અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે ! – ‘કાયમ’ હઝારી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5


શ્રી ‘જીગર’ ધ્રોલવી પોએટ્રી સામયિકના કાયમ હઝારી વિશેષાંકમાં નોંધે છે, ‘કાયમ સાહેબ સાંપ્રત સમયના એક ઉમદા ગઝલકાર છે, સાથોસાથ તેઓ કુરઆન – બાઈબલ – ગીતા વગેરે આકાશી કિતાબોના એક નોંધપાત્ર અભ્યાસી પણ છે. તેઓનું 1992માં પ્રગટ થયેલ ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ નું પુસ્તક બિનસાંપ્રદાયિકતાના શિલાલેખ સમું છે. આ પુસ્તક વાંચ્યા પછી એક ભાવકે પ્રતિસાદમાં લખેલું કે પાક મુસલમાન પણ ‘કાયમ’ હઝારી છે અને પવિત્ર હિન્દુ પણ ‘કાયમ’ હઝારી છે.’

ધર્મને અનેક અનોખા માધ્યમોમાં, સ્વરૂપોમાં, વિષયોમાં સાંકળીને સર્જન પામેલ ગઝલો – કાવ્યરચનાઓ આ સંગ્રહની આગવી વિશેષતા છે. પ્રસ્તુત નાનકડા સંગ્રહમાં અનેક ચોટદાર શે’ર અને સુંદર ગઝલો ધર્મના જીવનમાં સ્થાન અને તેની અસર ઉપર પ્રકાશ પાડે છે. કવિની કલમ ધર્મના ઠેકેદારો અને ધર્માંધોને શબ્દબાણે વીંધવાનું ચૂકી નથી, તો માર્ગ ભૂલી રહેલાઓને સાચા ધર્મને સમજવાની રીત પણ ક્યાંક બતાવાઈ છે. ઉપદેશ નહીં, પણ જાણે સંદેશ હોય તેવી ખૂબીથી સર્જકની કલમે રચનાઓની હેલી વરસાવી છે. આ સુંદર સંગ્રહ અક્ષરનાદને મોકલવા અને ભાવકોને રસતરબોળ કરવા માટે તેને ડાઉનલોડ વિભાગમાં મૂકવાની તક આપવા બદલ શ્રી ‘કાયમ’ હઝારી સાહેબને નતમસ્તક. ચોટદાર, પ્રેરણાદાયક અને બોધપ્રદ એવી આ રચનાઓના મર્મનો પ્રસાર થાય અને કવિતા – ગઝલપ્રેમીઓ આ સંગ્રહની રચનાઓને માણી શકે એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ આખું પુસ્તક આજથી ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.

પુસ્તકની ઝલક આપતા કેટલાક શે’ર અને મુક્તકો અત્રે પ્રસ્તુત છે.

* * *

નગર આખું રમકડું છે તમારું કાચનું ‘કાયમ’
અને બે-ચાર પાગલ ત્યાં ફરેછે પથ્થરો સાથે !

* * *

એક તરફ અલ્લાહો અકબર, બીજો નાદ અલખ-નિરંજન
ક્યાં પહોંચે છે બેય અવાજો? અલ્લાહ જાણે! ઈશ્વર જાણે!

ક્યાં જાશે એ બે ય સવારી? અલ્લાહ જાણે! ઈશ્વર જાણે!
એક નનામી ! એક જનાજો! અલ્લાહ જાણે! ઈશ્વર જાણે!

* * *

પાંદડાઓની વ્યથા એ કંઇ રીતે કાને ધરે?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !
જોઇને મોટાઓના આ સાવ હિણા કરતૂતો !
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !

* * *

જીવનને વેડફી દીધું આ કેવી પાંગળી જીદમાં,
ભીંતોને દ્વાર સમજી ખોલવાની વ્યર્થ કોશિશમાં..

* * *

એક બાજુ ઘોર અંધારાને ઓઢી સૂઇ ગયેલી જિંદગી
એક બાજુ ફાટલા ખિસ્સા મહીં રાખેલ ચપટી રોશની

* * *

આપનારો પણ કહો એને વધુ શું દઇ શકે?
એક નાગો એક ખોબાથી વધુ શું લઇ શકે?
જે પડે જગમાં ભૂલો, પહોંચે કદી તો ઘર સુધી;
પણ જે પડે ઘરમાં ભૂલો એ કહો ક્યાં જઇ શકે?

* * *

નગર આખું રમકડું છે તમારું કાચનું કાયમ,
અને બે ચાર પાગલ ત્યાં ફરે છે પથ્થરો સાથે !

* * *

સાવ સાદો ને સહજ આ જિંદગીનો મામલો,
એક બાળક, ઘંટ, છુટ્ટી ને અધૂરો દાખલો.

* * *

ના હિન્દુ મરે છે ના મુસલમાન મરે છે;
શૈતાનના હાથો વડે ઈન્સાન મરે છે..

ઉપરોક્ત શે’ર સમાવતી સંપૂર્ણ સાદ્યાંત માણવાલાયક ગઝલો અને અનેક મુક્તકો તથા કાવ્યરચનાઓ માણવા ડાઉનલોડ કરો આ સુંદર ઈ પુસ્તક ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ પુસ્તક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો અને જાઓ ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે ! – ‘કાયમ’ હઝારી (ઈ-પુસ્તક ડાઉનલોડ)

 • vijay joshi

  Jignashubhai,

  It was very generous of poet Hazari to let you publish
  his collection free for all to enjoy. He is not only a great
  poet but a compassionate one.

  Thanks to you from all of us too.

 • Hina kulal

  આભાર આપ્નો ખરેખર એક તરસ્યા ને ભર રણ્ મા આપે પાણી આપ્યુ છે … ઘનિ આભારિ છુ આપ્નિ …..

 • ડૉ.મહેશ રાવલ

  ‘કાયમ’સાહેબની ગઝલોમાં પરંપરાનો રંગ અને નજાકત બન્ને મહારથપૂર્વક નિખરતા રહે છે.
  અહીં પ્રસ્તુત એમના શેર શ્રી જુગલકાકાએ કહ્યું એમ ભાવક,વાચક બધાને અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે!-ગઝલ સંગ્રહ શક્ય એટલી ત્વરાએ હસ્તગત કરવા મજબુર કરે એવા સશક્ત છે જ.
  -અભિનંદન અને ઈ-પુસ્તકને હ્રદયપૂર્વક આવકાર.

 • jjkishorj

  તમારી સેવાને માટે ધન્યવાદ. નમુનાઓના શેર પુસ્તકને વહેલી તકે હાથ પર લેવાને મજબુર કરે તેવા છે.

  ફરી ધન્યવાદ અને આભાર.