ત્રણ પદ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા 5


૧. અડચણ

ઉંમર થઇ શરીર લાગે અડચણ,
દૂર થતો ઘરનો એક એક જણ.

ઘસારો વેઠી ઉભી કરી લીલોતરી,
બધું જ શૂન્ય લાગે હવે એક ક્ષણ.

વ્હાલ કરી ભરી દીધો દરિયો,
મળી રહ્યું અમને કેમ રણ?

સત્ય આ સ્વીકારવું જ રહ્યું,
હરિ ના વિસરીએ તારું સ્મરણ.

હળવે હળવે ઓગળતા જઈએ,
ચાલને ચરણ હવે હરિ શરણ.

૨. માણસ નામે મરજીવો

માણસ નામે મરજીવો દરિયે મોતી શોધે,
પળમાં અંદર પળમાં બહાર અંતરમનને બોધે.

મોજાઓનો સંગાથી મળતી ભલેને વ્યાધિ.
બધા બદલાવો એ તો અંદર અંદર નોંધે.

કેટકેટલી મથામણ થાકતો ના એ કદી
ઘૂંઘવતા જળ રાશી ને લેતો એની બાથે,

ધરબી દેતો જાતને કરતો અનન્ય કામ,
સર્જન કેરો અદ્ભુત જણ કાર્ય થી ઉત્તર દે.

માણસ નામે મરજીવો દરિયે મોતી શોધે,
પળમાં અંદર પળમાં બહાર અંતરમનને બોધે.

૩. મૂકતા જઈએ માયા

મૂકતાં જઈએ માયા, મનવા મૂકતાં જઈએ માયા
સંબંધોનો કરી સરવાળો, સુગંધિત કરીએ કાયા. મનવા

મીઠાં બોલી બોલ થઈએ આપણે અણમોલ
રોજ રોજ વાગે આપણે આંગણીએ ઢોલ
આંગળી એવી દઈએ છોડે નહીં પડછાયા. મનવા.

જાત ઘસીને ઉજળા થઈએ તો જ જગમાં મોલ
સૌ કોઈ આવે ઝીલવા આપણાં મીઠા બોલ,
પત્થરને પણ મીણ જેમ પીગાળીએ ભાયા. મનવા.

– જનક ઝીંઝુવાડિયા

વાચકોની રચનાઓને યોગ્ય સ્થાન અને પ્રસિદ્ધિ અપાવવાનો અક્ષરનાદનો સદા પ્રયત્ન રહો છે. અક્ષરનાદના વાચક અને હવે મોટાભાગે સતત પોતાની કૃતિઓ પાઠવતા શ્રી જનકભાઈ ઝીઁઝુવાડિયાની ત્રણ કાવ્યરચનાઓ આજે અત્રે પ્રસ્તુત છે. આશા છે તેમના આ પ્રયત્નને વાચકમિત્રો વધાવશે. આ રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી જનકભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ત્રણ પદ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા