૧. સંવાદ તો કર…
થોડોક તો થોડોક પણ થોડો સંવાદ તો કર,
બંધ હોઠો વડે શબ્દોનો અભિવાદ તો કર,
અનુમાનોના અરીસા ફૂટી સવાલો બાકી રહ્યા,
તારા આ જીદ્દી અબોલાનો અનુવાદ તો કર,
દીવાલોને પણ ખટકે છે તારું આ બોલકું મૌન,
એને વાચા આપી એકાંતમાં વિખવાદ તો કર,
સમાધાનના ખુલાસા ખપતા નથી આ દિલને,
આંસુઓનો ઓથ લઇ થોડો વાદવિવાદ તો કર,
શબ્દો પણ તરસી પડ્યા છે તને મનાવવા માટે,
આપણી વચ્ચેના ખાલીપાનો આસ્વાદ તો કર,
એક જ છત નીચે રહેવું ‘બે જાન’ થઇ ને,
બની શકે તો સમજણો સાથે હવે ખિલવાડ તો કર,
૨. પંખી રે તડપતુ મળ્યું…
અમને પંખી રે તડપતુ મળ્યું,
એકવાર આથમતી સંધ્યાને આંગણે,
જિંદગી આખી અમે એકલતામાં ગાળી,
જતી વેળાએ દીઠું કોઈ આંગણે,
હસવા માટે ક્ષણો શોધવી પડતી,
વિરહ-પ્રસંગો દરરોજ થતા આંગણે,
યાદોના પોટલા પડ્યા હવે મળીયે,
આંસુઓ સુકાયા છે આંખોના આંગણે,
સમયના દાયકાઓ વીત્યા કેટલાય,
શરીર આ વધ્યું છે ઉજ્જડ આંગણે,
ને પાંજરેથી આજ આ પંખી લો ઉડ્યું,
વીતેલી વાતોને વધાવી આ આંગણે,
રે એક પંખી તડપતુ મળ્યું’તું,,
એકવાર આથમતી સંધ્યાને આંગણે,
– ધવલ સોની.
૩. રામ ઝરુખે મોહક વાતો
જાવ ને હવે જતાં કરું છું, ઝાઝું હું કહેતી નથી,
સંબંધને કેવો લૂણો લાગ્યો બોલો ઓમ શાંતિ.
વિશ્વાસે વિશ્વાસ ડગાવ્યો ને મુરાદ બની મેલી,
પવન પણ પાવન થયો ના જાવ ઓમ શાંતિ.
હું તો સમઝી માળી છે તું રૂપ-રંગનો વેપારી,
દેવ દરશની તરસેલીને મળી છે ઓમ શાંતિ.
રામ ઝરુખે મોહક વાતો ભોળી ક્યાં ભરમાણી,
રામ જાણ્યો રાવણ નીકળ્યો લ્યો ઓમ શાંતિ.
તારી આંખે સાપ રમે તેં ફેણ કાઢી ઓળખાણી,
ભોળા મનના મેલા જોયાને પત્યું ઓમ શાંતિ.
રમત આવી ન રમતો હવેથી શ્રાપ માની લેજે,
‘રસમંજન’ ભૂલના ભોગ મારા ચાલો ઓમ શાંતિ.
– રમેશ ચાંપાનેરી ‘રસમંજન’
૪. શહેરની જીંદગી, ગામડાની જીંદગી
શહેરની જીંદગી, શ્વાસમાં આવતો ધૂમાડો,
ગામને મળતો ગોધૂલિ ભર્યો સીમાડો.
શહેરમાં રહેવું પડે સૌ વૃક્ષોએ શિસ્તબદ્ધ,
ગામને પાદર નચિંત લહેરતા ઝાડો.
શહેરમાં પસાર થતી લાગણી શૂન્ય સડકો,
ગામમાં તો કુંભારનો મઘમઘતો નિંભાડો.
કોલાહલ કરતા લોક અહીથી તહી દોડતાં,
ગામની ચોતરફ પીળું મલકતો ગરમાળો.
ગામડાં ગળીને મોટું થતું રોજ રોજ શહેર,
બચવાને ગામ ચોતરફ કરતું કાંટાળી વાડો.
શહેરની જીંદગી શ્વાસમાં આવતો ધુમાડો.
ગામને મળતો ગોધૂલિ ભર્યો સીમાડો.
– જનક ઝીંઝુવાડિયા
૫. પ્રણય-નૃત્ય
પવન સાથે કરેલા
પ્રણય-નૃત્ય બાદ
અંતિમ આલિંગન આપી
જ્યોત થઇ વિલીન પવનમાં
ધુમાડો બની!
– વિજય જોશી
આજે જેમની રચનાઓ પ્રસ્તુત કરી છે એ મિત્રોની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેમની નવી રચનાઓ પ્રસ્તુત છે. ધવલભાઈ સોની રચિત પ્રથમ રચના છે પ્રેમ અને સંવાદની, પ્રેમ હમેશા આપવાથી વધે છે, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડા હોય જ…. મીઠા ઝઘડા પ્રેમ વધારે છે… પહેલી રચનાનું શીર્ષક ‘સંવાદ તો કર’ કહે છે તેમ તેમાં એક યુગલની, એક સંબંધની વાત કરી છે. એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને વચ્ચે જે અંતર છે તે દૂર કરવાની વાત કરી છે. તો તેમની જ બીજી કવિતા ‘પંખી તડપતુ મળ્યું’ માં કવિએ જિંદગીનાં અંત સમયને વણી લીધો છે. ત્રીજી કવિતા શ્રી રમેશભાઈ ચાંપાનેરીની રચના છે જેમાં તેઓ સંબંધોમાં વિશ્વાસના વિષયને અનોખી રીતે સ્પર્શે છે. ચોથી રચનામાં જનકભાઈ ઝીંઝુવાડીયા શહેર અને ગામડાના જીવન વચ્ચેની સરખામણી અનોખી અને પ્રભાવશાળી રીતે કરે છે. તો અંતિમ રચનામાં વિજયભાઈ જોશી અનોખી રીતે આગવી વાત મૂકે છે. સર્વે વાચકમિત્રોની કલમને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને રચનાઓ પાઠવવા બદલ સર્વેનો ધન્યવાદ.
બિલિપત્ર
ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર,
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.
– કવિ શ્રી દલપતરામ
દલપતરામ રચિત ઉપરોક્ત પંક્તિઓ અર્પણ છે ઉત્તરપ્રદેશની ચૂંટણીઓમાં ખેલાઈ રહેલા હરખઘેલા હિન્દુસ્તાનના રાજકારણને.
જિગ્નાશુભાઇ,
આભાર અક્ષરનાદ
નવોદિતોનો
એક હાઇકુ!
શહેરની જિઁદગી… કાવ્ય ખૂબ જ ગમ્યુઁ. નવોદિતોને આ રીતે પ્રોત્સાહન આપો છો એ પણ ખૂબ આનઁદની વાત છે.
ગોપાલ