો : જન્મ અને ઉદય – વિજય જોશી 1


પ્રાચીન કાળમાં ઈજીપ્તની હાઇરોગ્લીફ્સ, મેસેપોટેમિયાની ક્યુનીફોર્મ, ચીનની લોગોગ્રામ કે ઈંડસ વેલીની અજ્ઞાત લિપિ વાપરીને મનુષ્ય એક બીજાના સંપર્કમાં રહેતો હતો, આ બધા પ્રકાર સામાન્ય જનસમુદાયને ઉપલબ્ધ ન હતા. પણ લગભગ ૪૦૦૦ વર્ષ પહેલા જયારે અક્ષરને ચિન્હને બદલે નાદ (અક્ષરનાદ) અવાજ આપવામાં આવ્યો ત્યારથી અક્ષરોએ એમનો ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું.

અક્ષરો એ ભાષાના વસ્ત્રો છે – આભૂષણો છે. ભાષાએ વસ્ત્રો પહેરવાનું ક્યારે શરૂ કર્યું એની તપાસ કરીએ. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે અહી મૂળાક્ષરો અને લિપિ વિષેના સંશોધનની ચર્ચા કરીએ છીએ. બોલીની ભાષા દરેક દેશમાં ઘણી પ્રાચીન છે. વેદ અને ઉપનિષદો તો હજારો વર્ષોથી બોલાતા હતા પણ એ લખવાની ક્રિયા ઘણી મોડી ચાલુ થઈ.

Family tree of Alphabet

ચક્ર અને અગ્નિના શોધ જેટલી જ મહતત્વની શોધ મૂળાક્ષરોની છે. અક્ષરોને સહેલાઈથી તદ્દન જુદી ભાષામાં અપનાવી શકાય છે કારણકે મૂળાક્ષરોનો મૂળ અવાજ બદલ્યા વગર એજ અવાજ અને અક્ષરને નવી ભાષામાં થોડા ફેરફાર કરી અપનાવવું સહેલું છે. આઝરબેજાન, તુર્કમેનીસ્તાન અને ઉઝબેકીસ્તાન આ ત્રણ દેશો સેંકડો વર્ષ અરબી લિપિ વાપરતા હતા પણ ૧૯૪૦ પછી સોવિયેત યુનિયનના નિયંત્રણ હેઠળ સિરાલીક લિપિ વાપરવાનો કાયદો આવ્યો અને હવે સ્વાતંત્ર્ય મળ્યા બાદ રોમન અક્ષરોમાં એજ ભાષા હવે લખાય છે! ત્રણે દેશો ભાષાને બદલ્યા વગર ફક્ત લિપિ બદલી શક્યા એ મૂળાક્ષારોની કમાલ છે.

ચીન દેશની લિપિ ને લોગોગ્રામ કહેવાય છે જેમાં એક ચિન્હ એક અક્ષર નહીં પણ એક શબ્દ છે. એટલે એક ચિન્હ ફક્ત એ શબ્દ માટે જ વાપરી શકાય. ચીની ભાષામાં સાદા વ્યવહાર માટે ૬૦૦૦ ચિન્હો કંઠસ્થ કરવા પડે છે. પ્રભુત્વ મેળવી વિદ્વાન બનવા માટે ૩૦૦૦૦ થી ૪૦૦૦૦ ચિન્હોને આત્મસાત કરવા પડે છે. જો ગુજરાતી ભાષાને ચીની લિપિમાં લખવી હોય તો કેટલું અઘરું કામ થાય એનો વિચાર કરીએ. આપણે ગુજરાતીમાં કમળનો “ક” બોલીને શીખીએ છીએ પણ એને બદલે જો આપણે કલમના ચિત્રને જ “ક” કહીએ તો એ લખવા માટે ચીની ભાષામાં કમળનું ચિત્ર દોરવું પડશે અને એ ચિત્રથી ફક્ત “ક” જ લખી શકાશે જયારે અક્ષરોમાંથી શબ્દો અને નવ અર્થો ઘણી સહેલાઈથી અને સરળતાથી બની શકે છે. બહુ થોડા અક્ષરો વાપરીને અનેક શબ્દો ઘણી સરળતાથી બનાવી શકાય છે. અંગ્રેજી અક્ષરોથી સહેલાઈથી ગુજરાતી લખી શકાય – અક્ષરોના અવાજનો ઉપયોગ કરીને – gujarati lipi n avadati hoy to pan gujaratima lakhi shakay.

તો ચાલો આપણે એ તપાસીએ કે ક્યારે, કઈ જગ્યાએ, કેવી રીતે અક્ષરોનો જન્મ થયો અને લખવાની શરૂઆત થઇ.

એક અગ્રેજી પુરાતત્વ નિષ્ણાત ઈજીપ્ત દેશના સાઈનાઈ રણમાં પ્રાચીન અવશેષોનો અભ્યાસ કરતા હતા ત્યારે એમને એક પત્થરની શીલા નજરમાં આવી જેના પર લીસોટા હતા. ભાષા વિદ્વાન ન હોવાને લીધે એમણે શીલાના ફોટા લીધા અને એ વિભાગનું વર્ણન લખી બધા દસ્તાવેજ સાથે પથ્થરની શીલા લંડન મ્યુઝીયમને આપ્યા. શીલાનું કાર્બન ડેટિંગ કરવાથી ખબર પડી કે આ શીલા લગભગ ૪૦૦૦ વર્ષ જૂની હતી.

ઘણા વારસો બાદ જયારે અમેરિકાની યેલ યુનિવર્સિટીના બે ભાષા સંશોધકો લંડન મ્યુઝીયમ ગયા હતા ત્યારે તેમણે આ બધા દસ્તાવેજો અને શીલા જોયા બાદ અમેરિકા આવીને ફોટા અને દસ્તાવેજોનો અભ્યાસ શરૂ કર્યો. વધુ સંશોધન કરતાં એમના ધ્યાનમાં આવ્યું કે જે લીસોટા જેવું દેખાય છે તે દુનિયાના પહેલા ચાર મૂળાક્ષરો છે. એમણે યેલ યુનિવર્સીટી પાસેથી બે વર્ષની રજા લઈને ઈજીપ્ત દેશના સાઈનાઈ રણમાં જવાનું નક્કી કર્યું.

ઈજીપ્ત દેશના સાઈનાઈ રણમાં – ઈજીપ્તમાં ૪૫૦૦ વર્ષો પહેલા સમ્રાટ ફેરોનું સામ્રાજ્ય હતું અને બધા દસ્તાવેજોનું લખાણ હાઇરોગ્લીફ લીપીમાં થતું. આ લીપીને શીખવાનો અને લખવાનો અધિકાર ફક્ત પંડિતો અને ઉચ્ચ વર્ગના લોકોને જ હતો. દરેક અક્ષરને ચિત્ર દ્વારા ચિન્હ આપવામાં આવતું. અનેક ચિન્હો ભેગા કરવાથી શબ્દ અને વાક્યો બનતા તે લખવાનું કામ બહુ અઘરું હતું. સામાન્ય પ્રજાને હાઈરોગ્લીફ લીપી શીખવાની મનાઈ હતી એટલે એક બીજા સાથે વહેવાર ફક્ત બોલીને જ થઈ શકતો. આ સમસ્યાને લીધે સામાન્ય નાગરિકોએ (સીમેટીક લોકો) મૂળાક્ષરોની શોધ કરી દુનિયાની પહેલી બારાખડી બનાવી. જુદા જુદા પથ્થરોના લીસોટાઓ અભ્યાસ કરી સંશોધકોને કુલ ૨૬ અક્ષરો મળ્યા. આ સંશોધનથી એ પણ સમજાયું કે આ ફક્ત લીસોટા ન હતા પણ સંદેશ હતા. ઈજીપ્તનું લશ્કર આ રસ્તો વપરાતું ત્યારે એક બીજાને સંદેશા આ રીતે લખવામાં આવતા. આવી રીતે ફક્ત આ ૨૬ અક્ષરોનો જ ઉપયોગ કરી, અક્ષરોની માત્ર જગ્યા બદલીને નવા શબ્દો બનાવવાની કલ્પના અદભુત જ ગણાય. દુનિયા દરેક ખૂણામાં (ચીન, જાપાન અને કોરિયા સિવાય) આનો સ્વીકાર થવાનું કારણ એવું કે આ અક્ષરોને કોઈ ચિન્હ નથી. વિશ્વના જુદા જુદા ભાગના લોકોએ પોતાની ભાષાના અવાજ આપીને આ લીપીને પોતાની ભાષા લખવા માટે શરૂઆત કરી.

આ શોધ કોઈ વિદ્વાન માણસે નહિ પણ ઈ. પૂર્વ ૧૮૦૦માં ઈજીપ્તના લશ્કરમાં કામ કરતા સૈનિકો અને અન્ય સામાન્ય પ્રજાજનોએ કરેલો છે. દુનિયાની આ પ્રથમ લેખિત બારાખડી હતી.

ઈતિહાસમાં ઘણી વખત સંશોધન અને શોધ, નિષ્ણાત વિદ્વાન નહિ પણ શોખ ખાતર અભ્યાસ કરનારા સામાન્ય નાગરીકો કરતા આવ્યા છે. (ભારતમાં સંસ્કૃત ભાષાનો દાખલો લઈએ તો ૧૮મી સદીમાં જજ તરીકે કલકત્તા આવેલા ડો. જોન્સે સંસ્કૃત નો અભ્યાસ કરી વેદોનું ભાષાંતર અંગ્રેજીમાં કરી આખી દુનિયાને ભારતનો પ્રાચીન ઈતિહાસ અને એની ભવ્યતા બતાવી આપી. અંગ્રેજો ભારતીયોને જંગલી, અભણ અને અસભ્ય ગણાતા હતા પણ ભારતના પ્રાચીન ધર્મગ્રંથોનું વાચન કરીને એમને ખબર પડી કે પશ્ચિમના ઈતિહાસ જેટલો જ પ્રભાવશાળી ભારતનો પ્રાચીન ઈતિહાસ પણ છે. ગ્રીક, લેટીન, ઈરાની વગેરે ભાષાનો પણ એમને શોખ હતો તેના પરથી એમના ધ્યાનમાં આવ્યું કે આ બધી ભાષાઓમાં ઘણા શબ્દોના અર્થમાં સામ્ય છે અને એમણે જ ઇન્ડો-યુરોપિયન ભાષાનો સિદ્ધાંત સાબિત કર્યો. બીજું ઉદાહરણ, ૧૮૩૭ માં ભારતમાં પુરાતત્વ ના નિશાત તરીકે ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી શ્રી પ્રિન્સેપ આવેલા એમણે બ્રાહ્મી લિપિનો અભ્યાસ કરી અક્ષરોને અર્થ આપ્યો.)

બારાખડી રૂપે અક્ષરોને વાપરી શબ્દ બનાવવાની શરૂઆત પણ આ જ સમયમાં થઇ. અક્ષરોને જુદી જુદી જગ્યાએ મૂકીને નવા શબ્દો બનાવી, શબ્દોને અર્થ આપવાની એક અદભુત કલ્પના હતી. તે વખતના સોનેરી ત્રિકોણમાં (અત્યારનું ઈઝરાઈલ, સીરિયા, લેબેનાન, જોર્ડન વગેરે ભાગ-આ ભાગને સોનેરી ત્રિકોણ કહેવાનું કારણ કે આજના રણ પ્રદેશથી તદ્દન જુદો ગાઢ જંગલ વાળો આ પ્રદેશ એ વખતમાં હતો.) સીમેટીક લોકો પછી – ફોનીશિયન લોકો – જે બહુ સમૃદ્ધ વેપારી હતા, એમણે આ લીપી પોતાની ભાષામાં અપનાવી. ત્યાર પછી બીજા દેશના લોકોએ પણ – સમૃદ્ધ લોકો જે લીપી વાપરે છે એ ખરેખર ઉપયોગી હશે એમ માની પોતપોતાની ભાષામાં આ લીપી અપનાવી. હજારો વર્ષોમાં મૂળાક્ષરોના આકાર બદલાતા ગયા. કોઈ કોઈ દેશોએ પોતાની ભાષાના ઉચ્ચારો પ્રમાણે થોડા નવા અક્ષરો બારાખડીમાં ઉમેર્યા.

ફોનેશિયન લોકોના વંશજો આજે પણ લેબેનાનમાં રહે છે એ ડી.એન.એ. પરથી સિદ્ધ થયું છે. આમાંથી જ જ્યુઈશ લોકોએ હિબ્રુ, ગ્રીક લોકોએ ગ્રીક, રોમન લોકોએ રોમન બારાખડી અને અનેક સદીઓ પછી આમાંથી જ આજ ની અગ્રેજી બારાખડી અને લીપી બન્યા. ભારત ખંડમાં બ્રાહ્મી લીપી તૈયાર થઇ જેમાંથી પાલી, દેવનાગરી, ગુજરાતી વગેરે લીપીઓનો જન્મ થયો. આપણી ગુજરાતી લીપી અને અંગ્રેજી લીપી બંનેનું પિયર એક જ ગામમાં ઈજીપ્તમાં હશે એવું કોઈના સ્વપ્ને પણ આવવું અશક્ય લાગે છે.

ભારતનું દુર્ભાગ્ય એ છે કે પ્રાચીન વેદીકાલીન સંસ્કૃતીનું લેખિત સાહિત્ય મોટા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. ભારતનું દુર્ભાગ્ય એ છે કે પ્રાચીન વેદીકાલીન સંસ્કૃતીનું લેખિત સાહિત્યનું મૂળ લખાણ ઉપલબ્ધ નથી. આવું થવાના ઘણા કારણો છે. વેદોને શ્રુતિ અને સ્મૃતિ કહેવામાં આવે છે. વેદો લખાયા નથી, સંભળાયા છે. એને કંઠસ્થ કરવામાં આવ્યા અને એક એનું વારંવાર રટણ કરી કંઠસ્થ અને આત્મસાત કરવામાં આવ્યા. આનું કારણ કદાચ લખવા માટે લિપિનો અભાવ પણ હોઈ શકે.

બીજું કારણ એટલે બહુ જ થોડા ચિન્હો જે કદાચ લિપિ હોઈ શકે એવા મોહેંજો-દરો અને હડપ્પાના અવશેષોમાંથી મળ્યા છે. ઘણા વિદ્વાનોએ આ લિપિનો અનુવાદ કરવાનો પ્રયત્ન અસફળ રહ્યો છે. આ સંસ્કૃતિ એક મોટું રહસ્ય છે. સમ્રાટ અશોકના શિલાલેખ બ્રાહ્મી લીપીમાં જ લખાયા છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પહેલાનું વેદિક કે હિંદુ ધર્મનું કોઈ પણ લખાણ ઉપલબ્ધ નથી એ પણ એક મોટું રહસ્ય છે. ઈંડસ વેલીની લિપિમાંથી બ્રાહ્મી લિપિ બની હોય એ શક્ય લાગતું નથી કારણકે એ લિપિમાં અને સમ્રાટ અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ વચ્ચે ૧૫૦૦ વર્ષનો સમય વીતેલો છે. મૂળાક્ષરો વિષે અત્યાર સુધી જે સંશોધન થયું છે એના પરથી એવું લાગે છે કે કદાચ ભારત ખંડમાં મૂળાક્ષરોથી લખવાની શરૂઆત લગભગ ઈ પૂર્વ ૪૦૦ થી પ્રાકૃત ભાષામાં શરૂ થઇ.

સંસ્કૃત ભાષાનો વિરોધાભાસ એ છે કે સંસ્કૃત ભાષામાંથી બનેલી પ્રાકૃત ભાષાના લખિત દસ્તાવેજો સંસ્કૃત ભાષામાં લખેલા દસ્તાવેજો કરતાં પહેલા લખાયા. આનું કારણ એ છે કે બ્રાહ્મી મૂળાક્ષરો જયારે ભારત સુધી પહોચ્યા ત્યારે સંસ્કૃતનું સ્થાન પ્રાકૃત ભાષાએ લીધું હતું. બ્રાહ્મી લિપિ આવી તે પહેલા ઈ પૂર્વે ૧૫૦૦ થી વેદિક સંસ્કૃત ભાષા બોલાતી હતી પણ લિપિના અભાવે કંઠસ્થ કરી બોલવાની પ્રણાલિકા ચાલુ થઇ.

ધર્મના નામે કેટલા યુદ્ધો થયા છે અને થતા રહે છે પણ વિચાર કરો તો ખબર પડશે કે જ્યુઈશ લોકોની લિપિ હિબ્રુ, મુસ્લિમ લોકોના કુરાનની લિપિ આરબીક કે ઉર્દુ, ખ્રિસ્તી લોકોના બાઈબલની લિપિ અરમૈક કે ભારતના ગ્રંથોની લિપિ બ્રાહ્મી આ બધાનું મૂળ એક જ સેમેટિક મૂળાક્ષરો છે.

વિચાર કરો મિત્રો કે જો ઈંડસ વેલીની લિપિ જે ઈ પૂર્વ 3૦૦૦ વર્ષ જૂની છે તેનો નાશ થયો ન હોત અથવા ભારતમાં પણ લિપિની શરૂઆત જ્યુઈશ લોકોની હિબ્રુની જેમ ઈ પૂર્વ ૧૦૦૦ થી થઇ હોત તો ભારતનું કેટલું સુભાગ્ય હોત કે સંસ્કૃત ભાષાના બધા મહાગ્રંથો આજે આપણને સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ હોત.

આ લેખ લખવામાં શ્રી ડેવિડ સાક્સના પુસ્તક “Letter Perfect ” નો આધાર લીધેલો છે અને ઉપરાંત મેં મારું સ્વતંત્ર સશોધન પણ કરેલું છે. ભાષાના ઉગમનો અને પ્રસારનો કોઠો આપ્યો છે તે શ્રી સાક્સ ના પુસ્તકમાંથી લીધેલો છે.

– વિજય જોશી


આપનો પ્રતિભાવ આપો....

One thought on “મૂળાક્ષરો : જન્મ અને ઉદય – વિજય જોશી