સ્મશાનમાંના એક વૃક્ષની વિચારધારા – બાબુભાઈ રાણા 2


માણસમાં માણસનો જન્મ.. પણ કયારે?

હજુ તો હાડમાંસ ની ગંધ અને ધુમાડા થી મારો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે ત્યાં તો મને દૂરથી ફરી એક ટોળું આ તરફ આવતું દેખાયું. ફરી એવું જ એ ટોળું, એ હાંલ્લીમાંથી ઉડતો ધુમાડો…. અને હાંલ્લી લઈને ચાલતો એ આદમી. કદાચ જેને ઉંચકીને લાવી રહ્યા છે તેનો કોઈ અંતજન હશે. ટોળાની બાજુએ રસ્તાની ધારે ધારે ચાર પાંચ કૂતરાઓ પણ દોડી આવતા દેખાય છે, જેમને બીજા એક ભાઈના હાથમાં રહેલાં બુંદી અને ગાંઠીયાના પડીકામાં રસ છે, કે ક્યારે તેમના માટે નાખવામાં આવે. ક્યારેક હું વિચારતું રહું છુ કે માનવજાત પણ શું માન્યતા ધરાવતી હશે, કે કૂતરા તેમની સાથે સ્વર્ગ સુધી આવશે. જેને બુંદી અને ગાંઠીયાની લાલચ આપી અહીં સુધી તેડી લાવે છે. પણ હવે તો એવા ધર્મરાજ પણ નથી અને એવા કૂતરા પણ ક્યાંથી જે સ્વર્ગ સુધી જાય. કૂતરાઓનેતો સ્વર્ગના દ્વાર નહીં પણ છેલ્લે અહીં અંદર પ્રવેશદ્વાર પહેલા વધેલાં બુંદી અને ગાંઠીયા તેમના માટે નાંખવામાં આવે ત્યાં સુધી જ સ્વર્ગ દેખાય છે.

અને આ માણસોનું પણ શું કહેવું? જુઓને કેટલાં ઝડપથી – ભાગતા હોય તેમ દોડતા બધાં જલ્દી પહોંચવાની ઉતાવળમાં આ તરફ આવી રહ્યા છે. ફરી આ ધુમાડાથી મારો શ્વાસ રૂંધાય છે. મને ખાંસી ઉપડી આવે છે. કયારેક મને પણ મારા નસીબ પર વિચાર આવે છે. ક્યાંક હું પણ ગામની વચ્ચે બાગમાં ઉગ્યુ હોત, તો ગામની વચ્ચે મારી શોભા વધત અનેં હું પણ બાગમાં મનને તૃપ્તિ અને શાંતિ આપનારું બની માનવજાતને ઉપયોગી બનત. અથવા તો ક્યાંક રસ્તાની બાજુએ ઉગ્યું હોત તો કદાચ કોઈ વટેમાર્ગુ – મુસાફરને થાક ખાવા, વિશ્રામ લેવા માટેના સ્થાન તરીકે ગર્વ પામત. પણ અહીં આ સ્મશાનમાં … ઓહ… ! ઉફ ! આ ઉઘરસ, ખાંસી, એટલા માટે નહી કે મારી ઉંમર થઈ ગઈ, પણ આ ધુમાડો – આ ગંધ હજુ આ બાજુની ચિતાની આગ હોલવાઈ નથી ત્યાં તો ટોળું સ્મશાનમાં પ્રવેશી ગયું. મને ખબર છે – આ મારી બાજુમાં ખાલી પડેલી જગ્યાએ જ એ લોકો અગ્નિદાહ આપશે. મને ખબર નથી પડતી હજુ આ લોકો કેટલાંને અગ્નિદાહ આપશે. હજુ કેટલાંને અહીં લાવશે? વર્ષો થઈ ગયા, સદીઓ થઈ ગઈ, નથી આ ગામ ખાલી થતું કે નથી આ સ્મશાનનાં લાકડા ખાલી થતાં. આમ તો આ સ્મશાનમાં વચ્ચે સ્થાન પામી ને હું માનવજાતિના અચળ, અફળ જન્મમૃત્યુ ના પ્રવાહનું મૂક સાક્ષી છું. મૃત્યુનું તો એટલા માટે કે બધાનાં અગ્નિદાહ અહીં મેં મારી સામે જ જોયા છેં. પણ જન્મ પણ અહીં જ – આ સ્મશાનમાં જોયા છેં. ચિતા તૈયાર થાય અને અગ્નિદાહ અપાઈ જાય પછી એ ટોળાના લોકો અહીં – આમ તેમ જગ્યા શોધી ગોઠવાય છેં. કેટલાક સ્મશાનની પાળી પર, તો કેટલાક ત્યાં દૂર કોઈ સ્વર્ગસ્થના સ્મરણાર્થે મૂકાયેલ બેન્ચ પર અને ઘણાંખરા મારા ઓઠે – મારા છાંયે પણ ભેગા થઈ બેસે છે અને ત્યારે મેં આ જન્મી ચૂકેલા માણસોમાં પણ નવા જન્મ થતાં જોયા છેં.

મને ખબર છે, આ સ્મશાનમાં પગ મૂકતા બધા જ જીવતા માણસોનો આત્મા વાસ્તવિકતાનું કંપન અનુભવે છે. અને સ્મશાનમાં હોય ત્યાં સુધી તેનાંમાં નવો આત્મા જન્મે છેં. આ નવો આત્મા પોતાની સાથે જ સંવાદ કરે છે.

અરેરે…..રે શું લાવ્યા’તા અને શું લઈ જવાના? મોતનો શું ભરોસો? લો આ ભાઈ ઓચિઁતાં જતા રહ્યા, હવે શું? મૃત્યુ પછી શું? આ બધું જીંદગીભર ભેગું કરતાં રહ્યા તેનો શું મતલબ? મારું તારું બધું અહીંનું અહીં જ રહેવાનું, જીવન ક્ષણભ્ંગુર છેં, મૃત્યુ જ સત્ય છે – જેવા ઘણાંય પ્રશ્નો પ્રતિપ્રશ્નો પ્રસવપીડા ઉપાડી નવા આત્માને જન્મ આપે છે. જીવતો માણસ મૃત્યુ પામેલાની અંતિમવિધિ જોયા બાદ હલી જાય છે. ત્યારે માણસનાં અભિમાનને, ગર્વને મૃત્યુ પામેલાં જોઈ માનવતા નો જન્મ મેં મારા ઓઠા હેઠળ જોયો છે. હવે ઘણો ઓછો સમય બચ્ચો છે, અને ઓછામાં પણ કેટલો તે નક્કી નહીં, તો ચાલો જીવન સુધારીએ, ચાલો થોડું સારું કામ કરતા જઈએ. એમ ઘણાંય જીવતા માણસોમાં નવા જન્મતા માણસોને જોયા છે, માણસ બનતા જોયા છે. માટે જ કહું છું, આ સ્મશાન માત્ર સ્મશાન નથી, કેટલાક સમય માટે માનવમાં માનવ તરીકેનું જન્મસ્થાન પણ છે. પણ આ નવા જન્મનું આયુષ્ય ખૂબ જ ટૂંકુ હોય છે. જેટલો સમય સ્મશાનમાં હોય ત્યાં સુધી, જેવા સ્મશાનની બહાર પગ મૂકાય કે ફરી આ માણસો પોતાના અસ્સલ સ્વરૂપમાં આવી જાય છે. એ નવો જન્મેલો, એ નવો માનવતાનો જન્મ સ્મશાનની બહાર જ દમ તોડી નાંખે છે. અને આ નિષ્ઠુર સ્વાથીઁ માણસોને તો જુઓ, એ સાચા આત્માને અને નવી જન્મેલી માનવતાની અંતિમવિધિ માટે સ્મશાન પણ નથી બનાવ્યું, તેની લાશને તો પાછી પોતાનામાં જ, પોતાના અહંકાર દંભ ગર્વ, સ્વાર્થ ની જમીનની નીચે એટલે ઉંડે ધરબોળી દે છે કે ફરી કોઈને લઈને અહીં અગ્નિદાહ આપવા ના આવે ત્યાં સુધી તેની સંવેદના પણ નથી સ્પર્શતી.

અહીં જ આ સ્થાનને આજે વર્ષો થઈ ગયા. અહીં મેં પેઢીઓની પેઢીઓ અને વંશવારસોની અંતિમવિધિ જોઈ છે. તેમાં પણ કોઈ ક્રમ નહી, કોણ પહેલો અને કોણ પછી, કયારેક બાપ દિકરા ને લઈને આવ્યો છે તો કયારેક દિકરો બાપ ને – ખબર નહીં પંરતુ આ સ્મશાન પર માનવજાતમાં જાણે પુરૂષોનું જ અધિપત્ય હોય તેમ ક્યારેય સ્ત્રીઓને જીવંત હાલતમાં સ્મશાનમાં પ્રવેશવાનો હક્ક નથી આપ્યો. સ્ત્રીઓનેતો અહીં મૃત હાલતમાં જ એ લોકો પ્રવેશ આપે છે. સાચું કહું તો અંતિમવિધિ માટે આવેલા ટોળાઓનો, સમુહોનો, સમાજોનો – અહીં સ્મશાનમાં ચિતા નો અગ્નિ ઠરે તેટલાં સમય પૂરતો ચિત્રવિચિત્ર મેળો ભરાય છે. એ ફેરીયા, ચકડોળ, ગીત, દોહા, નૃત્ય વગરનો સ્થિર ગંભીર પણ વિવિધ માનવસ્વભાવોનો, અભિપ્રાયોનો, સંવાદો – વિસંવાદોનો અહીં સ્મશાનમાં મેળો જોમે છે. કોઈ મારા ઓઠે, પાસે તો કોઈ દૂર ગોઠવાય છે. અને પછી ધીમી ધીમી વાતોનો દોર શરૂ થાય છે. વાતોના વિષયો પણ કેવા? કેટલાકતો જાણે તેમને ક્યારેય અહીં આવવાનું જ ના હોય તેમ દુનિયાદારી ની એલફેલમાં પડ્યા હોય છે. તો અગ્નિદાહ પછી દિકરાઓ મિલકતની ભાગીદારીમાં જામ્યા હોય છે. નજીકનાં સગાસંબધીઓ બારમા તેરમા સુધીની વિધિના આયોજનમાં લાગ્યા હોય છે. અને કેટલાંક મૃત્યુની વાસ્તવિકતા જાણી ડર નાં માર્યા મોક્ષની ચિંતા માં આધ્યાત્મિક તત્વચિંતનમાં પરોવાયા હોય છે. ઘણાંખરાનેતો જીવનમાં રસ હોય તેમ વારેઘડીએ હાથ ની ઘડીયાળમાં સમય જોતા રહેતા હોય છે – કે ક્યારે આ ચિતા ઠંડી પડે ને આપણે આપણા કામ પટાવવા ભાગીએ. આ માણસોના સમાજનો આ મેળો અહીં થોડા સમય માટે અવનવા વિવિધ રંગો પાથરતો રહે છે.

આમ તો આ ચોક્કસ અંતિમ સંસ્કારની વિધિના સમય પૂરતો જ માનવ મહેરામણ અહીં ઉભરાય છે. બાકી પછી તો નિરવ શાંતિ, અસ્ખલિત ખામોશી છવાયેલી રહે છે. આવા સમયે દૂર ગામમાં મારી નજર જાય છે અને ત્યાં દેખાય છે નગરશેઠની હવેલીનો ઉંચો મીનારો. આ મીનારાની નીચે હવેલીમાં કેટલાંય છોકરાઓ અને તેનાં છોકરાઓના જન્મ રૂપે શેઠનો વંશવેલો વધતો રહ્યો છે. જેમ છોકરાઓના જન્મ થતાં તેમ હવેલીમાં પણ અલગ ભાગો પડતાં અને એક મીનારાની નીચે હવેલીમાં ઘણાં અલગ ઓરડા અને અલગ ઘર જન્મતા. કુટુંબોમાં માણસોનો અલગતા, સ્વતંત્રતાનો વાદ મીનારાએ આખ ગામમાં ઉંચાઈએથી જોયો છે. ભાગલા, માણસોની મિલ્કતોના, વિચારોના, સમજોના, સમાજોના. ગામના બધાં જ લોકો અલગ અલગ ઘરો બનાવી, અલગ અલગ મિલ્કતો વસાવી, અલગ અલગ સમાજો બનાવી જીવતા. પરંતુ છેલ્લેતો બધા આ એક જ સ્મશાનમાં આવતા અને એક જ જગ્યાએ બળતા હોય છે.

માણસ નું ઘર પોતાનું અલગ, ગાડી પોતાની અલગ, બેંક એકાઉન્ટ અલગ, કપડા, ટોયલેટ, બાથરૂમ… બધું જ  અલગ, તો પછી આખા ગામ વચ્ચે સ્મશાન કેમ એક જ? માણસ પોતાનું સ્મશાન અલગ કેમ નથી બનાવતો. જે કુટુંબ એક ઘરમાં સાથે ના રહી શકે તે એક સ્મશાનમાં કેવી રીતે બળી શકે. ત્યારે મનેં વિચાર આવે છે કે શું માંડ્યુ છે આ માણસો એ કુટુંબના નામે, સમાજના નામે, જીંદગીના નામે ? અરે માણસ ના નામે? શું આને જ જીવન કહેવાય? ત્યારે જ મનેં થાય છે કે દરેક માણસને પોતાનું અલગ સ્મશાન શા માટે નથી હોતું? શા માટે આખા ગામની વચ્ચે એક સર્વસામાન્ય સ્મશાન રાખવામાં આવે છે? ઘરની જેમ રંગાવેલું, રંગીન, ટાઈલ્સ ગાલીચાના ફલોંરીંગથી મઢેલું, રાસરચીલાથી સજાવેલું સ્મશાન શા માટે નથી હોતું? જ્યારે અંતે અહીં જ જવાનું છે તો તે જગ્યા આટલી સર્વસામાન્ય નિરાધાર શા માટે છોડી દેવામાં આવે છે? ગામ – ગામ એટલે ઘરોનું, ફળીયાઓનું, શેરી મહોલ્લાઓ બજારો સોસાયટીઓનું, ઝૂમખુ. અને આ ઝૂમખામાંથી અહીં એક ઓરડા કરતાં પણ નાની જગ્યામાં માણસો ઠલવાતા રહે છે. મારી જેમ ક્યારેક મીનારા અને માણસોના મનમાં પણ એક વિચાર તો ઝબકી જ જતો હશે, કે “રસ્તોતો ઘરથી સ્મશાન સુધી નો જ હતો, પરંતુ ત્યાં પહોંચવામાં આખી જીંદગી લાગી ગઈ.”

પણ માણસ તો માણસ હોય છે. અલગ ના બનાવે તો માણસ શાનો? અલગ બનાવ્યુ, પણ આ શું? આ રીતે? આવું? આ રીતે તો સ્મશાન અલગ બનાવવાનું નહોતુ કહ્યું. અને બનાવ્યુ તો પણ કોના નામે? ધર્મના નામે, પણ હું કહું છું કે અલગ કર્યું અને બદલ્યું તો આટલી હદે, ધર્મથી અલગ થયો કે જાણે માણસનું આખું અસ્તિત્વ જ અલગ થઈ ગયું. સ્મશાન મટી ને કબ્રસ્તાન થઈ ગયું, અંતિમવિધિ મટી ને દફનવિધિ થઈ ગઈ. પરંતુ મેં આવો અલગતાવાદ તો નહોતો વિચાર્યો, આટલી હદની અલગતા કે મૃત્યુ પછી પણ બધું જ અલગ. અમે વૃક્ષો પણ ઘણાં અલગ હોઈએ છીએ. ફળ, ફુલ, પાન, કદ, આકાર, ઉગવાની જગ્યા, બધું જ અલગ. પરંતુ અંત તો પણ એક સરખો જ, એક સરખી જ અંતિમવિધિ. એક સરખુ જ કપાવું, એક સરખુ જ બળવુ, એક સરખુ જ સડી ને કોહવાવાનું, એક સરખુજ જમીનમાંથી ઉખડી ને પડવું. અંતમાં કોઈ અલગતાવાદ નહીં, કે ન કોઈ ભેદભાવ, ના કોઈ એક ઉખડી ને પડવા ને બદલે ઉડ્યું હોય, કે ના કોઈ બળવામાં અગ્નિ ને બદલે ઠંડીથી બળ્યું હોય. ના. પણ માણસો તો અંતે પણ અલગ અલગ. ફરક માત્ર સ્મશાન કે કબ્રસ્તાન નો નથી. પરંતુ મૃત્યુ પછી પણ એક પાળીયો બની પાદરે પૂજાય છે અને બીજો છબી બની ઘરની દિવાલ પર ટીંગાય છે. એક દફન થયા પછી મઝાર બની દરગાહ બને છે જ્યારે બીજો દફન થઈ ને માત્ર કબર બની રહે છે. પાળિયા અને છબીમાં, કબર અને મઝાર માં બહુ માટો તફાવત હોય છે. કોઈ ને એવું જીવન નથી જીવવું કે પોતાના પાળિયા પૂજાય, પોતાની મઝાર પર બંદગી થાય.

પણ આ હું શું જોઉં છું? અહીં તો માત્ર કબરો જ બનાવવાની હોડ જામી છે. અને આ તે કેવો ધર્મ જે અંતે પછી પણ અલગ પાડી દે. અમારા વૃક્ષ ધર્મમાંતો આવું નથી. અમારે છાંયે તો જે આવે તે બધાં ને સરખી શીતળતા મળે, જે પાડે તે બધાંને સરખાં ફળ મળે. અમારા વૃક્ષ ધર્મમાં પક્ષપાત કે ભેદભાવ નથી હોતો, કે તમે આંબાના વૃક્ષ પાસે ફળ માંગો ને તે તમને કેરી ને બદલે કેળું આપે. વૃક્ષ ધર્મ એટલે ઉગવું, અને ઉગવું તે પણ પરોપકાર માટે. જ્યારે એક વૃક્ષ કપાઈ ને પડે છે, ત્યારે એક ધર્મ કપાઈને પડે છે. માણસોએ ધર્મને શું વ્યાખ્યા આપી હશે?

પણ હા, એટલું તો જાણું છું, અને ચોક્કસ કહીશ આ માણસો માટે કે, “પછી ત્યાં અંદર કબર માંહી રાહ જોવાતી રહી, પણ દફનાવી ને ગયા પછી કોઈ ફરી મળવા ના આવ્યું.”

જીવન આ જ નથી. મારી ચોતરફ ફેલાયેલી ઘટાદાર ઘટાઓમાં ડાળીઓ પર નજર કરું તો અહીં પણ એક જીવન હોય છે, પંખીઓનું. માળાઓમાં પણ જન્મ થતાં હોય છે. પણ કેવું સહજ, કેવું સરળ, કેટલું નિદોઁષ અને કેટલું પ્રાકૃતિક. એ પંખીઓ નું જીવન કોઈ અભિમાન કે કોઈ ગર્વના ભાર વગર દૂર દૂર આકાશમાં સ્વવિહાર કરતું રહેવાનું, કેટલું વજનરહીત આકાશમાં ઉંચાઈ પર ઉડાન ભરી જીવન જીવવાનું. એ ડાળીઓ પર કિલકિલાટ અને એ કલરવ. ન ભેગું કરવાનો શોખ કે ના ગુમાવાનું દુઃખ, ન લૂંટાઈ જવાનો ડર કે ના છૂટી જવાનું દર્દ. માણસ પંખીઓ પાસેથી આવું જીવન જીવવું શીખતો કેમ નહી હોય? પણ શું કરી શકાય માણસતો પોતે જ સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ બુદ્ધિશાળી હોવાના વહેમમાં જીવતો હોય છે.

આમ તો પ્રકૃતિએ મને ખૂબ લાંબુ જીવન આપ્યું છે. ઘણાં વર્ષોથી હું છું અને હજુ ઘણા વર્ષો રહીશ. પણ હું ઈચ્છું છું કે હું ત્યાં સુધી જીવું… કે ત્યાં દૂર ગામમાં માણસ ને માણસ તરીકે જન્મી, માણસ તરીકે જીવતો જોઉં.

– બાબુભાઈ રાણા

બિલિપત્ર

સ્મશાનમાં લખેલી એક પંક્તિ –

મંઝિલ તો તેરી યહીં થી,
જીંદગી ગુજર ગઈ તેરી આતે આતે,
ક્યા મિલા તુજે ઈસ દુનિયાસે,
અપનોંને હી જલા દીયા જાતે જાતે.
– એક એસ.એમ.એસ માંથી.

સ્મશાનમાં રહેલા એક વૃક્ષની આ આત્મકથા નથી. આત્મકથાઓમાંતો જીવનનો ચિતાર આવે છે, કોઈ પદાર્થના જીવનની મહત્વની ઘટનાઓ અને સર્જનથી તેના વિસર્જન સુધીની અનેક વાતો આવે છે, પરંતુ શ્રી બાબુભાઈ રાણાએ પાઠવેલી આ અનોખી કૃતિ સ્મશાનમાંના એક વૃક્ષની વિચાર સરવાણી છે. સ્મશાનમાં રહેલ વૃક્ષ માનવજાત વિશે, માણસના સમગ્ર જીવનક્રમની – પેઢીઓની વાતો વિચારે છે અને એ વિશે અનોખુ ચિંતન કરે છે. વિશદ અને મુદ્દાસર ચિંતન તથા અનોખી પ્રસ્તુતિ આ કૃતિની આગવી વિશેષતાઓ છે. બાબુભાઈ ભગવતીભાઈ રાણાનો પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “સ્મશાનમાંના એક વૃક્ષની વિચારધારા – બાબુભાઈ રાણા

  • રમેશભાઈ ચાંપાનેરી (હાસ્ય કલાકાર)

    વૃક્ષના માધ્યમ દ્વારા શ્રી બાબુભાઈએ માનવજીવનની વાસ્તવિકતા ઉપર સ-રસ અંગુલી નિર્દેષ કર્યો છે.શાન થી જીવતા માનવીને સ્મશાન ની આ વાત ઘણી અસર કરશે. અક્ષરનાદ આવા સુંદર લેખો આપીને દીવાદાંડીનું કાર્ય કરે છે, એ પણ એક પરોપકારી કાર્ય છે. આખો લેખ વાંચ્યો. અભિનંદન…..!!

    રમેશ ચાંપાનેરી (રસમંજન) ૧૦=૧=૧૨